સિદ્ધાંતવીરોથી સો ગાઉ છેટા ~ લેખ ~ અનિલ ચાવડા
ઘણા ચોવીસે કલાક પોતાના સિદ્ધાંતોના ખીલા બીજાની ભીંત પર મારવા તત્પર રહેતા હોય છે. પોતાની ભીંતનું પોપડું નથી ખરવા દેવું, અને બીજાની દીવાલે દરિયા ઠાલવવા છે. પ્રયોગોનો પથારો બીજાના આંગણામાં કરવામાં જ મજા આવે છે, પોતાના ફળિયામાંં બધાંને ફૂલોનાં કૂંડાં રોપવા છે.
આવા ભીંતવીરોને શોધવા બહુ મહેનતની જરૂર નથી પડતી. એ મીંચેલી આંખે પણ તરત દેખાઈ જાય છે. કોઈ વગર પૂછ્યે તમને સલાહ આપવા દોડી આવે એટલે સમજી જવું કે સિદ્ધાંતવીર આપણો ઉદ્ધાર કરવા આવી પહોંચ્યા છે. આવા લોકોને સિદ્ધાંતોનુંં સળેખમ થયુંં હોય છે.
પોતાના ઘરે બે દિવસે પરાણે નહાતા આવા માણસો મહેમાનગતિએ જાય એટલે તે ઊઠે ત્યારે તરત જ તેમને ગરમ પાણી મળી જવું જોઈએ, તેવો તેમનો આગ્રહ હોય છે.
નાહીને આવ્યા પછી તરત ચાનાસ્તો હાજર ન હોય તો એ તમતમી ઊઠે છે. આપણે તેમના ચૂસ્ત દૈનિક જીવન પર પ્રહાર કરનાર અત્યારચારી હોઈએ એમ તે આપણી સામે જુએ છે. વળી સબળકા લગાવતા લગાવતા ચાગલાઈપૂર્વક એ બોલે પણ ખરા કે- માલે તો ગલમ પાનીએ છનાન કલ્યા પછી તલત ચા જોઈએ.
આવી ચોખલાઈની ચાડી ખાતા માણસથી દસ ગાઉ દૂર રહેવું જ સારું. આવા માણસો ચોવીસે કલાક સિદ્ધાંતોનો સોયદોરા ખિસ્સામાં જ રાખતા હોય છે, ક્યાંય પણ કશું પણ ફાટેલું દેખાય તો તરત એ સીવવા બેસી જાય છે. જોકે તેમને સીવવા માટે ફાટેલુંં હોવુંં પણ જરૂરી નથી.
તમે કંઈ પણ બોલો તો તમને નિયમો, સિદ્ધાંતો, પરંપરા, કાયદા, વ્યવહાર, નીતિમત્તાની ફાલતુ વાતોમાં એવા તો ગૂંચવે કે તમે તમારી વાત પણ ભૂલી જાવ.
શાહબુદ્દીન રાઠોડનો એક જાણીતો જોક છે. લગ્નપ્રસંગે અમુક આવા આગુડાઓ હાજર જ હોય. રસોઈ ચેક કરીને કહે, આમાં મીઠું ઓછું છે, ઠીક કરો, હું બીજું બધું ચેક કરીને આવું. પાછો ફરીને એ દાળ ચાખે અને કહે હા, હવે બરોબર છે. શું બરોબર! એની એ જ દાળ છે ભઈ… પણ તેમને આગેવાન થયા વિના ના ચાલે.
પરંપરા મહાન મૂલ્યોમાંથી સર્જાતી હોય છે. જ્યાં સુધી મૂલ્યો તેનાં મૂળ મજબૂત રાખી શકે છે, ત્યાં સુધી વૃક્ષને વાંધો નથી આવતો. પણ કાળની થપાટે મહાકાય ઝાડ પણ ભોંયભેગા થઈ જતા હોય છે.
પરંપરા સમય વીતતા પાખંડનું રૂપ લેવા માંડે છે. જે હેતુથી સિદ્ધાંતોનું સર્જન થયુંં હોય તે હેતુ ગાયબ થવા માંંડે છે. અને તે સિદ્ધાંનું રક્ષણ કરવાની જેમની જવાબદારી છે, તો પોતાના સ્વાર્થ મુજબ તેનો ઉપયોગ કરે છે, પછી મૂલ્યોનું મરણ થાય છે.
સિદ્ધાંતોનો આગ્રહ રાખનારા પ્રત્યે ભારોભાર આદર, પણ હઠાગ્રહ રાખનારથી તો રીતસર ભાગવું પડે છે. ભારપૂર્વક નીતિ અને નિયમોની વાત કરનાર માણસ પોતે કેટલું પાલન કરે છે તે વધારે અગત્યનું છે. ખરી પરીક્ષા એમાં જ છે.
ગાંધીજી પાસે એક વખત એક બહેન આવ્યા અને કહે, બાપુ મારો છોકરો ગોળ બહુ ખાય છે, તેને કંઈક સમજાવોને. બાપુ કહે, આવતા અઠવાડિયે આવજો.
અઠવાડિયા પછી બહેન ફરી છોકરાને લઈને ફરી આવ્યા. બાપુએ એટલું જ કહ્યું, ભાઈ, હવે વધારે ગોળ ના ખાઈશ. પેલા બહેને કહ્યું, બાપુ તમારે આટલું જ કહેવાનું હતુંં તો ગયા અઠવાડિયે કહી દેવાયને. બાપુ કહે, ત્યારે હું પણ ગોળ ખાતો હતો. હું ખાતો હોઉં ત્યાં સુધી તેને કેમ કહી શકું કે તું ના ખાઈશ.
દરેક ઘરના પોતાના નીતિનિયમો, મૂલ્યો અને સિદ્ધાંતો હોય છે. એ પરિસ્થિતિ પ્રમાણે ઊભા થતા સંજોગોની જરૂરિયાત સમજીને રચાતા હોય છે. કાળક્રમે સંજોગો અને જરૂરિયાતો બદલાઈ જાય છે, પણ સિદ્ધાંતો એમ ને એમ જ ઊભા રહે છે.
વર્ષો પહેલા સંદેશાવ્યવહાર કબૂતર કે બાજના પગે ચિઠ્ઠી બાંધીને થતો હતો.
પછી ટપાલપદ્ધતિ આવી. ઇન્ટરનેટની શોધ થતા ઈમેઈલથી માણસો સંપર્ક કરતા. હવે મેસેજબોક્સ, ઇનબોક્સ અને અનેક સોશ્યલ મીડિયા ઉપલબ્ધ છે, જેના દ્વારા આપણે તરત સંપર્ક કરી શકીએ છીએ. સમય બદલાયો એમ ટૂલ્સ બદલાયાં. સંદેશાની લેવડદેવડની પદ્ધતિ બદલાઈ. જરૂરિયાત દરેક શોધની જનની છે. આપણને જેની જરૂર પડી તેની શોધ તરફ આપણે આગળ વધ્યા. એ શોધવા માટેના નિયમો, સિદ્ધાંતો નિશ્ચિત કર્યા.
આજે સૌથી વધારે વિકાસ થઈ રહ્યો હોય તો વિજ્ઞાન ક્ષેત્રે છે. રોજેરોજ તેમાં કશુંક નવુંં મળે છે. તે ક્યારેય પોતાના એક મૂલ્ય મર્યાદિત થઈને બંધાઈ નથી જતું. કોઈ સિદ્ધાંતને અંતિમ નથી માની લેવામાં આવતો. તેને ભેદતો નવો સિદ્ધાંત ન રચાઈ જાય ત્યાં સુધી તો ખાસ. ધર્મ અને સમાજે પણ સમય પ્રમાણે અપડેટ થતું રહેવું પડે છે.
આપણા ઘરપરિવારમાં, શેરીમાં કે ગામમાં, સ્કૂલ કોલેજમાં કે મિત્રોની ટોળીમાં, સામાજિક પ્રસંગોમાં કે અજાણ્યા મેળાવડાઓમાં, આવા અમુક સલાહવીરો તરત મળી જ જાય છે.
તમારે જોઈતી હોય કે ના જોઈતી હોય એ તમને આપ્યે જ છૂટકે કરે. એ તમને ઉદાર ભાવે તેમના મહાન સિદ્ધાંંતોના સૂયા ઉપર સૂવડાવીને છૂટકો કરે છે. આવા માણસો ક્યાંય પણ દેખાઈ જાય તો તરત પોતાનો રસ્તો કરી લેવો.
~ અનિલ ચાવડા
Anil Bhai nice lekh. SAHLA MAFAT CHE MAFAT NE PAN KANO MATR NATHI> Salah no charge karva ma ave to 90% stop.