ત્રણ કાવ્ય ~ વસંત જોષી (રાજકોટ) ~ કાવ્યસંગ્રહઃ મહુડે ઝરતી રાત ~ 1. જંગલ 2. તળાવ 3. હવે

૧. જંગલ

નાગલી શેકવાં
તીર બાળી નાખ્યાં
હવે હાથમાં છે ફક્ત ગિલોલ
એકવીસ ભાયાતું અને
ચોસઠ ગામનો ધણી
હું જંગલનોય રાજા
આખો દિ’ જંગલખાતાની કાળી મજૂરી, રાત મહુડા તળે
મઘમઘમતા મહુડાની છાયમાં દરબાર ભરાય
સલામું ભરે ભાયાતું સાલિયાણા ટાણે
ઝૂપડામાં બત્તીયું બળે
કોતરોમાં ભમતી પરજા
કચેરીની વાતું ફેલાવે જંગલમાં
સિમેન્ટના પાક્કા રોડ થાહે
ગાડીયું ઘરેરાટ ધોડશે
ઠેઠ હુરતી નક્શો આવશે જંગલનો
પછી તો જંગલમાં જંગલ
ગીચોગીચ, વધુ ગાઢ, મંગલ
પશુ-પ્રાણી, સૌ, નિર્ભય
પીવાનું પાણીય નિર્મળ
જ્યોતિર્મય દીવા-બત્તીયું
પછી મનમેળ મનેખ-પ્રાણીનો
એમ જ વાણી અને પાણીનો
ગિરા કાંઠે બેઠો હું
ધોધમાં ઊડતાં ફોરામાં ભીંજાતો
હું, આરણ્યક

૨. તળાવ

તળાવના કાંઠે બેઠો છું
ધીમો-ધીમો પવન
નાજુક તરંગ
નાનકડાં મોજાં
રવિવારે હોય છે પિકનિક સ્પોટ
વાહનના ધમધમાટ
ખાણીપીણીની છોળ
તળાવ પાળે
મંડાય છે ઉજાણી

નાનકડો બાળક
પથ્થર પાણીમાં ફેંકે છે
પાણીમાં રચાય છે વર્તુળ
હું હસી પડું છું જરાક
આનંદ કરતાં સૌ વિખેરાય
કશુંક મેળવીને જાય
નાનકડો પથ્થર, પાણી ને વમળ
સંબંધોની કડીઓ મેળવતો
ઘર તરફ પાછો ફરું
ખાલી હાથે

૩. હવે

રોજ ધણધણી ઊઠે છે આ શહેર
એકધારા થતાં બૉમ્બ વિસ્ફોટથી
મારા બાળપણના આકાશમાં
ચિચિયારી કરતાં ઊડે છે વિમાનો
ક્યાં પડયો? આજે? બૉમ્બ?
કુતુહલ ભર્યું આકાશ ધુમાડિયું થઈ ગયું છે
ધૂંધળી હવામાં ફફડે છે અખબાર
ધવાયેલું બાળક પિતાની ગોદમાં પોઢી ગયું છે
ધૂળિયા રસ્તે દોડતી ટેન્ક વચ્ચેથી રસ્તો કાઢતી શેરીના નાકે
બંદૂકનાં તકાતા નાળચા
જેટ સ્પીડે ઘેરી વળતી વેદના
અંદર-અંદર ગૂંચળું વળીને પડી છે
રાતના આકાશમાં ફાઈટર જેટના શેરડાં વચ્ચે
દૂર પર્વત પાછળ દેખાય છે ધુમાડિયો ચંદ્ર
કબ્રસ્તાનમાં ઝાંખા ફાનસ ફરી રહ્યાં છે
હવે તે ગણી શકાય તેમ નથી.
હવે કદાચ આવતીકાલે
એક ફાનસ ઓછું હશે

(સીરિયાના ઘોટા પર થયેલા બૉમ્બમારામાં ઘવાયેલા બાળકની તસવીર જોયાં પછી)

~ વસંત જોષી, રાજકોટ 
~ કાવ્યસંગ્રહઃ મહુડે ઝરતી રાત
~ પ્રથમ આવૃત્તિઃ નવેમ્બર 2023
~ પ્રકાશકઃ બીજલ પ્રકાશન, વડોદરા
+91 70433 83004
+91 97260 68447
Email: bijalthakkar1307@gmail.com

આપનો પ્રતિભાવ આપો..