લેખમાળા: ગઝલગુર્જરી ~ શૂન્ય પાલનપુરી : લેખ 9 (ભાગ 2) ~ રઈશ મનીઆર
લેખ 9
શૂન્ય પાલનપુરી
(ભાગ 2)
અમે તો કવિ, કાળને નાથનારા,
અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો,
ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
કવિ કહે છે સપ્રદાયોના ફાંટા કરીશું કે સંપ્રદાયોને એક કરીશું?
તને એકમાંથી બહુની તમન્ના,
બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી,
કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
કવિનું કામ ખંડિતતામાંથી અખંડિતતા તરફ જવાનું છે. શૂન્યસાહેબ એ બરાબર જાણે છે.
કોઈને નાત ખટકે છે
કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો
ઉત્પાત ખટકે છે
નથી એ ધર્મનાં ટીલાં
કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે
અલ્પતાની ભાત ખટકે છે
જે ધર્મ કે જે સંપ્રદાય તમને ‘વસુધૈવ કુટુમ્બકમ’ કે માનવમાત્રની એકતાનો પાઠ શીખવી ન શકે એ ધર્મ નથી, એક વાડો છે.
કવિતાની મજા એ છે કે કવિતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, કવિતાના દરવાજા સૌ માટે ખુલ્લા છે, એના માટે શિક્ષિત કે દિક્ષિત થવું જરૂરી નથી. કવિતા સંતની જેમ માથે હાથ નથી મૂકતી. કવિતા મિત્રની જેમ ખભે હાથ મૂકે છે.
તો પોતાની સંકુચિત ઓળખને ત્યાગીને પોતાના ઉપનામ શૂન્યનો વ્યાપ વિસ્તારીને આખી પૃથ્વી એમાં સમાઈ જાયે એટલો વ્યાપ અને વિસ્તાર કરનાર કવિ શૂન્ય પાલનપુરીની કાવ્યસૃષ્ટિ એટલે 6 કવિતાસંગ્રહ જેમાં
1952માં પ્રકાશિત થયેલા ‘શૂન્યનું સર્જન’થી શરૂ કરી,
1956માં ‘શૂન્યનું વિસર્જન’,
1964માં ‘શૂન્યના અવશેષ’,
1972માં ‘શૂન્યનું સ્મારક’, અને
છેલ્લે 1983માં ‘શૂન્યની સ્મૃતિ’નો સમાવેશ થાય છે.
‘શૂન્યની સૃષ્ટિ’ નામે એમની સમગ્ર કવિતા મરણોત્તર 1992માં પ્રગટ થઈ.
એમની ઉર્દૂ ગઝલો ‘દાસ્તાને જિંદગી’ નામે પ્રકાશિત છે, એમણે પ્રસિદ્ધ ઈરાની કવિ ઉમર ખય્યામની ફારસી રૂબાઈઓનો કરેલો ગુજરાતી અનુવાદ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલો છે, જે એડવર્ડ ફિટજેરાલ્ડના બહુખ્યાત ઈંગ્લિશ અનુવાદ કરતાં વધુ કાવ્યાત્મક છે અને હરિવંશરાય બચ્ચનના હિન્દી ભાવાનુવાદ કરતાં ઓરિજીનલની વધુ નજીક છે.
આ બન્ને સંગ્રહો પણ શૂન્યની સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. આ ઉપરાંત એમણે ગઝલના છંદશાસ્ત્ર પર ‘અરુઝ’ નામનું પુસ્તક લખેલું છે, 1968માં પ્રગટ થયેલું એ પણ એમનું એક મહત્વનું કામ હતું.
ગઝલ નિયત છંદોમાં હોય છે, મોટા ભાગના ગઝલકારોનું પાંચ-છ કે બહુ બહુ તો આઠ-દસ છંદો પર પ્રભુત્વ હોય; પણ ગઝલના છંદને સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ રીતે અને દોષ વગર વાપરનારા શાયરોમાં શૂન્યભાઈ, ઘાયલ અને ગનીચાચા મોખરે આવે. આ ત્રણેએ પચ્ચીસથી વધુ છંદોમાં સર્જન કર્યું છે.
શૂન્યભાઈએ તો લાંબી ટૂંકી તમામ પ્રકારની બહેરોમાં વિપુલ સર્જન કર્યું છે. ગુજરાતી ગઝલના સાગરમાં અમુક રત્નો એ એવાં મૂકી ગયા છે કે આવનારી સદીઓ જો એમાં ડૂબકી લગાવશે તો એમને પણ એ ખજાના હાથ લાગતા જ રહેવાના! છંદને બેવડાવી કે ત્રેવડાવીને રજૂ કરવાની એમને ભારે મહારથ હતી. જેમ કે એમની આ ગઝલ…
તોફાનને દઈને,
અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર,
ક્ષમા કરી દે!
ગાગાલગા લગાગા (સારે જહાંસે અચ્છા)ના ત્રણ આવર્તન આ ગઝલમાં છે. છંદની સાથેસાથે શબ્દો કેવા સુંદર છે!
તોફાનને દઈને,
અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર,
ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું,
તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાંની બાળહઠ છે,
સાગર! ક્ષમા કરી દે!
હર શ્વાસ એક મુસીબત,
હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ,
પળપળની વેદનાઓ;
તારું દીધેલ જીવન,
મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને
ઈશ્વર, ક્ષમા કરી દે!
કાંટો છે લાગણીનો,
વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું
જગની દરેક વસ્તુ;
હે મિત્ર! તારા દિલનો પણ
તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર,
ક્ષમા કરી દે!
તું એક છે અને હું
એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે
નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની!
જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર,
ક્ષમા કરી દે!
આવી ઉસ્તાદાના શાયરી ગુજરાતી ભાષામાં બીજો કોઈ શાયર કરી શક્યો નથી. જુદી જુદી દૃષ્ટિ એ જોતાં મેં ગણાવ્યા તે પરંપરાના આઠે શાયરો ઉત્તમ હતા, પરંતુ અસલ સૂફી રંગની વાત આવે ત્યાં શૂન્યસાહેબ અજોડ છે.
લાંબી બહેરની જેમ જ ટૂંકી બહેરમાં પણ એમની માસ્ટરી હતી. ચોપાઈ પ્રકારના છંદોમાં એ ગઝલ રચનાઓ કરે છે ત્યારે શુદ્ધ ગુજરાતી ભાષાનું કૌવત અને દૈવત પ્રગટાવે છે.
કવિનો મિજાજ એવો છે કે એ ઈશ્વરને પણ પ્યારથી ઠપકારી શકે છે,
ગોખથી હેઠે ઉતરો પ્યારા
ત્યાં તો પથ્થર લાગો છો
માનવરૂપ ધરો છો ત્યારે
સાચા ઇશ્વર લાગો છો
નૌકાને જે પાર ઉતારે
એવું ઊંડુ પાણી ક્યાં
કહેવાને તો હમણા કહી દઉં
આપ સમંદર લાગો છો
ડાહી ડમરી વાત પ્રણયમાં
શૂન્ય બનાવટ લાગે છે
કાલું ઘેલું બોલો ત્યારે
કેવા સુંદર લાગો છો!
વિષયની દૃષ્ટિએ જોશો તો શૂન્યની શાયરી એકંદરે જીવનને પોષક આપનારી શાયરી છે, એ કડવાશભરેલી કે સેલ્ફ ડિસ્ટ્રક્ટીવ નથી. માનવજીવનના દર્દોની વાત તો એ કરે જ છે પણ સાથે સાથે માણસાઈના ગૌરવની એમાં વાત છે.
શૂન્યભાઈએ 1945થી 1956 સુધી એટલે કે 23થી 34 વરસની ઉમર સુધી પાલનપુરની અમીરબાઇ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી.
આ નોકરી છૂટી જવાને લીધે આ શાયરે કેટલોક સમય પાટણમાં વસવાટ કર્યો હતો. પાટણથી તેમણે શ્રી અનંતરાય ર. વ્યાસ સાથે ‘ગીત-ગઝલ’નામે માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું, પણ તેના 6 અંકો થયા પછી તે બંધ પડ્યું હતું. એ પછી થોડો સમય અમદાવાદ પાસે વટવા ગામે કવિ સાબિર વટવાની સાથે એમણે નિવાસ કર્યો.

ત્યારબાદ છેક 1962માં હરીન્દ્ર દવેએ એમનો નાતો મુંબઈ સમાચાર સાથે જોડાવી આપ્યો. ત્યારથી લઈ પૂરા પચ્ચીસ વર્ષ એ મુંબઈ સમાચારમાં રહ્યા.

મુંબઈ સમાચારના તંત્રી જેહાન દારુવાલાએ એમની પ્રતિભા પારખીને કાયમ એમની સાથે ઘરોબો જાળવ્યો અને અમુક અંશે એમને આર્થિક ચિંતાથી મુક્ત કર્યા. મુંબઈ સમાચારના તંત્રી લેખો વર્ષો સુધી એમણે જ લખ્યા. એટલે સુધી કે છેલ્લા દિવસોમાં 1986માં એમનાથી ચાલી નહોતુ શકાતું ત્યારે મુંબઈ સમાચારનો માણસ એમના ઘરે આવીને તંત્રીલેખ લખાવી જતો.

માત્ર સર્જનાત્મક કલમના સહારે જીવનનું પાલનપોષણ થતું નથી, એવા સંજોગો કદાચ એમના જીવનમાંય આવ્યા હશે. એમની એક ગઝલ જ એમ કહે છે,
હૃદય રકતથી જેનું સીંચન કર્યું છે,
એ જીવનચમનનાં સુમન વેચવા છે.
ખરીદો, ખરીદો, ઓ દુનિયાના લોકો!
અમોલાં અમોલાં કવન વેચવા છે
ગરીબાઈની લાજ રાખી છે જેણે,
એ ધીરજના છૂપાં રતન વેચવા છે
કફનની રહે જોગવાઈ એ માટે
અમારે અમારાં જીવન વેચવા છે.
ખરીદી શકે છે કોઈ પણ જગતમાં
વિનિમયમાં આપી શકે જો પ્રભુને
જે શ્રધ્ધાની મોંઘેરી મૂડી સમાં છે,
એ સઘળા અશંકિત નમન વેચવા છે
નથી જોઇતી અલ્પતા દેવગણની,
મળી જાયે શંકરનું ગૌરવ અમોને
એ ખાતર જીવનના બધા ઝેર સાટે,
આ બાકીનાં સઘળાં રતન વેચવા છે
એ કવિઓ કલાકારો બહુ ઓછા હશે જે પોતાના જીવનકાળ દરમ્યાન જ ઉચિત રીતે પોંખાયા. શૂન્યસાહેબની ઉસ્તાદ શાયર તરીકે જીવનભર નામના રહી. થોડાં સન્માનો પણ થયા, પરંતુ ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારામાં એમને પણ સ્થાન મળતાં ખૂબ વાર લાગી.
1943થી 1887 સુધી 44 વર્ષ સતત સક્રિય રહેનાર આ કવિને પરિષદ કે એકેડમીનો કોઈ એવોર્ડ મળ્યો નહીં. એમના અવસાન પછીય મારી જાણ પ્રમાણે, એમના નામ સાથેય કોઈ મોટો એવોર્ડ જોડાયો નથી.
આંસુમાં સ્મિત કેરી પ્રભા શોધતો રહ્યો
મૃત્યુ મહીં જીવનની અદા શોધતો રહ્યો
દુખ શોધતો રહ્યો હું વ્યથા શોધતો રહ્યો
જીવનને માણવાની કલા શોધતો રહ્યો
ચમકી શક્યો ન શૂન્ય જે તારલિયો આભમાં
આંસુ બની નયનમાં જગા શોધતો રહ્યો
પર્વત જેવી ઊંચાઈ ધરાવનાર આ શાયરે એમ કહેવું પડ્યું,
પ્રેમને કાળનાં બંધન મહીં ફસતાં જોયો!
એક પર્વતને અમે ખીણમાં ધસતાં જોયો!
શૂન્ય છે શૂન્ય જગતનું આ બધું મૂલ્યાંકન!
એક પથ્થર મેં અહીં હેમને કસતાં જોયો!
તો સાચા સોના જેવું જીવન જીવી ગયેલા આ દિગ્ગજ શાયરનું આ મુક્તક જુઓ. પહેલા મને હતું કે આ ખય્યામનો અનુવાદ હશે. એકાદ બે જગ્યાએ ખય્યામના અનુવાદ તરીકે જ આ મુક્તક ક્વોટ પણ થયું છે.પણ પછી એમના કોઈ વડીલ ચાહકે ધ્યાન દોર્યું કે આ તો શૂન્યસાહેબનું મૌલિક મુક્તક છે.
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરો ને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
હવે એમની અમુક અનુવાદિત રૂબાઈઓ મારે તમારી સમક્ષ ધરવી છે. વાંચીને તમને લગીરે ખ્યાલ નહીં આવે કે આ રચનાઓ મૌલિક નથી, પરંતુ ઉમર ખય્યામના અનુવાદો છે.

રૂબાઈ
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
*
શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
મૃત્યુ ભલે આવું હોય જીવન કેવું હોવું જોઈએ?
માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,
જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;
આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,
એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.
*
જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;
ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ
*
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
તો ઉમર ખય્યામની રૂબાઈનો આવો અદભૂત અનુવાદ આપનાર આપણા સૌના શૂન્યસાહેબ… જે પોતે શૂન્યમાં વિલીન થતાં પહેલાં ગુજરાતી સાહિત્યની સુરાહીને સભર કરી ગયા. 65 વરસના આયુષ્યના અંત ભાગે, એમના છેલ્લા મહિનાઓ પીડામાં પસાર થયા.
એમના પત્ની સતત બીમાર હતા, લાંબા સમયની ક્રોનિક સ્કીનની બિમારી હતી. એમના એક સંતાનને સ્કીઝોફ્રેનિયાની માનસિક બિમારી હતી. એમનું એક સંતાન ડિસેબલ્ડ – અપંગ હતું અને એમાં એમની પોતાની બીમારી આવી. પોતાના જીવનનો નિચોડ એમણે પોતાની ગઝલોમાં નિરંતર આપ્યો છે.
પ્રેમને કારણ આજ લગી મેં
એક જ ધારી હાલત જોઈ;
દિવસો કાઢ્યા વલખાં મારી,
રાત વિતાવી છાનું રોઈ.
રકતનાં બિંદુ તસ્બી-દાણા,
દેહની રગ રગ મારી જનોઈ,
ધર્મ સ્વયં છું, એટલે મારે
અંગત બીજો ધર્મ ન કોઈ.
અંત ને આદિ બેઉ અજાણ્યા,
કેવું અધૂરું જીવન પામ્યા?
કોઈ કથાનકની વચ્ચેથી જાણે
ઉઠાવ્યો ટુકડો કોઈ.
પણ કિસ્મતની આવી થોડી અવકૃપા વચ્ચેય એમની ખુમારી અડગ રહી, અને એ ભલે શૂન્ય રહ્યા પણ એમની સ્મૃતિ શૂન્ય થાય એમ નથી, 1986માં એ મુંબઈ સમાચારમાંથી સેવા નિવૃત્ત થયા. છેલ્લાં દિવસોમાં એ સેવા નિવૃત્ત થઈ તબિયત લથડતા ફરી પાલનપુર આવ્યા. એમ કહેવા માટે કે..
બુદ્ધિ કેરી દડમજલ પૂરી થઈ
લાગણીની ગડમથલ પૂરી થઈ
શૂન્યના ઉપનામ સાથે આખરે
એક દર્દીલી ગઝલ પૂરી થઈ
અવસાનના થોડા સમય પહેલા સારવાર માટે સુરતની સુરત જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ત્યારે કવિ મુકુલ ચોક્સીની સંગાથે એમને રૂબરૂ મળવાની તક મને મળી હતી. કવિ જાણે કહી રહ્યા હતા…
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં
લાગે છે શૂન્ય મૌનની સરહદ નજીક છે
વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં
કવિએ અંતિમ દિવસો વતન પાલનપુર મુકામે વિતાવીને જીવન ચક્ર પૂરું કર્યું. 17 માર્ચ 1987ના દિવસે નશ્વર દેહ ત્યાગ્યો પણ એ પહેલા જ કવિએ પોતાના મૃત્યુ સમયના ઉદગાર ગઝલબદ્ધ કરી રાખ્યા હતા.
ગઝલકારની વાત છે, ગઝલથી પૂરી કરી કરીએ.
રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા!
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા!
બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા!
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા!
ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરા;
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને, લો અમે તો આ ચાલ્યા!
ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી, વેલ છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા!
શૂન્યમાંથી આવ્યા’તા, શૂન્યમાં ભળી જાશું, કોણ રોકનારું છે?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા!
~ લેખક: રઈશ મનીઆર
મહાન શાયર શૂન્ય પાલનપુરીને સાદર વંદન. 🙏