ત્રણ કાવ્ય ~ (૧) જ્વલંત છાયા (૨) લલિત ત્રિવેદી (૩) હરીશ ઠક્કર ~ ‘કવિતા’ દીપોત્સવી અંકમાંથી સાભાર

૧. લઘુકાવ્યો – જ્વલંત છાયા

વાવ ક્યાંય સુધી તાગતી
રહી, આંખોનું ઊંડાણ
*
વાવ બનેલી
આંખોમાંથી
પાંખો ફફડાવી
આંસુના ઊડ્યા કરે
પારેવાં
*
આ કઈ વાવમાં
નાખી હતી આંખ?
હજી એ સુકાતી જ નથી!

૨. ગઝલ ~ લલિત ત્રિવેદી

એ તદાકારને શરીર હશે?
એમ સૂરદાસને શરીર હશે?

સંત, અજવાસને શરીર હશે?
શું તુલસીદાસને શરીર હશે?

તારા રણુકારને શરીર હશે?
લલ્લ, શું વાખને શરીર હશે?

ના હશે હોઠ કે ના હોશ હશે
ગોપીઓ, કાનને શરીર હશે?

ના તો પરછાઇ કે શહેનાઈ
બિસ્મિલ્લાખાનને શરીર હશે?

એકબીજા ન એક બીજા રહે
એ શરીરાતને શરીર હશે?

પૂછ ભગવતીને પૂછ મુગતિને
શું એ સાક્ષાતને શરીર હશે?

એને અંગારા એ જ રણુકારા
રાણી, ભરથારને શરીર હશે?

સાળને પૂછ, પૂછ સાખીને
કે કબીરાતને શરીર હશે?

૩. ગઝલ ~ હરીશ ઠક્કર

એથી મોટી કોઈ સાર્થકતા નથી
આપણું એકાંત એકલતા નથી

છે શરત તરવાની કે ડૂબી જવું
જે ડૂબે નહીં એ કદી તરતા નથી

પારકી આંખે ટપકતા હોય એ
આંસુઓ આપણને ભીંજવતા નથી

કોઇ અમને ના ગમે તો ના ગમે
છે ઘણા જેને અમે ગમતા નથી

ક્યાંક એ મારાથી રીસાય ન હો
હૈયે છે ને હોઠે કાં ચડતા નથી?

જેના અજવાળે મળ્યા’તા આપણે
એ દીવા આંખોમાં ટમટમતા નથી

જીત માટે હારતા રહેવું સતત
એ સફળતા છે, એ નિષ્ફળતા નથી

~ કવિતા દ્વિમાસિક,
જન્મભૂમિ પ્રકાશન
~ તંત્રીઃ રમેશ પુરોહિત
~ દીપોત્સવી અંક
~ ઑનલાઈન વાર્ષિક લવાજમ ભરવા Bank Details.
“Saurashtra Trust”
Bank of Baroda, Fort Branch
A/c No: 70080200001570
NEFT: BARB0PBBMUM
(5th Character is Zero)

Pl email screenshot of payment on: 
jbhoomi@gmail.com
Circulation Dept. Number:
+91 22 22870831

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments