આપણી શ્રદ્ધા ઉપર ઈશ્વરના સહીસિક્કા ~ લેખ ~ અનિલ ચાવડા
દુનિયામાં સૌથી મોટી શોધ થઈ હોય તો એ લગ્નસંસ્થાની છે. માનવ સદીઓ પહેલા ગુફાઓમાં રહેતો, શિકાર કરીને પોતાનું પોષણ કરતો, ધીમે ધીમે ટોળામાં વસતો થયો, તેના લીધે તેને મોટા પ્રાણીઓનો શિકાર કરવામાં સગવડતા રહેતી.
એ ટોળાં કબીલાઓમાં ફેરવાયા. કોલોનીઓ વસતી થઈ. માણસ ખેતી કરતો થયો. કદાચ ખેતીને લીધે જ માણસ એક સ્થાને સ્થાયી થયો. કારણ કે ખેતી કરવામાં સમય લાગે છે, એક જ જગ્યાએ લાંબો સમય રહેવું પડે છે, વાવેલા પાકનુંં જતન કરવું પડે છે.
શિકાર કરવામાં રઝળપાટ અને જીવનું જોખમ રહેતું. જ્યારે ખેતીમાં સ્થાયીપણું અને સલામતી હતી. આ સ્થાયીપણાને લીધે જ માણસ એક સામાજિક માળખું રચી શક્યો. જીવન જીવવાની સિસ્ટમ વિકસાવી શક્યો.
એરિસ્ટોટલે કહ્યું તેમ, માણસ અન્ય પ્રાણીઓથી અલગ પડીને સામાજિક પ્રાણી બન્યો. અને તેને સામાજિક પ્રાણી બનાવવામાં પ્રેમ અને લગ્ન બે મહત્ત્વના પાયાના સ્તભો છે.
પ્રેમ પાયાનો પથ્થર છે, પણ સ્તંભ ઊભો છે લગ્ન નામના ટેકાથી. દુનિયાના દરેક દેશોમાં લગ્નવ્યવસ્થા જુદી જુદી રીતે અસ્તિત્વ ધરાવે છે.
તેના નીતિનિયમો કે વિધિઓ અલગ હોઈ શકે પણ હેતુ તો એક જ છે. બે વ્યક્તિએ પરસ્પર એક થવું,
આજીવન સાથે જીવવાનું વચન લેવું અને સંસારનું ગાડું આગળ વધારવુંં, પ્રકૃતિનુંં પ્રજોત્પતિનું ચક્ર ચાલુ રાખવુંં.
પ્રજોત્પતિનુંં આ ચક્ર ચાલુ રાખવામાં માણસની અંદર રહેલી કુદરતી સેક્સની જરૂરયાત પણ એટલી જ જવાબદાર છે. સેક્સની આ ભૂખ વાસના બનીને ગેરમાર્ગે ન દોરવાય એટલા માટે જ લગ્ન નામની કેડી રચવામાં આવી.
ઘણા બધા રિવાજો આપણને એક રીતે અંધશ્રદ્ધા જેવા લાગતા હોય છે. પણ તેની બીજી બાજુ જોઈએ તો એ જ રિવાજો કે વિધિઓ માનસિક રીતે મદદરૂપ થતી હોય છે.
મરણ પ્રસંગે કરવામાં આવતી અવનવી વિધિઓમાં માણસ એટલો બધો ખૂંપી જાય છે કે મરનાર સ્વજનનું દુઃખ પણ ભૂલી જાય છે.
આપણને થાય કે મરેલો માણસ તો ગયો હવે તેની પાછળ આ બધા તાયફા કરવાની શી જરૂર? શું તમે બસો માણસો ભેગા કરીને તેને જમાડશો તો કંઈ મરેલા માણસના આત્માને શાંતિ મળવાની છે? તેની માટે યજ્ઞ કરશો તો તે આત્મા સુખી થશે? બાળકોને મિઠાઈ વહેંચશો તો રાજી થશે? તેની પાછળ મરણનાં ગીતોનો રંગારંગ કાર્યક્રમ કરીએ તો એ ખુશ થશે? ભગવાનના મંદિરમાં તેના નામના પાંચ હજાર દીવડા પેટાવીશું તો એ સ્વર્ગે સીધાવશે?
આ બધું કરવાથી મૃત્યુ પામનારને કંઈ જ ફેર નથી પડવાનો. એ તો ગયા, હંમેશ માટે. આપણે રડીએ કે હસીએ, તેની સાથે હવે તેમને કદાચ કશી જ નિસબત નહીં હોય. આ બધું આપણા માટે છે.
મરેલા માણસ પાછળ કશુંક કરીને ખરેખર તો આપણને સંતોષ મળતો હોય છે. એવી બધી વિધિઓ કરીને આપણી અંદરથી આરામ થતો હોય છે. એવી વિધિઓ કદાચ મરનાર માટે નહીં, પણ તેમની પાછળ રહી ગયેલા – જીવનાર માણસ માટે હોય છે. જેથી તેનું જીવન થોડું સહ્ય થાય. ગુમાવ્યાનો ગમ આજીવન પથ્થર જેમ તેની છાતી પર કૂટાતો ન રહે.
મરણના સમયે થતી અનેક વિધિઓની જેમ જન્મસમયે પણ અમુક વિધિઓ કરવામાં આવે છે, લગ્નમાં પણ થાય છે. અરે નવું ઘર ખરીદે તો વાસ્તુમાં પણ ઘણું બધું કરવામાં આવે છે.
લગ્ન ન થાય તો વિધિ, છોકરો પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થાય તેના માટે પણ માબાપ માનતાઓ રાખતા હોય છે. વિધિવિધાનો કરતા હોય છે. સંતાન ન થાય તો પણ અનેક પ્રકારની બાધાઆખડીઓ રખાય છે. અરે છોકરાઓ પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થાય તેની માટે પણ માતાપિતા બાધાઆખડીઓ રાખતા હોય છે.
તો આ બધું શું આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ? એક નાળિયેર ચડાવી દેવાથી કે થાળ ભરીને પ્રસાદ ધરાવી દેવાથી ઈશ્વર રાજી થઈ જવાનો છે?
એને આ બધાથી કંઈ જ ફર્ક પડવાનો નથી. ફર્ક તો આપણને પડે છે, આપણે એવુંં માનીએ છીએ કે આવું કરીશ તો આમ થશે. આપણે કહીએ છીએ કે હે ભગવાન હુંં પરીક્ષામાં પાસ થઈ જઈશ તો શિરડી તમારા દર્શન કરવા આવીશ.
એનો અર્થ તો એ જ ને નાપાસ થાય તો નહીં આવું. શ્રદ્ધામાંથી સીધો જ સ્વાર્થ ટપકી રહ્યો છે.
હે ભગવાન મારું આટલુંં કામ થઈ જાય તો હુંં એક મણ સુખડીનો પ્રસાદ ધરાવીશ. આનો એક અર્થ એવો પણ થાય કે તમે ભગવાનને લાલચ આપો છો કે જો તમારે એક મણ સુખડી જોઈતી હોય તો મારું આ કામ કરો. પછી જ્યારે ખરેખર તમારું કામ થઈ જાય તો એનો અર્થ એવો થોડો થાય કે ભગવાનને તમારી એક મણ સુખડીની લાલસી હતી એટલે કામ કર્યું.
કામ ભગવાન નથી કરતો એ તો આપણી મહેનત, પરિશ્રમ અને શ્રદ્ધાથી જ થાય છે, પણ આપણને હિંમત રહે છે કે ચલો ભગવાન મારી સાથે છે. અને એના સથવારા માટે આપણે અમુક વિધિવિધાનો પણ કરીએ છીએ.
જેમ જન્મના દાખલામાં ખાસ કલેક્ટરના સહીસિક્કા કરાવવા પડતા હોય છે. સરકારના સહીસિક્કા હોય તો સાબિત થાય કે આ અસલી સર્ટિફિટેક છે.
આપણે આપણી શ્રદ્ધા ઉપર ઈશ્વરના સહીસિક્કા કરાવવા માટે ક્યારેક આવાં વિધિવિધાનો કરતાં હોઈએ છીએ.
અમુક ફ્રોડ માણસો નકલી સહીસિક્કા કરીને ખોટાં ડોક્ટુમેન્ટ્સ ઊભાં કરતાં હોય છે. આપણી શ્રદ્ધા પણ આવાં નકલી ડોક્યુમેન્ટ્સ જેવી પુરવાર ન થાય તે જોવાનું. અને આજકાલ શ્રદ્ધાનો વેપાર કરનારા માણસોની કમી નથી.
~ અનિલ ચાવડા