સમાન સ્વરરચનામાં ગવાયેલાં ગીતોની અસમાન અસ્મિતા ~ શ્રીકાંત ગૌતમ
સમયખંડની સમાનતા નહીં, પરંતુ શબ્દાર્થ અથવા ભાવાર્થમાં સામ્યપણું ધરાવતા બે અલગ અલગ સમયમાં પ્રચલિત થયેલા એવા એકબીજાના સહોદર સમાં સિનેગીતોની ઝલક આ પહેલાં માણી. ટ્રિયોલોજી અથવા ત્રયી એવી એકબીજાને સાંકળતી શૃંખલાની એ હતી પહેલી કડી.
https://aapnuaangnu.com/2024/11/28/article-by-shrikant-gautam-9/
આ શૃંખલાની બીજી કડી એટલે સીને ગીતોના શબ્દાર્થ તથા ભાવાર્થની સામ્યતા, ગરવી ગુજરાતી ભાષાની કાવ્યપંક્તિઓ સંગાથે સમાનપણું ધરાવતા ઉભય પક્ષે અમુક ઉદાહરણો.
https://aapnuaangnu.com/2024/12/09/article-by-shrikant-gautam-10/
આ રહી ટ્રિયોલોજી અથવા ત્રયીની આ શૃંખલાની ત્રીજી અને આખરી એવી કડીની ઉદાહરણરૂપ ઝલક અત્રે પ્રસ્તુત છે. ત્રયી શૃંખલાની આ ત્રીજી કડી એટલે એ સિનેગીતો, જેમની વચ્ચેનો સામ્ય સેતુ એટલે એ બંને ગીતોના સુરતાલ તથા લયનું અદ્દલોઅદ્દલ એકસમાન હોવું.
આવી એકસમાન સંગીત અથવા સ્વરરચના ધરાવતાં બે ગીતો વચ્ચે આમ પાછો અમુક પરિપ્રેક્ષ્યમાં ફરક હોવો, જેને આભારી એ બંને ગીતોની સ્વરરચનાના સંદર્ભે સામ્યતા હોવા છતાં એ બંને ગીતોના શબ્દો અલગ હતા અથવા એ બંને ગીતો દ્વારા અભિવ્યક્તિ પામતી લાગણી અને વિચારણા વચ્ચે સમાન સત્ત્વ અને એકાકીપણુ નહોતું.
ઉદાહરણરૂપ આવાં સમાન સંગીતરચના ધરાવતાં, પરંતુ અનેક દૃષ્ટિકોણના સંદર્ભે એકબીજાથી અલગ લેખાય એવા સિનેગીતોની ઝલક જોઈએ.
ફિલ્મ ‘‘એક સાલ’’નું આ ગીત ‘‘સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા, દિન મેં અગર ચરાગ જલાએ તો ક્યા કિયા. હમ બદનસીબ પ્યાર કી રુસ્વાઈ બન ગયે ખુદ હી લગા કે આગ તમાશા હી બન ગયે, દામન સે અબ યે શોલે બુઝાયે તો ક્યા કિયા, સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યાં કિયા…’’
આ ગીત દ્વારા પ્રેમી પોતે પ્રેમિકા સાથે આદરેલી વિશ્વાસઘાતની વર્તણૂકનો પશ્ર્ચાત્તાપ વ્યક્ત કરતો દૃશ્યમાન થાય છે.
પ્રેમિકાના પોતાના પ્રત્યેના વિશ્વાસનો આવો દ્રોહ કર્યાના પરિણામ સ્વરૂપ એને થયેલા આ પસ્તાવાના એકરારમાં પોતાની માણસાઈની મિરાત ધ્વસ્ત થયાની અનુભૂતિમાં પ્રેમીને પોતાનું સઘળું લૂંટાઈ ગયાની લાગણી કોરી ખાતાં એ પોતાની વ્યથા આમ વ્યક્ત કરે છે.
આની સરખામણીએ વિશ્વાસઘાતનો ભોગ બનેલી પ્રેમિકા પોતાની મનોવ્યથા જે ગીત કડીના સહારે વ્યક્ત કરે છે, તે ગીતની સ્વરરચના પ્રેમી દ્વારા ગવાયેલા ગીત સાથે અદ્દલ સામ્યતા ધરાવે છે. પ્રેમિકાની વ્યથા આમ એના દ્વારા ગવાય,
‘‘સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા,
દિનમેં અગર ચરાગ જલાએ તો ક્યા કિયા’’
અહીં આ બે પંક્તિ પ્રેમીએ ગાયેલા શબ્દો જ ધરાવે છે, છતાં આ એકસમાન શબ્દોની પાછળ રહેલી બંનેની મનોવેદના અલગ હતી બંને દ્વારા ગવાયેલા સમાન શબ્દોના સંદર્ભે પ્રેમી અને પ્રેમિકાની જે અભિપ્રેત હતું એમાં અલગતા હતી.
આ બે પંક્તિની શબ્દસમાનતા પછીની ગીતપંક્તિઓ તો સાવ અલગ શબ્દાર્થનો ઢોળાવ ઊતરી જાય છે. પ્રેમિકાએ પોતાની વેદના આગળની પંક્તિઓમાં આમ ગાઈ હતી,
‘‘મેં વો કલી હું જો ના બહારોં મેં ખીલ શકી,
વો દિલ હું જીસકો પ્યાર કી મંઝિલ ના મિલી’’
પથ્થર પે હમને ફૂલ ચડાયે તો ક્યા કિયા,
દિન મેં અગર ચરાગ જલાયે તો ક્યા’’
‘‘મુનિમજી’’ ફિલ્મનું આવું એકસમાન સ્વરરચના ધરાવતાં બે ગીતો જે હતાં, એમાં પ્રેમીનું મોજીલાપણું દર્શાવતાં પ્રેમી દ્વારા ગવાયેલા ગીતના શબ્દો હતા,
‘‘જીવન કી સફર મેં રાહી મિલતે હૈ બિછડ જાને કો ઓર દે જાતે હૈ યાદેં તન્હાઈ મેં તડપાને કો, યે રૂપ કી દોલત વાલે કબ સુનતે હૈ દિલ કે નાલે, હઁસ હઁસ કે જલા દેતે હૈ યે હુશ્ન કે પરવાને કો…’’
https://www.youtube.com/watch?v=jQtKcfnmRXg
પ્રેમી દ્વારા ગવાયેલા આ ગીતમાં પ્રેમીની મોજીલી મસ્તીભરી અદાઓનું વર્ચસ્વ હતું. જ્યારે પ્રેમિકાના કંઠેથી ગવાયેલા આ ગીતની સ્વરરચના એ જ હતી, આરંભની પંક્તિ એ જ હોવા છતાં એમાં અર્થઘટન પાછળ પ્રેમિકાની મનોવેદનાનું વર્ચસ્વ વર્તાય છે, તથા એ પછીની પંક્તિઓમાં તો આ મનોવ્યથા અલગ શબ્દોના સહારે ઓર ઘૂંટાય છે આ રીતે,
‘‘રો રો કે ઇન્હી રાહોં મેં
ખોના પડા એક અપને કો,
હઁસ હઁસ કે ઇન હી રાહોં મે
અપનાયા થા બેગાને કો,
તુમ અપની દુનિયા મેં
ખો જાઓ પરાયે બનકર,
જી પાયે તો હમ જી લેંગે
મરને કી સજા પાને કો,
જીવન કી સફર મેં રાહી
મિલતે હૈ બિછડ જાને કો’’
‘‘જિંદગી ઓર મૌત’’ ફિલ્મમાં સ્નેહી સજનને દિલની સોંપણી કરવામાં પ્રેમીને એક અનેરી એવી અત્યાર સુધી ક્યારેય નહોતી થઈ એવી મુગ્ધતાભરી અલૌકિક અનુભૂતિ થાય છે જે તે પોતાની પ્રેમિકા પ્રત્યે આમ વ્યક્ત કરે છે,
‘‘દિલ લગા કર હમ યે સમજે જિંદગી ક્યા ચીજ હૈ, ઇશ્ક કહેતે કિસે ઓર આશિકી ક્યા ચીજ હે, હાયે યે રુક્સાર કે શોલે યે બાહેં મર્મરી, આપસે મિલકર યે દો બાતેં સમજ મેં આ ગઈ, ધૂપ કિસકા નામ હૈ ઔર ચાંદની ક્યા ચીજ હે, હોશ હો બૈઠે તો જાના બેખૂદી ક્યા’’
જ્યારે અમુક ગેરસમજણને આધીન પ્રેમિકાને પોતાના પ્રેમી પ્રત્યેના પ્રેમને મળવા જોઈતા પ્રતિસાદમાં બોદાપણુ મહેસૂસ થાય છે, ત્યારે પ્રેમિકા આ સમાન સંરચનામાં જે ગીત થકી પોતાની વ્યથા વ્યક્ત કરે છે તેમાં પ્રથમ પંક્તિના શબ્દો સમાન હોવા છતાં તે શબ્દોની અર્થચ્છાયામાં અલગ પ્રકારનો ડંખ વ્યક્ત થયો, અને તે પછીની પંક્તિઓમાં તો પ્રેમિકાની મનોવેદના ઓર મુખર બનીને આમ વ્યક્ત થઈ,
‘‘બાદ મુદ્દત સે મિલે
તો ઇસ તરહ દેખા ઇધર
જીસ તરહ એક અજનબી,
અજનબી ઉપર ડાલે નજર,
આપને યહ ન સોચા
દોસ્તી ક્યા ચીજ હૈ,
અબ હુઆ માલૂમ હમકો
બેરુખી ક્યા ચીજ હે,
દિલ લગા કર હમ યે સમજે
જિંદગી ક્યા ચીજ હે’’
ઉપરોક્ત ત્રણ ઉદાહરણોમાં પ્રેમિકાની પ્રેમી પ્રત્યેની ફરિયાદ વ્યથામાં પરિવર્તિત થઈ પ્રેમિકાને પ્રેમીના પોતાના પ્રત્યેના પ્રેમમાં ઊણપ વર્તાઈ.
આની સામે પ્રેમીને જ્યારે પ્રેમિકાના પોતાના પ્રત્યેના પ્રેમમાં ઓટ આવેલી અનુભવાય છે, ત્યારે પણ એકસમાન સુર સ્વરરચનાનાં બે ગીતો અસ્તિત્વમાં આવ્યાંનાં ઉદાહરણો પ્રસ્તુતિ પામ્યાં છે.
ફિલ્મ ‘‘પગલા કહી કા’’માં પ્રેમીને પ્રેમિકાના પોતાના પ્રેમ પ્રત્યેનો પ્રેમ પ્રતિસાદ મોળો લાગવાની અનુભૂતિ થાય છે, ત્યારે એની એ વ્યથા આમ વ્યક્ત થઈ હતી, ‘
‘તુમ મુઝે યુઁ ભુલા ના પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુન ગુનાઓગે, વો બહારે વો ચાંદની રાતે હમને કી થી જો પ્યાર કી બાતે, ઉન નઝારોં કી યાદ આયેગી, જબ ખયાલો મેં મુઝકો લાઓગી, હાં તુમ મુજે યુ ભુલા ના પાઓગે…’’
આની સામે પ્રેમિકા પ્રેમીની પોતાના પ્રત્યેની ગેરસમજણ દૂર કરવા તથા પોતાના પ્રેમમાં જરા જેટલી કચાસ નથી આવી તેની સમજણ આપવા એ જ સ્વરચનામાં આ શબ્દો દ્વારા પોતાની કેફિયત કહે છે,
‘‘તુમ મુઝે યું ભુલા ના પાઓગે, બિતી બાતો કા કુછ ખયાલ કરો, કુછ તો બોલો કુછ હમસે બાત કરો, રાજ-એ-દિલ તુમ્હે બતા દુંગી મૈં તુમ્હારી હું, માન જાઓગે, હાં તુમ મુજે યુ ભુલા ના પાઓગે મેરી ખામોશીયોં કો સમજો તુમ, જિંદગી યાદ મેં ગુજારી હૈ, મૈં મિટી હું તુમ્હારી ચાહત મેં ઓર કિતના મુઝે મિટાઓગે.’’
‘‘ભીગી રાત’’ ફિલ્મમાં પણ પ્રેમી જ્યારે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે, પ્રેમિકાને કોશે છે,
‘‘દિલ જો ન કહ શકા, વોહી રાઝ-એ-દિલ કહેને કી રાત આઈ, ઓ મુબારક હો તુમ્હે કિસી કી તરસતી બાહોં મેં રહેને કી રાત આઈ, ચલીએ મુબારક જશ્ન એ દોસ્તી કા દામન તો થામા આપને કિસી કા…’’
https://www.youtube.com/watch?v=14Fc4-MD0Ys
આની સામે પ્રેમિકા પોતાની કેફિયત આ જ સ્વરચનામાં આમ વ્યક્ત કરે છે, ‘‘અબ તક દબી થી એક મૌજ-એ-અરમાન, લબ તક જો આઈ, બન ગઈ હે તૂફાં,, તુમકો છુપાલું મૂંદ કે યે પલકે, હો બેકરારસી લરઝતી સી છાવ મેં રહેને કી રાત આઈ, દિલ જો….’’
અને અંતે ફિલ્મ ‘‘હમ દોનો’’નું અતિમશહૂર કર્ણમંજુલ ગીત, ‘‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં…’’ દ્વારા પ્રેમી પોતાની પ્રેમિકાને જતી રોકવા માટે મનામણાં જે કરે છે, એમાં પ્રેમની મુગ્ધતા તથા મુક્ત પ્રેમનો રોમાંચ છે.
ફિલ્મના એ પછીના સિનેપ્રસંગમાં સંજોગોવશાત્ નિરાશ તથા હતાશ થયેલા પ્રેમીના એ હતોત્સાહને ખાળવાના આશયે આ જ સ્વરચનામાં મઢાયેલા જીવતરની વાસ્તવિકતાને દર્શાવતા પરિપક્વતાસભર શબ્દોમાં પ્રેમિકા આમ ગાય છે,
‘‘દુઃખ ઔર સુખ કે રાસ્તે બને હૈ સબ કે વાસ્તે, જો ગમ સે હાર જાઓગે, તો કિસ તરહ નિભાઓગે, જહાં મેં ઐસા કૌન હૈ જીસકો ગમ મિલા નહી, તુમ્હારે પ્યાર કી કસમ તુમ્હારા ગમ હૈ મેરા ગમ, જો મુઝસે ભી છુપાઓગે તો કિસે બતાઓગે, કે તુમસે મૈં જુદા નહીં, મુઝસે તુમ જુદા નહીં…’’
આ હતી સમાન સ્વરચનામાં ગવાયેલાં ગીતોની અન્ય પરિપ્રેક્ષ્યમાં રહેલી અસમાનતાની એક અલપઝલપ ઝલક.
~ શ્રીકાંત ગૌતમ, મુંબઈ
સુંદર અભ્યાસપૂર્ણ લેખ, લેખકની વિષય સજ્જતા દેખાઈ આવે છે..