નિર્ણયો કશુંક ન કરવાના પણ લઈ શકાય ~ યોગેશ શાહ
વર્ષનું પહેલું અઠવાડિયું “ન્યુ યર રિઝોલ્યુશન્સ”ને નામે આપણે લખી આપીએ છીએ.
પોતાની જાત અંગેના, કુટુંબ, ધંધા-વ્યવસાય અંગેના જાતજાતનાં નિર્ણયો લઈએ છીએ. શું શું કરવું એના નિર્ણયો લઈએ છીએ, પણ શું શું ન કરવું એના પણ નિર્ણયો લઈ શકાય.
બહુ બધું વિચારીને શું શું કરવું એનું લીસ્ટ બનાવીએ છીએ એને બદલે શું શું ન કરવું એનું લીસ્ટ કેમ ન બનાવી શકાય? લક્ષ્ય તો એ જ છે. કારણ સ્વાભાવિક રીતે દરેકને સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિની અપેક્ષા હોય જ છે. સુંદરતા કોને નથી ગમતી? સન્માનની અપેક્ષા કોને નથી હોતી? ધાર્યું પરિણામ આવે કે ન આવે, આત્મસંતોષ તો મળે જ છે.
તો એક પ્રયોગ તરીકે, ચાલો, આ વર્ષે શું શું ન કરવું એનું લીસ્ટ બનાવીએ. શકય છે કે આપણે ન ધાર્યો હોય એવો નિખાર જિંદગીમાં આવી જાય.
ઉદાહરણ તરીકે એક આખો મહિનો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીં કરું એવો નિર્ણય લઈએ અને પછીના મહિને સાંજે આઠ પછી મોબાઈલ નહીં વાપરું એવો નિર્ણય લઈએ. આમ દર મહિને જાતને કેળવતા જઈએ.
કોઈ એક બાબત નહીં કરવાનો નિર્ણય કોઈ બીજી વધુ સારી બાબત કરવા માટે સમય આપશે, શક્તિ બચાવશે અને કદાચ પૈસા પણ બચાવશે. નકારાત્મકતા દૂર થતાં સકારાત્મકતા આપોઆપ ઊભરી આવશે.
મોબાઈલનો ઉપયોગ ચાર-પાંચ કલાક ઓછો થવાથી શક્ય છે કે ટેબલ પર લાંબા સમયથી પડેલી બુકના પાનાં ફરવા માંડે. જે આંગળીઓ સ્ક્રીન સ્વાઈપ કરતી હતી એ આંગળીઓને પુસ્તકના પાનાંઓનો સ્પર્શ કદાચ ગમવા લાગે.
ટીવી ન જોવાથી બચેલો સમય ઘરની વ્યક્તિઓ સાથે વાતો કરવામાં વધુ આનંદ આપશે. ક્રેડિટ કાર્ડ પર કાબૂ રાખી બચાવેલા પૈસાથી શક્ય છે કે બાલ્કનીમાં નાનકડો બગીચો બની જાય. પિત્ઝા-પાસ્તા મહિનોભર ન ખાવાથી ઘરના હાંડવાની સુગંધ ગમવા લાગશે. સુપના વિકલ્પે રાબ શું ચીજ છે એની ખબર પડશે.
એક સાંજ ક્લબમાં નહિ, પણ પત્ની સાથે પત્તા રમી તો જુઓ. એક રવિવારે સંતાનો સાથે ટેબલ ટેનિસ રમી તો જુઓ.
કોઈ ઢળતી સાંજે ‘મરીઝ’ની ગઝલોનું પુસ્તક એક હાથમાં રાખી ગુલાબના ઠંડા શરબતના ઘૂંટથી નશો કરી તો જોઈએ.
કોઈક દિવસે કોઈક લાઈબ્રેરીમાં જાત સાથે પણ મહેફિલ માણી જોઈએ. મુવી કે મૉલને ના પાડશો તો આર્ટ ગેલેરીના દરવાજા ખૂલી જશે.
કેટલીક ‘ના’ના નિર્ણયો અણદીઠા આકાશને ઊઘાડી આપશે.
~ યોગેશ શાહ
~ (મિડ ડે-તા: ૦૭/૦૧/૨૦૨૫ )
sure . my experience. Now read minimum 2 books on month and Jankalyan/ Akhnd anand. Great. continue with Yogesh BHai.