પ્રકરણ: ૩૧ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
(શબ્દો: 13,300)
વનલતા આવી છે. લાવણ્યને કૉલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે કામ મળ્યું છે. એનો ઉત્સાહ છે અને વનલતાના સાહચર્યનો આનંદ છે. એ પછી બચતા સમયમાં એ જૂનાં કાવ્યો મઠારે છે. વનલતા ઇચ્છે છે કે એ ભારતમાં હોય એ દરમિયાન લાવણ્યનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય. ત્રણેક માસ રોકાવાનો એનો ખ્યાલ છે. જો છેલ્લે છેલ્લે વિનોદ આવવાનું ગોઠવી શકે તો વધુ રોકાવાનું પણ બને. જેવું છે તેવું પણ અમદાવાદ ગમે છે ઘણું. ભારત તો હજી પૂરું જોયું છે જ ક્યાં? પોતે કેન્દ્રમાં ઊભી રહી અને લાવણ્ય દેશના પરિઘે ફરતી રહી. — વનલતાએ અતુલ દેસાઈને કહેલું.
અતુલ દેસાઈ વનલતાને મૂકવા આવવાના બહાને લાવણ્યને લેવા આવવાના હતા પણ વનલતાએ જ એમને વાર્યા હતા. તમે એનામાં બહુ રસ લેશો તો એ તમને વિદૂષક માનશે. અને મારે આ વખતે એને પ્રેમલ માટે સમજાવી જોવી છે. તમે સાથે હશો તો રંગમાં ભંગ પડશે….
‘તો એમ કરો ને! તમારાં માતુશ્રી અહીં આવવાની ના પાડે છે તો પ્રસૂતિ માટે લાવણ્યને અહીં બોલાવી લો ને! વિનોદ પ્રેમલને સ્પોન્સર કરશે.’ — અતુલ દેસાઈએ ગંભીરતાથી કહેલું.
‘તમે લાવણ્યને ઓળખતા નથી, ઓળખી શકશો પણ નહીં. કોઈ પણ નિર્ણય લેવા લાવણ્યને એનું પોતાનું કારણ જોઈએ. બીજાએ પૂરું પાડેલું બહાનું નહીં. પરસ્પર સહકાર માટે રચાયેલા આ માનવસમાજમાં એ વધુ પડતી સ્વાવલંબી છે. અમેરિકન જીવનશૈલીથી એને માપી નહીં શકાય.’
અતુલ દેસાઈને પ્રેમલ બહુ ગમે છે, કેમ કે એ અમેરિકાનો સખત ટીકાકાર છે. એમને સમજાતું નથી: આવા જીનિયસ આર્ટિસ્ટને એ સુંદરી પસંદ કેમ કરતી નથી? ‘એ દૂધની દાઝેલી છે.’ — કહીને વનલતા ટૂંકમાં પતાવતી.
‘મધુકરભાઈ અહીં આવવાની કેમ ના પાડે છે?’ — બે પેઢીથી અમેરિકા રહેતા અતુલ દેસાઈ ભારતના ઘણાં રીતરિવાજોથી અજાણ છે. પિતા દીકરીના ઘરનું પાણી પણ ન પીએ તો પછી આવીને બેત્રણ મહિના રહેવાની તો શક્યતા જ શેની? — આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર વનલતા આપી શકતી નથી. કહે છે: હું ભારતમાં હતી ત્યારે અહીંનાં સપનાં જોતી, અહીં આવ્યા પછી ભારત જવા બેચેન છું. અહીં વિનોદ છે એટલે બધું જ છે પણ મા નથી, પિતાજી નથી અને લાવણ્ય જેવી બહેનપણી નથી. મારો ભાઈ જીનિયસ છે એ ખરું પણ કોણ જાણે મને એની ખોટ સાલતી નથી.
વનલતા ખોળો ભરીને અહીં આવે છે એ જાણીને પ્રેમલે કહેલું: ચાલો, તમને નિર્વંશ જવાની બીક હતી એ તો દૂર થઈ! હું તો કદાચ નહિ પરણું. વનલતાનાં બાળકો તમારો વંશ રાખશે. અલબત્ત ભારતીય નરકમાં નહીં, અમેરિકન સ્વર્ગમાં.
તે દિવસે જમુનાબેન રડ્યાં હતાં. એમનાં આંસુમાં પૌરાણિક સંસ્કાર ભેગી મધ્યયુગીન અંધશ્રદ્ધા વહેતી હતી. પિંડદાન તો પુત્ર જ કરી શકે, પુત્રી મોક્ષદા બની શકે નહીં. લાવણ્યે એક વાર એમને કહેલું કે શાસ્ત્રોનો પૂર્વપક્ષ એવું કહેતો નથી. એ બધું આજે એ ભૂલી ગયાં હતાં અને પ્રેમલની ચિંતા કરવા લાગ્યાં હતાં. બધો વાંક બાપનો છે. કશું ધ્યાન જ ન આપ્યું!
એવામાં અઠવાડિયા સુધી પ્રેમલ ઘેર નહોતો આવ્યો. જમુનાબેનના કહેવાથી મધુકરભાઈ સ્ટુડિયો પર જઈ ચઢ્યા હતા. પ્રેમલને નશાની ટેવ છે એ એમણે જાતે જોયું હતું. હવે સાંભળવા મળ્યું છે કે એ માંસાહાર પણ કરે છે. એય સાચું નીકળ્યું.
એ કર્ણિકાર સ્ટુડિયોમાં પગ મૂકતા હતા ત્યાં જ એમને વધેરાતા કૂકડાનો અવાજ સંભળાયો. એ અવાજ કરોળિયાના જાળાની જેમ એમના ચહેરાને ચોંટી ગયો હતો. પ્રેમલ સાથે નજર મળી ત્યારે એ ગુસ્સો પણ ન કરી શક્યા. મારો દીકરો સ્ટુડિયોમાં કસાઈખાનું ચલાવે છે? એ જાણતા હતા કે આ ક્ષણે જગતમાં ઘણા કૂકડા વધેરાઈ રહ્યા હશે અને થોડી વારમાં માણસની હોજરીના કબ્રસ્તાનમાં પહોંચી જશે. પણ પોતાને ત્યાં રસોડાના પાણિયારે બળતો ઘીનો દીવો મરતા કૂકડાના તરફડાટે હોલવાઈ જાય…
પિતાજીના મોં પરની ગ્લાનિનું કારણ સમજી જતાં પ્રેમલે કહેલું: આ અમેરિકન યુગલ ચારેક દિવસથી અહીં આવ્યું છે. આ ફ્રેંચ યુવતી એમને લાવી છે. એ જૉન ઑફ આર્ક કરતાં પણ વધુ સાહસિક છે. શિસ્ત તોડીને જીવતી પ્રતિભા છે. એણે દિલ્લી યુનિવર્સિટીમાં ભારતની આદિમ જાતિઓના નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટે પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન મેળવ્યું છે. એને કોઈકે મારું સરનામું આપેલું! ઘણું જાણે છે. મને કહે: સુધરેલાઓમાં તમે નાગર છો અને પછાતોમાં તમે આદિવાસી છો! તમે સંપૂર્ણ ભારતીય છો.
પ્રેમલે પિતાજીનો મહેમાનોને પરિચય કરાવ્યો. પોતે અઠવાડિયાથી ઘેર નથી ગયો તેથી એ ખબર કાઢવા આવ્યા હશે એમ કહીને બધાંને હસાડ્યાં. પણ જૉને તુરત વાત વાળી લીધી. પશ્ચિમના જગતે આવાં માબાપ ગુમાવ્યાં છે.
‘અહીં પણ એમ જ થશે’ — એટલું વિદેશીઓને કહીને પ્રેમલે પિતાજીને જણાવ્યું — ‘તમે નાહક ધક્કો ખાધો. મને કંઈ થશે તો ચોકીદાર જરૂર જાણ કરશે.’
‘તને કશુંય શા માટે થવું જોઈએ? તું અમસ્તો ટેલિફોન ન કરી શકે?’
‘અહીંથી બેત્રણ ફર્લાંગ જવું પડે. અને તમે જાણો છો કે મને ટેલિફોનની ચીડ છે. પણ તમે આ રીતે ધક્કો ખાશો તો મારે ટેલિફોન જરૂર વસાવવો પડશે. કેમ ઊભા થયા? મહેમાનો સાથે બેસવું નથી?’
‘ના.’ — મધુકરભાઈ ધીમેથી બોલ્યા હતા પણ એમની ના જમીનમાં વીજળી ઊતરી જાય એમ પ્રેમલના કાનમાં ઊંડે ઊતરી ગઈ હતી. એની મગરૂરી વિચલિત થઈ ઊઠી હતી. પોતે કશુંક ખોટું કરી રહ્યો છે એ કહેવાનો અધિકાર એક માણસ તો ધરાવે જ છે. એમને રોકીને અહીં જમાડવાની યોગ્યતા પોતે ગુમાવી બેઠો છે એની ખાતરી એક આ ‘ના’ કરાવી ગઈ.
મધુકરભાઈ પંદરેક મિનિટ સ્ટુડિયોમાં રોકાયા હશે. એટલા ઓછા સમયમાં વિદેશી મહેમાનો વિશે અભિપ્રાય બાંધવાની ઉતાવળ એ ન કરે. પણ એમણે જોયું કે જૉન પ્રેમલ સાથે અધિકારથી વાત કરે છે, આગંતુક તો પોતે હતા, ચાલ્યા. રસ્તામાં નક્કી કર્યું કે મરતા કૂકડાની પાંખોથી હોલવાતા ઘીના દીવા પછીના અંધારા વિશે જમુનાને વાત ન કરવી. એટલું જ કહેવું કે પ્રેમલ ખૂબ મજામાં છે અને હમણાં ત્યાં રહેવાનો છે. હવે આપણે ચિંતા કર્યા કરીએ એ ખોટું…. પણ એ ધાર્યા પ્રમાણે એમની મનોદશાને બદલી શક્યા નહીં. હેમખેમના સમાચારનું પૂર્ણ વિરામ મૂકતાં પહેલાં જ બોલી ઊઠ્યા:
‘જમુના, તેં ધારેલું કે આપણી આંખ સામે જ દુનિયા આટલી બધી બદલાઈ જશે?’
જમુનાબેન પામી ગયાં. આ કંઈ છાપાના સમાચાર વિશેની ઠંડી ચર્ચા નથી. કાંટો સુંવાળી જગાએ વાગ્યો છે. એ છુપાવવાથી એનો ઇલાજ કર્યે ચાલશે ખરું?
‘દીકરો કહ્યામાં નથી એનો વસવસો કરીને શું કામ તબિયત બગાડો છો? હવે એ મોટો થયો. એ એની રીતે સુખી થાય એટલે થયું. જેમના છોકરા કહ્યાગરા થઈને પરણી જાય છે એય પછી ક્યાં દળદળ ફીટે છે? આ તો એના કશા ખબર નહોતા તેથી મને થયું કે જઈ આવો તો સારું. પછી તમે એને કહ્યું કે નહીં? વનલતાને લેવા જવાનું?’
‘અરે, એ તો હું ભૂલી જ ગયો! કંઈ વાંધો નહીં. હું જાતે જઈશ. તેં લાવણ્યને કહ્યું છે ખરું કે એની બહેનપણી ક્યારે આવે છે?’
‘એને ખબર હશે જ, છતાં કામવાળીને મોકલું છું.’
લાવણ્ય મધુકરભાઈ સાથે ઍરપોર્ટ ગઈ હતી. સગર્ભાવસ્થામાં વનલતાની તબિયત બરાબર સચવાઈ હતી. એનું શ્રેય એણે વિનોદને આપ્યું. ‘એ મને વાલીની જેમ સાચવતો રહ્યો છે. એનાથી છૂટી પડી ત્યારે ખ્યાલ આવ્યો કે પિયર છોડવા જેવું દુ:ખ નહીં તોય સાસરું છોડવાનુંય એક આછું દર્દ હોય છે. એનેય મારા વિના નહીં ફાવે એની ખાતરી થતાં ફરી પાછું લાગી આવ્યું.
વિનોદે લાવણ્ય માટે એક સોનેરી શેફર્ડ પેન ભેટ મોકલી હતી. પ્રેમલ માટે ચિત્રકલાનો જ્ઞાનકોશ મોકલ્યો. સાસુ-સસરા એની કમાણીનું કશું સ્વાકારે નહીં એ જાણતો હોવાથી પ્રણામ પાઠવ્યાં હતાં.
લાવણ્યે નોંધ્યું છે કે વનલતા વાતોમાં અડધાથી વધુ વખત વિનોદના ઉલ્લેખો રોકે છે. જમુનાબેને ત્રીજે દિવસ કહી દીધું: ‘તારી ઉમ્મરે તો અમે નામ દેતાંય શરમાતાં!’ પણ વનલતા તો બાપુજી આગળ પણ વિનોદની જવાબદારી અને પરિપકવતા વખાણતાં સંકોચ પામતી નથી.
શ્રીદેવીબેન અને સિંઘસાહેબ મળવા આવે છે. ફરી પાછી એની એ વાતો! મૃણાલનું સંપેતરું લાવવા ઉપરાંત પોતે પણ ગુરુદેવ માટે કશુંક લાવી છે!
પ્રેમલે એક વાર ફોન કર્યો છે. હજી આવ્યો નથી! ‘તું પરદેશ હતી, હું પરદેશીઓ સાથે છું!’ — કહેતાં ફોનમાં હસી પડેલો.
વિનોદનો ફોન આવે છે. લાવણ્ય બેઠી છે જાણીને એ ભલામણ કરે છે. કોઈક સારા ડૉક્ટર પાસે લઈ જઈને તપાસ કરાવશો? જરૂર. ઍપોઈન્ટમેન્ટ લીધી. તપાસ થઈ. ‘નો પ્રોબ્લેમ!’ ડોક્ટરે ફક્ત એક જ સલાહ આપી: હરતાંફરતાં રહેજો!
‘ઝડપથી ચાલવાની તો એને કુટેવ છે!’ — લાવણ્યે ડૉક્ટરને કહ્યું હતું. પણ હવે જોયું કે વનલતાની ચાલ બદલાઈ છે. પહેલાં તો એ ક્યારેક એને ઠપકો આપતી: ‘આમ શું એન. સી. સી. કેડેટની જેમ ચાલે છે?’ તો વનલતા બદલામાં એની ટીકા કરતી: ‘તું તો સ્ટેજ પર ચાલતી નૃત્યાંગના કે અભિનેત્રીની જેમ ધરતી પર પગ મૂકે છે! અને વગર ઝાંઝરે ઘૂઘરીઓનો રણકાર જગવવા ઇચ્છે છે!
હવે વનલતા લાવણ્યની સાથે ચાલે છે, જોકે એની ચાલનું સંગીત પોતે જગવી શકતી નથી. કોઈ કોઈ વાર એની ભીતર ધબકાર જાગે છે જેનું અંતર્ગૂઢ સંગીત એ એકલી જ માણી શકે, લાવણ્યને એનો ખ્યાલ આપી ન શકે.
પોતાની કાળજી લેતા કુટુંબ વિશે વિચારતાં વનલતા ભાવુક થઈ જાય છે. લાવણ્ય વિચારમાં પડી જાય છે: જે ગણતરીબાજ લાગતી એ જ આ વનલતા છે ને! અગાઉ જે પ્રેમલની ટીકાકાર હતી એ કેટલા દિવસથી એના સ્ટુડિયો પર જવાનું કહ્યા કરે છે! ભાઈ તો એક વાર મળવા આવ્યો તે આવ્યો, પછી આ બાજુ ફરક્યો પણ નથી!
મધુકરભાઈએ સંદેશ મોકલાવ્યો છે.
એની રાહ જોવાનું ભૂલી જવાયું પછી આવ્યો. આવીને કહ્યું નહીં કે તમને બધાંને મળવા આવ્યો છું. કહે: ખરીદી માટે આવેલો. થયું કે ડોકિયું કરતો જાઉં. તમારે બધાંને કંઈ જોઈતું કરતું હોય તો પૂછું. આમ પૂછવાનું હોય કે લઈ આવવાનું હોય? — વનલતા બોલતી નથી. મધુકરભાઈનું મૌન ખૂલે છે!
‘તારી પાસેથી અમારે શું જોઈએ? તું અમારી પાસેથી કશું માગતો નથી એ જ તારી મોટી મદદ છે. આર્થિક રીતે તું સધ્ધર થયો એનો મને સંતોષ છે. હિસાબો વ્યવસ્થિત રાખજે.’
— ત્યાં જમુનાબેન એમની સામે જુએ છે. નજરનો ભાષામાં તરજુમો થાય છે. — ‘તેં તારું કુટુંબ વસાવ્યું હોત તો અમારા આત્માને શાંતિ થાત. પણ એનીય હવે ફરિયાદ નથી. તું સ્વસ્થ રહે, એકલે પંડ પણ સુખી રહે એટલે થયું. તારી દલીલ અમે સ્વીકારી લીધી છે: વનલતાને લીધે અમારો વંશ રહેશે.’
— પિતાજીના શબ્દોની કડવાશ સહેજે સ્પર્શતી ન હોય તેમ પ્રેમલ બેસી રહ્યો. વનલતાએ કહ્યું કે કાલે સવારે પોતે સ્ટુડિયો પર આવશે.
‘ચોકીદારને લેવા મોકલું?’
‘ના. આવી પહોંચીશ. તું ક્યાંય જવાનો તો નથી ને?’
‘ઊઠું છું જ મોડો પછી ક્યાં જવાનો હતો?’ — કહેતાં એ ઊઠે છે. એક વિદેશી મિત્રે ગાડી ભેટ મોકલી છે. પ્રેમલે એની પાસેથી ચિત્રના પૈસા નહોતા લીધા.
ગયો. જમુનાબેને તુરત દીકરાની ચિંતા શરૂ કરી. ‘મને એ સમજાતું નથી કે એકલો માણસ આવો સંતોષી હોઈ શકે?’ — વનલતા પૂછે છે. જમુનાબેન સૂચન કરે છે: ‘લાવણ્ય આવે તો સાથે લઈ જા. એમની વચ્ચે પહેલાં જેવો મેળ રહ્યો નથી છતાં પ્રયત્ન કરી જો.’
‘કશું પરિણામ નહીં આવે. છતાં કાલે એને પીરિયડ નહીં હોય તો જરૂર ખેંચી જઈશ.’
‘ચિત્રો જોવા આવીશ. તારા ભાઈને હવે હું મિત્ર માનતી નથી.’
‘તેં મને એક વાર કહેલું કે પીએચ.ડી. કર્યા પછી લગ્ન અંગે —’
‘હજી સભાનપણે તો વિચાર્યું નથી. પણ ક્યારેક લાગે છે. કે લગ્ન ન કરવા માટે મારી પાસે કોઈ કારણ નથી. એવો કોઈ મહદ્ ઉદ્દેશ નથી મારી સામે. બીજી શિક્ષિત સ્ત્રીઓની જેમ હું પણ એક સફળ ગૃહિણી બની શકું. એક વાર તો હું સ્વપ્નમાં લગ્નમંડપ સુધી પહોંચી ગઈ હતી!’
‘સામે કોણ હતું?’
‘એક પુરુષ —’
‘એ ખરું પણ એ કોણ હતો?’
‘મંડિલની ફરતેની ઝૂલમાં ચહેરો ઓળખાયો નહોતો. પણ એકાંતનો ખાલીપો દૂર કરે એવો કલ્પરૂપ પુરુષ તો એ હશે જ. નહીં તો હું લજ્જાનત વદને લગ્નમંડપમાં ઊભી રહું ખરી?’
‘મને લાગે છે કે તારી પસંદગી વિશ્વનાથ અને પ્રેમલ વચ્ચે હશે.’
‘કદાચ વિશ્વનાથ! એ ઠીક ઠીક વિકસ્યો છે. પ્રેમલ વધુ જાણીતો બન્યો છે. એના સર્જન અને વ્યક્તિત્વ વચ્ચે અકળ અંતર વધતું ગયું છે. અને મારાં ચારપાંચ વરસ વેરાન કરી જનાર દીપક આઘાતજનક રીતે શિથિલ પુરવાર થયો છે.’
દીપક વિશે માંડીને વાત કરવી પડી. તાજેતરમાં એણે મિસ એન્જિનિયરને ફ્લેટ ખરીદી આપ્યો છે. લાવણ્યે એક વાર સુમેળ કરાવી આપ્યો એ પછી પણ એની અને સવિતાની વચ્ચે અંતર વધતું ગયું છે. ‘હું પણ તારા જેવી થઈ શકું છું.’ — કહીને સવિતાએ નાટક કરવા પ્રયત્ન કર્યો પણ એ એમાં સફળ થઈ નહીં.
અપંગ શી દીકરી પ્રતિમાથી એ દૂર જઈ શકી નહીં. છેવટે એણે હારીને દીપકને કાલાંવાલાં કરવાં શરૂ કર્યાં. દીપકને એમાં પોતાના પુરુષત્વનો વિજય દેખાય છે. કેવો વામણો નીકળ્યો મારો દીપક!’
વનલતાના ચહેરા પર ચમક હતી: ‘આ બધું જાણીને મને રાહત થઈ. જે દીપકને ખાતર તેં લગ્ન વિશે વિચારવાનું સ્થપિત કરી દીધું હતું એણે પોત પ્રકાશ્યું અને તને છુટ્ટી કરી દીધી!’
‘એટલે? તું એમ માને છે છે કે દીપકની વિકૃતિથી મને આનંદ થયો હશે? મુગ્ધાવસ્થાના પ્રેમમાં ખોટા પડવાનું દુ:ખ તું સમજી નહીં શકે લતા! દીપકે નિષ્ઠાપૂર્વક એની પત્નીને સાથ આપ્યો હોત તો મારે માથે કશો ભાર ન રહેત.’
‘એટલે? દીપક એની પત્નીને બેવફા નીવડ્યો એમાંય તારી જવાબદારી?’
‘હા, કેમ કે હું દીપકને મારી શરતે સ્વીકારવા તૈયાર હતી. મારો મુગ્ધ પ્રેમ ત્યારે અહંકારના અશ્વ પર સવાર હતો. મેં દીપકનાં માતાપિતા સાથે સરખી વાત પણ ન કરી.’
‘પણ દીપક સાથે ત્યારે તારું લગ્ન થઈ ગયું હોત તો તારો આટલો વિકાસ થયો હોત?’
‘શો વિકાસ થયો છે મારો? તારા પેટમાં એક ભવિષ્ય જીવે છે અને મારા પેટમાં શૂન્યતા. જો મને સાહિત્યકળામાંથી આનંદ મળતો ન હોત તો હું કુંઠિત બનવા લાગી હોત. બુદ્ધિજીવી મહિલાઓ કેવી ઝડપથી પાંડુરોગી બની જાય છે એ તેં નથી જોયું?’
‘અત્યારે પ્રેમલ વિશે તારો શો અભિપ્રાય છે?’
‘કશો નહીં એને વિશે મૌન પાળીને જ ખોટા પડવામાંથી બચી શકાય. ગમે તેમ પણ એ અહીંના સાંસ્કૃતિ જગતના ફોક્સમાં રહે છે ખરો. એના અંગત જીવન વિશે ભાતભાતની વાતો થાય છે. કદાચ એ મુક્ત સહચારમાં માને છે.’
‘ખરેખર? મને એમ કે મમ્મી અમસ્તી બબડતી હશે.’
‘કોઈ મા અમસ્તી બબડે ખરી? અને જમુનાબેન તો —’
‘તને બહુ ચાહે છે. હજીય ઊંડે ઊંડે ઝંખતા હશે કે તું —’
‘હું એમને મા તરીકે સ્વીકારી શકું, પણ સાસુનો સ્નેહ મેળવવા પુત્રવધૂ બનવું પડે. જમુનાબેન મને પુત્રવધૂ કલ્પે છે એને બદલે પુત્રી માની શક્યાં હોત તો મારી અને પ્રેમલની વચ્ચેની તંગદિલ પણ હળવી થઈ શકી હોત. સમજાય છે મારી વાત?’
વાતવાતમાં વાટ ખૂટી ગઈ. સામે કર્ણિકાર સ્ટુડિયો હતો.
મહેમાનોને ઓળખીને ચોકીદારે દરવાજો ખોલ્યો. ‘સાહબ નથી. મેમસાહેબને લેવા ઍરપોર્ટ ગયા છે.’
મેમસાહેબ એટલે જૉન. જે હોય તે. વનલતાને એને વિશે જાણવામાં રસ નહોતો. એણે સ્ટુડિયોના વધેલા વૈભવ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું. માત્ર ચિત્રોની આવકમાંથી આ બધું ઊભું થાય?
આવકનાં બીજાં સાધનો પ્રેમલે આયોજનપૂર્વ ઊભાં કર્યાં છે. વ્યાવસાયિક કળા, ફોટોગ્રાફી, જાહેરખબર, નાની ફિલ્મો વગેરેમાં નિષ્ણાત તરીકે સેવાઓ આપીને એણે આવક ઊભી કરી છે. આમાં કશું ગેરકાયદે હોવાની શક્યતા નથી.
‘પપ્પા કહે છે કે ઈન્કમટેક્સનાં રીટર્ન ભરવામાં પ્રેમલ બેદરકાર છે. બે વરસથી એણે કશું કર્યું નથી.’
‘એ ખોટું. આવકવેરો પ્રેમલ નહીં ભરે તો બીજું કોણ ભરશે? કલાકારે તો એ બદલ ધન્યતા અનુભવવી જોઈએ. હિન્દી હાસ્યકાર હરિશંકર પરસાઈએ વર્ષો પહેલાં એક હાસ્યલેખની શરૂઆત આ રીતે કરેલી: મારી બે મહત્ત્વાકાંક્ષા છે: ચૅક પર સહી કરું અને આવકવેરો ભરું!’
વનલતા હસી પડી. ‘મને લાગે છે તું પણ કવિતા લખીને આવકવેરો ભરવાનાં સ્વપ્ન સેવતી હશે.’
‘કવિતાની આવકમાંથી સ્યાહી-કાગળનું ખર્ચ નીકળે તોય ઘણું. તેં પત્રમાં મારો કાવ્યસંગ્રહ પ્રગટ કરવા અંગે પૂછેલું. હમણાં જૂનાં અપ્રગટ કાવ્યો પર કામ કરું છું. ધારતી નથી કે કોઈ પ્રકાશક એની પાછળ મૂડીરોકાણ કરવા તૈયાર થાય.’
‘હું પ્રકાશક થઈશ.’
‘એટલે મારે ખાતર પૈસા વેડફ્વા તૈયાર થશે? હું તને નુકસાનમાં ઉતારું?’
‘મદદ કરું એમાં નુકસાન શેનું?’
‘જો સર્જનનો આનંદ મને થતો હોય તો આર્થિક નુકસાન પણ મારે વેઠવું જોઈએ. મનુષ્યને આજીવિકા માટે ઉપાર્જન કરવા કરતાં કંઈક વધુ શક્તિ મળેલી છે. એ વધારાની શક્તિને એ સર્જનમાં રોકે કે વ્યસનોમાં એનાં પરિણામો માટે એણે જ જવાબદાર રહેવું જોઈએ. મારે માત્ર કમાણી જ કરવી હોત તો ધ્રુવસ્વામિનીની ભૂમિકા પછી એ માટે ઘણી મોટી તક ઊભી થઈ હતી. પણ એ મારી પસંદગી નહોતી.’
‘તું આ જે બધું જતું કરે છે એ બદલ પસ્તાવો ન થાય તો સારું…. મમ્મી કહેતી હતી કે એક કરોડપતિના પુત્રે તારું માગું કરેલું?’
‘અફવા હશે. આપણે એમાંથી એટલું જ તારવવાનું કે રૂપનો બજારભાવ કરોડ સુધી પહોંચી શકે એમ છે. મને તો આવું-તેવું સાંભળતાં હરખને બદલે ગ્લાનિ થાય છે. કોઈક વાર એવી ભીતિ જાગે છે કે આ ભવમાં તો કોઈની સાથે મજ્જાગત સંબંધ બંધાશે જ નહીં, કોઈની રાહ જોવાની અધીરાઈ જાગશે નહીં…
લાવણ્યનો આ ઉદ્ગાર વનલતા માટે નવો હતો. ત્રણેક વર્ષ પહેલાં સંબંધની શક્યતાથી પણ દૂર ભાગનારી લાવણ્ય આજે તીવ્રતાથી એની ઊણપ અનુભવે છે. પણ એવી ગૌરવશીલ છે કે કોઈની આગળ પોતાની એકલતાની ફરિયાદ નહીં કરે….
પ્રેમલ અને જૉન આવ્યાં. હોટલમાં નાસ્તો કરવા રોકાયેલાં તેથી વાર થઈ હતી. પરિચયનો વિધિ ટૂંકમાં પતી ગયો. વનલતાને કે લાવણ્યને જૉન સાથેની વાતચીતમાં ખાસ રસ પડ્યો નહીં. ચિત્રશાળા પર નજર કરી બંનેએ વિદાય લીધી.
જૉનના જીવનનું લક્ષ્ય શું હશે?
જો આમ વિમાનમાર્ગે પ્રવાસો કરીને પીએચ.ડી. માટે ઉપરછલ્લી માહિતી મેળવવાની હોય તો એ કામ તો દિલ્લીમાં બેઠાં બેઠાં પણ થઈ શકે. જેમાં અધિકૃત અને વ્યાપક સામગ્રીનું વિશ્લેષણ ન હોય, ચિંતન અને તારણ ન હોય એ કામ પર પીએચ.ડી.ની પદવી મળે ખરી?
પ્રેમલ શું કામ એને પ્રોત્સાહન આપતો હશે? આ આગતા-સ્વાગતા અને આ આત્મીયતા —
વનલતાએ કહ્યું: ‘મને આ બે વચ્ચેનો સંબંધ સમજાયો નહીં.’
‘એમને બંનેને પણ સમજાતો નહીં હોય. પણ ખેંચાણ હશે. એ કારણે જ પ્રેમલ અહીં વધુ રહેતો હશે. પરદેશથી આવેલી બહેનને મળવા એને બહુ ઓછો સમય મળે છે, જ્યારે-રહેવા દે! તારો તો એ ભાઈ છે અને છે.’
‘હા, એ મનથી મારો ભાઈ ન રહે તોપણ હું એની બહેન તરીકે એની ચિંતા કર્યા કરવાની.’
‘મેં પણ કંઈ એની ઓછી ચિંતા કરી નથી. એના એક ચિત્ર વિશે તો મેં કવિતા પણ લખી છે. એનાં ચિત્રપ્રદર્શનની વ્યવસ્થા માટે આગલી રાતે ઉજાગરા કર્યા છે. શરૂ શરૂમાં આ કર્ણિકાર સ્ટુડિયો તરફ નીકળું ત્યારે થતું કે કોઈક કલાતીર્થની યાત્રાએ જાઉં છું! આજે કેવું લાગ્યું કહું? જાણે બજારમાં આંટો લગાવીને પાછાં આવ્યાં!’
‘આ તે કેવો માણસ, જેના પર કોઈની અસર જ ન પડે!’ — વનલતા સ્ટીઅરિંગના ટેકે કંઈક વધુ સરવી બેસવા મથી. — ‘કોઈ કહેતાં કોઈની અસર નહીં!!’
‘સાવ એવું નથી.’ — કહેતાં લાવણ્ય હસી પડી. — ‘પણ જવા દે એ બધું. તું કેમ આમ અક્કડ બેઠી છે? દુખે છે? કાર ચલાવતાં તકલીફ તો નથી પડતી ને? લાવ હું ચલાવું, બાજુમાં લે.’
‘વાંધો નહીં આવે. ઘર ક્યાં દૂર છે? પેટના દુખાવા કરતાં વધુ તો માનસિક આઘાત હશે. પ્રેમલ આવી અરાજક જિંદગી જીવશે, દરેક બાબતે ચીલો ચાતરવામાં રાચશે એવી કલ્પના નહોતી. યાદ છે? મેં સૂરત જતાં તને ગાડીમાં કહેલું એ? ત્યારે મેં તમારી વચ્ચેના ભેદ અને અંતરાયોની જ વાત કરેલી. છતાં ઊંડે ઊંડે હું આજ સુધી કશાક ચમત્કારની આશા રાખતી હતી. આજે એ સ્વપ્ન નખશિખ તૂટી પડ્યું છે.’
લાવણ્ય બોલી નહીં, નહોતું સ્મિત, નહોતી ઉદાસી. એ રહી રહીને વનલતા સામે જોઈ લેતી હતી. એની તકલીફ વધી તો નથી ને?
જમુનાબેન રાહ જોતાં હતાં. બંનેએ વગર બોલ્યે નક્કી કરી લીધું કે જૉનનો ઉલ્લેખ ટાળવો. વનલતા સીધી એના ખંડમાં સૂઈ ગઈ. એને પૂછીને લાવણ્ય કૉફી બનાવીને લઈ ગઈ. વનલતા પડખું ફરવા ઇચ્છતી હતી પણ એમ થઈ શકતું ન હતું. આંખોના ખૂણા ચમકી રહ્યા હતા. કહે: થાય છે કે ફોન કરીને વિનોદને અહીં બોલાવી લઉં. અમંગળની આવી ભીતિ અગાઉ કદી જાગી નથી…
લાવણ્યે પાસે બેસીને વનલતાના મોં પર, કપાળ પર હાથ ફેરવ્યા કર્યો. પછી એની હથેલી પકડી રાખી, પોતાના ગાલ પર દબાવી. જતાં પહેલાં પૂછ્યું: ‘ડૉક્ટરને બોલાવવા છે?’
‘ના.’ — હવે કળ વળી છે. વનલતા બેઠી થઈ. ઊઠી. ચાલી. છેક બહાર સુધી આવી. હાથ ઊંચો કરી વિદાય આપી. પછી પગથિયે બેસી પડી. અમેરિકા ગઈ ત્યાં સુધી એને સમાજ વિશે વિચારવાની ટેવ નહોતી. પરિસ્થિતિએ એને એ માટે પ્રેરી છે. સમૃદ્ધિને કારણે ઊભી થયેલી સમસ્યાઓ અમેરિકામાં પ્રત્યક્ષ નિહાળી હતી. એનો પગપેસારો પિયરમાં ભાઈના આંગણા સુધી જોઈને એ હબકી ગઈ છે. શું થશે આવનાર પેઢીનું?
પેટમાં આછો સંચાર થયો. એ અગાઉની જેમ કષ્ટદાયી નહોતો. ગળા પર સહેજ પરસેવા જેવું લાગ્યું. હવા ઠંડી લાગી. થાક ઘટ્યો. કાન પરની લટ ફરકી ઊઠી. લાવણ્ય કેવી માયાળુ છે! કેવી સાચી છે! એક માણસ સાચું હોય છે એટલા માત્રથી એની આજુબાજુનાં માણસો ઓળખાઈ જતાં હોય છે…
લાવણ્ય ગઈ તે ક્ષણથી વનલતાએ એ પાછી આવે એ ઘડીની રાહ જોવાનું શરૂ કર્યું.
એ સાંજે લલિતાનો ફોન આવ્યો. એના ઘરથી છેક પાંચમા મકાનમાં ફોન હતો. પણ હિંમત કરીને ગઈ. એને ખબર પડે કે વનલતાબેન ખોળો ભરીને પિયર આવ્યાં છે અને પોતે રાજીખુશીના સમાચાર પૂછવાનું પણ ચૂકી જાય? છોકરા એની સાથે આવવા માએંગતા હતા પણ બંનેને તેડીને ફોન કરવો કેવી રીતે?
એમને કલબલાટ કરતાં મૂકીને ગઈ અને એ પગથિયાં સુધી આવી પહોંચે ત્યાં સુધીમાં પાછી આવી ગઈ. એને એ વાતની ભારે નવાઈ લાગી કે પોતે ફોન કર્યો ન હોત તોપણ વનલતાબેન એને મળવા આવવાનાં હતાં. સરનામું લઈ રાખ્યું છે! બીજા કોની પાસેથી? દીદી પાસેથી જ તો!
મધુકરભાઈએ ઘણા દિવસે કાર ચલાવવાની ઇચ્છા કરી હતી. રસ્તામાંથી લાવણ્યને સાથે લેવાની હતી.
બધાં પહોંચ્યાં ત્યારે લલિતા વિકાસને પારણામાં સુવાડી હાલરડું ગાતી હતી અને પ્રકાશને ધવરાવતી હતી. બારણું અડધું ખુલ્લું હતું.
‘આનું નામ સુખ! — લાવણ્ય ધીમેથી બોલી. મધુકરભાઈ અને લલિતાના મૌન પ્રતિભાવ સરખા હતા.
‘હું જાણતાંની સાથે મળવા દોડી આવત.’ — લલિતાએ પ્રકાશને પાલવ બહાર કાઢ્યો અને બચી કરીને એને વિકાસ સાથે સુવડાવી દીધો. એ ધાવતાં ધાવતાં ઊંઘી ગયો હતો. — ‘ખૂબ મન હતું મળવાનું પણ આ ભંભોટિયા —’
છોકરાઓ માટે એ મન ફાવે તેમ શબ્દો યોજે છે. લાવણ્ય ભલે કવિતા લખવાની શક્તિ ધરાવતી હોય પણ આવા અવનવા શબ્દો એને પણ હજી સૂઊયા નથી. ભોટીંગડા, ઢબુડા, ટિંકુડા, ચીકુડા, — એ જે એ ઉચ્ચારણ કરે છે એને આપોઆપ અર્થ મળી જાય છે.
આ અંગે લલિતાને પ્રશ્ન થાય છે: બધી માતાઓને આમ બનતું હશે કે પોતે બી. એ., બી.એડ્. છે તેથી એના શબ્દોને અર્થ અનુસરે છે? ભણતર નકામું તો ન જ જાય. એનો પતિ સહમત થાય છે. તને ભલે નોકરી ન મળી પણ વિદ્યાર્થીઓ તો મળ્યા! પહેલાં હું એકલો હતો, હવે બીજા બે વધ્યા! — આ વિધાન ભલે વિનોદ ખાતર થયું હોય પણ ખોટું નથી. લલિતાએ પતિશ્રીના ઉચ્ચારો સુધાર્યા છે અને એથી એમની બોલી સુધરતાં એમને બઢતી મળી છે.
આ બઢતી છોકરાઓના જન્મ પછી મળી હોવાથી એમને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. એ હવે પિતાશ્રીને ઓળખતા થયા છે. તેડાવવા હાથ લંબાવે છે. ન તેડે તો પગ પછાડે છે. બંનેના પગે નાની નાની ઘૂઘરીવાળા છડા પહેરાવેલા છે. તેથી એમનું તોફાન મીઠો રણકો ધરાવે છે.
વનલતા સાંભળ્યા જ કરે છે. આવી મધુર ગોષ્ઠીમાં શ્રોતા બનવું એ જ અહોભાગ્ય! લાવણ્ય અને મધુકરભાઈ વચ્ચે વચ્ચે પૂછે છે. લલિતા પાસે દરેક પ્રશ્નના ઉત્તર છે. જાણે આખો વિશ્વકોશ એના પારણામાં આવીને વસ્યો ન હોય! શી જરૂર છે કમ્પ્યુટરની?
એક અદ્ભુત શક્યતા વનલતાએ જોઈ: આ છોકરા હજી તો હમણાં બેસતાં શીખ્યા લાગે છે. પણ આમ બેઠાં બેઠાં જ હાથપગનો એવો સંચાર કરે છે કે બધે પહોંચી જવા સમર્થ ન હોય! અને એમની આંખો તો જાણે પાંખો!
પ્રકાશ અને વિકાસ વચ્ચે રમતા હતા અને ફરતે ચાર જણાં બેઠાં હતાં. આ છ જણ વચ્ચેની રમતનું કોઈ ચોક્કસ નામ નહોતું પણ ઘર ગોકુળ બની ગયું હતું.
‘મારો ફેરો સફળ થયો! ભારત આવી ન હોત તો પોતે આ દૃશ્ય જોવા ન પામત. એ અમેરિકાથી લલિતા માટે એક લહેરિયું લાવી હતી. આપ્યું. પતિ અને બાળકો સાથે આવવા આમંત્રણ આપ્યું.
નીકળતી વખતે મધુકરભાઈ બાળકોને તેડ્યા વિના રહી ન શક્યા. બોલ્યા પણ ખરા: પ્રેમલ નાનો હતો ત્યારે પોતે એને તેડીને બાલમંદિરે મૂકવા જતા. ત્યારે કેવો કહ્યાગરો હતો, પ્રેમલ!
પોતે કોને માટે બોલ્યા? કોઈએ હુંકારો પણ ન ભર્યો! થોડા દિવસ પહેલાં જ એમણે જમુનાબેનને કહેલું: અંબાજી જઈને બાધા રાખવાનું મન થાય છે. માતાજી એવી શક્તિ આપો કે પ્રેમલને ભૂલી શકું. એ એની રીતે સુખી રહે. મારે એનો સંતાપ કરવો ન પડે. હું જાતે તો એને ભૂલી શકું તેમ નથી. આજે એના એ શબ્દો અકારણ બોલી ઊઠ્યા. જમુનાબેન ખેદ સાથે બબડવા લાગ્યાં: તમને થયું છે શું?
લાવણ્ય વનલતાના ખંડમાં બેઠી હતી. સાંભળી ગઈ હતી. બહાર આવી:
‘અંકલ, બાધામાં માનતા હો તો જરૂર રાખો. પણ પ્રેમલને ભૂલવા માટે નહીં. એટલા માટે કે એના વિકાસની આડે આવતા અંતરાય દૂર થાય.’
‘એ આશા મેં ગુમાવી દીધી છે. જે એના હાથની વાત છે એટલુંયે એ ક્યાં કરે છે? એ એના વર્તનથી કાનૂની પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. ભગવાનનો પાડ માનો કે એ હજી કાયદાની ચૂંગાલમાં ફસાયો નથી.’
‘કેમ કે કાયદો કલાકારો પ્રત્યે ઉદાર રહે છે, ક્યારેક પક્ષપાત પણ દાખવે છે. માત્ર કલાકારો પ્રત્યે જ કેમ? ખેલાડીઓ પ્રત્યે પણ! સરેરાશ મનુષ્યની ઝાકળ જેવી સર્જકતા જ્યારે વ્યક્તિવિશેષમાં ફુવારારૂપે પ્રગટે છે ત્યારે —’
‘એટલે તું પ્રેમલને વ્યક્તિવિશેષ સર્જક માને છે?’
‘કેમ? તમને એમાં શંકા છે?’
‘પણ તારી ભારતીયતા?’
‘મનુષ્યના પાશ્ચાત્ય વર્તનને સમજવામાં મારી ભારતીયતા આડે નથી આવતી, પોતાને સંયત એટલે કે સંતુલિત રાખવામાં આશીર્વાદરૂપ નીવડે છે.’
‘પણ પ્રેમલમાં તો સંયમ-સંતુલન જેવું કશું જ નથી. પેલી ફ્રેંચ યુવતી વિશે તારે શું કહેવાનું છે?’
‘મને એનામાં રસ પડ્યો નથી. પ્રેમલ પાસે કારણ હશે.’
મધુકરભાઈ પળવાર અટક્યા. પણ બોલ્યા વિના રહી ન શક્યા: ‘મને લાગે છે કે પીએચ.ડી.ના બહાને એ બીજું જ કશુંક કરતી હોવી જોઈએ પ્રેમલે એને શહેરની કોઈ હૉટલને બદલે સ્ટુડિયોમાં રાખી ત્યારે —’
‘એણે સ્ટુડિયોમાં બે ગેસ્ટરૂમ એટલા માટે જ બનાવેલી કે અતિથિ કલાકારો ત્યાં રહીને કામ કરી શકે.’ — લાવણ્ય ‘અતિથિ’ કહેતાં સ્ત્રી-પુરુષનો ભેદ કરતી નથી એ જોઈને મધુકરભાઈને નવાઈ લાગી. પણ પોતે તો જૉનને કલાકાર કે અભ્યાસી તરીકે નહીં, યુવતી તરીકે જ જુએ છે, જેણે પ્રેમલને એમની નજરે વધુ નીચો પાડ્યો છે.
જમુનાબહેન પણ શારદા સાથેની એની મૈત્રીથી આટલાં નહોતાં અકળાયાં, જેટલાં જૉન સાથેના સ્વૈરવિહારથી….એ બધું યાદ આવતાં મધુકરભાઈની સ્વસ્થતા ડગી ગઈ. બોલી ઊઠ્યા:
‘થાય છે કે સ્ટુડિયોમાં જઈને પેલીને બાવડેથી પકડીને બહાર કાઢું.’
‘તમને આવો વિચાર ભલે આવે, તમે એવું કદાપિ ન કરો. પ્રેમલ પુખ્ત થયો એની સાથે પિતા તરીકે તમારી ફરજ પૂરી થાય છે. પુત્રના વિચાર અને વર્તન સાથે પિતા સંમત હોય એ જરૂરી નથી. આપણે ત્યાં પુત્રને સોળ વર્ષે મિત્ર માનવાની ભાવના સેવાઈ છે. એ દષ્ટિએ પશ્ચિમ કરતાં પણ આપણે આગળ છીએ. જ્યારે પ્રેમલ સાથેના તમારા કૌટુંબિક સંબંધને કારણે કાનૂની પ્રશ્ન ઊભો થાય ત્યારે તમે જાહેર ખુલાસો કરી શકો છો.
સરદાર વલ્લભભાઈએ એમના દીકરા બાબતે જાહેર નિવેદન નહોતું કર્યું? તમે આ પ્રશ્નને લાગણીને બદલે બુદ્ધિથી જોઈ શકો એમ છો, થોડાક તટસ્થ થઈ જશો તો —’
‘મને સમજાતું નથી કે આ ઉમ્મરે તું આટલી સ્વસ્થતાથી કેવી રીતે વર્તી શકે છે?’
‘ખભો અને શિરછત્ર બંને ગુમાવ્યા પછી, આધાર અને આશ્રય હવે નથી એ જોયા પછી હું મારી સંવેદનાને શિખામણ આપતી થઈ ગઈ…’ — આ શબ્દો સાથે જ લાવણ્યને એક લગ્નગીત યાદ આવી ગયું. જેમાં લગ્ન પછી વિદાય આપતી સખીઓ વરકન્યાને શિખામણ આપે છે…
માતાપિતાનું ન હોવું આ ક્ષણે તીક્ષ્ણતાથી ભોંકાયું. બહેન-બનેવીની મમતા અસીમ છે. પણ પોતે એમના માટે ભારરૂપ ન રહે માટે તો સ્વતંત્ર રહેવા મથે છે. પોતાની જરૂરિયાત કરતાં વધુ સ્વાતંત્ર્ય એ જીરવે છે. સ્નેહની આર્દ્રતા વિનાનું દુકાળિયું સ્વાતંત્ર્ય! સૂકીભઠ અસમ્બદ્ધ એકલતા માટે તો પોતે સરસ્વતીની ઉપાસના નહોતી આદરી ને?
અને એને માનો ખોળો યાદ આવી ગયો. એ યાદની છાલક અંતરથી આંખ સુધી પહોંચી. પાંપણ ઢળતાં જ આંખમાંથી સરેલાં અશ્રુ કપોલની આભામાં ચમકી ઊઠ્યાં.
જમુનાબેન લાવણ્યની પાસે સરકી આવ્યાં. એના માથે હાથ મૂક્યો. બહારનું મૌન અકળ લાગતાં વનલતાએ ડોકિયું કર્યું. લાવણ્યની આંખમાં આંસુ? ‘શું થયું લી?’ કહેતાં એ એને ભેટી પડી. અને કારણ જાણ્યા વિના જ રડી પડી.
મધુકરભાઈ સ્તબ્ધ થઈ ગયા. શું કામ રડે છે આ છોકરીઓ? લાવણ્યને એની અસ્મિતા છે, મહિમા છે. વનલતા પરણીને સુખી છે. તો પછી?
એમના આશ્ચર્ય વચ્ચે લાવણ્ય બીજી જ પળે સ્વસ્થ હતી. એણે ઊઠીને વનલતાને પોતાની જગાએ બેસાડી હતી. એ મોં ધોઈને આવી ત્યારે તો એમનું બંનેનું રડવું બાળપણનું હોય એમ વર્ષો-જૂનું થઈ ગયું હતું. લાવણ્ય પોતાને વિશે સૌને નિશ્ચિંત કરવા હવે સજ્જ હતી. અંકલ સાચું કહે છે. નિષ્ફળતાના આઘાતમાંથી બહાર આવવા પણ પોતે તટસ્થ બની છે. એ માટે ઉમ્મર નહીં, માત્ર એક અનુભવ પૂરતો હતો.
એ મુગ્ધાવસ્થાને ક્ષણાર્ધમાં વિદાય આપી શકી, શ્રીદેવીબહેને કહેલું તેમ ‘ડીટેચ’ થઈ શકી. પછી તો જે રીતે દીપક માટેની અપેક્ષા છોડી શકાઈ હતી એ જ રીતે પ્રેમલ પ્રત્યે તટસ્થ થતી ગઈ… લાવણ્ય સમજે છે કે એની તટસ્થતા પ્રેમલને નડી છે. નહીં તો કદાચ એ આડો ફંટાયો ન હોત. જો કે જીવન વિશે કશું ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આ ઉંમરે તો નહીં જ… શક્ય છે કે પ્રેમલની સર્જકતા એનું પરિમાણ શોધી લે. એની શક્તિઓ નહીં વેડફાય એવી આશા છે…
મધુકરભાઈને એકાએક યાદ આવે છે દાયકાઓ પહેલાં ઈન્ટર આર્ટ્સની પરીક્ષા માટે વાંચેલું મહાકવિ કાલિદાસનું કાવ્ય ‘કુમારસંભવમ્’. એમાં તપસ્વિની પાર્વતીનું જે વર્ણન આવે છે એ એમને ત્યારે કાલ્પનિક લાગ્યું હતું. લાવણ્યને જોતાં લાગે છે કે કાલિદાસના યુગમાં આવી કન્યાઓ જરૂર હશે. મોતીની જેમ જેનાં શીલ-સૌંદર્ય બહિરંતર ઐક્ય ધરાવે છે…
બધાં બેઠાં છે ત્યાં શામસુંદર આવે છે. વિરાજબહેને બહેનની પરમ સખી વનલતા માટે જાતે બનાવેલી મીઠાઈ મોકલી છે. માશી પૂછે એ પહેલાં જ વનલતાના ખોળામાં સ્ટીલનો ડબ્બો મૂકી શામસુંદર કહે છે: એકલો આવ્યો, બસમાં, ઊભો ઊભો!
લાવણ્ય એને ખોળામાં બેસાડી એના ગાલ પર, કપાળ પર હાથ ફેરવે છે. એના વાળમાં ધીરે ધીરે આંગળીઓનાં ટેરવાં સરકે છે. એની અનામિકાની વીંટીનો હીરો શ્રાવણનાં વાદળ વચ્ચે ગતિશીલ ચંદ્રની જેમ પ્રગટ થતો રહે છે… વાત થાય છે.
હજી પીએચ.ડી.નું પરિણામ આવ્યું નથી. આ એક જ પદવી એવી છે જેના પરિણામની તારીખ નક્કી થઈ શકતી નથી.
શામસુંદર બે દિવસ રહ્યો. માશી પીએચ.ડી. થશે ત્યારે પોતાને શી ભેટ આપશે એ અંગે એણે અનુમાન કરી રાખ્યાં છે, જાહેર નથી કર્યો. માશી અનુમાનથી સવાયું આપે છે!
લાવણ્ય એને એક વાર લલિતાને ત્યાં લઈ ગઈ હતી, એક વાર બજારમાં. એને જે જોઈએ એ ખરીદી આપવું હતું. થોડીક નોટબુક, કલર બોક્સ અને એક પહેરણ – એટલાથી જ શામસુંદર સંતુષ્ટ થઈ ગયો. મમ્મીએ કહ્યું છે કે માશીને ખર્ચ કરાવતો નહીં. પાર્ટ ટાઈમ નોકરીના પગારમાં કશું બચાવી શકતી નહીં હોય.
એ કશું માંગતો નહોતો. મનપસંદ વસ્તુ આંખ સામે હોય પણ એની કિંમત વાંચીને જ એ ન ખરીદવા માટે કશુંક કારણ શોધી કાઢતો હતો. આટલી નાની ઉંમરે આ છોકરો બીજાનો વિચાર કરવાનું કેવી રીતે શીખી ગયો? એક મોંઘા પહેરણ માટે ના પાડતાં એણે કહેલું: ત્યાં લોકવનમાં મારી સાથે ભણનારાઓમાં કોઈની પાસે આવું પહેરણ નથી. હું એકલો પહેરીને જોઉં. બધા એક સાથે મારી સામે જુએ. હું ભોંઠો પડી જાઉં.
બાળકો તો આથી તદ્દન જુદી રીતે વિચારતાં હોય છે. સહુથી સારા દેખાવાના મનસૂબા સેવતા હોય છે. તો આ છોકરો સૌથી ચઢિયાતા થવામાં ભોંઠપ કેમ અનુભવે છે? ચંદ્રકાંતભાઈ અને વિરાજબેન એને બાલ્યાવસ્થામાં જ ગંભીર બનાવી દેશે કે શું? બાળકોમાં સ્પર્ધાનો ભાવ હોય એથી એમની જિજીવિષા ખીલે છે. એકમેકથી આગળ નીકળી જવા દોડતાં વાછરડાંનું દશ્ય એને સવારના સૂરજની આરતી જેવું લાગે છે…
પત્તાંની રમતમાં શામસુંદર જીતીને ખુશ થતો. ઊભો થઈને એક બિસ્કિટ ખાઈ લેતો. લાવણ્યની ડોકે વળગીને બચી કરતો… ત્યારે એ એકદમ નાનો થઈ જતો. એ વરસ બે વરસનો હતો ત્યારે લાવણ્ય એને તેડીને કહેતી: માશીને બચી કરો શામ! ગુલાબ ના સ્પર્શ જેવી બચીઓ આજે એને યાદ આવી ગઈ.
સતત ત્રણ બાજી જીતી ગયેલા શામસુંદરને ખોળામાં લઈને, એનું મોં છાતીમાં દબાવીને લાવણ્યે એને બચી કરી હતી ત્યારે એનું અંત:કરણ કમળની જેમ ખીલી ઊઠ્યું હતું, એનું અસ્તિત્વ સરોવરની જેમ લહેરાઈ ઊઠ્યું હતું… એને એક અપૂર્વ પ્રતીતિ થઈ હતી: મારે આવો સંબંધ જોઈએ છે. એનું નામ ગમે તે હોય: માતા-પુત્રનો, બહેન-ભાઈનો, માસી-ભાણેજનો કે વર-વધૂનો પણ એક ઉષ્માભર્યો સંબંધ જોઈએ છે પોતાને, ગુરુ-શિષ્યાનો સંબંધ પૂરતો નથી, એના જોરે આજ સુધી જીવી પણ એ તો એક કિનારે ટકાવી રાખી શકે. સામા કિનારે, વેગીલા પ્રવાહમાં પહોંચવા માટે જેની સાથે જંપલાવવાની બેચેની જાગે એ —
એ ક્યાં છે? કોણ છે?
વનલતાએ પ્રેમલને એક કામ સોંપ્યું હતું. કંઈક ભેટ લઈ આવીને પહોંચાડજે. એ સાંજની બસમાં જવાનો છે. મને ઠીક નથી નહીં તો હું પોતે જ બજારમાં જાત.
પ્રેમલે હા પાડી હતી. એણે જૉનને કહ્યું હતું. બંને સાથે નીકળશે. રાત્રે હોટલમાં જમીને પાછાં આવશે. પણ નીકળતાં મોડું થઈ ગયું. પ્રેમલ પાસે એક દિવાળી કાર્ડનો ઓર્ડર હતો. એ માટે કેટલાંક રંગીન ચિત્ર તૈયાર કર્યાં હતાં. એમાંનું એક હતું બાળસૂર્યનું. શું સૂઊયું તે નીચે કલાપીની એક પંક્તિ પણ લખી: ‘ઊગે છે સુરભિભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં!’
શામસુંદરની બસ હજી મુકાઈ નહોતી ત્યાં પ્રેમલ અને જૉન આવી પહોંચ્યાં. શામને ચિત્ર પકડાવતાં પ્રેમલ એના સ્વભાવની વિરુદ્ધ જઈને લાગણી દાખવી બેઠો: મેં તો માત્ર રુટિનમાં આ ચિત્ર બનાવ્યું હતું. પણ તને જોતાં લાગે છે કે ચિત્રમાં પ્રગટ થયેલો ભાવ વાસ્તવિક છે. અત્યારે સાંજના સમયે પણ તારા ચહેરા પર મને બાળ રવિની આભા વરતાય છે.
આ ક્ષણે જૉન લાવણ્યને ઔપચારિક પ્રશ્નો પૂછી રહી હતી. લાવણ્યનું ધ્યાન એમાં નહોતું. એ પ્રેમલને સાંભળી રહી હતી.
એક ક્ષણે એને થયું કે આ વિદેશીની પાસેથી મારા કલાકારને પાછો મેળવી લઉં. શક્ય છે કે મારો કલ્પપુરુષ હું પ્રેમલમાંથી કંડારી શકું. એક શિલ્પની શક્યતા ધરાવતા આ પથ્થરને હું અપનાવી લઉં….
જૉન પ્રેમલનો હાથ પકડીને ચાલી એની સાથે લાવણ્યનો તરંગ કિનારાની રેતમાં ડૂબી જતાં જલબિન્દુઓની જેમ શમી ગયો. એ પછી શામસુંદરની બસ ઉપડી અને હૃદયના ધબકારા પછી જાણે કે ભીતર થોડીક જગા ખાલી રહી ગઈ.
પ્રત્યેક વિદાય યાદ આપે છે આપણી અધૂરપની. જનાર સૂચવે છે: શું ખૂટે છે આપણામાં! અંદરનો ખાલીપો બહાર વિસ્તરીને ઘેરી વળે છે સમગ્ર પરિસ્થિતિને, જે આપણે સર્જી હોય છે સુવિધા માટે, પ્રસન્નતા માટે….
દિવસો કશાં પદચિહ્ન મૂક્યા વિના વીતી જાય છે.
દીપકનો પત્ર આવે છે. સંબોધન વાંચતાં જ એ છંછેડાય છે:
‘પ્રિય લાવણ્ય!’
નથી ગમતું આ વિશેષણ. ‘પ્રિય!’ શો અધિકાર છે એને આમ લખવાનો? એની પ્રિય તો છે મિસ એન્જિનિયર. જેણે એને સુખ આપ્યું છે. અરુચિ જાગે છે દીપક પ્રત્યે.
ત્યાં પુનર્વિચાર આવે છે: હું કોઈના પ્રત્યે અરુચિ ન થાય એ રીતે જીવવા ઇચ્છું છું તો પછી દીપક પ્રત્યે શા માટે મને અણગમો થવો જોઈએ?હું એના ભવિષ્યમાં રસ લઈ ન શકું તો એ મને કંઈ ફરજ પાડવા આવવાનો નથી. હું તટસ્થ રહી શકું છું. રાગ અને દ્વેષ બંનેથી તટસ્થ થયા વિના વિરાગની મનોદશાએ પહોંચી ન શકું.
શું મારે વિરાગની મનોદશા જોઈએ છે? શું મને વિરતિ ઇષ્ટ છે?
ના.
મારે સખ્ય જોઈએ, મારી કલ્પનાના પુરુષનું. દીપક સાથે લગ્ન થયું હોત તોપણ કલ્પપુરુષના સખ્યની પૂર્તિ થઈ હોત કે કેમ એ એક પ્રશ્ન છે…
એણે દીપકનો પત્ર આગળ વાંચવા માંડ્યો:
‘મારી દશા સુયોધન જેવી છે. ‘જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવત્તિ: જાનામિ અધર્મમ્ ન ચ મે નિવૃત્તિ:!’ મારે જે બનવું હતું એ બની ન શક્યો. આજકાલ ન કરવાનું કરી રહ્યો છું અને ફરજ ચૂકું છું.
સવિતા પંદરેક દિવસ જુદી રહી આવી. એ રિસાઈને ગઈ હતી. એને મનાવવાની મારી હિંમત નહોતી. એ કોણ જાણે કેવી રીતે બાતમી મેળવીને અમારા કંપની-ગેસ્ટહાઉસ સુધી આવી પહોંચી. હું ને મિસ મહેમાનોની આગતા-સ્વાગતા માટે ગયેલાં.
ફરજ પૂરી થતાં મને થાક ઉતારવાનું મન થયું. એક પેગ લીધા પછી મેં મિસને આગ્રહ કર્યો. અને પછી તો અમે ભાન ભૂલ્યાં. છેલ્લું વસ્ત્ર પણ અંતરાયરૂપ લાગ્યું. અને જે ક્ષણે સવિતાએ ડુપ્લિકેટ ચાવીથી બારણું ખોલીને લાઇટ કરી એ ક્ષણે અમે કઢંગી હાલતમાં હતાં એમ કહેવું પણ પૂરતું નથી.
મેં મોં ખસેડ્યા વિના જ જોઈ લીધું હતું: લાઇટની સ્વીચ પાસે કોણ ઊભું છે? ‘સાલા ભૂંડ’ કહીને સવિતા જોરથી બારણું પછાડી નીકળી ગઈ હતી. મારા હોશકોશ ઊડી ગયા હતા પણ મિસ એન્જિનિયર સ્વસ્થ હતી. એ જ સ્થિતિમાં એ લાઇટની સ્વીચ પાસે ગઈ હતી. હવે એને ઓટોમેટિક લોક પર વિશ્વાસ નહોતો રહ્યો. એણે એક સ્ટોપર પણ વાખી અને ઉત્તેજક મુદ્રામાં પળવાર ઊભી રહ્યા પછી જ મારી પાસે આવી. મડદામાં પ્રાણ પૂરવાની કળા એ જાણતી હતી. અને પછી તો હું એની સાથે પશુની જેમ વર્ત્યો. એણે સંતોષ વ્યક્ત કર્યો. મારો આભાર માન્યો.
પત્નીને વફાદાર રહેવાની સલાહ આપીને ગઈ. હું ક્યાંય સુધી ત્યાં જ પડી રહ્યો. ઘેર જવાની હિંમત ચાલતી નહોતી. આ પહેલાં હું પ્રતિમાના સોગંદ ખાઈને સવિતાને ખાતરી કરાવી ચૂક્યો હતો કે મિસ એન્જિનિયર સાથે હવે શારીરિક સંબંધ રહ્યો નથી. ખેર —
એ પંદર દિવસ હું દહેશતમાં જીવ્યો. સવિતાના પિયર તરફથી ક્યારે કઈ જાતની આપત્તિ આવી પડશે એ વિશે હું ભાતભાતનાં અનુમાનો કર્યા કરતો હતો. પણ કશું જ ન થયું. સવિતાએ કોઈને ફરિયાદ ન કરી. કહ્યા વિના ગઈ હતી, કહ્યા વિના આવી પહોંચી.
રાત્રે એ જ મારી પાસે આવી કહે: પતિનો પ્રેમ જીતવા માટેનાં પુસ્તકો વાંચવા ગઈ હતી. આપણા સમાજમાં રખાત રાખનારો તું કંઈ પહેલો ગૃહસ્થ નથી. પતિ નપુંસક હોય એના કરતાં તો ભૂંડ જેવો હોય એ વધુ સારું. હું તને વગોવ્યા વિના શાંત રહી શકી, જે જાહેર કરવા ગઈ હતી એ છુપાવી શકી એનો મને આનંદ છે.
અને પળવારમાં તો એણે મને પાળેલા જાનવરની જેમ વર્તતાં શીખવી દીધું હતું. એ કામરૂપ દેશની યુવતી બનીને પિયરથી પાછી આવી હતી. મેં માની લીધેલું કે અમારું દામ્પત્ય મિસની ઘાટીમાં અથડાઈ-કુટાઈને વેરણછેરણ થઈ ગયું છે, પણ સવિતા ડાકણમાંથી દેવી બનીને પાછી આવી. મને લાગે છે કે મારા જીવનનો આ વળાંક છે. તને જણાવ્યા વિના રહી શક્યો નહિ.’
પત્ર પૂરો કરીને તાજા કલમ તરીકે ઉમેર્યું હતું: પત્ર ટપાલમાં નાંખતાં પહેલાં થયું કે કેટલાંક વાક્યો કાઢી નાખું. કદાચ તને નહીં ગમે. પણ હવે છું એનાથી સારો દેખાવા ઇચ્છતો નથી. ભલે તને મારા માટે અણગમો થાય. વિચારજે. તેં કેવા હલકટ માણસને પ્રથમ પ્રેમનો અર્ધ્ય ધર્યો હતો? તું પોતે ઉદાર હોવાથી મને માફ કરી દે તોય એટલું તો સ્વીકારજે જ કે ચાહવા યોગ્ય માણસો પણ પશુ બની શકે છે!’
લાવણ્યે બહુ મન કર્યું કે એ દીપકને ભૂલી જાય. સદાને માટે એનાથી વિમુખ થઈ જાય. પણ દીપકના પતનમાં એ પોતાને પણ દોષિત માનવા લાગી અને એને સવિતાના ઔદાર્ય માટે માન થયું.
એણે દીપકને લખ્યું: ‘સવિતામાં જે ઔદાર્ય જાગ્યું છે એ સામાજિક પરિબળોને કારણે હોય તોપણ તું એમાં એનો સ્વાર્થ ન જોતાં, એની સમજણ જોવા પ્રયત્ન કરજે. જો આ તક ગુમાવશે તો પછી તને તારું દામ્પત્ય ક્યાંય શોધ્યું નહીં જડે. એક બીજી વાત. તેં લખ્યું છે કે લાવણ્યે કેવા હલકટ માણસને પ્રથમ પ્રેમનો અર્ધ્ય ધર્યો હતો! હું તને હલકટ માનતી નથી. અને તું એવો હોય તો રહી રહીને સામાજિક બનવા, ભૌતિકને બદલે આધિભૌતિકનો ચાહક બનવા કેમ પ્રયત્ન કરે છે?
હું કદાચ આવાતેવા સ્થૂલ ઉપભોગેથી બચી હોઈશ પણ એનો અર્થ એવો નથી કે એ બધાથી પર છું. આપણે આપણા અસલ સ્વરૂપને ઓળખીએ, ઓળખવાની હિંમત કરી શકીએ તો જ સત્યનાં ઉપાસક બની શકીએ. યાદ છે તેં તારી સૌંદર્યશાસ્ત્રની નોટ પર ક્યાંકથી સ્પિનોઝા અને રવીન્દ્રનાથની ભાવનાને એકસાથે વ્યક્ત કરતું અવતરણ બહુ સુંદર અક્ષરે ઘૂંટ્યું હતું:
‘ધી ટુથ ઈઝ ક્રુઅલ, બટ ઈટ કૅન બી લવ્ડ, ઍન્ડ ઈટ મેઈકસ ફ્રી ધોઝ હુ લવ્ડ ઈટ.’
હા, સત્ય નિષ્ઠુર છે કેમ કે સહુથી પહેલાં તો એ આપણને જ ખુલ્લા પાડે છે. પણ જો આપણે એને ચાહી શકીએ તો એ આપણને મુક્તિની દિશા ચીંધે છે.
એવું ન માનતો કે મને મારી દિશા મળી ગઈ છે. જાણું છું કે હજી હું અસ્મિતા – ‘વેનીટી’થી બંધાયેલી છું. એમાંથી આસક્તિ દૂર થાય તો અસ્મિતા પોતે જ નિજબોધ બની શકે — ‘આઈડેન્ટિટી’નો અનુભવ કરાવી શકે. મહાન સર્જકો કહે છે કે એ પણ પર્યાપ્ત નથી. ભૌતિક અને આધિભૌતિક પછી એ આધ્યાત્મિક સોપાન સૂચવે છે. જેનાથી આપણે જોજન દૂર છીએ. અને એ અર્થમાં અહીં નજીક છીએ. આપણે બધાં એકબીજાં જેવાં જ છીએ, કદાચ ફેર હશે તો માત્રાનો…’
પત્ર લખ્યા પછી લાવણ્યને પોતાની સાથે મતભેદ પડ્યો. દીપકને બિરદાવવાની જરૂર ખરી? આપણે બધાં સરખાં છીએ એમ કહીને આશ્વાસન આપવા માટે એની ભૂમિકા સુધી નીચે ઊતરવાની જરૂર ખરી?
એણે કઈ ગણતરીથી મારી સમક્ષ આ બીજો એકરાર કર્યો હશે? હું બીજા કોઈ દ્વારા જાણું અને એને વિશે હીણો અભિપ્રાય બાંધું એને બદલે એ પહેલાંથી મારો વિશ્વાસ જીતી લેવા —
પણ એમ કરવાથી એને શો ફાયદો?
મારી પાસે એને શી અપેક્ષા છે?
ખ્રિસ્તીઓ એમના ધર્મગુરુ-ફાધર સમક્ષ એકરાર કરીને ભૂલનો ભાર હળવો કરે છે.
દીપક એની ભૂલોનો ભાર ધર્મ સમક્ષ ઉતારવાને બદલે પ્રિયજન સમક્ષ ઉતારે છે એવી દલીલ કદાચ એણે જ કરેલી.
હું હજી દીપક સાથેના એ સમ્બન્ધે બંધાઈ રહી છું ખરી? પૂર્વેનો અનુબન્ધ તો નથી જ, તેમ વિચ્છેદ પણ નથી. આજકાલ હું પ્રેમલથી પોતાને જેટલી દૂર અનુભવું છું એટલી દીપકથી દૂર નથી…..
એક શિથિલતા વારંવાર દાખવ્યા પછી પણ દીપક એના ધંધાનો પ્રબંધ ઉત્સાહથી કરે છે. મુનશી જે વ્યવસ્થાત્મક ઉત્સાહની વાત કરતા એ દીપકમાં છે. જ્યારે પ્રેમલ? નીતિને કલાની વિષકન્યા માનીને જીવી રહ્યો છે. એને કોઈકે માલવપતિ મુંજની ભૂમિકા આપવી જોઈતી હતી…. કથાને અંતે મૃણાલ મુંજ સાથેના વિલાસ બદલ પસ્તાવો નથી કરતી બલ્કે કહે છે કે પૂર્વેનાં ત્રીસ વર્ષના તપસ્યારત જીવનનો પોતે જેટલો ગર્વ ધરાવતી હતી એથી વધુ ગર્વ પૃથિવીવલ્લભ મુંજની વલ્લભા તરીકે ધરાવું છું!
પ્રેમલને આવી કોઈ વલ્લભા મળશે ખરી? શારદા તો હવે બેવડું જીવન જીવે છે. જૉનની ખબર નથી પડતી…
એ દીપક અને પ્રેમલની સરખામણી કરતી રહી.
વિશ્વનાથને આજકાલ અગાઉની જેમ મળવાનું બનતું નથી. છેલ્લે મળ્યો ત્યારે પૂછેલું: તમારા પીએચ.ડી.ના પરિણામની રાહ જોઉં છું. એ નિમિત્તે મોટી પાર્ટી તો નહીં આપું, થોડોક કંજૂસ છું પણ તાઝા ગુલાબની છડી જરૂર આપી જઈશ….
***
લાવણ્યને હજી પીએચ.ડી.ની પદવી મળી નથી. ધાર્યા કરતાં મોડું થયું છે. સિંઘસાહેબને એટલો સંતોષ છે કે વિદેશી પરીક્ષકનો હેવાલ આવી ગયો છે. એમણે લખ્યું છે કે આ મહાનિબંધ પદવી આપવા યોગ્ય છે, એટલું જ નહીં, પ્રકાશન કરવા યોગ્ય પણ છે. વિદ્યાર્થીની ભાષામાં લાઘવ છે, સર્જનાત્મક સ્પર્શ છે, ઉત્તમ આસ્વાદકની શક્તિ છે.
જેમનો હેવાલ વહેલો આવી જવો જોઈતો હતો એ ડૉ. શર્મા બબ્બે સ્મૃતિપત્ર પછી પણ મૌન છે. સિંઘસાહેબે સાંભળેલું કે ડૉ. શર્મા જલદી હેવાલ મોકલતા નથી, માન માગે છે. કોઈકે એમને એમ પણ કહ્યું કે મનગમતી ભેટસોગાદ લીધા વિના એ અનુકૂળ હેવાલ લખતા નથી.
આ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપકો સાથે એમને જૂનો સંબંધ હોઈ દરેક યુનિવર્સિટીમાં એમનું નામ પરીક્ષકોની પેનલમાં ટકી રહ્યું છે. એક જમાનામાં એ ઉદ્યમી પણ હતા. હવે વિભાગીય વડાના હોદ્દાની રુએ એ એમની વગ ટકાવી રહ્યા છે. શ્રીવાસ્તવે એમને રાજી કરીને એમના વિભાગમાં નોકરી મેળવી એ પછી વળી ડૉ. શર્માનો પ્રભાવ બહાર વધ્યો છે.
કોઈને ખ્યાલ નહોતો કે લાવણ્યના મહાનિબંધના પરીક્ષકોની પેનલમાં એમનું નામ આ પ્રક્રિયાના ભાગ રૂપે આવી ગયું છે. સિંઘસાહેબ એમના વિદ્યાર્થીઓના પરીક્ષકોની પેનલ નક્કી થતી હોય ત્યારે તટસ્થ રહેતા હોય છે. વળી, જાત અનુભવ વિના એ કોઈના પર અવિશ્વાસ કરતા નથી. એ જાણતા હતા કે શર્મા માન માગશે. એકાદ સ્મૃતિપત્ર લખાવરાવશે. એમણે હવે સોદાબાજી શરૂ કરી છે એવું એ જાણતા ન હતા.
સિંઘસાહેબે લાવણ્ય ને પદવી મળવામાં થઈ રહેલા વિલંબનું કારણ શ્રીદેવીને કહ્યું. એની સાથે શ્રીદેવીને બીજી દહેશત થઈ: ‘લાવણ્યનો મહાનિબંધ પેલા હરામીના હાથે તો નહીં ચઢી જાય ને? હરામી કોણ એ પણ પાછું એમણે કહેવું પડ્યું હતું. ખરા છે, સિંઘસાહેબ! શ્રીવાસ્તવને એક વારનો બરાબર ઓળખ્યા પછી પણ એના દોષ વીસરી ગયા?
‘પણ તમે લાવણ્યને કશું કહેશો નહીં!’
‘આ સલાહ તો મારે આપને આપવાની હતી.’ — કહેતાં શ્રીદેવી હસવા ગયાં પણ હસી શક્યાં નહીં. એમને ચિંતા થઈ હતી. શું વાંક છે આ છોકરીનો કે એના ભવિષ્યની આડે અંતરાય આવ્યા જ કરે છે? એમણે ગંભીરતાથી વિનંતીના સ્વરે કહ્યું: પીએચ.ડી.ના પરિણામમાં ઉતાવળ ન કરાવી શકો તોપણ એને પાર્ટ- ટાઈમમાંથી ફૂલટાઈમ નોકરી મળે એટલું તો કરો! આપ જાણો છો કે એ કેવી ઉત્તમ અધ્યાપિકા છે. ઉત્તમતા માટે પક્ષપાત દાખવવામાં કશો દોષ નથી.’
‘ઉત્તમ માટે પક્ષપાત? એનું અભિવાદન શા માટે નહીં? પ્રાચીન કાળમાં ગુરુઓની સૌથી મોડી અભીપ્સા કઈ હતી? શિષ્યાત્ ઇચ્છેત્ પરાજ્યમ્! લાવણ્ય મારી એવી શિષ્ય છે અને છતાં તમે જાણો છો કે હું એને માટે કશું કરી શક્યો નથી. તમે ધારો તો એને લગ્ન માટે હવે તૈયાર કરી શકો.’
‘હું એને માટે યોગ્ય મુરતિયો શોધું, આપ નોકરી શોધી આપો.’
‘એ પીએચ.ડી. થાય એ પહેલાં ફૂલટાઈમ લેકચરર બની જશે.’
‘એટલે? પીએચ.ડી. થતાં એને એટલી બધી વાર થશે? મને તો બીક છે જ. શ્રીવાસ્તવ —’
‘શર્મા શ્રીવાસ્તવનું કહ્યું કરે એવું મને લાગતું નથી. મોટે ભાગે તો શ્રીવાસ્તવ કશું જાણે એ પહેલાં જ એ રીપોર્ટ મોકલી આપશે, સિવાય કે બધું પહેલાંથી જ ગોઠવાયેલું હોય.’
‘મને તો એમ જ લાગે છે.’
તાળો મળતાં બંનેને ખાતરી થઈ ગઈ કે બધું આયોજન પૂર્વક થયું છે. વિલંબ જરૂર થવાનો. અને જો લાવણ્ય જાણી ગઈ તો શુભમાંથી એની શ્રદ્ધા ડગી જશે.
શ્રીદેવીએ લાવણ્યની ધીરજ ટકાવી રાખવાનું માથે લીધું અને વધુ વિલંબ ન કરવા શર્માને સંદેશ મોકલવાનું કામ માર્ગદર્શક તરીકે સિંઘસાહેબનું હતું જ. તેથી એ સ્મૃતિપત્ર પાઠવતા ગયા. કશો ઉત્તર જ નથી આવતો. નક્કી, શર્મા-શ્રીવાસ્તવની જોડી ભૂંડાનો ભાગ ભજવશે. એ જાણતા જ હશે કે વિલંબ એ જ સૌથી મોટો નકાર છે. જો સ્પષ્ટપણે નિબંધનો અસ્વીકાર કરતો હેવાલ મોકલી આપે તો ત્રીજા પરીક્ષક નિયુક્ત થાય.
જેમનો હેવાલ આવી ગયો છે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. અને પરીક્ષકોની યાદીમાં જેમનું નામ ત્રીજા ક્રમે છે એ પણ સંનિષ્ઠ વિદ્વાન છે. ચિંતાને કારણ નથી. પણ શર્માના વલણ વિશે લાવણ્ય જાણશે તો એને કેવો આઘાત લાગશે? દામ્પત્ય નહીં, મૈત્રી પણ નહીં, કેવળ વિદ્યાની ઉપાસના! — આ આદર્શ પાછળ એણે જીવનમાં ત્રણ સર્વોત્તમ વર્ષ આપ્યાં, એનો બદલો આવો? પ્રત્યાખ્યાન પામેલી શકુંતલા તો રોષ કરીને સ્વસ્થ રહી શકી હતી. લાવણ્ય જાત સિવાય કોઈની સાથે વાત પણ નહીં કરે આ અન્યાય બદલ… હવે કરવું શું?
એમને વિશ્વનાથ યાદ આવતો હતો. એ અછતના વિસ્તારોની મુલાકાતો લેવામાં રોકાયેલો હતો. ઉપરાઉપરી પ્રવાસો ખેડ્યા કરતો હતો. એ પણ ઘણા સમયથી સિંઘસાહેબને મળ્યો નહોતો, પણ પોતાના કામમાં એમનો સાથ ઇચ્છતો હતો. એમને પ્રવાસમાં સાથે આવવા કહેવાય ખરું? એક દિવસ એણે એક નિવેદન માટે સહી માંગવા સિંઘસાહેબને ફોન કર્યો.
જે રાહત વેળાસર ન પહોંચે એ રાહત નથી, દાતાનો યશ વધારતું દાન છે. નિવેદનમાં સરકારી તંત્રને વધુ અસરકારક બનાવવા માટેનાં સૂચન હતાં. સિંઘસાહેબે સહી કરવા ઉપરાંત કહ્યું કે સ્થળ પર જઈને કામ કરવાની પણ મારી તૈયારી છે. ઉપરાઉપરી ત્રીજા ચોમાસામાં પણ વરસાદની ખેંચ ઊભી થઈ અને હપ્તે હપ્તે કરીને દુકાળે ગ્રામવિસ્તારના ગરીબો પર અજગરનો ભરડો લીધો. ચારાની શોધમાં નીકળેલાં પશુ રસ્તામાં ઢળી પડે છે. દુકાળ નથી નડતો ફક્ત ગીધોને, રુશ્વતખોર કર્મચારીઓને અને શર્મા જેવા વિદ્યાપુરુષોને….
સિંઘસાહેબ સંમત હતા: આપણે જરૂર એક દુષ્કાળ પ્રતિરોધક સમિતિ રચીએ. એમના સંપર્કના કેટલાક બૌદ્ધિકો અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પણ આવશે. તટસ્થ વ્યક્તિઓના અભ્યાસપૂર્ણ હેવાલોની અસર વિપક્ષી પ્રચાર કરતાં વધુ પડશે.
તબિયત જોઈએ એટલી સારી નહોતી છતાં સિંઘસાહેબ વિશ્વનાથ સાથે નીકળી પડ્યા. શ્રીદેવીએ દવાઓ એને સોંપી હતી. તમારા સર તો એવા છે કે તમે યાદ ન આપો તો એ પાણી પણ ન પીએ. એક દિવસ હું મહિલામંડળના પ્રવાસે ગઈ હતી. બધું તૈયાર કરીને બતાવતી ગઈ હતી પણ આવીને જોઉં છું તો રસોડામાં બધું હતું તેમનું તેમ પડ્યું છે. પૂછ્યું તો કહે: યાદ આવ્યું જ નહીં. પણ જુઓ આ લેખ પૂરો થઈ ગયો. આખો દિવસ કામ થયું…..
ત્રણ દિવસના એ પ્રવાસ દરમિયાન વિદ્યાક્ષેત્રે પ્રવર્તતા દુકાળ વિશે પણ વાત થઈ. લાવણ્યને પીએચ.ડી.નું પરિણામ મળવામાં થઈ રહેલા વિલંબનું કારણ જાણતાં જ વિશ્વનાથ અકળાઈ ઊઠ્યો. એની ભૃકુટિ ખેંચાઈ. શ્રીવાસ્તવ વિશે એણે ઘણું કહેવાનું હતું. પણ સર, તમે જાણતે છતે શર્મા પાસે લાવણ્યેનો નિબંધ જવા દીધો? આ કયા પ્રકારની તટસ્થતા?
‘પરિણામમાં કશો ફેર નહીં પડે. જરૂર પડતાં હું યુનિવર્સિટીને પણ લખીશ. તમે હમણાં અધીરાઈ ન કરતા. આ બધું ગોપનીય હોય છે. સહેજ પણ અતિરેક લાવણ્યનું અહિત કરે, શર્મા શ્રીવાસ્તવ તો સલામત અંતરે બેઠા છે.’
‘એ સલામતી જ દૂર કરવી જોઈએ. એમને એવા સીધા કરવા જોઈએ કે કાયમ માટે ખોડ ભૂલી જાય.’ — બોલ્યા પછી વિશ્વનાથને પ્રશ્ન થયો: ‘ખોડ કે ખોટ?’ મૂળમાં તો ‘ક્ષતિ’ શબ્દ હશે કે શું? જોયું? પોતે ભાવમાંથી ભાષામાં ચઢી ગયો! લાવણ્ય સાથેનો પોતાનો સંબંધ પ્રશંસક તરીકેનો રહ્યો છે. જો તીવ્રતાથી ચાહતો હોત તો દુકાળનું કામ પડતું મૂકીને એને થઈ રહેલો અન્યાય દૂર કરવા નીકળી પડત… પણ લાવણ્ય પોતે જ હમણાં લોકવન બાજુ રાહતસામગ્રી પહોંચાડવા ગઈ હતી. એ જ્યારે દુકાળ સામે લડી રહી હોય ત્યારે મારે બીજો વિચાર કરવાનો હોય ખરો?
સિંઘસાહેબના તેમજ યુનિવર્સિટીના અવિરત સ્મૃતિપત્રો પછી ડૉ. શર્માએ લાવણ્યના મહાનિબંધનો હેવાલ મોકલ્યો. એમનું ચાલ્યું હોત તો હજી પણ વિલંબ કર્યો હોત. પણ એ સંજોગોમાં યુનિવર્સિટી શર્માસાહેબની કામ કરવાની અનિચ્છા સમજીને નવા પરીક્ષક નિયુક્ત કરી દે તો?
શ્રીવાસ્તવે એમને કહ્યું હતું કે પ્રો. સિંઘની ભલામણની ત્યાં ભાગ્યે જ ઉપેક્ષા થાય તેથી તમે હેવાલ મોકલી આપો.પદવી આપવાની ભલામણ કરશો નહીં કે અસ્વીકાર પણ કરશો નહીં. સુધારા સૂચવો જેથી એક છેડો તમારા હાથમાં રહે. શર્મા માટે આ કંઈ નવી વાત નહોતી. આંટીઘૂંટી ઊભી કરવાના એ જાણતલ હતા. એમણે એવા સુધારા સૂચવ્યા કે સિંઘ સાહેબને પણ તુરત ગળે ન ઊતરે. વિલંબ થાય.
યુનિવર્સિટી લાવણ્યને મહાનિબંધ પરત કરે, લાવણ્ય સુધારેલી નકલ ફરીથી રજુ કરે. એ શર્માને પહોંચે. શર્માને સમય મળે ત્યારે તપાસે અને જો સુધારા સંતોષકારક હોય તો સ્વીકારે નહીં તો નકારે… કેવી મોટી સત્તા છે પોતાની પાસે! ચરણરજ લેવા લાવણ્યે આવવું જ પડે. અને ત્યારે શ્રીવાસ્તવનું આતિથ્ય પણ સ્વીકારવું પડે…
યુનિવર્સિટીએ સુધારા સૂચવતો ડૉ. શર્માનો પત્ર માર્ગદર્શક અને આંતરિક પરીક્ષક ડૉ. સિંઘને મોકલી આપ્યો. સિંઘસાહેબ એકથી વધુ વાર પત્ર વાંચી ગયા. એકેય સુધારો એમના ગળે ઊતર્યો નહીં. એટલું જ નહીં, એમને લાગ્યું કે એમ કરવા જતાં લાવણ્યના નિબંધમાં ભૂલો ઉમેરાય. એમણે ડો. શર્માના હેવાલ સાથે અસંમતિ દાખવી. એમણે સૂચવેલા એકેએક સુધારાનો પોતે શા માટે વિરોધ કરે છે એનાં કારણો રજૂ કર્યાં અને એ માટે શક્ય એટલાં સમર્થન પૂરાં પાડ્યાં. યુનિવર્સિટીએ એમનો જવાબ ડૉ. શર્માને મોકલી આપ્યો.
એ પછી વળી પાછો એક અકળ અવકાશ સર્જાયો.
હવે વિશ્વનાથને થયું કે પોતે તટસ્થ રહી ન શકે. યુનિવર્સિટીના ગોપનીય ગણાતા કાર્યમાં પણ ધીમું ઝેર આપવાની હદે અન્યાય થતો હોય ત્યારે આખા સમાજે મૌન પાળવાનું? પત્રકાર તરીકે પણ પોતે કંઈક કરવાપણું છે જ. છતાં અંગત લાગણીને અનુલક્ષીને એણે તંત્રીશ્રીને વાત કરીને બે દિવસની રજા માગી. જો બીજી કોઈ વ્યક્તિનો પ્રશ્ન હોત તો પોતે ફરજના ભાગરૂપે સક્રિય થાત. પણ લાવણ્યના દાખલામાં… તંત્રીશ્રી એને ફરજ પરની રજા આપવા તૈયાર હતા. એમણે સસ્મિત પૂછ્યું પણ ખરું? લાવણ્ય સાથે તમારે ક્યાં કશો સામાજિક સંબંધ છે? એ ગુજરાતી, તમે કન્નડ. કોઈને વહેમ પણ નહીં આવે.
‘સર, જગતમાં સૌથી મોટો સંબંધ મૈત્રીનો છે. લાવણ્ય સાથે નિ:સ્વાર્થ મૈત્રી એ મારા જીવનનો એક આદર્શ છે. એને ખાતર હું મારી બે સી. એલ. પણ ખર્ચી ન શકું?’
તંત્રીશ્રીને વિશ્વનાથ પહેલી વાર જક્કી લાગ્યો હતો. એ આકસ્મિક રજાઓનો પત્ર મૂકીને જ ઘેર ગયો.
અંગત કામે પ્રવાસે જવાની વાત શુભલક્ષ્મી કે પ્રભાકરને સમજાઈ નહીં. કારણ પૂછ્યું. વિશ્વનાથ ધર્મસંકટમાં મુકાઈ ગયો. પોતે જૂઠું બોલતો નથી. શું કરવું? માતાપિતાએ એને મૌન પાળવા દીધું નહિ. એણે છેવટે વિગત જણાવવી પડી.
એથી છાપ એવી પડી કે લાવણ્યના નિબંધમાં જરૂર કશીક ભૂલ હશે. એણે સુધારીને નિબંધ ફરી રજૂ કરવો જોઈએ. પિતાશ્રીની દલીલ સાંભળીને વિશ્વનાથ અકળાયો. જો આવા સુશિક્ષિત પ્રૌઢો પણ લાવણ્યનો વાંક જુએ છે તો સામાન્ય લોકો તો એને નાપાસ થવા યોગ્ય માની લેશે. વિશ્વનાથે મોઘમ રીતે બચાવ કર્યો. શુભલક્ષ્મીએ એનો પણ જવાબ આપ્યો: તું જ કહે ભાઈ, લાવણ્યે ધ્રુવસ્વામિની ભજવવા પાછળ સમય બગાડ્યો એટલો સમય એણે થીસીસ પાછળ કામ કર્યું હોત તો સહેજ પણ કચાશ રહી હોત ખરી?
વિશ્વનાથનું મોં પડી ગયું. એની પણ કશી અસર ન થઈ.
‘અમે તો માની લીધેલું કે લાવણ્ય હવે વિદ્યાનું ક્ષેત્ર છોડીને અભિનય પસંદ કરશે.’
‘માફ કરજો, તમે એને સમજી શક્યાં નથી. એને વિશેનો મારો આદર પણ સમજી શક્યાં નથી. મેં આજ સુધી તમારી આગળ સંકોચ છોડીને વાત કરી નથી, પણ આ ક્ષણે મારા જીવનની જે કંઈ ભાવનારૂપી મૂડી છે એ મને એમ કહેવાની ફરજ પાડે છે કે જેમ હું દેશ માટે મરવાનું પસંદ કરું તેમ લાવણ્ય માટે પણ – બદલાની સહેજ પણ અપેક્ષા વિના, માત્ર મૈત્રીના બળે —’
‘પ્રેમ પાછળ ગાંડા થતાં માણસોની વાર્તાઓ વાંચી છે, આ નવું! મૈત્રી પાછળ ગાંડા —’
‘એ જ જીવનનું સૌથી મોટું ડહાપણ છે, બાહુજી! આ શબ્દો મારે તમારી પાસેથી સાંભળવાના હોય. પણ તમેય દીકરાનો સ્વાર્થ વિચારતાં બીજાં માબાપ જેવાં જ છો.’
પ્રભાકરભાઈએ વાત વાળી લેવા ઘણો પ્રયત્ન કર્યો. થોડી રમૂજ પણ કરી. પોતે આદર્શવાદી નથી, પિતાજી હતા. એમના ગુણ ત્રીજી પેઢીએ વિશ્વનાથમાં ઊતર્યા…
શુભલક્ષ્મીને બોલવાનું સૂઝતું નહોતું. એ વિશ્વનાથની ગંભીરતાનું રહસ્ય પામી ગયાં હતાં. એમણે મનોમન નક્કી કરી લીધું: હવેથી પોતે કદીય લાવણ્ય વિશે ઘસાતું નહીં બોલે….
વિશ્વનાથે એ રીતે ગાડી પસંદ કરી હતી કે ઑફિસના સમયે ડૉ. શર્માને મળી શકે. એ પહોંચ્યો ત્યારે એમના ખંડની બહાર પટાવાળા માટેનું ટેબલ ખાલી હતું. અંદર કોલાહલ હતો. ટેબલ પર છાપાના કાગળમાં નાસ્તાનો ઢગલો હતો, પટાવાળો એ મૂકીને ચા લેવા ગયો હતો.
શ્રીવાસ્તવને ગુજરાતમાં રહેવાથી ગુજરાતી તો નહોતું આવડ્યું પણ દાળવડાં ખાવાની ટેવ પડી હતી. એ ખુશ હોય ત્યારે દાળવડાં પાછળ ખર્ચ કરતો. એક ગુજરાતીની હૉટલ એણે શોધી રાખી હતી. ત્યાં કોઈક વાર બેસીને એ કડકમીઠી ચા પણ પીતો અને ગુજરાતમાં શું શું ખોટું થયું એ જાણીને રાજી થતો.
પટાવાળો દેખાતાં શ્રીવાસ્તવે એના નામની ચિઠ્ઠી મોકલાવી. કોઈક આ રીતે પોતાને માન આપી રહ્યું છે એ જોઈને ડૉ. શર્માએ પ્રસન્નતાથી કહ્યું: અંદર મોકલો.
વિશ્વનાથને આવકાર આપવાની સાથે નાસ્તામાં જોડાવા આમંત્રણ પણ અપાયું. શ્રીવાસ્તવે પોતાના વડાને મહેમાનનો પરિચય આપ્યો અને બહાર જઈને પટાવાળા સાથે બીજી જ મિનિટે ચિઠ્ઠી મોકલી.
ડૉ. શર્માએ ધારી લીધેલું કે આ પત્રકાર એમના દૈનિક માટે મારી મુલાકાત લેશે અને છાપશે. એમને શ્રીવાસ્તવની ચિઠ્ઠી મળી અને એમનો ઉમંગ ઓસરી ગયો, ધારણ કરેલી મુદ્રા ઢીલી પડી ગઈ. જો પ્રો. સિંધે આ માણસને મોકલ્યો હોય તો એની સામે સાવચેત રહેવું પડે. શ્રીવાસ્તવ ઇચ્છે છે તેમ આ મામલો એને જ સોંપી દેવો. એ ચિઠ્ઠીનું રહસ્ય પામી ગયા એની સાથે શ્રીવાસ્તવ પાછા આવી ગયા. ગુજરાત વિશે પૂછવા માંડ્યું.
વિશ્વનાથે ટૂંકા ઉત્તર આપ્યા અને ડૉ. શર્મા એકલા પડે એ માટે રાહ જોઈ, પણ શ્રીવાસ્તવ ઊઠ્યા જ નહીં. છેવટે વિવેક છોડીને કહેવું પડ્યું: ‘મારે શર્માજી સાથે વાત કરવી હતી.’
શર્માજીએ શ્રીવાસ્તવ સામે જોયું. પોતાની અવેજીમાં બોલવા જણાવ્યું. શ્રીવાસ્તવે ખોંખારીને કહ્યું: તમારી વાત પહેલાં મારે સમજી લેવી એવી ડૉક્ટરસાહેબની ઇચ્છા છે. ચાલો મારી કેબિનમાં.
વિશ્વનાથ પાસે વિકલ્પ નહોતો. શર્માજીનું સ્મિત પણ શ્રીવાસ્તવની દરખાસ્તને ટેકો આપતું હતું. એ શ્રીવાસ્તવને અનુસર્યો. આવા માણસને એ જીવનમાં પહેલી વાર અનુસરી રહ્યો હતો…
શ્રીવાસ્તવે વિશ્વનાથને બેસાડીને પહેલાં ખાતરી કરી લીધી કે પોતે જે કંઈ બોલે છે એને આ માણસ ટેપ તો નથી કરી રહ્યો ને! એક વાર મગરૂરીથી આ માણસને બધું ટેપ કરવા દીધેલું એ ભારે પડેલું. હવે ફરી નિખાલસ થવાનું જોખમ ખેડવું નથી. એણે એકેએક શબ્દ સાવચેતીથી બોલવા માંડ્યો, એ જો પોતાના અધ્યાપનના વ્યવસાયમાં આટલું ધ્યાન રાખે તો વિવેચક થાય. જોકે એ સિવાય પણ શ્રીવાસ્તવ પોતાને વિવેચક તો માને જ છે.
ડૉ. શર્મા વતી એણે સૂચવેલો ઉપાય આ પ્રમાણે હતો. પ્રો. સિંઘનો પત્ર યુનિવર્સિટીએ અહીં મોકલી આપ્યો છે. શર્માજીના સુધારા સિંઘને માન્ય નથી તો હવે એક જ ઉપાય રહે. મૌખિક પરીક્ષા વખતે બંને પરીક્ષકો વચ્ચેના મતભેદોનો નિકાલ આવી શકે. શર્માજી આજે જ મૌખિક પરીક્ષાની તારીખ જણાવતો પત્ર તૈયાર કરી આપે.
પ્રો. સિંઘ એના જવાબમાં પોતાની અનુકૂળતા જણાવે અને શર્માજીને લેવા માટે લાવણ્યને અહીં મોકલે. આજકાલ એમની તબિયત સારી રહેતી નથી, તેથી લાવણ્ય એમને લેવા આવે તો કશી અનિશ્ચિતતા રહે નહીં. વળી, થીસીસની મહત્વના મુદ્દાઓની રસ્તામાં ચર્ચા પણ થઈ શકે. પ્રો. સિંઘ કરતાં શર્માજીની ઉંમર ઘણી વધારે હોવાથી આ સહપ્રવાસ વિશે કશી ગેરસમજ નહીં થાય.
‘પણ આ બધું જરૂરી છે?’
‘બીજો ઉપાય નથી.’
‘છે. ડૉ. શર્માની તબિયત સારી નથી તો એ કારણે એ પરીક્ષક તરીકે રાજીનામું આપી દે.’
‘એથી તો લાવણ્યનો કેસ વધુ ગૂંચવાય.’ — શ્રીવાસ્તવે અવાજમાં ભાવાત્મક સ્પર્શ ઉમેરતાં કહ્યું — ‘મારા અને સિંઘના ઝઘડામાં લાવણ્ય ભલે સિંઘના પક્ષે રહી હોય પણ મેંય એને ભવનની વિદ્યાર્થિની તરીકે મારી જ વિદ્યાર્થિની માની છે. હું એનું અહિત નથી ઇચ્છતો. શર્માજી તો આવી થીસીસ રીજેક્ટ કરતાં પણ સંકોચ ન પામે, પણ મેં જ એમને વારેલા. તેથી એમણે સુધારા સૂચવીને પોતાનાં ધોરણ સાચવવા આગ્રહ રાખ્યો. એમને ખાતરી થશે કે લાવણ્ય આ ડિગ્રી માટે યોગ્ય છે તો એ વાયવા-વોસી પછી તુરત ભલામણ કરશે.’
વિશ્વનાથ આ દરખાસ્ત પાછળની ચાલબાજી સમજી શકે એટલી વિગતો એને સિંઘસાહેબ પાસેથી મળી ચૂકી હતી. વળી, ડિગ્રીના મોહે લાવણ્ય શર્મા જેવા ખડ્ડસને લેવા સામે ચાલીને આવે એ પણ એને શક્ય લાગતું ન હતું. એણે લાંબી વાત ન કરતાં ડૉ. શર્માના રાજીનામા પર ભાર મૂક્યો. શ્રીવાસ્તવે કૃત્રિમ ગુસ્સે કર્યો:
‘તમે પત્રકાર હોવા છતાં બહુ ઓછું સમજો છો. શર્માજી સ્વમાની છે. એ આવેશમાં આવીને રાજીનામું આપી દે તો એનું પરિણામ શું આવે જાણો છો? યુનિવર્સિટીએ નવા પરીક્ષક માટેની કાર્યવાહી હાથ ધરવી પડે, એમાં સમય જાય. પછી એને થીસીસ મોકલવામાં આવે. એ વાંચીને રિપોર્ટ મોકલે એમાં છ આઠ મહિના સહેજે વીતી જાય. કદાચ વરસ પણ વીતી જાય. ડિગ્રી વિના લાવણ્ય આ ગાળામાં સારી નોકરીની તક પણ ગુમાવે.’
‘એને સારી નોકરીની એવી ઉતાવળ હોય એવું હું માનતો નથી.’
‘પણ જો એ “ગુરુ દેવો ભવ”માં માને છે તો “અતિથિ દેવો ભવ”માં પણ માનતી હશે. એ સામે ચાલીને લેવા આવે એમાં —’ શ્રીવાસ્તવને બોલતાં અટકાવીને વિશ્વનાથે કહ્યું:
‘વિદ્યાર્થી પરીક્ષકને લેવા આવે એ વ્યવસ્થા લાવણ્યને અનૈતિક અને હાસ્યાસ્પદ લાગશે.’
‘એમ આળા થયે ન ચાલે. પીએચ.ડી.ના પરીક્ષણની એક રીતભાત છે. આ મેં જે કંઈ કહ્યું એમાં કશું નવું નથી. લાવણ્યને કહેજો કે સેન્ટિમેન્ટલ ન થાય. આ બાબતે એણે સંઘને બદલે મારી સલાહ પ્રમાણે વર્તવાની જરૂર છે. એમાં એનું હિત છે.’
‘પ્રોફેસર શ્રીવાસ્તવ, મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે તમે લાવણ્યને કોઈક જુદી જ નજરે જોઈ છે. એને ઓળખી નથી.’
‘એને, સિંઘને – બધાંને ઓળખી ચૂક્યો છું. એ પછી જ મેં ગુજરાત છોડ્યું છે. હું શર્માજી માટે કશું નવું નથી માગતો. અને મારા માટે તો કશું જ નહીં. તમારી ફ્રેન્ડનું ભીનું સ્મિત પણ નહીં.’
આ ક્ષણે વિશ્વનાથને જાત પર કાબૂ રાખતાં તકલીફ પડી. એણે રોષ શ્વાસમાં રૂંધી લીધો અને ઊભો થયો. એને થયું કે અહીં કશું વળે તેમ નથી છતાં શર્માને મળતો જાઉં. સાવચેત કરવાથી કદાચ એમને સ્વાર્થ સમજાય…
વિશ્વનાથે શર્માને શ્રીવાસ્તનું મંતવ્ય કહી સંભળાવ્યું. શર્માજી સ્થિતપ્રજ્ઞની મુદ્રા ધારણ કરીને બેસી રહ્યા. છેવટે એક વાક્ય બોલ્યા: ‘મારી તબિયત સારી નથી રહેતી એ સાચું છે.’ એમણે એક વજનદાર પુસ્તકનું પૂંઠું ઉઘાડ્યું. પુસ્તક ઊંધું પડ્યું હતું. પુસ્તક સરખું કરીને વિશ્વનાથ ઊભો થઈ ગયો.
એણે ત્યાંના બે પત્રકાર મિત્રોનો અભિપ્રાય મેળવ્યો. શર્મા માત્ર વિદ્યાપ્રેમથી કશું કરતા નથી. ‘પણ યુનિવર્સિટી પરીક્ષણ બદલ વળતર તો આપે જ છે ને!’ એમને એટલાથી સંતોષ થતો નહીં હોય. — બહુ ટૂંકો જવાબ ઘણો સૂચક હતો.
વિશ્વનાથ અમદાવાદ પહોંચ્યો એ પહેલાં દૈનિકોમાં અણધાર્યા સમાચાર પ્રગટ થઈ ચૂક્યા હતા: ‘લાવણ્યની થીસીસ રીજેક્ટ!’
કોણે આપ્યા આ સમાચાર દૈનિકોને? યુનિવર્સિટી કે કોઈ સમાચાર સંસ્થા તો આવા સમાચાર દૈનિકોને? યુનિવર્સિટી કે કોઈ સમાચાર સંસ્થા તો આવા સમાચાર દૈનિકોને? યુનિવર્સિટી કે કોઈ સમાચાર સંસ્થા તો આવા સમાચાર આપી શકે નહીં. તો આ કોનું કારસ્તાન? હકીકત જાણતાં વાર ન થઈ. શ્રીવાસ્તવના જૂના સંબંધોએ કામ આપ્યું હતું. જે શ્રીમંત યુવતીને પ્રથમ વર્ગ અપાવવાનો શ્રીવાસ્તવનો સોદો સિંઘસાહેબે નિષ્ફળ બનાવ્યો હતો એણે આ સમાચારનું ત્વરિત વિતરણ કરીને બદલો લીધો હતો!
શું કરવું? પહેલાં તો લાવણ્યને મળવું જોઈએ. એ ગયો. પ્રગટ થયેલા સમાચારે લાવણ્યને નિશ્ચેષ્ટ કરી મૂકી હતી. નહોતું કર્યું સ્નાન કે નહોતી પીધી ચા. ઘૂંટણ પર હાથ મૂકીને એ દીવાલને ટેકે બેઠી હતી. બાજુમાં છાપું ખુલ્લું પડ્યું હતું. બારણાની ઘંટડી વાગતાં એ ઝબકી. તુરત ઊભી ન થઈ. પૂછ્યું: ‘કોણ?’
વિશ્વનાથ છે એ જાણીને લાવણ્યના શરીરમાં કંઈક ચેતન આવ્યું. બારણું ખોલી, ખુરશી ધરી પોતે મૂળ જગાએ પૂર્વવત્ બેસી ગઈ.
બેએક મિનિટ એમ જ વીતી. ખુલ્લું છાપું વાળીને એક બાજુ મૂકતાં વિશ્વનાથે કહ્યું: ‘ખોટું છે.’
‘બધું જ ખોટું છે. પ્રેમ ખોટો, કળા ખોટી, જ્ઞાન ખોટું – જેને ઇષ્ટ માનો એ બધું ખોટું છે.’ — લાવણ્ય સ્વગતની જેમ બોલી. વિશ્વનાથે એવા જ સ્વરે જવાબ આપ્યો:
‘ના, અનિષ્ટ ખોટું છે. એનું આવતી કાલે જ નિવારણ થશે. તમે નિશ્ચિંત રહો.’
‘નિશ્ચિંત રહેવામાં મેં કદી પાછી પાની કરી નથી. આજ સુધી સઘળી આપત્તિઓને હસતે મોંએ સ્વીકારી છે. પણ આ ઘા જીરવી શકાયો નહીં. કોઈએ શા માટે આવો પ્રહાર કર્યો? સિંઘસાહેબનું નામ પણ છાપ્યું છે! એમના કોઈ વિદ્યાર્થીની થીસીસ આજ સુધી રીજેક્ટ થઈ નથી.’
‘પણ તમારી થીસીસ રીજેક્ટ થઈ નથી.’ — વિશ્વનાથે કહ્યું, જે સાંભળવા છતાં લાવણ્યને સાચું લાગ્યું નહીં. છાપાના અક્ષરો એને માટે પાટો બની ગયા હતા.
‘સરને મારા કામથી સવિશેષ સંતોષ હતો, છતાં પરિણામમાં વિલંબ થઈ રહ્યો હતો. એ વિલંબ હું ધીરજથી વેઠી રહી હતી, પણ આ અન્યાય સહન કરવાની મારામાં શક્તિ નથી. જાણે કે જીવવામાંથી રસ ઊડી ગયો છે. સામાન્ય પરીક્ષામાં નાપાસ થનાર કિશોર-કિશોરીઓના આપઘાત વિશે વાંચીને થતું: આવું ગાંડપણ કેમ સૂઝતું હશે? પણ આજે થાય છે કે મરણેચ્છા પણ દરેક વ્યક્તિની ભીતર ક્યાંક છુપાઈને પડી હોય છે.
વનલતાએ એક વાર મને શ્રદ્ધાનો અવતાર કહી હતી. ત્યારે તેનું વિધાન ગમેલું. આજે મારા પગ નીચેની ધરતી ખસી ગઈ છે. મારાં આજ સુધીનાં બધાં ગૃહિતો સામે પ્રશ્નચિહ્ન મુકાઈ ગયાં છે. સત્ય અને ઋત વિશે જે જાણું છું એ આ ક્ષણે સમજાતું નથી. કદાચ મેં મારા વિશે ઘણું બધું માની લીધેલું.’
‘એ સાચું જ હશે. હું કોઈના અહંકારનો નહીં, આત્મવિશ્વાસનો સમર્થક છું. અને તેથી આઉટ ઑફ વે જઈને —’ કદાચ એ કહેવું જરૂરી નહોતું. છાપામાં ખોટા સમાચાર પ્રગટ થયા ન હોત તો શર્મા-શ્રીવાસ્તવની સાથેની મુલાકાત વિશે મૌન પાળી શકાત. હવે આઘાત ઓછો કરવા માટે અન્યાયકર્તાઓના સ્તર વિશે વાત કરવી જરૂરી લાગી.
શ્રીવાસ્તવની ભલામણ મુજબ શર્માએ થીસીસ રીજેક્ટ ન કરતાં સુધારા સૂચવીને પરિણામ પોતાના હાથમાં રાખ્યું હતું. જો એ રીજેક્ટ કરે તો ત્રીજા પરીક્ષક પહેલા પરીક્ષકની જેમ તટસ્થ મૂલ્યાંકન કરે અને અન્યાયનું નિવારણ થાય. આ ચાલબાજીનો ભેદ સમજાતાં લાવણ્ય ટટ્ટાર બેઠી. બીમારીનો સ્વાંગ રચી બેઠેલા શર્માને લઈ આવવાના સૂચન પાછળ તો કેવી વિકૃત મનોદશા કામ કરી રહી છે!
ક્યાં ગઈ એ દીક્ષાન્ત પ્રવચનોની સમુન્નત શુભેચ્છાઓ! અને ક્યાંથી આવ્યું આ મગરમચ્છી માનસ!
આ વાસ્તવિકતા વચ્ચે પણ સિંઘસાહેબ જેવા સ્વયંપ્રકાશિત તારકો વિદ્યમાન છે એ નાનુંસૂનું આશ્વાસન નથી. — વિશ્વનાથની વાત લાવણ્યને સ્પર્શી ગઈ. એ કોફી બનાવવા ઉઠી. વિશ્વનાથ ચૂપચાપ અનુસર્યો. મદદ કરવા લાગ્યો. પછી એણે તૈયાર થવા સલાહ આપી, લાવણ્ય માટેની ચા બનાવવાનું માથે લીધું. એક જ તપેલી વાપરી તેથી કૉફીની સુગંધ ચામાં ભળી ગઈ. સ્નાન પછી બહેનને ત્યાં તુરત ચા પીવા મળતી. એનું સ્મરણ થયું. પહેલો ઘૂંટડો ભરતાં એ હસી પડી. વિશ્વનાથે બચાવ કર્યો: ‘તમારે બે તપેલી ધોવી ન પડે માટે —’
‘સારું છે, તમને એ કામ કરવાનું ન સૂઊયું!’
‘એવું માનશો જ નહીં. તમે રાખો તો અહીં સફાઈ કામદાર તરીકે પાર્ટટાઈમ નોકરી કરવા તૈયાર છું. હું તો તમારા પ્રેમમાં પડ્યો એ દિવસથી ભક્તિ ઇચ્છું છું, એકાન્તિક ભક્તિ. પ્રેમી અને પરમાત્મા વચ્ચે ભેદ ન કરનાર સૂફી કવિઓનો હું અનુયાયી છું. તમારા કલાપિની પેલી પંક્તિઓ મને બહુ ગમે છે —
પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ,
ગાલે ચૂમું કે પાનીએ તુંને સનમ!’
લાવણ્યે એનો ડાબો પગ પાછો ખેંચી લીધો અને સાડીના પાલવ નીચે પાની ઢંકાયેલી છે એ જોઈ લીધું. આ ક્રિયાની સભાનતા એની પાંપણોમાં પણ ફરકી અને વિશ્વનાથને થયું કે એની આરાધ્યદેવી પોતે માને છે એટલી વિમુખ નથી.
બંનેના કપ મૂકી આવીને લાવણ્ય મુખવાસ લઈ આવી. કહે: ‘તમે હમણાં તમારા પ્રવાસની વાત કરી ત્યારે હું આભારની લાગણી સાથે પણ તમારા પ્રયત્નની યોગ્યતા વિશે દ્વિધામાં હતી. પણ એ લોકોની બદદાનત વિશે જાણવાનો બીજો ઉપાય ન હતો.
તમે એક ઉત્તમ પત્રકાર થશો કેમ કે તમારામાં વિવેક અને સાહસ છે. એક આહત યુવતીની આ શુભેચ્છા હૃદયના ઊંડાણમાંથી આવી છે. સાચી પડશે. સવારે છાપું વાંચીને આઘાત લાગેલો. મારો મોહ તળેઉપર થઈ ગયો હતો. હવે મોહભંગ થઈ ગયો છે. શર્મા જેવા પરીક્ષકના હાથે મળનાર ડિગ્રીનો હવે મારે કશો ખપ નથી. મને લાગે છે મારે આ ઉચ્ચ શિક્ષણ સાથે છેડો ફાડીને લોકવન જવું જોઈએ. ત્યાં ઘણું કામ છે…
વિશ્વનાથે ફરી છાપું ખોલ્યું. જોયું અને બાજુમાં ફેંક્યું. ‘તમારે ડિગ્રીનો ખપ નથી એ ખરું પણ શર્માની બદમાશી આગળ નમતું ન જોખાય. આજે આ ખોટા સમાચારની રમત રમાઈ ગઈ અને મારે તમને હકીકત જણાવવા આવવું પડ્યું. બાકી તો હું સીધો વી. સી.ને જ મળવાનો હતો. અલબત્ત સિંઘસાહેબની સંમતિથી —’
‘એમનો આઘાત તો મારાથી પણ સવાયો હશે.’ — કહેતાં લાવણ્ય ઢીલી થઈ ગઈ.
બરાબર તે જ ક્ષણે શ્રીદેવી ધ્રુવસ્વામિનીની છટાથી દાખલ થયાં: ‘શેનો આઘાત? દુરિતે ઊભા કરેલા અંતરાયનો? ઈવિલ રેઝિસ્ટ યૂ મસ્ટ, સરન્ડર ઈઝ ડેથ! — આ કોના શબ્દો છે એ તો તેં જ મને એક વાર કહેલું. વિશ્વનાથ તમે જાણો છો?’
‘મેં ગાંધીજીને પૂરેપૂરા વાંચ્યા નથી પણ આ સૂત્રના જોરે તો હું પત્રકાર થયેલો. કેમ છે સિંઘસાહેબ?’
શ્રીદેવીએ ઉત્તર આપતાં વાર કરી. લાવણ્યના બરડે હાથ ફેરવવા જતાં એમની આંખોમાં પણ લાવણ્યનાં આંસુનું પ્રતિબિંબ પડ્યું હતું.
‘સરની તબિયત તો સારી છે ને?’ — લાવણ્યે પૂછ્યું.
‘મારા ધારવા કરતાં ઘણી સારી. એ વી.સી.ને મળીને થોડી વારમાં આવે છે. એમને ખાતરી છે કે યુનિવર્સિટી રદિયો જરૂર આપશે. જ્યારે પરીક્ષણની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આવા ખોટા સમાચાર આપવાની કોઈ હિંમત કરી શકે જ કેવી રીતે?
લાવણ્ય મોં ધોઈ આવી. એ પછી પણ આંસુ આવી ગયાં. જે શ્રીદેવીના પાલવથી લૂછાયાં. ચહેરાએ કંઈક વધુ લાલાશ ધરી. શ્રીદેવી કહી રહ્યાં હતાં: ‘એક ઘસરકાને હાથે કરીને ઘા બનાવી દેવો? આપણે આવાં છમકલાંથી ડઘાઈ જઈએ તો વિઘ્નસંતોષીઓ રાજી થાય. અણધારી રીતે આપણે દુરિતને મદદરૂપ થઈ બેસીએ. તેથી લડત તો આપવી જ રહી, વિજ્યનો અહંકાર ભલે ન કરીએ.’
સિંઘસાહેબ વી.સી.ને મળીને આવી પહોંચ્યા ત્યારે લાવણ્ય સ્વસ્થ થઈ ચૂકી હતી. છતાં બોલવા જતાં જ લાગણીશીલ બની ગઈ:
‘મને પીએચ.ડી. થવાનો બહુ મોહ હતો. જોયું? કેવું થયું? મુગ્ધપ્રેમને હું બિરદાવતી નહોતી, વર્તમાન ઉચ્ચ શિક્ષણની હું પ્રશંસક નહોતી છતાં બંનેમાં ખેંચાઈ. પહેલાં પ્રેમ ગુમાવ્યો, પછી પદવી.’
‘તમે કશું જ ગુમાવ્યું નથી.’ — વિશ્વનાથે સિંઘસાહેબ અને શ્રીદેવીની હાજરીની સભાનતા છોડીને કહ્યું: ‘મને ઉત્તરોત્તર તમારો નવો પરિચય થતો ગયો છે. હું ખુલ્લી આંખે સમાજમાં ફરનારો માણસ છું પણ તમારા જેવી યુવતી મેં જોઈ નથી. ખેર, હું તમારો સમકક્ષ હોત તો કેવું સારું! શું વનલતાના શા સમાચાર છે?’
‘એનો પત્ર હતો. બાળક અવતર્યું પણ એવું નબળું હતું કે અહીંના વાતાવરણમાં જીવી શક્યું નહીં. ત્યાં રહી હોત તો કદાચ એને બચાવી શકાયું હોત. વિનોદની આ વાત જમુનાબેન અને મધુકરભાઈને ગળે ઊતરી છે. હવે એવો શુભ પ્રસંગ આવશે ત્યારે એ બંને અમેરિકા જશે.’
‘પ્રેમલ શું કરે છે?’
‘જમુનાબેન કહેતાં હતાં કે કેટલાય દિવસથી એનો પત્તો નથી. જૉન સાથે પ્રવાસે ગયેલો, પાછો આવે ત્યારે ખરો! કાગળ લખવાની તો એને ટેવ જ નથી. સ્ટુડિયો અત્યારે ચોકીદારને હવાલે છે.’
‘હં, હું એ બાજુ જઈશ તો નજર કરતો આવીશ. સર, જો સાંજ સુધીમાં યુનિવર્સિટીનો રદિયો ન આવે તો હું વી.સી.ને ફોન કરું?’
‘વી.સી.એ રદિયો આપવા મને અધિકૃત કર્યો. છે. જુઓ આ પત્ર!’
સિંધસાહેબ ઘેરથી પત્ર લઈને ગયા હતા. વી.સી એમની સાથે સંમત થયા હતા. એમના હસ્તાક્ષર જોઈને વિશ્વનાથે સંતોષનો શ્વાસ લીધો. સિંઘસાહેબે રિસેસમાં એને વિદ્યાભવન આવવા કહ્યું. એ ‘ઓ.કે.’ કહીને ઊપડ્યો.
* * *
પ્રેમલ પાછો આવે એની રાહ જોતાં જમુનાબેન અને મધુકરભાઈ તૈયારી કરી રહ્યાં હતાં. વનલતા ફરી સગર્ભા બની છે. એણે છેલ્લા પત્રમાં લાવણ્યને લખ્યું છે: થોડા વખત પહેલાં ન્યૂ જર્સીની વડી અદાલતે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો. એણે ભાડૂતી માતાની જોગવાઈને ગેરકાનૂની ઠરાવી છે. તું જાણે છે? આ ભાડૂતી માતા એટલે શું? એને માટે અહીં પ્રચલિત શબ્દ છે. ‘સરોગેટ મધર્સ.’
પત્નીના ગર્ભાશયમાં કંઈક ખામી હોય કે બીજા કોઈ કારણે વંધ્યત્વ હોય તો એના નિવારણ માટે તબીબી વિજ્ઞાને ઘણું કર્યું છે. પણ અહીં તો એક પત્ની બાળકને જન્મ આપવાની તકલીફ લેવા માંગતી નથી અને એનો પતિ પિતા થવા ઉત્સુક છે. બંને છૂટાં પડ્યા વિના સમાધાન શોધી કાઢે છે. જા, ખર્ચ કરીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં બાળક ઉત્પન્ન કરી આવ! પેલા કેસમાં ભાડે આવેલી સ્ત્રી પરણેલી હતી. એ એના પતિની સંમતિથી દસ હજાર ડોલર લઈને બાળક ઉત્પન્ન કરી ઉછેરી આપવા તૈયાર થઈ હતી. કરાર થયો હતો, પણ બાળક થતાં એ સ્ત્રીનું માતૃત્વ જાગ્યું. એણે બાળક સોંપવાની ના પાડી. પેલો ખર્ચ કરનાર પતિ બાળકના પિતા તરીકે કોર્ટે ચઢ્યો. સ્ત્રીએ પ્રતિકાર કર્યો. પેલાએ અગાઉ આપેલા દસ હજાર ડોલર વડે એણે બાળકને ઉછેરવાની બાંહેધરી આપી. આ ઘટના પછી વડી અદાલતે ‘સરોગેટ મધર્સ’ના કરારને ગેરકાનૂની ઠરાવ્યો. તેં આ વિશે વાંચેલું?
લાવણ્યે સાંળળેલું કે આવો વિષય લઈને શ્રી કાંતિ મડિયાએ એક નાટક તૈયાર કર્યું છે. સોદામાં પણ ક્યારે લાગણીની સચ્ચાઈ પ્રગટ થઈ જાય, કશું કહેવાય નહીં.
આ પ્રકારની ઘટનાઓમાં પેલી સોદાબાજ સ્ત્રીઓ કરતાં સંતાનને જન્મ આપવાનું ટાળતી પત્નીઓ સામે લાવણ્યને વધુ ઈતરાજી હતી.
આ કેવું! પ્રસૂતિની વેદના વેઠવી નથી ને પત્ની તરીકેના બધા લાભ જોઈએ છે! જો વિલાસ જ કરવો છે તો શા માટે લગ્ન કરતી હશે? ત્યાંના સમાજમાં મુક્ત સંબંધો રાખનાર સામે પણ ક્યાં કશાં કાનૂની પગલાં લેવાય છે? જ્યાં રાજ્ય કુંવારી માતાઓને આર્થિક મદદ કરતું હોય ત્યાં પત્ની માતૃત્વની જવાબદારીને કૌટુંબિક ફરજ ન સમજે તો એમાં કશી નવાઈ નથી.
લાવણ્યે લખ્યું કે જે યુવતી લગ્ન વિના સંતાનને જન્મ આપે છે એ ગર્ભપાત નથી કરાવતી એટલા પૂરતી નિર્ભય લાગે છે પણ પછી એ રાજ્યની મદદ લેતાં વામણી ઠરે છે. સમાનતા માટે લડતી મહિલાવાદી કાર્યકરોએ પોતાના આંતરિક વિરોધાભાસો દૂર કરીને નૈતિક વિકાસ કરવો જોઈએ. યાતના વેઠ્યા વિનાનો વિકાસ અધકચરો હોય છે….
એણે વનલતાને લખ્યું: પ્રથમ બાળકીના અવસાન પછી તારે એકાદ વર્ષ વીતવા દેવું જોઈતું હતું. પણ તું લખે છે કે તબિયત સારી છે અને દાક્તરી તપાસમાં પણ કશું ચિંતાજનક નથી તેથી હું વધુ લખતી નથી. અલબત્ત, તને ગર્ભપાતની સલાહ તો હું ન જ આપત. જવાબમાં વનલતાએ લખ્યું હતું કે વિનોદે એ છૂટ આપી હતી, પણ મારો જીવ ચાલતો ન હતો. વિનોદના મિત્ર અતુલ દેસાઈએ મને હિંમત આપી. આ એક વેદના વેઠી લઈને પછી ઓપરેશન કરાવી દેવું. બાળક હશે તો તમને એકલવાયાપણું નહીં લાગે. મારી પત્ની એકલી પડી જશે એ બીકે તો હું લગ્ન નથી કરતો.
શું કરે છે તમારી બહેનપણી? લાવણ્ય ઉર્ફે ધ્રુવસ્વામિની? એ પરણી જાય તો મને બીજું પાત્ર શોધવાનું સૂઝે. વનલતાએ પત્ર પૂરો કરતાં લખેલું: કદાચ અતુલભાઈ લગ્ન નહીં કરે. એ પોતાનાં ધોરણો સાથે બાંધછોડ નહીં કરે. અને કહેતા રહેશે એવી ઉત્તમ સ્ત્રી સાથે આ સમાજમાં રહેવું સલામતીભર્યું નથી. સમર્થનમાં સંસ્કૃત સુભાષિત ફટકારે છે: ભાર્યા રૂપવતી શત્રુ!
લાવણ્યે એના પત્ર સાથે જાણીતા પત્રકાર શ્રી સદાવ્રતીના લેખની નકલ મોકલી. કેમ કે એમાં વનલતા-વિનોદે એમનું આતિથ્ય કર્યાના ઉલ્લેખ સાથે કેટલીક સામાજિક વીગતો હતી. ત્યાં દર વર્ષે ત્રણ લાખ એંશી હજાર લોક સિગારેટથી થતા રોગોથી મરે છે. એમાં કુમળી વયની કિશોરીઓ પણ હોય છે.
1987ના અંત સુધીમાં ત્યાં વીસ હજાર ઉપરાંત વ્યક્તિઓ ‘એઈડ્ઝ’નો ભોગ બનીને મૃત્યુ પામી છે. સત્તર વર્ષની થાય એ પહેલાં મોટા ભાગની અમેરિકન છોકરીઓ જાતીય સંબંધો અનુભવી ચૂકી હોય છે અને દર વર્ષે લગભગ દસ લાખ કિશોરીઓ સગર્ભા બને છે. આ બાબતે અમેરિકા દુનિયામાં મોખરે છે. છૂટાછેડાની છૂટછાટ પણ ત્યાં સૌથી વધુ છે. સાગરકિનારા જેવી જગાએ સહેલગાહે ગયેલાં યુગલો એમનાં બાળકોની હાજરીમાં જ નગ્નઅવસ્થામાં ફરતાં હોય છે, ધ્રૂમપાન કરે છે, શરાબ પીએ છે….
લેખક અતિથિ હતા એ દિવસોમાં જ સિત્તેર વર્ષનું એક સુથારદંપતી એમને ત્યાં ફર્નિચર મૂકવા ગયેલું. એમને આઠ સંતાનો હતાં, દરેકનાં ચાર ચાર! એમનાં સંતાનોને આઠ વત્તા છ એમ કુલ ચૌદ સંતાનો હતાં પણ એમાંથી બેની સંખ્યા બાદ કરવાની હતી કેમ કે વૃદ્ધાના દીકરા અને વૃદ્ધની દીકરીએ લગ્ન કરેલાં. એમના બે બાળકોની ગણતરી બંને પક્ષે કરી હતી. આમ, ચૌદ નહીં પણ બાર પૌત્ર-પૌત્રીઓથી એમનો સંસાર હર્યોભર્યો હતો પણ એનો એમને સહેજે ફાયદો ન હતો. એ બંને એકલાં હતાં.
એમનાં સંતાનોએ લગ્ન કર્યાં એ પછી આ વેવાણ-વેવાઈ પરણ્યાં હતાં. સાક્ષીભાવે આ બધું જોનાર સદાવ્રતીને પ્રશ્ન થાય છે: ‘દીકરીઓની જવાબદારી ન ગણીએ તોયે આ વૃદ્ધને એક અને વૃદ્ધાને ત્રણ દીકરા હતા છતાંયે પાછલી જિંદગીમાં આધાર મેળવવા માટે આ વેવાઈ-વેવાણને એકબીજાનું ઘર માંડવું પડ્યું એ કેવી સંસ્કૃતિ? વૃદ્ધાવસ્થામાં માબાપ આ રીતે માત્ર આધાર મેળવવા માટે લગ્ન કરે એ એમનાં પુત્રપુત્રીઓ માટે કોઈ પ્રકારે આઘાતનો વિષય નથી બનતો! આ બંને વૃદ્ધો પતિપત્ની તરીકે ખરેખર સંતોષી લાગ્યાં. છતાં સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા અને કેન્સરના દર્દી એવા વૃદ્ધ જ્હૉન્સનને બંનેના ગુજરાન માટે હાંફતાં હાંફતાં પણ શ્રમભર્યું સુથારી કામ કરવું પડે એ કરુણતા પણ કેવી?’
વનલતા, આ સમૃદ્ધિ છે તારા અમેરિકાની? મારો જીવ કહે છે કે તારે અને વિનોદે અહીં વેળાસર પાછાં આવી જવું જોઈએ. છતાં તારા ભાવિ સંતાનની ચિંતાથી જમુનાબેન અને મધુકરભાઈને ત્યાં આવવા સમજાવી રહી છું.
જમુનાબેન તૈયાર છે પણ મધુકરભાઈનું મન હજી માનતું નથી. દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય એ માન્યતા હજી એમનાથી છૂટતી નથી. વિશ્વનાથ લાવણ્યની મદદે આવે છે. એની પાસે ભારતના વિભિન્ન સમાજોના રિવાજો અને માન્યતાઓની વીગતો છે, પ્રાચીન અને મધ્યકાલીન હિન્દુ માનસની જાણકારી છે.
એ કહે છે: દીકરી દાનમાં આપી દેવાની વસ્તુ છે, એ માનસ પિતાને દાતા અને જમાતાને ગૃહીતા ઠરાવે છે. કંઈ કેટલાયે સમાજોના લગ્નવિધિમાં કન્યાદાન આ ભૂમિકાએ થાય છે. એમાં આપણને આજે સંકીર્ણતા લાગે છે. સ્મૃતિકાર મનુએ પિતા, પતિ અને પુત્રને નારીના રક્ષક ગણાવ્યા છે. સમાનતાની ભાવના ત્યારે નહોતી.
ગુફાવાસી નારીએ અંધારામાં નરનું રક્ષણ મેળવ્યું. અજવાળું વધતાં નર કમાણી કરીને એને માટે ભેટસોગાદ લાવતો થયો, સગવડ વધતાં નારીને શણગારતો ગયો, મઢતો ગયો. ત્યારે કોઈક કવિને લાગ્યું કે મોહિની એ નારીનું સર્વોત્તમરૂપ છે તો કોઈકને એ દુર્ગા પણ દેખાઈ. પ્રાચીન ભારતની નારી સિંહવાહિની પણ હતી, મધ્યકાળમાં એ પરદાનશીલ બની અને ત્યાંથી સમતુલા જોખમાતી ગઈ. તપોવનમાંથી રાજપ્રાસાદમાં પગ મૂકતી શકુંલતા એક સંક્રાન્તિ સૂચવે છે. પછી તો છે વસંતસેના, આમ્રપાલી અને કોશા. ક્યાં તપોવનકાલીન પાર્વતી અને સીતા અને ક્યાં સામ્રાજ્યકાળની આમ્રપાલી અને કેશા? વિશ્વનાથે કહ્યું કે એના એક મિત્રે ભારતીય સાહિત્યમાં થયેલા ગણિકાના નિરૂપણ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખવા ધાર્યો હતો પણ પત્રકાર થયા પછી એ સંશોધન અને સ્વાધ્યાય માટે સમય ફાળવી ન શક્યો…
‘આ જુઓને પેલા શર્મા અને શ્રીવાસ્તવ! એમનું ચાલે તો મને ગણિકા બનાવ્યા વિના છોડે નહીં. શર્માએ પરીક્ષા કરવાની હતી મારી બૌદ્ધિક સજ્જતાની પણ એમને અપેક્ષા હતી મારા રૂપના સાહચર્યની!’ — લાવણ્ય બોલતાં બોલી ગઈ. મધુકરભાઈ વિગત જાણીને ઘણા દુ:ખી થયા. કહે: આપણા વિદ્યાપુરુષો આવા દંભી છે? આમનાથી તો પશ્ચિમનો ભૌતિકવાદી ગણાતો મુક્ત સમાજ સારો!
‘એમ તો આપણે ત્યાં સિંઘસાહેબ જેવા પણ છે!’ — લાવણ્ય બોલી.
‘મારું ચાલે તો એમના જેવો થાઉં.’ — કહેતાં વિશ્વનાથ ઊઠ્યો.
‘તમે છો એ પણ શું ખોટા છો?’ — લાવણ્યનો આ ઉદ્ગાર સાંભળીને મધુકરભાઈ હસી પડ્યા.
‘સારો છું એમ કહો તો કંઈક સમજ પડે.’ વિશ્વનાથ ગંભીરતાથી બોલ્યો.
‘મને લાગે છે કે તમને જલદી સમજ નહીં પડે.’ — મધુકરભાઈ ફરીથી હસી પડ્યા. પછી એમને જ લાગ્યું કે આ કંઈક વધારે પડતું થયું. આ રીતે નવી પેઢીનો વિનોદ માણી શકે એવા ભાગ્યશાળી પિતા પોતે નથી. પ્રેમલ પાછો આવ્યા પછી ઘરને જાણે કે ભૂલી ગયો છે.
એને વિશે વાત થઈ. વિશ્વનાથે કહ્યું કે અનુકૂળતા શોધીને પોતે એ બાજુ જઈ આવશે.
પણ એ જઈ ન શક્યો.
એને રોજ સાંજે ઘેર પાછા વળતાં પ્રશ્ન થતો: લાવણ્ય અત્યારે ઉદાસ બેઠી હશે. યુનિવર્સિટીએ રદિયો આપ્યો એથી થોડીક ગેરસમજ ઘટી હતી, પણ સમાચાર વાંચનાર બધા રદિયો વાંચતા નથી. આશ્વાસન આપવાના બહાને કોઈ ને કોઈ હજી પૂછી બેસે છે: પણ તમારી થીસીસ રીજેક્ટ થઈ કેમ? પીએચ.ડી.માં તો કોઈ ભાગ્યે જ નાપાસ થતું હોય છે…
કાર્યવાહી ચાલે છે. સિંઘસાહેબે ટૂંક સમયમાં સારા સમાચાર આપવાની આગાહી કરી છે. વિશ્વનાથ ઘરનો રસ્તો બદલીને લાવણ્યને ત્યાં પહોંચે છે… તે સાંજે લાવણ્યે કહેલું: અજ્ઞેયજી મને સાચા લાગે છે. હા, હિંસા કરતાં પણ કંટાળો વધુ ખતરનાક છે. આપણા જેવાં માણસ બીજા કોઈનું ભૂંડું ન ઇચ્છે પણ ક્યારેક કંટાળીને જાતને સજા કરી બેસે. થાય છે કે એક એવી સંવેદનશીલ યુવતીની વાર્તા લખું જે અંતે નિસ્સારતા સમજીને આત્મહત્યા કરે…
વિશ્વનાથની ધારણા મુજબ લાવણ્ય મેક્સી પહેરીને ગેલેરીમાં બેઠી હતી. ઘંટડીના રણકે એણે વિશ્વનાથને ઓળખ્યો. બારણું ખૂલ્યું. સાહી લઉં? આમ કરવું એ જાણે પોતાની જરૂરિયાત ન હોય! આશ્વાસન આપવા ગયેલા ને પોતાને જ હૂંફની ખોટ લાગતી હતી…
લાવણ્યે લાઈટ કરી. વિશ્વનાથે કલ્પેલી અસહાયતા કે વેદનાની છબી નહોતી, ઉદાસ ગંભીર મુદ્રા હતી. અને એના મુખની ફરતે જાણે કે એક સૂક્ષ્મ આભામંડળ હતું… કદાચ પ્રત્યેક તપસ્વિની નારીની ફરતે પ્રકૃતિ આવો પરિવેશ રચતી હતી… વ્યક્તિત્વની અનન્યતા પ્રત્યેનો આદર એ પ્રેમનો અરુણોદય નથી તો બીજું શું છે? કહી દે પોતે સ્પષ્ટ શબ્દોમાં?
હું તારો સ્નેહ માગું છું વરદે, સ્વીકાર કર મારા અસ્તિત્વનો, તારો એ સ્વીકાર મારી યોગ્યતા વધારી મૂકશે અને હું તારો સહચર બની શકીશ. ચારેક વર્ષ પહેલાં તને જોઈ ત્યારે જે ભાવ જાગેલો એ કદાચ મોહ હતો, લોભ હતો. પણ પરમાત્માનો કેવો અનુગ્રહ કે એ મોહ અને લોભ પ્રેમ અને સખ્ય રૂપે વિકસ્યા. આજે પૂર્વેની અધીરાઈ નથી, માત્ર અભીપ્સા છે, જે મને પ્રતીત કરાવે છે પ્રેમની દુર્લભતા….
લાવણ્ય અવિચળ ઊભી હતી. વિશ્વનાથ ભેટી પડે તો પોતે એના ખભે માથું મૂકીને થાક ઉતારી દે, શ્વાસની હૂંફમાં કંટાળો બાષ્પ બનીને ઊડી જાય, હૃદયના ધબકારે નવજીવનનાં સંચાલન જાગે… પણ એવું કશું થયું નહીં. થોડી વારમાં મધુમાલતીની સુગંધ અંદર વહી આવી, પંખો ચાલુ થતાં સુગંધિત વાતાવરણ કંઈક ઊર્મિલ બન્યું….
લાવણ્ય જમી નહોતી. રસોઈ બનાવી નહોતી. વિશ્વનાથને થયું કે એનો હાથ પકડીને પોતાને ત્યાં લઈ જાય અને પોતાની થાળીમાંથી કોળિયે કોળિયે જમાડે… પણ મા અને પિતાશ્રી અણગમો દાખવે તો? કદાચ શર્માના હેવાલ કરતાં પણ લાવણ્યને મોટો આઘાત લાગે. પોતે એ દિવસની રાહ જોશે, જ્યારે એ બંને લાવણ્યને પુત્રવધૂ તરીકે ઝંખતાં હોય…
થોડુંક ચાલી, ખુલ્લી રેસ્ટોરોમાં નાસ્તો કરવાની દરખાસ્ત લાવણ્યે સ્વીકારી લીધી. વિશ્વનાથે બહાર નીકળીને સિગારેટ સળગાવી એટલી વારમાં લાવણ્ય સાડી પહેરીને આવી પહોંચી. સ્કુટર પર બેસતાંની સાથે એણે વિશ્વનાથના ખભે હાથ મૂક્યો.
‘આભાર, મારો ખભો ધન્ય થયો.’
‘મને હતું કે આજે તમે આવશો.’
‘હું ઘેર જવા નીકળેલો, અધવચ્ચે થયું કે તમે ઉદાસ તો નહીં હો? અને અસવારના મનને જાણતા અશ્વની જેમ સ્કુટર તમારી બાજુ વળ્યું! આને શું કહીશું?’
‘કંઈ નહીં. ભાષાના ભરોસે ચોખવટ કરવાને બદલે કેટલુંક હૃદય પર છોડી દેવું. પેલી પંક્તિ જાણો છો? હૃદયમ્ ચૈવ જાનાતિ —’
‘ના.’
‘તો પહેલાં જાણી લો.’ — કહેતાં લાવણ્ય સ્કુટર પરથી ઊતરી.
હૉટલમાં મિસ રાકા રાય એમના મુરતિયા સાથે બેઠાં હતાં. એ ભાવિ પતિને ઓળખાવવા લઈ આવ્યાં. એમના ગયા પછી લાવણ્ય એ દિશામાં તાકી રહી છે એ જોઈને વિશ્વનાથે કહ્યું: રાકાએ એવો મજબૂત પુરુષ પસંદ કર્યો છે જે એને ગુંડાઓના હુમલા સામે રક્ષણ આપી શકે!
‘તમે રીઊયા નહીં પછી શું કરે બિચારી?’
‘દિવસભર બૌદ્ધિક શ્રમ કરીને થાકેલા પતિ સાથે પાંચેક મિનિટ વાત કરવા જેવો કયો વિષય હશે એની પાસે? માણસ જ્યાં સુધી કોઈને તીવ્રતાથી ચાહતો ન હોય ત્યાં સુધી તો આવું ગણિત મૂકે કે નહીં?’
‘હું ગણિતની વિરોધી નથી, એ સંગીત જેવો જ મહાન વિષય છે, એના સૂક્ષ્મ સ્વરૂપે સવાલ ઊભા થાય છે એના વ્યવહાર સ્વરૂપમાંથી. આ જુઓ ને હું મારા વિદ્યાપ્રેમને પ્રમાણપત્ર અપાવવા ગઈ એમાંથી શુંનું શું થયું! વિદ્યાજગત પ્રત્યેનો પૂર્વેનો આદર પણ ગુમાવી બેઠી. હવે તો આવતી કાલે ડિગ્રી મળવાની હોય તોય એનો સ્વાદ નથી રહ્યો.’
નાસ્તો કરીને બંને સિંઘસાહેબને ત્યાં ગયાં. ડિગ્રી મેળવવામાંથી લાવણ્યનો રસ ઊડી ગયો છે એ ઉદ્ગાર વિશ્વનાથના મોંએ સાંભળીને સિંઘસાહેબે કહ્યું: ‘ડિગ્રી તમને મળશે, તમારા હક્કથી મળશે. પણ તમારી ઉપલબ્ધિ એથી મોટી હશે. એક વાર નિર્ભ્રાન્ત થયા પછી વિદ્યાજગત પ્રત્યે કેળવાયેલો સદ્ભાવ વધુ કારગત નીવડશે. લેખનની સાથે તમારી શ્રદ્ધાની પણ કસોટી થઈ અને એમાંથી તમે હેમખેમ પાર ઊતર્યાં એમાં હું પરમ તત્ત્વની કૃપા જોઉં છું. થોડા દિવસમાં તમારી મૌખિક પરીક્ષા યોજાશે અને ત્યારે તમને પણ પોતાના કામથી સંતોષ થશે.’
સિંઘસાહેબે લાવણ્યના મહાનિબંધના મૂલ્યાંકનનો પ્રશ્ન વિવેક અને ધૈર્યથી ઉકેલ્યો હતો. કુલપતિશ્રીએ કુલસચિવને હાજર રાખીને આખા પ્રશ્નની છણાવટ કરી હતી. કુલસચિવને સિંઘસાહેબમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને પોતાની યુનિવર્સિટીમાં લાવણ્ય જેવી તેજસ્વી શોધછાત્રા હોવાનું એમને ગૌરવ હતું. શર્માની આડોડાઈની દીવાલ એમણે ભેદી હતી. એમણે સિંઘસાહેબના પત્રનો ઉત્તર આપવામાં થઈ રહેલા વિલંબનું કારણ પૂછ્યું. શર્માએ તબિયતનું કારણ જણાવ્યું, ક્ષમાયાચના કરી અને થોડા દિવસમાં જ સિંધસાહેબના પત્રનો જવાબ આપી મૌખિક પરીક્ષા માટેની તારીખ જણાવશે, એમ સ્વીકાર્યું.
કુલસચિવના ફોન વિશે શ્રીવાસ્તવને જાણ કર્યા વિના જ શર્માએ લાવણ્યના કાર્યની ગુણવત્તા માટેની સિંઘસાહેબની દલીલો સ્વીકારી લીધી. અને મૌખિક પરીક્ષા લેવા જવાનો પોતાનો હક્ક પાકો કરી લીધો. પણ એક વાર આપેલી તારીખ છેલ્લી ઘડીએ બદલીને સિંઘસાહેબ અને લાવણ્યને આંચકો આપ્યો. પણ કુલસચિવ એથી વ્યગ્ર થવાને બદલે સક્રિય થયા.
એમણે શર્માની કામગીરીના વિરોધાભાસો વિશે નોંધ તૈયાર કરી મૌખિક માટે જો શર્માજીની તબિયત અનુકૂળ ન હોય તો બીજા પરીક્ષકને નિમંત્રણ આપવા કુલપતિશ્રીની સંમતિ માગી. નોંધ મંજૂર થતાં ફોન કર્યો. શર્માએ હકીકત જાણતાં અવાજમાં અસ્વસ્થતા આણવા પ્રયત્ન કર્યો અને જૂનું કારણ ધર્યું.
એ જ દિવસે કુલસચિવે તબિયતનું કારણ દર્શાવી શર્માની મૌખિક-પરીક્ષક તરીકેની નિમણૂક રદ કરી અને બીજા પરીક્ષકને નિમંત્રણ5ત્ર પાઠવ્યો. પંડિત વિદ્યાધર મિશ્ર જેવા મહાનુભાવ લાવણ્યની મૌખિક પરીક્ષા લેવા આવ્યા છે એ જાણતાં નગરના વિદ્વત્ સમાજે સિંઘસાહેબના નિવાસે એક સંગોષ્ઠી યોજી. સામાન્ય રીતે મૌખિક પરીક્ષાની ઔપચારિકતા પછી શોધછાત્રના ખર્ચે એકાદ પાર્ટી યોજાતી હોય છે.
સિંઘસાહેબ પોતાના વિદ્યાર્થીને એવું કશું ખર્ચ કરવા દેતા નથી. લાવણ્યનો પ્રસંગ ઊજવ્યા વિના શ્રીદેવીને ચેન પડ્યું નહીં. ‘ધ્રુવસ્વામિની’નાં નિર્માતા રૂપા શેઠ કોણ જાણે કેવી રીતે જાણી ગયાં કે યોગ્ય સમયે વ્યવસ્થા માટે હાજર થઈ ગયાં. અંગરક્ષકો જેવા બે ફોટોગ્રાફર પણ સાથે લેતાં આવ્યાં. પંડિત વિદ્યાધર મિશ્રના ફોટા સાથે એમના વ્યાખ્યાનનો હેવાલ છપાય એ એમણે જોયું. લાવણ્યને પદવી માટેની ભલામણનો પત્ર મળ્યો એની સાથે એના ફોટોગ્રાફ એકેએક સ્થાનિક અખબારમાં છપાય એમાં રૂપા શેઠને વિશ્વનાથે મદદ કરી, અને નિસાસો નાખ્યો: ‘લાવણ્યની સાથે મારો ફોટો ન છપાયો!’ આ માણસ લાવણ્યને ચાહે છે જાણતાંની સાથે રૂપા શેઠ ગુસ્સે થયાં: ‘જરા દર્પણમાં તમારું મોં તો જુઓ! લાવણ્યને પરણવા નીકળ્યા છે તે! શું તમારે અમારી કહેવત ફરી એક વાર સાચી પાડવી છે? કાગડો દહીંથરું લઈ ગયો —’
‘એમ તો મિસ્ટર શેઠ પણ આપની સરખામણીમાં ઢીલા લાગે.’
‘લગ્ન પહેલાં આવા નહોતા.’
‘પણ મારા દાખલામાં એથી ઊલટું નહીં બને એની શી ખાતરી?’
‘હું એટલી બધી આશાવાદી નથી.’ — કહેતાં શ્રીમતી રૂપા શેઠે પગ ઉપાડ્યો. જતાં જતાં બોલ્યાં: ‘કેવા બનાવ્યા!’
વિશ્વનાથ સમજ્યો કે આ વિનોદ હતો છતાં એની અસર એના મન પર પડ્યા વિના રહી નહીં. પોતે સંપૂર્ણ યોગ્ય તો ન જ ગણાય. સામે ચાલીને માગણી કર્યા કરીશ તો લાવણ્ય એની ઉદારતાને કારણે મારે ત્યાં પધારશે. ખરેખર તો મારે કશી અપેક્ષા રાખ્યા વિના પ્રતીક્ષા કરવી જોઈએ. યોગ્યતા એટલી હદે વધારવી જોઈએ કે ખુદ રૂપા શેઠ એમની નાયિકાને હાથ પકડીને મારી પાસે લઈ આવે….
* * *
ગેરસમજ જગવતો એક પ્રસંગ બન્યો.
મધુકરભાઈને આપેલા વચન પ્રમાણે વિશ્વનાથ પ્રેમલને મળવા એના સ્ટુડિયો પર ગયો હતો. ત્યાં લાવણ્યની સિદ્ધિની વાત નીકળી.
‘આપણે એનો સન્માન-સમારંભ યોજવો જોઈએ કે નહીં?’ — પ્રેમલ હળવી રીતે પૂછે છે કે ગંભીરતાથી એ તરફ ધ્યાન આપવાને બદલે વિશ્વનાથ ચિત્ર જોવામાં મશગૂલ રહ્યો અને ‘કેમ નહીં?’ એમ બોલી બેઠો.
‘પણ એ અહીં આવવા સંમત થશે?’
‘પૂછીએ તો ન થાય. આગ્રહ કરીને લઈ આવીએ તો આવે.’
બસ, પ્રેમલ માટે આટલું પૂરતું હતું. એ આગળ વધ્યો.
કોણ જાણે કેમ ‘ધ્રુવસ્વામિની’ ભજવ્યાના અનુભવ પછી લાવણ્ય પ્રસિદ્ધિથી ડરતી હતી. પીએચ.ડી. થયાના ફોટોગ્રાફ છપાયા એ પણ એને બિનજરૂરી લાગ્યું હતું. એથી શો ફેર પડે છે? એ જાતને પૂછતી હતી અને સ્નેહીઓના ઉત્સાહ સામે દલીલ કરવાનું ટાળતી હતી.
પણ પ્રેમલે છપાવેલું નિમંત્રણપત્ર જોઈને એ બેચેન બની ઊઠી. આ ન ચાલે. મને પૂછ્યા વિના એ પાર્ટી યોજનારો કોણ છે? શું કરવું? મધુકરભાઈ અને જમુનાબેનને ફરિયાદ કરવા જતાં એમના દુ:ખમાં ઉમેરો કરવા જેવું થાય. અને પ્રેમલ જોડે જીભાજોડી કરવાનો અર્થ નથી. શારદા પેટાચૂંટણીમાં ઊભી છે. લલિતા કહેતી હતી. પોસ્ટર તૈયાર કરવાનું કામ પ્રેમલને સોંપાયું હશે. તેથી જ એણે નિમંત્રણપત્રમાં છપાવ્યું છે: અતિથિવિશેષ તરીકે શારદાબહેન મલૂકચંદ ઉપસ્થિત રહેશે! મને અભિનંદન આપવાના બહાને એણે શારદાનો પ્રચાર કરવો છે! પોતે નહીં જાય. કરે પ્રચાર અને વ્યભિચાર….
લાવણ્યને થયું: પોતે સ્વભાવ બદલીને ઘૃણા સેવી રહી છે. નબળા મનોબળવાળાં માણસો પરિસ્થિતિનાં દાસ બનીને જીવે છે. દૃઢ સંકલ્પશક્તિ ધરાવનારા જ કર્તા બની શકે છે. આપણા વિધાતા ભલે નીલગગનના નેપથ્યે વસતા હોય, આપણે આપણા કર્મના વિધાતા બની શકીએ, આલેખને કલ્પના મુજબ આકાર આપી શકીએ. આ અભિમાન નથી, આદર્શ છે. આ આસક્તિ નથી, સર્ગશક્તિની અનિવાર્યતા છે. અહીં વિશ્વાસ વિધાતાનો વિકલ્પ છે…
ના ના, હું અહંકાર સેવવા લાગી ગઈ છું. આ ભાવાવેગ બરાબર નથી. મારે આત્યંતિક બન્યા વિના, સામી વ્યક્તિને અન્યાય ન થાય એ રીતે નિર્ણય કરવો જોઈએ.
એ વિશ્વનાથને મળી. સીધી મુદ્દા પર આવી. પ્રેમલને આવું નિમંત્રણપત્ર છાપવાનો શો અધિકાર છે?
‘એણે મને પૂછેલું.’
‘એટલે? તમે મારા વતી સંમતિ આપી દીધેલી? વિશ્વનાથ તમે?’ બ્રુટસનો ઘા ઝીલતાં સીઝરે કરેલો પ્રશ્ન ઊંડે ઊંડે રણકી ઊઠ્યો હતો: ‘યુ બ્રુટસ ટૂ?’ તમે આત્મીય મિત્ર થઈને મારા વિવેકને તમારા ઇજારાની વસ્તુ માની બેઠા?
લાવણ્યને ખોટું લાગ્યું છે એ જોતાં વિશ્વનાથનું મોં પડી ગયું. ખુદ એને પણ શારદાનું નામ વાંચતાં થયેલું: આ તો ઉપયોગ થયો. લાવણ્યને બદલે કેન્દ્રમાં શારદા આવી ગઈ! એણે જો શારદાને ટિકિટ મળ્યાનો ઉલ્લેખ પણ કર્યો હોત તો પોતે સાવધ થઈ જાત. લાવણ્યને પૂછ્યા વિના કશું ન કરવું એવું ભારપૂર્વક કહેત. પણ હવે? એણે જે કંઈ બન્યું હતું, બોલાયું હતું એ કહી સંભળાવ્યું.
‘એનો અર્થ પ્રેમલ એ જ કરશે કે તમે મારા વતી સંમતિ આપેલી.’
‘સંમતિ આપનાર હું કોણ? પણ પૂછવા જતાં તમે ના પાડશો એવી ભીતિ મેં જરૂર દાખવી હતી, જે સાચી પડી છે. ખેર.’
‘એવું ન માનતા કે તમને મારા વતી કોઈ બાબતે નિર્ણય લેવાનો અધિકાર નથી. હું તમને મિત્ર માનું છું. માત્ર તમારી સામે જ મારી આંખો ભીની થઈ છે. તમે મારા વતી કહી શકો છો કે હા લાવણ્ય અઠવાડિયાની રજા લઈને કપાતા પગારે રાહત કામે આવશે કે આટલી રકમ આપશે, વ્યાખ્યાન કરવા આવશે કે સફાઈ કામમાં જોડાશે… જ્યાં હેતુઓની શુદ્ધિ વિશે શંકા ન હોય ત્યાં તમે મારા વતી નિર્ણય કરી શકો છો, જો કે હું તો તમને પૂછ્યા વિના કશો નિર્ણય ન જ કરું, છતાં હું તમારો હક સ્વીકારું છું. પણ કોઈ મારા મિત્ર સાથે શેતરંજ રમી જાય અને છતાં હું એની ભૂલનો ભોગ બનું એ શક્ય નથી. બલરામે પાંડવોના શુભેચ્છકોની સભામાં કહેલું: યુધિષ્ઠિરને દ્યુત રમતાં આવડતું નહોતું છતાં એ એમાં પ્રવૃત્ત થયા એ એમની ભૂલ હતી. વિશ્વનાથ, મારે એવા યુધિષ્ઠિરની નહીં, ઉર્વશીના નિરાવરણ નૃત્ય સામે વિચલિત ન થતા અર્જુનની ખેવના છે…’
વિશ્વનાથને ફરી એક વાર લાગ્યું: તે દિવસ રૂપા શેઠ રમૂજ રમૂજમાં એક રહસ્ય છતું કરી ગયાં હતાં. હું આ હંસપદિકા સમક્ષ કાગડા જેવો જ છું!
‘અહં કાકોસ્મિ હે કલહંસી!’
પોતાની ગંભીર ભૂલ પર પણ વિશ્વનાથ આમ હસી શક્યો એથી લાવણ્યે પણ રાહત અનુભવી. એના મુખ પરની રેખાઓમાં પ્રસન્નતાનો લય વરતાયો. હોઠ પર સ્મિત ફરક્યું. એ જોઈ વિશ્વનાથને વિસ્તારથી બચાવ કરવાની ઇચ્છા થઈ: તે દિવસે મારી અલ્પબુદ્ધિને એવું નહોતું લાગ્યું કે ડૉક્ટર લાવણ્યદેવી પ્રેમલના સ્ટુડિયો પર યોજાયેલા સન્માન સમારંભમાં હાજર રહે એમાં કશું અઘટિત થશે. હા, શારદાની ચૂંટણીમાં તમારો ઉપયોગ થવા સામે સાવચેત થવું પડશે. જો ખરેખર એને એથી બિનજરૂરી ફાયદો થવાનો હોય તો —’
‘કેમ નહીં? શારદાનો મતવિસ્તાર મેં બબ્બે વરસ ખૂંદેલો છે. ત્યાંનું ગામેગામ મને ઓળખે છે. મેં પૂરા ઉત્સાહથી ત્યાં કામ કરેલું છે. એ મારા સદ્ભાવનું ક્ષેત્ર છે.’
‘તો તો આપણાથી એ પાર્ટીમાં ન જવાય. તમે નિશ્ચિંત રહેજો. એ કાર્યક્રમ મોકૂફ રાખવાનો ઉપાય હું શોધી કાઢું છું. હું સરદાર સરોવર વિસ્તારના વિસ્થાપિતોના પ્રશ્નોની સ્થળ પર તપાસ કરવા જવાનો છું. તમને સાથે લઈ જઈશ. સૉરી, ફરી પાછો ભૂલ કરી બેઠો. મારે તમને પૂછવું જોઈએ: તમને અનુકૂળતા છે કેવડિયા કોલોની આવવાની?’
‘તમારી સાથે નર્મદાકિનારે તો શું રણવિસ્તારમાં આવવાની પણ માનસિક અનુકૂળતા છે. પણ પ્રેમલે યોજેલા કાર્યક્રમમાંથી છટકવાના ઉપાય તરીકે નહીં. એ દિવસે તો હું ઘેર જ રહીશ. દૈનિકોમાં નિવેદન આપીશ. મને પૂછ્યા વિના એ કાર્યક્રમ નક્કી થયો છે. અને શારદાની ચૂંટણી માટે મારા નામનો ઉપયોગ થાય એ મને મંજૂર નથી. ક. મા. મુનશીએ ગાંધીજીથી જુદા પડીને કહેલું: કળા નીતિની દાસી નથી. મારે મુનશીજીથી જુદા પડીને કહેવું છે: ‘કળા રાજનીતિની દાસી બની ન જાય એ જોવાની એની નૈતિક જવાબદારી છે.’
લાવણ્યનું વાક્ય વિશ્વનાથને ખૂબ ગમ્યું. લાવણ્યે વિદાય પહેલાં હાથ લંબાવ્યો. ત્યાં શુભલક્ષ્મી ડોકાયાં, વિશ્વનાથે સંકોચવશ લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. લાવણ્ય હસી પડી. શુભલક્ષ્મી શરમાયાં. લાવણ્યે પગ ઉપાડતાં કહ્યું:
‘તમારો દીકરો કંઈક ભોળો અને વધુ તો શરમાળ છે, નહીં તો અત્યાર સુધી કુંવારો ન હોત!’
વિશ્વનાથ લાવણ્યને વિદાય આપવા રસ્તા સુધી ગયો. બહાર આવેલા પ્રભાકરને શુભલક્ષ્મીએ કહ્યું: આ પેલી ધ્રુવસ્વામિનીએ મારા દીકરા માટે એકવચન વાપર્યું! એક મોટા છાપાના સહતંત્રી વિશે ટૂંકારો દઈને વાત કરનાર છોકરી આપણા જેવાં સાદાંસીધાં માણસોને વાસીદામાં વાળી નાખે!
‘તમે એને આ ઘરમાં વાસીદું વાળનાર તરીકે લાવવા માગતાં હતાં એ સમજીને જ એ મહેણું મારી ગઈ. મને લાગે છે કે એના કહેવા મુજબ હું કુંવારો જ રહેવાનો.’
દીકરો એક ગંભીર વાત આટલી હળવી રીતે કેમ કહી રહ્યો છે એ મા કે બાપ કોઈને સમજાયું નહીં. પ્રભુની પ્રાર્થના કરીને સૂઈ જવાનો વખત થયો ત્યાં એ બંને મૌન બેસી રહ્યાં. વિશ્વનાથ નર્મદા યોજના સામેના પર્યાવરણવાદીઓના વાંધાઓના જવાબ લખવા બેઠો હતો. આજે ઉજાગરો થવાનો.
* * *
લાવણ્ય પણ જાગે છે:
હા, હું બદલાઈ છું. એકલતાની હઠ છૂટી ગઈ છે. હવે કોઈકને મળવાની ઇચ્છા થાય છે. એકાન્ત પણ ખાલી હોતું નથી. હાથ લંબાવવાનું મન થાય છે. પ્રિયજન પ્રત્યે પ્રાર્થનાનો ભાવ જાગે છે. ‘જો કોઈ વાર મારું હૃદયદ્વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ના જઈશ, પ્રભુ!’
જદિ એ આમાર હૃદય – દુયાર
બંધ રહે ગો પ્રભુ
દ્વાર ભેંગે તુમિ એસો મોર પ્રાણે,
ફિરિયા જેયો ના પ્રભુ!
(ક્રમશ:)
Waiting for further chapters.