કવિતા અને કચકડાના શબ્દાર્થનો સમન્વય સેતુ ~ શ્રીકાંત ગૌતમ
આધ્યાત્મિકતાની એરણે ખરો ઊતરતો એક પ્રસંગ રામાયણમાં જે છે, એના અંતર્ગત રામસેવક હનુમાનજીના નેતૃત્વ હેઠળ એમની વાનરસેના રાવણની સુવર્ણ લંકા સુધી પહોંચવા ઘૂઘવતા દરિયામાં પથ્થરો ઉપર કંઈક લખીને એ પથ્થરોને સાગરમાં ફેંકે છે અને એ પથરા તરવા માંડતાં રાવણની સોનેરી લંકા સુધી પહોંચવા માટેનો એક સેતુ બનતો જાય છે.
દૂર ઊભેલા શ્રીરામ વાનરોની આ ચેષ્ટા કુતૂહલપૂર્વક જોતા હોય છે અને જ્યારે વાનરો આઘાપાછા થયા ત્યારે રામે પોતે એક મોટો પથ્થર લઈને દરિયામાં નાખ્યો અને એ પથરો તુરંત ડૂબવા લાગ્યો અને ડૂબી પણ ગયો.
આનો જે રહસ્યસ્ફોટ થયો એ આધ્યાત્મિક હતો અને તે એ કે વાનરસેનાએ રામનું નામ લખીને પથ્થરો સાગરમાં ફેંક્યા અને ‘‘શ્રીરામ’’ ધારી પથ્થરો તરી ગયા અને જ્યારે રામે જે પથ્થર ફેંક્યો એ ડૂબી ગયો. રામ નામ તારણહાર છે, જ્યારે રામ પોતે જ્યારે કંઈ ડુબાડે એને કોણ તારે?
આ વિચારસરણીનું પ્રતિબિંબ ફિલ્મ ‘‘અમરપ્રેમ’’ના અત્યંત સુમધુર ગીતમાં આમ અનાયાસે ઝિલાતું જણાય છે, ‘‘મઝધાર મેં નૈયા ડોલે તો માઝી પાર લગાયે માઝી જો નાવ ડૂબોયે, ઉસે કૌન બચાયે… ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુજાયે સાવન જો અગન લગાયે, ઉસે કોન બુઝાયે’’
https://www.youtube.com/watch?v=sispr4Smg64
આવી જ રીતે પ્રાર્થનાઓનો સંપુટ જે કુન્દનિકા કાપડિયા સર્જિત ‘‘પરમ સમીપે’’માં એક પ્રાર્થના પંક્તિ કંઈક આવી છે, ‘‘મારું સઘળું માની જીવનને સ્વીકારીશ, મારું કંઈ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ.’’
આનો પડઘો ફિલ્મ ‘‘બહુબેટી’’ના આ ગીતમાં શાયર સાહિરે અનાયાસે જાણે આમ ઝીલ્યો, અથવા યોગાનુયોગ આવી સામ્યતા બંને રચનાઓમાં આમ આવી ગઈ, ‘‘જીઓ તો ઐસે જૈસે સબ તુમ્હારા હૈ, મરો તો ઐસે કે જૈસે તુમ્હારા કુછ ભી નહી….’’
… જેમ ચેતનામય મીરાંએ આ દુન્વયી જગતની ચિરવિદાય લીધી ત્યારે એનાં પગલાઓની છાપ સુધ્ધાં વિલીન થઈ ગઈ.
આમ અત્રે આપણે એવી ગુજરાતી કાવ્ય પંક્તિઓને યાદ કરીએ જેનું જાણ્યે અજાણ્યે અથવા યોગાનુયોગે હિન્દી સિનેગીતની પંક્તિઓ સાથે સામ્ય સધાયું છે, બંનેના ભાવાર્થમાં ક્યાંક ને ક્યાંક અનાયાસે સામ્યતા પ્રતિબિંબ થઈને ઝિલાઈ છે.
‘‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ’’ કવિ બોટાદકર લિખિત આ કાવ્યપંક્તિની ‘‘જોડ’’ જાણે આ સિનેગીતમાં આમ સુસંગત થતી લાગે છે. ફિલ્મ ‘‘દાદીમા’’નું આ ગીત હતું,
‘‘ઓ મા તેરી સુરત સે અલગ
ભગવાન કી સુરત ક્યા હોગી
ઉસકો નહીં દેખા હમને કભી..”
અન્ય એક અતિ પ્રચલિત ગુજરાતી કવિતાની કાવ્યપંક્તિ જોઈએ. કવિ નિરંજન ભગતરચિત કાવ્ય ‘‘હું તો બસ ફરવા આવ્યો છું’’ની આ કાવ્યપંક્તિ આ હતી,
‘‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકેય કામ તમારું કે મારું કરવા આવ્યો છું, અહીં પથ પર મધુર હવા અને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ના પાછો ઘેર જવા’’
આવું અલગારીપણું ફિલ્મ ‘‘પરિચય’’ના ગુલઝારરચિત ગીતમાં પણ આમ ઝિલાતું જોવાય છે.
https://www.youtube.com/watch?v=cHLgOcsngTI
‘‘મુસાફિર હું યારો, ન ઘર હે ના ઠીકાના,
મુજે ચલતે જાના, બસ ચલતે જાના,
એક રાહ રૂક ગઈ તો ઔર જોડ ગઈ,
મૈં મૂડા તો સાથ સાથ રાહ મુડ ગઈ..”
કવિ નિરંજન ભગતની અન્ય એક અતિપ્રચલિત રચના એટલે,
‘‘ચલ મન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી,
જ્યાં માનવ સૌ ચિત્રો જેવા
વગર પિછાને મિત્રો જેવા,
સિમેન્ટ કોંક્રિટ, કાચ, શિલા, તાર,
બોલ્ટ રિવેટ, સ્ક્રૂ ખીલા,
ઇન્દ્રજાલની ભૂલવે લીલા..’’
મહાનગરની યાંત્રિકતાને ગાતી આ કાવ્યપંક્તિની અધિકાંશ સામ્યતા ફિલ્મ ‘‘સી.આઈ.ડી.’’ના આ કટાક્ષસભર ગીતમાં આમ ગવાઈ હતી,
‘‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં,
જરા હટકે જરા બચકે,
યે હે બમ્બઇ મેરી જાન,
કહીં બિલ્ડિંગ, કહી ટ્રેને,
કહીં મોટર, કહીં મીલ,
મિલતા હૈ યહા સબ કુછ,
એક મિલતા નહીં દિલ,
ઇન્સાન કા યહાં નહીં કહી નામોનિશાન…’’
મહાનગર અને માનવમહેરામણ, આ સંબંધ સદા ઘનિષ્ઠ રહ્યો છે માનવીઓનો મહેરામણ એટલે ‘‘ભાત ભાત કે લોગ’’ એવો એક અકલ્પનીય મેળો. જન્મજાત કવિ રમેશ પારેખે ‘‘મનપાંચમના મેળાને આમ પોતાની સર્જનાત્મક લેખિનીમાં ઉતાર્યો,
‘‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ, કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે, આ મનપાંચમના મેળામાં…’’
માનવમહેરામણનો આ મેળો વિવિધતાભર્યો હોવાની સાથોસાથ ક્ષણભંગુર પણ એટલો જ છે ‘‘એક ઋતુ આયે, એક ઋતુ જાયેં’’ જેવી જીવતરની ફિલસૂફી ફિલ્મ ‘‘મેલા’’ (1948)ના આ શીર્ષકગીતમાં આમ ગવાઈ હતી, ‘‘યે જિંદગી કે મેલે, યે જિંદગી કે મેલે, દુનિયા મેં કમ ન હોંગે અફસોસ હમ ન હોંગે, દુનિયા હૈ મોજ-એ-દરિયા, કતરે કી જિંદગી ક્યા…’’
ધરતી ઉપર જેમ માનવમહેરામણનો મેળો જામ્યો, એવી રીતે આકાશમાં પંખીઓનો આનંદમેળો જ્યારે જમાવટ કરે ત્યારે એમના કલરવ તથા કલશોર થકી ગગન, ગગન મટીને કવિહૃદય નીનુ મજૂમદારરચિત ગીતમાં આમ રૂપાંતરિત થાય, ‘‘પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચુમીઓ, કુથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો…’’,
પંખીઓના કલરવની આ ‘‘રહસ્યમય એવી અણઉકલી બોલી ‘‘બંદિની’’ ફિલ્મની નાયકાને ન સમજાતાં એ મુગ્ધા મીઠી રાવ કરતી ગાઈ ઊઠી. ‘‘ઓ પંછી પ્યારે સાંજ સખારે, બોલે તૂં કૌનસી બોલી બતા રે બોલે તૂં કોનસી બોલી. મૈં ખિડકી સે ચૂપ ચૂપ દેખું રીતુ બસંત કી આઈ, રીતુ બસંત કી આઈ, ઓ પંછી પ્યારે સાંજ સખારે બોલે તૂં કૌનસી બોલી બતા રે બોલે તૂં કૌનસી બોલી…’’
અને અંતે, માનવી સમુદાયની એક અકથ્ય એવી વ્યથા તથા વેદનાને વાચા આપતી ઘટના એટલે કન્યાવિદાયની વસમી વેળા. એક કુંવારિકા પોતાના નવજીવનસમા સંસાર પ્રતિ પ્રયાણ કરે ત્યારે આંખેથી વહેતી અશ્રુધારા મિશ્ર પ્રકારની હોવી સાહજિક છે.
એક તરફ વિરહવેદનાની કરુણતાની વહેતી સરવાણી તો બીજી દૃષ્ટિએ ભરથાર સંગાથે ભાવિ જીવતરના ઉંબરાને ઓળખવાના ઉમંગના હર્ષાશ્રુ. આમ છતાં કન્યાવિદાયનો પ્રસંગ માત્ર એક કુંવારિકાનું નવોઢામાં પરિવર્તનનો પ્રસંગમાત્ર નથી, પરંતુ આના સંલગ્ન એક કન્યા પોતાની સાથે અનેકગણું લઈ જવાની સાથોસાથ અનેકગણાથી વિચ્છેદ પામતી એક ‘‘કેસરિયાળા સાફા’’ સાથે ચાલી નીકળે છે, જેને કવિ અનિલ જોષીએ આ કન્યાવિદાયને આમ વર્ણવી હતી,
‘‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉધલથી મહાલે, કેસરિયાળો સાફો ઘરનો ફળિયું લઈને ચાલે, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણની વાત, શૈશવથી ચિતરેલી શેરી સુનકારમાં ડૂબે…’’
કોડીલી કન્યા પોતાના પરણેતર સાથે ચાલી જતાં અનેક સગાઈ, સંબંધો અને સંસ્મરણોને પોતાની પાછળ રડતા મૂકીને ચાલી નીકળે છે, અને આ શૂન્ય અવકાશને ફિલ્મ ‘‘બંદિની’’માં આમ ગવાયો હતો,
‘‘બૈરન જવાનીને છીને ખીલૌને ઔર મેરી ગુડિયાં ચૂરાઈ, બાબુલ કી મૈં તેરે નાઝોં કી પલી ફિર ક્યું હુઈ મૈં પરાઈ’’ અથવા તો ફિલ્મ ‘‘બમ્બઇ કા બાબુ’’ની આ ગીતપંક્તિમાં ગવાયેલી કન્યાવિદાયની વેદના, ‘‘ચલરી સમજની અબ ક્યા સોચે કજરા ના બહ જાયે રોતે રોતે, બાબુલ પછતાયે હાથોં કો મલકે કાહે દિયા પરદેશ ટુકડે કો દિલ કે, આંસુ લિયે સોચ રહા દૂર ખડા રે…’’
આમ યોગાનુયોગ્ય અથવા અનાયાસે કવિતા અને કચકડા વચ્ચે શબ્દાર્થનો આવો સર્જનાત્મક સમન્વય સેતુ સમયાંતરે રચાયો, એ તથ્યની આ એક નાનકડી ઝલક.
~ શ્રીકાંત ગૌતમ, મુંબઈ
‘‘ઓ મા તેરી સુરત સે અલગ
ભગવાન કી સુરત ક્યા હોગી
ઉસકો નહીં દેખા હમને કભી..” ખૂબ ગમતી પંક્તિઓ.
સંતોષ કાવ્યમાંથી…તૃપ્તમન સાગર સમાન,
શત્રુ કે મિત્રોનું સરખું સન્માન.
જે મારી પાસ તે છે ઘણું,
પછી હોય છો ને અબજ કે અણું. સરયૂ પરીખ.