પ્રકરણ: ૩૦ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
(શબ્દો: ૮૩૮૨)
અભિનય બદલ લાવણ્યને ખ્યાતિ મળી. ધ્રુવસ્વામિનીનું ઐતિહાસિક પાત્ર ‘મિથ’નો મહિમા પામ્યું.
પ્રેમલે એક જાહેરાત માટે ધ્રુવસ્વામિનીનું રંગીન ચિત્ર બનાવ્યું હતું. બતાવીને લાવણ્યની સંમતિ લેવા આવ્યો હતો, પ્રગટ કરી શકું?
લાવણ્યને નાટકના પ્રયોગની રાત યાદ આવી.
સહુનાં અભિનંદન ઝીલીને લાવણ્ય નેપથ્યનાં પગથિયાં ઊતરીને ખુલ્લામાં આવી હતી. ખુલ્લી હવામાં શ્વાસ લેવાએ ક્યારનીયે બેચેન હતી. સવારની જમી નહોતી અને પ્રલંબ વાક્યોને રજૂ કરતાં લીધેલો શ્રમ પ્રોક્ષકોએ બિરદાવ્યો હતો તેથી ત્યારે તો થાક નહોતો લાગ્યો પણ બહાર મૌલશ્રીના વૃક્ષની નજીક નિશિગંધાની સૌરભથી ઘૂંટાયેલા વાતાવરણમાં બાંકડા પર બેસતાં જ એને ટેકો લેવાનું મન થયું. ટેકો લેતા આંખો મીંચીને એણે લાંબો શ્વાસ લીધો.
એ ક્ષણે પ્રેમલ ત્યાં આવી પહોંચ્યો. વિશ્વનાથ ગુજરાત બહાર હતો. એનાં માતાપિતાને એણે કહેલું કે નાટક જોવા અચૂક જજો. પ્રભાકરભાઈને લાવણ્યનો અભિનય ખૂબ ગમ્યો હતો. એ શુભલક્ષ્મીને લઈને સ્ટેજનાં પગથિયાં ચઢ્યા હતા. પણ લાવણ્ય જડી નહોતી. ‘સવારે મળીશું’ કહીને એ પગથિયાં ઊતરી ગયા હતા.
પ્રેમલ ઊભો હતો. ભીડ ઓછી થાય પછી એ એકાંતમાં લાવણ્યને મળવા માગતો હતો. એ પ્રભાકરભાઈના આમંત્રણ પછી પણ યથાવત ઊભો રહ્યો.
‘હું લાવણ્યની સાથે નીકળવા ધારું છું, તમે જાઓ, ગુડ નાઈટ!’ એ દંપતીને જવાબમાં ગુડ નાઈટ કહેવાનો ઉત્સાહ વરતાયો નહીં. આ માણસ લાવણ્યની સાથે જશે? એનો ભરોસો શો? ‘ધ્રુવસ્વામિની’ની પ્રશંસા કરવાનું ભૂલીને એ લાવણ્યની ચિંતા કરતાં ઘેર પહોંચ્યાં.
આ બાજુ બાંકડા પર આરામ કરી રહેલી નતનેત્ર લાવણ્યનાં અંગોનું સૌષ્ઠવ જોતો પ્રેમલ ઊભો રહ્યો. સમગ્ર શોભા સુરેખ રીતે પ્રેમલની ચેતનામાં અંકિત થઈ ગઈ.
ત્યાં શ્રીદેવી અને સિંઘસાહેબ આવ્યાં. રૂપા શેઠની કાર રીવર્સમાં આવી ને ઊભી રહી.
‘ગાડી તો મારી પાસે પણ હતી. મૂકતો જાત.’ — પ્રેમલ કહ્યું.
‘અમારે હજી જમવાનું બાકી છે.’ — શ્રીદેવીએ કહ્યું. એમણે લાવણ્યને ઢંઢોળી. એને ઝોકું આવી ગયું હતું. આળસ મરડીને એ ઊભી થઈ. પ્રેમલના પ્રસ્તાવ વિશે જાણીને એણે આભાર માન્યો. પ્રેમલ અનિચ્છાએ છૂટો પડ્યો. ઘેર પહોંચ્યો. ઊંઘ ન આવી. વાહન લઈને સ્ટુડિયો જવા રવાના થયો. પળવારમાં આલેખ તૈયાર કરી રંગો હાથમાં લીધા. સારું એવું કામ પૂરું થયા પછી જ એને ઊંઘ આવી. બેએક દિવસમાં ચિત્રને છેવટનું સ્વરૂપ આપીને એ લઈ આવ્યો.
લાવણ્યે આ બે દિવસ આરામ કર્યો હતો. હજી એ ધ્રુવસ્વામિનીની મનોદશામાંથી બહાર નીકળી શકી નહોતી. ત્યાં પ્રેમલે એની બે દિવસ પહેલાંની ક્ષણને સાકાર કરીને એને એક ભવિષ્ય આપ્યું હતું. ચિરંતન તો શું હોય છે પણ પ્રેમલે એની એક છબિ ભૂતકાળમાં વહી જતી બચાવી લીધી હતી.
ચિત્ર લાવણ્યને ગમ્યું હતું.
‘તમે કોનું અંકન કર્યું છે? ધ્રુવસ્વામિનીનું કે મારું?’
‘મારી કલ્પનાની નારીનું.’ — પ્રેમલે એક અપેક્ષા સાથે જોયું: ‘રવીન્દ્રનાથે કહ્યું છે કે તું અડધી માનવી છે અને અડધી કલ્પના છે. આર્ધેક માનવી તુમિ આર્ધેક કલ્પના! પણ મારી આદર્શ નારી તો સોએ સો ટકા કલ્પના છે!’
‘ચિત્ર દોર્યા પછી જે વાસ્તવિક લાગે છે એને કલ્પના કેમ કહો છો?’
‘તમે ધ્રુવસ્વામિની બન્યાં ન હોત તો હું તમારું ચિત્ર દોરવાની હિમ્મત કરી શક્યો હોત ખરો? તમે જ કહો: ધ્રુવસ્વામિની એ કલ્પના નથી તો શું છે? હું લાવણ્યની વાત નથી કરતો. એ અધિકાર મેં ક્યારનોયે ગુમાવ્યો છે.’
પ્રેમલનો વિરોધ કરવા જેવું લાવણ્યને લાગ્યું નહીં. એને યાદ આવ્યું. નાટકના મધ્યાન્ત વખતે શારદાની બીજી બાજુ બેઠેલા પ્રેમલે એને બેચેન કરી મૂકી હતી. કેવી અરુચિ જાગી હતી! પણ એના પર વિજય મેળવીને એણે ભાવાનુપ્રવેશની વિરલ સિદ્ધિ મેળવી હતી.
એ રાત્રે શ્રીદેવી અને સિંઘસાહેબ સાથે એમને ત્યાં ગયા પછી ગરમ નાસ્તો અને દૂધ લઈને એ દર્પણ સામે જઈ ઊભી હતી: ‘અરે! હું તો હજી પાત્ર છું. મૂળ વ્યક્તિ ક્યારે બનીશ?’ એને હવે ખ્યાલ આવ્યો કે મેકઅપ ઉતારવાનું તો રહી જ ગયેલું. વેશભૂષા પણ બદલી નહીં? એની બેગ પણ શ્રીદેવીને યાદ આવી હતી. રૂપા શેઠે ઉપાડીને ગાડીમાં મૂકી હતી. અહીં છે. સાડી બદલી શકે એમ છે. પણ ગુપ્તયુગમાંથી નીકળવાનું એને મન નહોતું થતું.
મંચ પર આંગિક અભિનય કરતી હોય એમ એ થોડાંક ડગલાં બેઠકખંડમાં ચાલી. સિંઘસાહેબને એક ફ્રેંચ અભિનેતાનું સ્મરણ થયું. એ જે ભૂમિકા ભજવતો હોય એમાં જ રાતદિવસ જીવ્યા કરતો. આખું જગત એને માટે મંચ બની જતું. જ્યાં સુધી નવા નાટકમાં તદ્ન જુદી ભૂમિકા કરવાનો પ્રસંગ ન આવે ત્યાં સુધી એ અગાઉ ભજવેલા પાત્રનું જીવન જીવ્યા કરે. એ રીતે તારે ધ્રુવસ્વામિની બની રહેવું હોય તો અમને વાંધો નથી.’
‘પણ મને છે. એ મહિમાવંત નારીના વ્યક્તિત્વના પચીસ ટકા પણ મારામાં નથી.’
‘પ્રેક્ષકો તારી સાથે સંમત નહીં થાય. અરે પ્રસાદજી કે મુનશીજી પણ તારા આ વિધાનનો વિરોધ કરે. કહે કે અમારી કલ્પના કરતાં અનુગામી યુગની વાસ્તવિકતા સવાઈ નીવડી!’ — સિંઘસાહેબ જાણે કે વિવેચક મટીને માત્ર પ્રેક્ષકની હેસિયતથી પ્રસન્નતા દાખવી રહ્યા હતા. શ્રીદેવી એમને ટોક્યા વિના રહી ન શક્યાં:
‘મને યાદ છે ત્યાં સુધી તમે પહેલીવાર લાવણ્યનાં મોકળે મને વખાણ કરી રહ્યા છો!’
‘કંઈક ગેરસમજ થઈ રહી છે શ્રી! હું કંઈ એની બુદ્ધિનાં વખાણ નથી કરી રહ્યો!’
‘એ દિવસ પણ દૂર નહીં રહે સર! પરમાત્માનો અનુગ્રહ અને તમારા બેઉની આશિષ જોઈએ.’
‘એ આશિષ જરૂર આપશે. તને પોતાના જેટલી બુદ્ધિશાળી ક્યારેય નહીં માને. એ ભલે સમાનતાની વાતો કરે પણ છેવટે તો એ પેલા ઋષિઓના જ વારસદાર છે જે એમની શિષ્યાઓને અઘરા પ્રશ્નો સાથે માથાકૂટ ન કરવાની સલાહ આપતા. મૃણાલ આવે ત્યારે તું એને પૂછજે. હું ખોટી હોઉં તો.’
‘આજે તો તમે ખોટાં જ છો શ્રી! તમારી કોઠાસૂઝ મારા કરતાં વધુ છે એ વાત હું જાહેરમાં પણ કબૂલ કરી ચૂક્યો છું. લાવણ્ય, અમે સહાધ્યાયી હતાં ત્યારે બીજાઓની જેમ હું પણ માનતો કે શ્રીદેવી વિશ્વની અનન્ય અને અપૂર્વ વિદુષી થશે.’
‘અનન્ય માતા થઈ એનું કંઈ નહીં?’
‘કેમ કંઈ નહીં? સર્વસ્વ. પુરુષ ગમે તેટલો વિકાસ કરે તોપણ એ માતૃત્વની ઋજુતા ધારણ કરી શકતો નથી. બાળક સ્તનની ડીંટડી મોંમાં મૂકે એની સાથે માતાનું આખું અસ્તિત્વ દૂધ બનીને સ્ત્રવી ઊઠે એ કેવી વિરલ ઘટના છે. એ ક્ષણની અનુભૂતિમાં કેવી ધન્યતા સંચરતી હશે! પુરુષે તો માત્ર એની કલ્પના જ કરવી રહી.
લાવણ્ય, તેં નિરાલાજીને નહીં જોયા હોય, શ્રીદેવીએ જોયેલા છે. એમનું એક દીર્ઘકાવ્ય છે: ‘સરોજસ્મૃતિ!’ પુત્રી સરોજ સાવ નાની હતી ત્યારે એની જનેતાનું અવસાન થયું. સાસુજીએ ઘણો આગ્રહ કર્યો પણ નિરાલાજીએ બીજું લગ્ન ન કર્યું. મા બનીને દીકરીને ઉછેરી. પરણાવી. એની સેજ જાતે સજાવી. પુત્રી નવવધૂ બની છે એનું સૌન્દર્ય પિતાનું હૃદય વર્ણવે છે. એ શક્ય બન્યું કેવી રીતે? પેલી ઋષિપરંપરાનું નિરાલાજીમાં સાતત્ય હતું તેથી. તેથી જ એ માતૃત્વની ઋજુતા ધારણ કરી શક્યા હતા. ખોટું કહું છું?’
— સિંઘસાહેબ સમર્થન માટે શ્રીદેવી સામે જુએ છે.
શ્રીદેવીનો પ્રતિભાવ આંખના ખૂણે વ્યક્ત થઈ ચૂક્યો છે.
લાવણ્ય પણ ભાવાર્દ્ર બની જાય છે.
સંતાનો યાદ આવ્યાં હશે. પતિએ જીવનસખ્યની કૃતજ્ઞતા દાખવી એથી ધન્યતાનો અનુભવ થયો હશે.
બધાં મોડે સુધી જાગ્યાં હતાં. થોડા કલાકના આરામ પછી પણ લાવણ્ય સ્ફૂર્તિ સાથે પોતાના નિવાસે આવી હતી. બે દિવસ બહાર નીકળી જ નહીં. ત્યાં પ્રેમલ ચિત્ર લઈને આવ્યો અને ચિત્તમાં રહેલી ધ્રુવસ્વામિની ફરી એક વાર ઝબકી ઊઠી.
ચિત્ર છપાશે પછી મૂળ નકલ તમને ભેટ મોકલીશ. — કહીને પ્રેમલ ગયો હતો.
માગણી કરતી વખતે પણ એ એના આત્મગૌરવને હણાવા દેતો નથી.
લાવણ્યની આંખ સામેનું પુસ્તક ખુલ્લું જ હતું. એની નજર બારી બહારના વૃક્ષની ટોચ પરના આકાશ ભણી ઊંચકાતી હતી. એ સમજી શકતી નહોતી કે પોતે કયા પુરુષની ક્યા પુરુષ સાથે સરખામણી કરી રહી છે?
વિશ્વનાથ પ્રવાસેથી પાછો આવ્યો કે નહીં? નાટક જોવા પ્રભાકરભાઈ અને શુભલક્ષ્મીબહેન નહીં આવ્યાં હોય?
ચોથા દિવસે વિશ્વનાથના દૈનિકમાં ‘ધ્રુવસ્વામિની’નું અવલોકન છપાયું હતું. લાવણ્યનો ફોટો પણ હતો. એને શહેરમાં વિશ્વનાથની હાજરી વરતાઈ. શોના દિવસે પોતે હાજર નહીં હોય એમ કહીને એ બે દિવસ પહેલાં વિરાજબેન અને ચંદ્રકાન્તભાઈની સાથે રીહર્સલ જોવા આવ્યો હતો. શું આ ફોટોગ્રાફ તે દિવસનો તો નહીં હોય? અરે હા, આ તો મેકઅપ વિનાનો ફોટો છે! પણ મુદ્રાને કારણે પોતે ધ્રુવસ્વામિની જેવી લાગે છે.
અવલોકન પણ એણે જ લખ્યું લાગે છે. ખોટાં વખાણ લેશમાત્ર નથી. સમાપન કરતાં લખ્યું છે: એક વિદુષી અને સર્જક કલાકાર એવી આ યુવતી જો પૂરા સમય માટે તખ્તો પસંદ કરે તો એને અસાધારણ ખ્યાતિ મળે. પણ એથી વિદ્યાજગતને ખોટ જાય, જે ઇચ્છનીય નથી. આપણે એટલું જ ઇચ્છીએ કે વર્ષે એ આવા એકાદ સાહિત્યિક નાટકમાં ભાગ લઈને યુગચેતનાને વાચા આપવામાં દિગ્દર્શકને મદદરૂપ થાય. આ ભજવણીએ કલાની પ્રભાવક શક્તિનો અનુભવ કરાવ્યો છે.
છેલ્લે કૌંસમાં એક નોંધ હતી: સાહિત્ય અને કળાના મહોત્સવમાં એ ક્ષેત્રની વ્યક્તિ જ અતિથિવિશેષ તરીકે હોય તો એનું વક્તવ્ય અંતરાયરૂપ ન લાગે. રાજકારણીઓએ પોતાની જાહેરાત માટે બીજાં ક્ષેત્ર પસંદ કરવાં જોઈએ.
પાછળથી જાણવા મળ્યું કે વિશ્વનાથે સિંઘસાહેબને બતાવીને જ પોતાના સહકાર્યકરના હાથે લખાયેલું આ અવલોકન છાપ્યું હતું.
લાવણ્યને થયું: આ અંગ્રેજી દૈનિક શારદા સુધી પહોંચશે તો એને એમ જ લાગશે કે અવલોકનકારે મારો અભિપ્રાય નોંધ્યો છે… એને શરમ ન આવી મારી સામે અતિથિવિશેષ બનીને બેસવાની! પાછી પગે લાગીને તાલીઓ ઉઘરાવી ગઈ!
એ ક્ષણે તો પ્રેમલ પણ એના સાથીદારની હેસિયતથી જ બેઠો હતો. એની ભીતર છુપાયેલો કલાકાર પછી જાગ્યો.
વિશ્વનાથને મળવાનું થતાં એણે પોતાના ચિત્રની વાત કરી, જોવું છે? — પૂછ્યું. વિશ્વનાથ અંગત કામે બજારમાં જતો હતો. પ્રેમલ સાથે સ્ટુડિયો પર ગયો. ચિત્ર જોઈને ખીલી ઊઠ્યો.
‘નાટક જોવા નહોતો પામ્યો એનો વસવસો હવે નહીં રહે! તું માનશે પ્રેમલ? તેં મારી કલ્પનાને જ અંકિત કરી છે!’
વિશ્વનાથનું લાવણ્ય પ્રત્યેનું મમત્વ પ્રેમલથી અજાણ્યું નહોતું પણ આજે પહેલી વાર આ બધું સાંભળતો હોય એમ એના પ્રત્યાઘાત અનુભવી રહ્યો. એની બુદ્ધિ કહેતી હતી કે વિશ્વનાથનું લાવણ્ય પ્રત્યેનું આ ખેંચાણ સ્વાભાવિક છે પણ એનું મન માનતું નહોતું. વિચાર કરતાં એને લાગતું હતું કે એ લાવણ્યથી ઘણો દૂર નીકળી ગયો છે પણ રહી રહીને પાછળ નજર કરવા એ વિવશ બનતો હતો.
આ મનોદશામાંથી બહાર આવવા એણે એક વિલક્ષણ નિર્ણય કર્યો. એણે ધ્રુવસ્વામિની તરીકેનું લાવણ્યનું ચિત્ર વેચી દેવાનો નિર્ણય કર્યો. કોઈક કલા-સામયિકમાં એના પ્રકાશન સામે લાવણ્યે વાંધો નહોતો લીધો. વાત થયેલી જ છે, તો એક ડગલું આગળ… એણે એક જાહેરખબર એજન્સીને એ ચિત્ર વેચી દીધું. વિશ્વનાથને એની જાણ પણ કરી. તારે ખરીદવું હોય તો આ સરનામું!
વિશ્વનાથ જાણે છે: એવું મોંઘું ચિત્ર ખરીદવાની એની ગુંજાયેશ નથી. પણ લાવણ્ય આ જાણશે ત્યારે એને જરૂર આઘાત લાગશે. આ તો સરસ્વતીને બજારે બેસાડવા જેવી ઘટના ગણાય. પ્રેમલ બે તદ્દન વિપરીત વલણ એક સાથે કેવી રીતે ધરાવી શકતો હશે?
લાવણ્યને વાત કરું? ના. હું એને પ્રેમલથી વિમુખ કરવા માટે આમ કરું છું, એવો અર્થ થાય. અને એ ખોટો ન પણ હોય. સમય એનું કામ કરશે એ આશા એ એણે મૌન ધારણ કર્યું. આમેય એણે લાવણ્ય સાથે સંપર્ક ઘટાડી દીધો હતો. એ એના મહાનિબંધનું લેખન પૂરું કરે એમાં પોતે અંતરાય નહીં બને.
વિશ્વનાથ લાવણ્ય પ્રત્યે ઉદાસીન છે એમ ધારીને એનાં માતાપિતા એક દિવસ એની હાજરીમાં વાતે વળ્યાં: નાટક અને ચલચિત્રમાં કામ કરતી યુવતીઓનાં લગ્નજીવન વહેલાંમોડાં કેમ કોઈક વમળમાં સપડાય છે?
પોતાની પુત્રવધૂ અભિનેત્રી હોય એ એમને પસંદ નહોતું જ. હા, કોઈક મહોત્સવમાં લોકકલ્યાણ અર્થે એકાદ વાર અભિનય કરવા સામે એમને વાંધો નહોતો. તેથી તો એ વિશ્વનાથની ગેરહાજરીમાં નાટક જોવા ગયાં હતાં. જોઈને પ્રસન્ન પણ થયાં હતાં….
ત્યાં એમણે જોયું કે વિશ્વનાથ અને લાવણ્ય વચ્ચે સંપર્ક જેવું કશું રહ્યું જ નથી. અને એક દિવસ ફેરિયો સાપ્તાહિક નાખી ગયો એના છેલ્લા રંગીન પૃષ્ઠ પર એમણે લાવણ્યને છપાયેલી જોઈ. ધ્રુવસ્વામિની તરીકે એણે પહેરેલી સાડીની જાહેરાત હતી.
તો શું લાવણ્ય મોડેલિંગ પણ કરવા લાગી?
એમણે વિશ્વનાથને ફરિયાદ કરી. આ છોકરી તો ખરી નીકળી! તું એને વિદુષી તરીકે વંદતો રહ્યો અને આ તો પોતાના સૌન્દર્ય પરથી લજ્જાનું આવરણ દૂર કરવા લાગી.
વિશ્વનાથે અનુમાન કર્યું: પ્રેમલે સાચે જ લાવણ્યને પૂછ્યા વિના ચિત્ર વેચી માર્યું હશે. જ્યાં સુધી એ આ અંક નહીં જુએ ત્યાં સુધી —
ત્યાં લાવણ્ય પર દીપકનો પત્ર આવ્યો. એણે અંક જોયો હતો. ખેદ વ્યક્ત કર્યો હતો. ફોટોગ્રાફ સુંદર રીતે છપાયો છે, જાહેરખબર છે એનો ખ્યાલ મોડો આવે છે. પણ હું અભિનંદન નહીં આપું. પૈસાની જરૂર હતી તો મને કેમ કહ્યું નહીં? હું લોન આપત. હું જે સૌંદર્યને શ્રદ્ધાથી જોતો આવ્યો હતો એ મંદિરને બદલે શોરૂમનો મહિમા કરવા લાગ્યું.
પોતે ઘણા દિવસથી વિશ્વનાથને મળી નહોતી. અને એના ફોટોગ્રાફવાળો અંક એને ત્યાં હશે એમાં શંકા નહોતી. એ જમીને મળવા નીકળી. વિશ્વનાથ ઘેર નહોતો.
શુભલક્ષ્મીએ એને ઉમળકા વિના આવકારી. શબ્દોથી સ્વાગત કરવાને બદલે હાથથી આસન ચીંધ્યું.
‘શું આપની તબિયત સારી નથી?’
‘સારી છે, પણ વિશ્વનાથ હજી આવ્યો નથી. આજકાલ એને પ્રેસમાં વધુ કામ રહે છે.’
‘શું પપ્પાજી પણ નથી?’
શુભલક્ષ્મીએ પ્રભાકરને બોલાવ્યા.
‘મને એમ કે બીજું કોઈ હશે. અભિનેત્રી અને મોડેલ બન્યા પછી લાવણ્યને આપણે ત્યાં આવવાનો સમય ક્યાંથી મળે?’
‘સાચી વાત તો એ છે કે મને મોડેલ બનવાની પણ નવરાશ નથી. પીએચ.ડી.ના કામમાં ગળાબૂડ છું.’
‘તો અહીં આવવાની નવરાશ કેવી રીતે મળી?’ — શુભલક્ષ્મીએ દાખવેલા સ્મિતમાં ઢંકાયેલી કડવાશ લાવણ્ય પારખી ગઈ. નક્કી આ લોકોને માઠું લાગ્યું છે.
‘શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તમે નારાજ લાગો છો.’
‘જે જાણતે છતે થાય એ ભૂલ કહેવાય? તમે અંગપ્રદર્શન શરૂ કર્યું?’ — શુભલક્ષ્મી સાપ્તાહિક લઈ આવ્યાં. એમને ખબર હતી કે એમના દીકરાએ અંક સાચવીને મૂકી રાખ્યો છે. મૂરખ!
ચિત્રનું રંગીન મુદ્રણ લાવણ્યને સંતોષકારક લાગ્યું. બોલી પણ ખરી: ‘આમાં તો વાંધાજનક કશું નથી. દીપકે મને શું કામ ઠપકાનો પત્ર લખ્યો હશે?’
વાંધાજનક નથી? પ્રભાકર અને શુભલક્ષ્મીની આંખ મળી. તો તો આના ફોટા હવે બીજેય છપાશે. ટી. વી.ની જાહેરાતમાં એ ડાઈ મારતી દેખાશે. કહે છે કે જીપ બહુ સારી ચલાવે છે. આવી છોકરી પુત્રવધૂ થઈને આવે તો આપણું આવી જ બને….. એ અંગે હવે આને કદી પૂછવું જ નથી.
પણ પ્રેમલે કોઈક કલા-સામયિકમાં આ ચિત્ર છપાવવાને બદલે આ લોકપ્રિય સામયિકમાં કેમ છપાવ્યું? વધુ ફેલાવાનો લાભ લેવા? કે કમાણી કરવા? શું એને પૈસાની એવી જરૂર હશે? એમ હોય તો એણે મને પૂછવું ન જોઈએ?
લાવણ્યે જાત સાથે વાત કરી લીધી. વિશ્વનાથ ક્યારે આવશે? પૂછું? ના. નથી પૂછવું. સામે જ ફોન પડ્યો છે. આ લોકો એને પૂછીને કહી શક્યાં હોત. જાઉં. આ અંક પણ નથી લઈ જતી. બજારમાંથી ખરીદી લઈશ. અને આ અંક મારી પાસે નહીં હોય તોય શું?
એ ઊભી થઈ. ‘ગુડ નાઈટ’ કહીને ચાલવા લાગી. પાંચેક મિનિટમાં જ વિશ્વનાથ આવ્યો. શુભલક્ષ્મી વિદાય આપવા દસ ડગલાં સાથે ચાલ્યાં હોત તો પણ પાંચ મિનિટ વીતી જાત. એને રોકી શકાઈ હોત તો જાણવા મળત. એની અને દીકરાની વચ્ચે અત્યારે કેવો મેળ છે?
હવે એ વાત કાઢવી જ નથી. સુકન્યાની શોધ શરૂ કરી દેવી છે.
કશાક અજ્ઞાત અણસારથી વિશ્વનાથને પૂછવાનું મન તો થયું પણ એણે જમીને તુરત પ્રેસ પર ફોન કરવાનો હતો, જે લાંબો ચાલ્યો. પ્રૌઢ દંપતી કશોક ગુનો કર્યો હોય તેમ ગુપચુપ સૂઈ ગયાં હતાં. પોપચાં ભારે લાગતાં વિશ્વનાથે અંધકારનો પડદો પાડી દીધો. સખત થાક પછી આવતી ઊંઘ જેવો બીજો કોઈ નશો નથી.
લાવણ્યે શુભલક્ષ્મી-પ્રભાકરના વિચિત્ર વર્તન અંગે એમનો ‘મૂડ’ ખરાબ હશે કે એમની વચ્ચે અણબનાવ થયો હશે કે દીકરો કહ્યું નહીં કરતો હોય — એવાંતેવાં અનુમાન કરીને મન મનાવી લીધું. લેખનમાં સંતોષકારક ઝડપ આવી હતી. સિંઘસાહેબ કોઈક વાર મુદ્દા પર તો કોઈક વાર વાક્ય પર ખુશ થઈને ‘ગુડ’ કે ‘વેરી ગુડ’ બોલી બેસતા હતા.
દસેક વર્ષ પહેલાં એમને આવી જ એક તેજસ્વી છાત્રા મળી હતી, અનુરાધા, જેણે ફક્ત બે પ્રકરણ લખ્યાં હતાં, પણ કેવી તીક્ષ્ણતા હતી એની દલીલોમાં! એવી મેધાવી છોકરી હતી છતાં ક્ષણિક આવેગનો ભોગ બની, ઝેર પીને ધ્યાનમાં બેસી ગઈ! સિંઘસાહેબ અનુરાધાના વિચારમાં આંખો મીંચી ખુરશીનો ટેકો લઈ બેઠા. સામે પડેલી ફાઈલ નોધારી બની ગઈ. લાવણ્યને નવાઈ લાગી. એકાએક આ શું થઈ ગયું? સર! શું થયું?
સિંઘસાહેબની આંખના ખૂણા ભીના હતા.
‘લાવણ્ય, તું મને વચન આપ કે ગમે તેવો અન્યાય થાય, યાતના વેઠવી પડે પણ આત્મહત્યા નહીં કરે.’
‘હું આત્મહત્યા કરું સર? અશક્ય!’
‘તારી બાબતે એ અશક્ય લાગે છે તેથી હું ડરું છું. અનુરાધા કંઈ તારાથી ઓછી તેજસ્વી નહોતી. હતી રૂપમતી પણ એને ગર્વ હતો શીલનો. એ એક શ્રેષ્ઠિકન્યા હતી. વિદ્યા પ્રત્યે સહજ અનુરાગ હતો એને. ડૉક્ટર થયેલા સહાધ્યાયી સાથે એને મૈત્રી હતી. માતાપિતાની અનિચ્છાની પરવા કર્યા વિના એ મૈત્રી નિભાવતી હતી. ક્યારેક પર્યટને પણ સાથે જતી. થોડાક મુક્ત વિચારની હતી છતાં લગ્નમાં એકનિષ્ઠાની આગ્રહી હતી.
મિત્ર સાથે એણે બિન્દાસ્ત ફોટા પડાવેલા. ડૉક્ટર ભણી રહ્યો, ઈન્ટર્નશીપ પૂરી થઈ, કન્સલ્ટન્સી શરૂ કરવા લોનની વેતરણમાં હતો. ત્યાં એક દિવસ એને બહુ સહેલો ઉપાય સૂઝ્યો. અનુરાધાનાં કુટુંબીજનો ભલે રાજી ન હોય પણ લગ્નપ્રસંગે સારી એવી ભેટ આપશે. લોન લેવી નહીં પડે. ‘ચાલને અનુ લગ્ન કરી લઈએ!’
અનુરાધા મહાનિબંધ પૂરો કર્યા પછી જ લગ્ન કરવા ધારતી હતી. પણ પેલાએ હઠ પકડી. ‘આપણા ફોટોગ્રાફ જોનારને એમ જ લાગે છે કે આપણું લગ્ન થઈ ગયું છે!’
અનુરાધા મલકાઈને મૂંગી રહી હતી.
થોડા દિવસ પછી એની સમક્ષ બીજી દરખાસ્ત આવી હતી: અનુ તું મારા માટે મોડલિંગ ન કરે?
તે દિવસ અનુરાધા ગુસ્સે થઈ હતી.
‘આપણે હમણાં ન મળીએ તો સારું. તારા સ્વભાવમાં વિકૃતિ આવી ગઈ છે.’
‘કબૂલ. પણ એ માટે હું જવાબદાર નથી. અમારે ત્યાં પરીક્ષામાં આગળ રહેવા માટે શું શું કરવું પડે છે એની તને ક્યાં ખબર છે? મુગ્ધાવસ્થાના આદર્શો સાથે બાંધછોડ કર્યા વિના આ ક્ષેત્રમાં આગળ આવી શકાય એમ જ નથી.’
તે દિવસથી અનુરાધાનો સ્વપ્નપુરુષ ખંડિત થઈ ગયો હતો. અણધારી ક્ષણે એનું મન સ્વાધ્યાયમાંથી ઊડી જતું. ‘કેવો મોટો ભ્રમ! જે માણસ મને તો શું એના આદર્શોને પણ ચાહતો નથી એને ખાતર મેં કુટુબના એકેએક સભ્યને દુભાવવાનું જોખમ ઉઠાવ્યું?’
અનુરાધાએ પત્ર લખીને એની વ્યથા ઠાલવી હતી.
એ પછી એની બે બહેનપણીઓ મને મળવા આવી હતી. એ એક જ વાક્ય બોલ્યા કરતી હતી: એક માત્ર તમે જ અનુને બચાવી શકો એમ છો. માત્ર તમે જ.
મેં જવાબ આપ્યો હતો: કોઈ કોઈને બચાવી શકે નહીં. પણ એને આ અંગત આંટીઘૂંટીમાંથી બહાર લાવવામાં શ્રીદેવી મદદ કરી શકે….
અનુરાધા બીજા કોઈને મળવા પ્રેરાઈ જ નહીં. શ્રીદેવી શું હોઈ શકે છે એની એને કલ્પના પણ ન આવી! મારે વિશેના એક આભામંડળમાં એણે અજવાળું ઇચ્છયું. હું એને ન લખી શક્યો પત્ર, ન કરી શક્યો ફોન, શ્રીદેવીને લઈને એને ત્યાં જઈ શક્યો હોત તોપણ ચોક્કસ ફેર પડ્યો હોત. પણ ત્યારે એવો તો ભય નહોતો જ કે એ એવું આત્યંતિક પગલું ભરશે.
પછી સાંભળવા મળ્યું એ સાચું હોય તો એના પેલા ડૉક્ટર મિત્રે એના કેટલાક ફોટોગ્રાફ વેચીને સમગ્ર ભૂતકાળ એક સાથે વટાવી લીધો હતો. એની ખાતરી થતાં જ એણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. એ દિવસે એનો ફોન આવેલો. ‘હું અનુ સર, હા અનુરાધા, ગુડબાય સર!’ કહેતાં એણે ફોન મૂકી દીધો હતો. અમંગળની ભીતિથી હું ઘેર વહેલો ગયો હતો. શ્રીદેવી સાંભળતાં જ ખળભળી ઊઠ્યાં હતાં. ‘ચાલો, મોડું તો ઘણું થઈ ગયું છે છતાં જઈએ.’
અમે એનો મૃતદેહ પણ જોવા પામ્યાં ન હતાં. કુટુંબે પોતાની પ્રતિષ્ઠા ખાતર પોસ્ટમૉર્ટમ ટાળ્યું હતું અને એક ડૉક્ટર પાસે હૃદયરોગના હુમલાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. બધો વિધિ કર્યો હતો. અનાથાશ્રમમાં દાન આપ્યું હતું…
એ પછી મેં ગાંઠ વાળી હતી: અનુરાધા જેવી કોઈ કુંવારી યુવતીને શોધછાત્રા તરીકે નહીં નોંધું. પણ તારી બાબતે અપવાદ કરવા શ્રીદેવીએ કહ્યું હતું, મૃણાલે લખ્યું હતું, દીપક સાથેના વિચ્છેદને જીરવવામાં અમારે તને હૂંફ પૂરી પાડવાની હતી. આજે તું પોતે સમજી હશે કે દીપકે જુદા પડીને તારું અહિત નથી કર્યું. એ તારો સમોવડિયો હતો જ નહીં, તારો આશ્રિત હતો.
સ્ત્રીનું એક રૂપ છે ત્રિપુરસુંદરીનું, એક રૂપ છે દુર્ગાનું, એક છે સરસ્વતીનું... બહુ ઓછા પુરુષો સ્ત્રીની આ મહત્તા સમજી શકે એ સ્વાભાવિક છે પણ ઘણીવાર અનુરાધા જેવી યુવતીઓ પણ આત્મબોધ ભૂલીને પોતાના નારીદેહને જ સમગ્ર અસ્તિત્વ માની બેસે છે અને પ્રકાશના ભાવિ સાથે નાભિછેદ કરીને ભૂતકાળના અંધકારમાં ખરી પડે છે.
કેવી હતી અનુરાધા! પણ એના ખરવાની તેજરેખા પણ હવે તો ઝાંખી પડી ગઈ છે…. શ્રીવાસ્તવ સાથેના વિવાદ વખતે મને અને શ્રીદેવીને તારી ચિંતા હતી. પણ તેં દઢતા દાખવી. લોકવન જઈને શ્વાસમાં પ્રાણવાયુ લઈ આવી. આ બાજુ વિશ્વનાથે ઘણી જ મદદ કરી.
તારા પ્રત્યેના એના પક્ષપાતને કારણે જ એણે એ કામ કર્યું હશે? મને લાગે છે કે એ પત્રકાર તરીકેનો ધર્મ બજાવવા માટે જોખમ ઉઠાવવાની હિમ્મત ધરાવે છે. વળી, એ સહેજે લાલચુ નથી. કોણ જાણે કેમ એ માણસ મને ગમે છે, વિશ્વસનીય લાગે છે…
લાવણ્યને સંમત થવાનું મન થયું. ત્યાં શુભલક્ષ્મી-પ્રભાકરભાઈનું વર્તન યાદ આવ્યું. મૌન પાળ્યું.
* * *
જમુનાબેને એમની કામવાળી સાથે લાવણ્યને બીજી વાર સંદેશો મોકલ્યો. આવી જા. વનલતાએ પત્ર સાથે ફોટા પણ મોકલ્યા છે.
આજકાલ એ રાત્રે મોડે સુધી લખે છે. ‘ધ્રુવસ્વામિની’ની પૂર્વતૈયારી વખતે મોડે સુધી જાગવાની ટેવ પડેલી એ હજી બદલાઈ નથી. વહેલી સવારે જઈ આવશે. મધુકરભાઈના પિતાજીને પ્રભાતિયાં ગાવાની ટેવ હતી. જમુનાબેન સ્મરણોમાં ઊતરી જાય ત્યારે સસરાનો કંઠ અચૂક સંભારે…. મધુકરભાઈ પણ સસરા તરીકે ભૂલ્યા ભુલાય નહીં….
કેવો વિચાર આવી ગયો!
જોગાનુજોગ વનલતાના પત્રમાં અતુલ દેસાઈનો ઠપકો હતો. એક ફોટોગ્રાફમાં એ વનલતા-વિનોદ સાથે ખડખડાટ હાસ્યમાં જોડાયેલો દેખાય છે. વનલતા કહે છે કે છેક હમણાં સુધી અતુલ દેસાઈ કહેતા હતા કે એક વાર ભારત જઈને લાવણ્યને લગ્ન અંગે પૂછવું છે. પણ હમણાં એક જાહેરખબરમાં તારો ફોટોગ્રાફ જોઈને એમણે આશા ગુમાવી છે. હવે આ યુવતીને યુ. એસ. એ. આવવાનું આકર્ષણ ક્યાંથી રહે? અને એને પીએચ. ડી. પડતું મૂકીને મોડલિંગ ક્યાં સૂઊયું?
વનલતાએ પણ એનું વલણ બદલ્યું હતું: જો તું મોડલિંગમાં રસ લેવા માંડી છે તો હવે તને પ્રેમલને પ્રસંદ કરવા સામે વાંધો હોઈ શકે નહીં. તારે જે ફ્રીડમ જોઈએ એ પ્રેમલ આપી શકે. શું એ શારદાથી છૂટ્યો ખરો?
મળીએ ત્યારે વાત. જાન્યુઆરીમાં આવું છું.
વનલતા આવશે ત્યારે પ્રેમલ વિશે પૂછશે. પોતે જવાબ આપશે: તું જ ક્યાં ઇચ્છતી હતી? અને એ પછી તો અમે ઘણાં દૂર નીકળી ગયાં છીએ. આજે તને અમે નજીક આવતાં દેખાઈએ છીએ એ ભ્રમ છે. એ ઊભો કર્યો છે પણ પ્રેમલે.
એણે મારું ચિત્ર દોર્યું ત્યારે તો નહોતું લાગતું કે એની પાછળ કમાવાની ગણતરી હશે. અને જાહેરખબર માટે એનો ઉપયોગ કરતાં પહેલાં એણે મને પૂછવું જોઈતું હતું. જાણ પણ ન કરી! હું કાનૂની પગલાં લઉં તો એની શી દશા થાય? કે એમાંય એને પ્રસિદ્ધિ લાગતી હશે? તો શું આ વિકૃતિ ન કહેવાય?
આ બાબતે એનામાં અને વિશ્વનાથમાં મૂળભૂત અંતર છે. શક્તિઓ વધારે પ્રેમલની હશે પણ માનવીય વિવેક વિશ્વનાથ ધરાવે છે…
એ જમુનાબેનને મળવા નીકળી ત્યારે નક્કી કર્યું કે પ્રેમલ વિશે કશી વાત નહીં કરે. એ વાત કાઢશે તો પોતે ટાળશે. વનલતા જ કેવો મોટો વિષય છે! ચાલો, કોઈકનું તો સ્વપ્ન સાચું પડે છે! વનલતા એના જીવનના મંગલ પ્રસંગે મા પાસે આવે છે. સારું એવું રોકાશે.
બાળક અમેરિકામાં જન્મે એના કાનૂની ફાયદા હોવા છતાં વનલતા અહીં આવવાનું પસંદ કરે એનું રહસ્ય શું?
ચોક્કસ કારણો વિના તો એ આવું પગલું ભરે જ નહીં…એ બેએક માસ ભારતમાં રહીને પ્રેમલના લગ્નનો પ્રશ્ન ઉકેલી નાખવા માગતી હશે? એ આવે એ પહેલાં જ મારે લખી દેવું જોઈએ. મારે માટે હવે પ્રેમલનો વિકલ્પ રહ્યો નથી. એ અંગે તારે કદી ઉલ્લેખ પણ ન કરવો. પ્રેમલ દગાબાજ છે. એણે મને કલાકૃતિનો વિષય બનાવીને વેચી, કાલ ઊઠીને….ના, પણ એ પ્રશ્ન જ ક્યાં ઊભો થવાનો છે?
એ પહોંચી ત્યારે જમુનાબેન અને મધુકરભાઈ એની રાહ જોઈ રહ્યાં હતાં.‘અમારે માટે તો તું સવાઈ વનલતા છે!’ — મધુકરભાઈએ પ્રસન્નતા દાખવી. ‘દીકરી બહુ ડાહી નીકળી. એ એના સંતાનને અમેરિકન નાગરિક બનાવવા ઇચ્છતી નથી. જે કુટુંબો સાગમટાં ભારત છોડી જાય છે એમને એ નખ્ખોદિયાં કહે છે. ત્યાં ગયા પછી એ માનતી થઈ છે કે ભારત માટે સારો સમય જરૂર આવશે.’
લાવણ્ય એની બહેનપણીમાં આ જ્ઞાનોદય જોઈને રાજી થઈ. ‘આનો અર્થ એ કે તમને બંનેને ત્યાં જઈને સ્થાયી થવામાં રસ નથી.’ મધુકરભાઈ સ્પષ્ટ હતા. જવાનું થશે તો છ અઠવાડિયાંથી વધુ સમય રોકાવું નથી. નિવૃત્તિ પછી અજાણ્યા મુલકમાં જવું પડે, વેરાન સમાજમાં રહેવું પડે એ તો અભિશાપ કહેવાય…
અને પહેલીવાર એમને પ્રેમલનાં વખાણ કરતાં સાંભળ્યા: એને અમેરિકન શ્રીમંત કરતાં દેશનાં જંગલોના મોંઘા સાગનું બળતણ કરીને જીવતા આદિવાસીઓ વધુ નિર્દોષ લાગે છે.
દારૂગોળાના અમેરિકન ઉત્પાદકો સમગ્ર માનવજાતિના જીવનને નિર્મૂળ કરવાની રમત રમી રહ્યા છે જ્યારે આપણો આદિવાસી તો ફક્ત લીલી ડાળખીની ચોરી કરે છે, જે થોડા દિવસ પછી એકની બે થઈને ફૂટી નીકળવાની છે…
પ્રેમલ નૈતિક મૂલ્યોને ગંભીરતાથી લેતો નથી. દલીલ કરે છે: એ બધાં મુદતી હોય છે, સમાજે સમાજે જુદાં હોય છે. એ ગોખી ગોખીને માણસ વળગણોનો ભોગ બને છે, મનથી બીમાર થઈ જાય છે. વૈશ્વિક માનવમૂલ્યો તો બે જ છે. સમાનતા અને સ્વતંત્રતા. મૂડીવાદી સમાજો કહે છે કે સમાનતા સ્વાભાવિક ક્રમમાં આવશે. માનવજાતિના વિકાસ માટે જરૂરી છે સ્વતંત્રતા.
અમેરિકનો ઘરઆંગણે સ્વતંત્રતાનો આદર્શ સેવે છે અને સરમુખત્યારીમાં માનતા દેશોને આર્થિક અને લશ્કરી મદદ કરે છે! આને શું કહીશું? દંભ કે નિર્લજ્જ સ્વાર્થ?
પ્રેમલ આવેશ સાથે બોલે છે. એના વિચાર વેગીલા લાગે છે. જ્યારે વિશ્વનાથ સંતુલિત રહેવા સભાન હોય છે. લાવણ્ય સરખામણી કરે છે અને પછી જાતને પ્રશ્ન કરે છે: હું શા માટે આવી સરખામણી કરું છું?
કવિતા-વાચન માટે એક નિમંત્રણ હતું. નિમિત્ત હતું ચિત્રપ્રદર્શનના ઉદ્ઘાટનનું. સાગરા અતિથિવિશેષ હતા અને બાલભાઈનો આગ્રહ હતો કે પોતે કવિતા વાંચીને જ ઉદ્ઘાટન કરશે. ગદ્યમાંથી એમનો વિશ્વાસ ઊઠી ગયો છે.
આ ઉપરાંત એમનું એક સૂચન પણ હતું: લાવણ્ય કવિતા વાંચે. લાવણ્યને બાલભાઈ માટે આદર હતો. ચિત્રકાર, અભિનેતા અને કવિ, પ્રેમાળ મોટાભાઈ જેવા, ટિકિટ ખરીદીને ‘ધ્રુવસ્વામિની’ જોવા આવેલા… એ ના પાડી શકી નહીં. આમેય હવે મહાનિબંધનો ફક્ત ઉપસંહાર બાકી છે… શ્રોતાઓમાં મોટા ભાગના ચિત્રકારો હતા, થોડાક કલાપ્રેમીઓ. કવિતા વાંચીને લાવણ્ય શ્રોતાઓમાં બેઠી. પાછળ પ્રેમલ હતો, બાજુમાં વિશ્વનાથ.
કાર્યક્રમ પૂરો થતાં વિશ્વનાથ ક્યારે સરકી ગયો, ખબર ન પડી. પ્રેમલ બીજા ચિત્રકારનાં બે ચિત્રો વચ્ચે ઊભો ઊભો એક પછી એક સિગારેટ પી રહ્યો હતો. આજે એ વાહન નહોતો લાવ્યો. લાવણ્ય પ્રદર્શન બહાર નીકળવા જતી હતી ત્યાં એણે સાથે ચાલવાની દરખાસ્ત મૂકી. લાવણ્ય અટકી.
‘સાથે એટલે? એક સમયે એક સડક પર એટલું જ ને?’
‘એ ઉપરાંત, બને તો એક દિશામાં અને એક મનોદશામાં.’ — પ્રેમલે ધીમે રહીને પગ ઉપાડતાં કહ્યું.
લાવણ્યને ઉત્તર સૂઊયો નહીં. થોડાંક ડગ ચાલ્યા પછી પૂછ્યું:
‘બે વ્યક્તિની એક મનોદશા એટલે શું?’
‘કોણ જાણે. પણ કોઈક ક્ષણે હું મારા સ્વભાવની વિરુદ્ધ આશાવાદી બની જાઉં છું. ઊંડે ઊંડે થાય છે કે હું કદાચ તમને મેળવું. આઈ મે ગેટ યુ!’
‘મેળવું! એમ! મેળવવું અને મળવું એ બે ક્રિયાઓનું અંતર તો સમજતા હશો જ —’
‘સમાજવાનો દાવો નથી. તમને મેળવવાની પ્રબળ ઇચ્છા અનુભવું છું. પાર્વતીએ પાળેલા સિંહની દિવ્ય ત્રાડ સંભળાય છે, લોહીમાં પડઘાય છે.’
‘દિવ્ય!? — સમજીને બોલો છો?’
‘બીજો શબ્દ સૂઊયો નહીં, હજી સૂઊયો નથી.’
‘શારદાને પૂછજો. એ કહેશે, તમારી એ “દિવ્ય ત્રાડ” એને સંભળાવજો.’
‘હું એને બોલાવવા જતો નથી. નંદીઘરમાં કોઈક ગાય આવે એમ એ સ્ટુડિયો પર આવે છે. હું કશા ઈન્હીબિશન્સ વગર એની સાથે વર્તું છું.’
‘એ અંગે મારે જાણવું નથી. અરુચિ થાય છે.’
‘તો તમે આધુનિક સર્જક નહીં થઈ શકો. પરંપરા અને આધુનિકતા વચ્ચે વહેંચાયેલાં રહેશો. તમારે આઈડેન્ટીટી – જાતની ઓળખ પામવી હોય તો પહેલાં નિખાલસ બનો.’
‘જાતને ઓળખી લેવાની મને ઉતાવળ નથી, બીજાઓને ઓળખી લેવાની ઉતાવળ પણ મેં કરી નથી, નહીં તો ક્યારનોયે વૈરાગ્ય આવી ગયો હોત.
જે પરંપરા મારા સૂક્ષ્મ અસ્તિત્વનો અંશ હોય અને મારા નામરૂપમાં પણ જે પરંપરા ફલિત થયેલી લાગતી હોય એને હું શું કામ ત્યજું? તમે જે આધુનિકતાની વાત કરો છો એનો મહિમા કરનારું પાશ્વાત્ય જગત અત્યારે અનુઆધુનિક યુગમાં જીવે છે. જેણે બુદ્ધિની ગાંઠો છોડી નાખી છે, તર્કાતીત રહસ્યલોકને બાદ કરવાની ભૂલ કબૂલી છે અને પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ જેને શ્રદ્ધા કહેતા એ શું છે એ સમજવા ઉત્સુકતા દાખવી છે.
શ્રદ્ધા એ માત્ર “ફેથ” નથી, એને ઋત અને સત્ય સાથે પણ સંબંધ છે. તમે ઈકોલોજીકલ બેલેન્સ વિશે, જીવ શિવ-સમતુલા વિશે તો કંઈક જરૂર વાંચ્યું હશે, પણ જાણો છો સમરસતા એટલે શું?’
‘જીવું છું બાદબાકી વિના, સમરસતા વિશે નથી જાણતો પણ બુદ્ધની સમ્યક્ દૃષ્ટિને સ્વીકારું છું. આમ્રપાલીના ખોળામાં મસ્તક મૂકીને વિશ્રાંતિ અનુભવતા બુદ્ધ મને ગમે છે.’
‘પણ એ ક્ષણની આમ્રપાલીની મન:સ્થિતિનું તમે અનુમાન નહીં કરી શકો. એના અંત:કરણની ધન્યતા સુધી તમે જઈ નહીં શકો. બુદ્ધ ઈહલોકવાદી હતા પણ અનાત્મવાદી નહોતા, ઇન્દ્રિયપ્રત્યક્ષ ભૌતિક જગતના એ ઉપાસક નહોતા, એમના મૌનનું સંગીત, એમના ધ્યાનનો રહસ્યમય આલોક તમારાથી પામી નહીં શકાય.’ — કહેતાં લાવણ્ય અટકી.
એ અહીંથી ચાલવાની દિશા બદલવા માંગતી હોય એમ પ્રેમલને સમજાયું. એ બોલ્યા વિના જ ઊભો રહ્યો. લાવણ્યને એ અકળ લાગ્યો. એણે કશા રાગદ્વેષ વિના -કેવળ ઉપેક્ષાથી એની સામે જોયું. એ જાણે કે અન્યત્ર દુર્લભ મૈત્રી ઝંખતો હતો. સ્વર્ગના દ્વારેથી ખાલી હાથે પાછો જવા નહોતો માંગતો, એ નચિકેતા નહોતો પણ જિજ્ઞાસુ હતો, એની પણ કશીક શોધ હતી….
લાવણ્ય ચાલી. એ વિચારમાં પડી. પોતે શા માટે આ માણસને વારંવાર માફ કરતી રહી છે? એનામાં શું છે એવું જે કાયમી વિચ્છેદ અટકાવે છે? એણે મારું ચિત્ર વેચ્યું એ તો એનો ગંભીર ગુનો હતો છતાં —
લાવણ્ય એકલી હોય એ રીતે હવે ચાલવા લાગી હતી. પ્રેમલ રહી રહીને એની પીઠ પર નજર ટેકવતો હતો. કોઈકને એમ જ લાગે કે એક પુરુષ અજાણી યુવતીનો પીછો કરી રહ્યો છે.
એક સૂકા વૃક્ષ પછી બે વૃક્ષોની ઘટા નીચેનો એકાંત-માર્ગ આવતાં પ્રેમલે પગ ઉપાડ્યો અને ધીરે રહીને એણે લાવણ્યનો હાથ પકડી લીધો. લાવણ્યે એથી પણ વધુ ધીરે રહીને, નરી સુકુમારતાનો અનુભવ કરાવતાં પોતાનો હાથ સેરવી લીધો. બંને અડધો ફર્લાંગ જેટલું સાથે ચાલ્યાં.
‘તે રાત્રે ગ્રીનરૂમની બહાર નીકળીને તમે બાંકડા પર વિશ્રામ લઈ રહ્યાં હતાં. પોપચાં ઢાળીને જે રીતે શ્વાસ લઈ રહ્યાં હતાં એથી મને લાગેલું કે સાચી ધ્રુવસ્વામિની તો હવે વ્યક્ત થઈ રહી છે, નિશિગંધાની સૌરભના તરંગે તરંગે તમારા શ્વાસ લહેરાતા હતા.
તમારું અસ્તિત્વ રૂપની તરલતા પામ્યું હતું. હું આવેલો તમને અભિનંદન આપવા પણ લલચાયો પામવા, કેમ કરીને હું તમને ગ્રહણ કરું?
શું કરું તો આપણી વચ્ચેના અંતરનો લોપ થાય, હું મારો મનોભાવ કેવી રીતે તમારા સુધી પહોંચાડું કે જેથી સંવાદ સધાય… તમારા ગયા પછી પણ, હું મારે ત્યાં પહોંચ્યો એ પછી પણ તમે તો રાતરાણીની નિશ્રામાં નિશ્ચિંત રૂપની રમણા હતાં, મારા અસ્તિત્વની સાક્ષીએ તમે એવાં તો અંતર્મુખ હતાં કે હું એ અવ્યક્તને વ્યક્ત કરવા બેચેન થઈ ગયો. ઘેરથી તે જ રાતે સ્ટુડિયો પર ગયો અને મારા શ્વાસમાં ભળી ગયેલી સુગંધનું રંગરેખામાં રૂપાંતર કરવા પ્રવૃત્ત થયો.. એ ચિત્ર કલાત્મક બન્યું કેમ કે એ મારી આંતરિક આવશ્યકતા—’
‘એનું લિલામ કર્યું એ પણ આંતરિક આવશ્યકતાથી પ્રેરાઈને?’ — કહેતાં લાવણ્ય હસી પડી. ઉપાલંભ સાચો હતો. પણ એમાં રોષ નહોતો તેથી પ્રેમલ કંઈક હળવો બન્યો.
‘મેં તમારું ચિત્ર વેચવા માટે નહોતું બનાવ્યું. એ માટે મને પ્રેર્યો વિશ્વનાથે.’
લાવણ્યે અવિશ્વાસથી પ્રેમલની સામે જોયું.
‘સાચું કહું છું. હું એને તમારું ચિત્ર બતાવવા સાથે લઈ ગયો હતો. એ જોઈને ખુશ થયો. લગભગ કવિ બની ગયો. એણે શોમાં હાજર રહ્યા વિના, પૂર્વ પ્રયોગ જોઈને જ અવલોકન છપાવ્યું હતું. આખું નાટક જ જાણે એના માટે ભજવાયું ન હોય! અને ચિત્ર જોઈને તો એ એવો વેવલો બની ગયો કે મને ચીઢ ચડી.
એને આઘાત આપવા જ મેં એ કલાકૃતિને જાહેરખબરની સામગ્રી બનાવી દીધી…. થાય છે કે તમારા ચરણ પકડીને માફી માગું. પણ એમ કરવા જતાં તમારાં ગૌર ચરણ મારા હાથમાંથી છૂટે નહીં તો? મારી હથેલીઓ અજગરનાં જડબાં બની જાય તો? પછી તમારી શ્રદ્ધાનું શું થાય?’
‘પોતાની રાખમાંથી ફરી આકાર પામતાં ફિનિકસ પક્ષી વિશે સાંભળ્યું છે? બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓ પહેલાં એમ જ માની બેસતી કે એમનું શીલ લૂંટાયું છે, એમનું સતીત્વ નાશ પામ્યું છે, આ ભવ તો હવે એળે ગયો. — આ ખ્યાલ હવે ભૂંસાઈ ગયો છે. શીલ અને સત નાશ પામે છે બળાત્કાર કરનારનું, એનો ભોગ બનનારનું નહીં.’
‘એટલું સારું છે કે તમે બળાત્કારીમાં પણ શીલ અને સતની સિલક જોઈ શકો છો, જેનો એ દુર્વ્યય કરી શકે. મારા જેવા પર છેંકો મારી દેતાં નથી.’
‘તમારી કલાનું મૂલ્ય મેં કદી ઓછું આંક્યું નથી. પણ સર્જનની પ્રક્રિયામાં તમે જે શિસ્ત પાળા છો એ તમારા વર્તનમાં પણ જોવા મળે તો — ખેર, કોઈને સુધારવાનો મેં ઇજારો રાખ્યો નથી. બહુ મોડું થયું. આવજો!’
‘આવીશ.’ — પ્રેમલનો આ ઉત્તર લાવણ્યને બિનજરૂરી લાગ્યો. આવી ખંધાઈ શા માટે?
એ પછીના દિવસોમાં જમુનાબેન અને મધુકરભાઈ સાથે જમતાં પ્રેમલે લાવણ્યના વ્યક્તિત્વ વિશે જે વિધાનો કયોઁ એથી પ્રૌઢ દંપતીના જીવનમાં આશાનો સંચાર થયેલો.
જમુનાબેને ચંદ્રકાન્તભાઈ અને વિરાજબેનને પત્ર લખ્યો. પછીના અઠવાડિયે લોકવનના કામે એમને અમદાવાદ આવવાનું થયું. ‘ચાલ, વનલતાની મમ્મીને મળી આવીએ.’ — વિરાજબેને કહ્યું. ચંદ્રકાંતભાઈએ ટપાલ લખવાની હતી. જીપ લાવણ્યે સંભાળી.
લાવણ્યને દૂરથી વરંડામાં ઊભેલો પ્રેમલ દેખાયો. એને શંકા ગઈ. આ બધું પૂર્વયોજિત તો નહીં હોય? એણે વિરાજબેન સામે જોયું. બરાબર એ ક્ષણે જમુનાબેનની કામવાળી રસ્તો ઓળંગીને દરવાજે પહોંચી હતી અને એનો પાંચેક વર્ષનો દીકરો સામી બાજુના બંગલાની મેંદીની વાડે પતંગિયું પકડવા રોકાયો હતો. જીપ જોતાં જ એ એકાએક રસ્તો ઓળંગવા દોડ્યો અને વિરાજબેન ચોંકી ઊઠ્યાં.
છોકરાને જોતાં જ લાવણ્યનો જીવ ફફડી ઊઠ્યો. એણે જોરથી બ્રેક મારી. છોકરો બચી ગયો. માનસિક આંચકો હતો જ ને પાછું લાવણ્યને માથા પર જમણે પડખે વાગ્યું હતું. એ બેભાન થઈ ગઈ.
પ્રેમલ આવીને એને મૂર્ચ્છાવસ્થામાં ઉપાડી ગયો. ક્યાં મૂકવી? બેઠકખંડમાં? પોતાના બેટરૂમમાં કે વનલતાના ખંડમાં? કામવાળી એ રૂમને બરાબર સાફ કરે છે.
પ્રેમલને પોતાના હાથમાંથી લાવણ્યને નીચે ઉતારવાની સહેજે ઉતાવળ નહોતી. આ અકસ્માત એ એની લાંબા સમયની પ્રતીક્ષાનું ફળ હોય એમ એ અંગોના સ્પર્શને આંખોથી પણ માણી રહ્યો.
વિરાજબેનને આશ્ચર્ય થયું: આ માણસ કેમ લાવણ્યને આમ ઉપાડીને ટેલિફોન પાસે ઊભો છે? એ ભાનમાં આવે પછી જ નીચે ઉતારશે? શું છે? એમણે સોફો ચીંધ્યો.
મધુકરભાઈ નીચે ઊતરી આવ્યા હતા અને જમુનાબેન રડું રડું થઈ ગયાં હતાં. વિરાજબેને એમને આશ્વાસન આપ્યું: ‘પોતાને વાગવા કરતાં વધુ તો પેલા બાળકને વાગ્યાની બીકથી એ બેભાન થઈ ગઈ લાગે છે.’ એમણે થોડીવાર રાહ જોઈ, સંબોધન કર્યું, મોં પર પાણી છાંટ્યું ત્યાં લાવણ્ય ભાનમાં આવી.
કામવાળીના દીકરાને સામે ઊભેલો જોઈને એણે આંખો ખૂલવાની સાર્થકતા અનુભવી. બેઠી થઈ. થોડી સેકન્ડ પછી એનો હાથ જમણા લમણાની ઉપર મુકાયો. કળતરનો ખ્યાલ આવ્યો.
ડોક્ટર આવવાના હતા. લાવણ્યે ફરી ફોન કરાવીને ના પડાવી. જીપ નીચે આ નાનાકડા છોકરાનો હાથપગ આવી ગયો હોત તો શુંનું શું થઈ જાત? આમાં હેમખેમ ઊગરી જવાયું એમાં એણે પરમાત્માનો અનુગ્રહ જોયો. પ્રેમલે ટકોર કરી. પરમાત્માનો અનુગ્રહ હતો જ તો જે કંઈ થયું એ પણ શા માટે થાય? વિરાજબેનને પ્રેમલનું વિધાન ગમ્યું નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે કે અનુગ્રહ હોય છે તેથી તો તલવારનો ઘા શૂળની પીડાથી ટળે છે. ભક્ત એમ જ માનશે.
‘હું ભક્ત નથી, સર્જક છું.’
‘તમે શું છો એ વાતચીતનો વિષય નથી.’ — લાવણ્યે ઠંડે કલેજે કહ્યું. જમુનાબેને વિરાજબેનને લખ્યું હતું એનો જે જવાબ બાકી હતો એ પ્રેમલે પોતે જ મેળવી લીધો હતો. હવે વધુ ચર્ચાને સ્થાન નથી. પત્રનો ઉલ્લેખ કરવાની કોઈને જરૂર પણ ન લાગી. વિરાજબેને એક વાર લોકવનની મુલાકાત લેવા મધુકરભાઈ અને જમુનાબેનને આમંત્રણ આપ્યું. એમને બેઠેલાં મૂકીને પ્રેમલ એના ખંડમાં ગયો.
એણે માન્યું હતું કે લાવણ્ય સાથેનો એનો સહજ સંબંધ ટકી રહેશે. પણ એ લાવણ્યને દૂર ને દૂર ખસતી જોઈ રહ્યો છે. હવે એક ભાવ હઠનો જાગ્યો છે. પોતે એવું શું કરે કે જેથી લાવણ્ય એને વશ થાય? પછી લાવણ્ય માટે વિકલ્પ રહે જ નહીં એવું કંઈક થઈ શકે તો —
વિદ્યાભવનમાં પ્રાચીન ભારતીય કળા વિશે વ્યાખ્યાન હતું. વક્તા પ્રેમલને ત્યાં ઊતર્યાં હતા. સિંઘસાહેબના પરિચિત હતા. એમના સૂચનથી લાવણ્ય એમને એરપોર્ટ સુધી મૂકવા જવાની હતી. પ્રેમલ સાથ આપવા સ્વેચ્છાએ જોડાયો. ઘણા દિવસે વિમાન સમયસર હતું.
એક ઝાપટું પડી જવાથી વાતાવરણ સુગંધિત હતું, એમાં વળી સંધ્યાના રંગોએ ચોખ્ખા પાણીનાં નાનાં ખાબોચિયાંથી માંડીને વૃક્ષોની ટોચ સુધી સઘળે પોતાની સત્તા સ્થાપી હતી. લાવણ્યનું ધ્યાન એમાં હતું, પ્રેમલનું ધ્યાન લાવણ્યમાં હતું.
શહેરનો ભીડભર્યો માર્ગ આવતાં પ્રેમલે કહ્યું:
‘તે દિવસ હું તમને જીપમાંથી ઊંચકીને ઘરમાં લઈ ગયો હતો. તમે એનો કદી આભાર માન્યો નથી. કદાચ તમને કોઈએ એ અંગે કહ્યું નથી. મારે એ અંગે આજે વાત કરવી છે. તમે અભાન હતાં, તેથી મારા સ્પર્શની અસરથી તમે મુક્ત હતાં. પણ મારું એવું ન હતું. એ ક્ષણનો મનોભાવ વિલક્ષણ હતો. તમને હાથમાંથી નીચે ઉતારતાં મારાથી વાર થઈ ગઈ હતી.’
‘સ્ત્રીની મૂર્ચ્છાને એક અનુકૂળતા માનીને વર્તનારા પુરુષોની ખોટ ક્યારેય નહીં પડે. એવો અકસ્માત મને ફરી નડે એવું તો નથી ઇચ્છતા ને?’
‘ના. એ ક્ષણનો રોમાંચ યાદગાર નીવડ્યો છે. હું એટલું જ ઇચ્છું કે એવો રોમાંચ તમને પણ થાય.’
‘નથી લાગતું. ન કરે નારાયણ ને તમે મૂર્ચ્છિત થઈ જાઓ તો તમને મદદરૂપ થવા હું જરૂર પ્રયત્ન કરું. જો હું મારી જાતને બરાબર સમજતી હોઉં તો એ ક્ષણે મને સહેજે રોમાંચ ન થાય. કદાચ નર અને નારીના સ્વભાવ વચ્ચે આ તફાવત હશે.
બહુભાર્યા ધરાવતો પુરુષ ભૂતકાળની સામાન્ય ઘટના છે. એની સરખામણીમાં સ્ત્રી વધુ એકનિષ્ઠ હોય છે. પણ કેટલાક આધુનિક લેખકો એ સ્વીકારતા નથી.
મેં એક વાર્તા વાંચેલી. મિત્ર મરી ગયો છે. એની પત્નીને આશ્વાસન આપવા ગયેલો પુરુષ ભેટી પડતાં મિત્રપત્નીની છાતીના સ્પર્શનો અનુભવ નોંધે છે. શક્ય છે કે કોઈક દાખલામાં એવું બને પણ હું એને માનસિક સ્વાસ્થ્યનો આદર્શ ન ગણું. ભારતીય કાવ્યશાસ્ત્ર આવા નિરૂપણને રસનિષ્યત્તિ ન કહે, રસાભાસ કહે. એકપક્ષીય આવેગ માત્ર આભાસ હોવાથી એમાંથી આસ્વાદ્ય એવો રસ નિષ્પન્ન થઈ શકે નહીં.’
‘હું એવું નથી માનતો.’
‘એનો અર્થ એ કે તમે શબ સાથે સૂઈને પણ સંબંધ અનુભવી શકો.’
‘એવી પ્રેતવિદ્યા હું જાણતો નથી પણ કોઈક શબ જેવી ઠંડી યુવતીને હું મારા સ્પર્શથી સજીવન કરી શકું. પ્રેમ, સમર્પણ, ત્યાગ જેવા વેવલા શબ્દો કરતાં મને મારા સ્પર્શમાં વધુ વિશ્વાસ છે. હું એની પ્રતીતિ તમને પણ કરાવીશ.’
‘એટલું સારું છે કે બળાત્કારની ધમકી નથી આપતા.’
‘હું માત્ર મારા વ્યક્તિત્વને વ્યક્ત કરું છું, બળાત્કાર તો શું, કોઈની સામે હઠાગ્રહ પણ નથી કરતો. હું દંભનો વિરોધી છું. દમન નથી કરતો, મારું પણ નહીં કે બીજા કોઈનું પણ નહીં.’ — એ પછી પ્રેમલ છેક સુધી મૂંગો રહ્યો. હું ઘેર નહીં, સ્ટુડિયો પર જઈશ, કહેતાં ચાર રસ્તે ઊતરી ગયો.
લાવણ્યને નવાઈ લાગી: જેને પોતે નકારી રહી છે એ પુરુષની ગેરહાજરી કેમ વરતાઈ?
* * *
એક સાંજે એ આખો દિવસ કામ કર્યા પછી હકનો આરામ માણવા આરામ- ખુરશીમાં બેઠી હતી. એના હાથમાં એક સામયિકનો જૂનો અંક હતો: ‘તું મુઝમાં પધાર મારા વાલમા!’ પંક્તિ વાંચતા જ એને એવો અણસાર આવ્યો કે જાણે પ્રેમલ બારણા બહાર આવીને ઊભો છે.
જો એ કશીક ચોક્કસ માગણી સાથે આવ્યો હશે તો? કદાચ એને નકારી શકીશ પણ એને અપમાનિત કર્યા વિના કેવી રીતે પાછો કાઢી શકીશ? અને જો એને પાછો કાઢવાની ઇચ્છા જ ન રહી તો? તો પછી લગ્નનો વિકલ્પ જ ન રહે. એ જ લગ્ન. ના. મારો વિવેક ના પાડે છે. એ મને મારી ઇચ્છા વિરુદ્ધ પડાવી જાય એની સામે હું સંઘર્ષ કરીશ…
એક જ્યોતિષીએ કહ્યું છે કે અઠ્ઠાવીસની ઉમ્મર પછી તમને ગ્રહો નહીં નડે. દીપક સાથેના વિચ્છેદ જેવી ઘટના ફરી નહીં બને.
પ્રેમલ સામે હું મારી નિર્ભયતા સિદ્ધ કરવા ઝઝૂમું છું અને દૂરસુદૂરના ગ્રહોથી ડરું છું! સિંઘસાહેબને પૂછવું છે.
મહાનિબંધનો ઉપસંહાર ટાઈપમાં આપવા સિંઘસાહેબે સંમતિ આપી. અને ચા મંગાવી. હળવીફૂલ બનેલી લાવણ્ય પૂછી બેઠી:
‘સર, તમે જ્યોતિષમાં માનો છો?’
‘માનું છું કે નહીં એવી ખબર નથી પણ થોડુંક જાણું છું ખરો. અગાઉ જ્યોતિષ વિશેનાં પુસ્તકો વાંચવાની ટેવ હતી. રહસ્યકથા વાંચતો હોઉં એવો આનંદ થતો. પણ પછી જોયું કે સ્વાધ્યાયના સમયમાં કાપ આવ્યો છે. એ ચસ્કો જતો કર્યો. તેં કેમ પૂછ્યું?’
‘થયું કે તમને મારી કુંડળી બતાવું. મારા ભવિષ્યમાં જે કંઈ સારુંમાઠું હોય એ બધું તમે ભલે જાણી લો. અને મને જણાવી દો.’
‘જોઈશું. તારું પીએચ.ડી. પતી જાય પછી બીજું કામ છે પણ શું? જોકે તને એ જાણીને નવાઈ લાગશે કે હું જેમને ઓળખતો હોઉં એમની કુંડળી જોવાનું કુતૂહલ મને થતું જ નથી. મારું જ્યોતિષનું જ્ઞાન મને તારણ સુધી લઈ જવાને બદલે અનુમાન સુધી પહોંચાડે છે. જેમ વર્ણન વાંચીને તમે અજાણ્યા વૃક્ષ વિશે કલ્પના કરો તેમ કુંડળી જોઈને અજાણી વ્યક્તિ વિશે અનુમાન થઈ શકે. જેને તમે વર્ષોથી જાણતા હો એને વિશે અનુમાન કરવાની જરૂર ખરી?… પણ શ્રીદેવી કહેતાં હતાં કે એક વાર તું એમની કુંડળી લઈને બેસી ગઈ હતી?’
‘હા, ભાગ્યશાળી સ્ત્રીની કુંડળી કેવી હોય છે એ સમજવા!’
‘ભાગ્યશાળી તો હું છું. મારી કુંડળી ક્યાંક મુકાઈ ગઈ છે.’
‘જન્મ-સમય અને સ્થળ કહેશો તો હું નવી કુંડળી બનાવી શકીશ. ફલાદેશ વિશે તો ન કહી શકું પણ જ્યોતિષગણિત મને ફાવે છે. આમેય સર, મેટ્રીકમાં મને ગણિતમાં સારા માકર્સ મળેલા.’
‘ફક્ત જીવનનું ગણિત તને ફાવતું નથી.’
‘અને છતાં જાતે ગણવાની હઠ છોડી શકતી નથી,’ — લાવણ્ય લગ્નના પ્રશ્નને બે વ્યક્તિઓની અંગત પસંદગી માનતી રહી છે. પરંપરાનાં બીજાં ઘણાં ઊજળાં પાસાં એ સ્વીકારે છે પણ કન્યાને એની જાણ બહાર, ક્યારેક એની ઇચ્છા વિરુદ્ધ પરણાવી દેવાની રૂઢિ ધરાવતા સમાજને એણે કદી બિરદાવ્યો નથી.
પોતે ભાગ્યશાળી છે કે વિરાજબેન અને ચંદ્રકાન્તભાઈ જેવાં બહેન-બનેવી મળ્યાં છે. એમના પર લગ્નનો પ્રશ્ન છોડી શકાય છતાં નથી છોડ્યો કેમ કે એને મન લગ્ન એ હિતરક્ષાનું સાધન નથી, સંબંધની વેદિ છે. જો પ્રેમની પ્રતીતિ હોય તો જ સંબંધની ગાંઠ વાળવી જોઈએ, અન્યથા નહીં…. આમાં કદાચ અપવાદ હશે પણ પોતે અપવાદનો લાભ નથી ઇચ્છતી.
એને લલિતા યાદ આવી ગઈ. વેણીમાં બે ગુલાબ પહેરીને ઊભેલી લલિતા. ઈડરના ડુંગરાની ધારે ચઢીને પોતાના સુખનું અભિમાન કરતી લલિતા, શારદાની ઈર્ષા અને ટીકા કરતી અને પોતાને એનાથી અનેકગણી ભાગ્યશાળી માનતી લલિતા….
લલિતાએ બે બાળકોને એકી સાથે જન્મ આપ્યો હતો. બંને બાબા સ્વસ્થ હતા અને લલિતા પણ એ બાબાઓ જેવી નિર્દોષ અને ખુશ લાગતી હતી.
બીજી વાર એની ખબર કાઢીને લાવણ્ય હૉસ્પિટલથી સીધી બજારમાં ગઈ હતી. રમકડાં ખરીદ્યાં, ઝભલાં ખરીદ્યાં. રમકડાંની તો એમને ક્યાં ખોટ હતી? પણ વસ્તુ કરતાં ભાવ વધુ મહત્ત્વનો છે.
લલિતાએ કહેલું કે બાળકોના જન્મના પંદર દિવસ પહેલાં એક સુંદર રમકડું બનાવેલું. એને ઉર્વશી નામ આપીને સાચવી રાખવાની હતી. દીદી આવે ત્યારે ભેટ આપવાની હતી. એમનો ચહેરો યાદ કરી કરીને એણે એ પૂતળી ઘડી હતી. પૂતળી સ્થિર હતી પણ નૃત્યનો ભાવ એનાં અંગેઅંગથી ઝલકતો હતો. શારદા એને મળવા ગયેલી ત્યારે જોઈ ગયેલી. ‘કોને માટે બનાવી છે?’ ‘મારા માટે.’ તો લાવ મને આપી દે. જો કોઈ બીજા માટે બનાવી હોત તો હું વચ્ચે ન પડત.’ લલિતાએ પેટ પર હાથ મૂકીને કહ્યું હતું: મારે વળી બીજું કોણ? હવે જે આવે એ!
શારદાએ એને ચૂંટલી ભરીને લાલલાલ કરી મૂકી હતી. પૂતળી માગી લીધી હતી. ત્યાંથી એ પ્રેમલના સ્ટુડિયો પર ગઈ હતી. નીકળતાં પૂતળીને સાથે લઈ જવાનું ભૂલી ગઈ હતી. બીજી વાર ગઈ ત્યારે પ્રેમલે એ આપવાની ના પાડી હતી. કારણ કહેલું: લલિતા ભલે ગમે તે કહે પણ આ પૂતળીનાં અંગો તારાં છે શારદા, અને ભાવ છે પેલી ગર્વિતાનો, જે કોણ જાણે હજી મારાં કેટલાં અપમાન કર્યો કરશે…હું ઝંખતો રહ્યો લાવણ્યને ને મને મળી તું!
‘હું તમને મળી હોઉં તો તમે જાણો પણ તમે તો મને નથી જ મળ્યા! હું તમને ભૂલી નહીં શકું પ્રેમલ.’
‘મલૂકચંદને થોડુંક વધુ વજીકરણ ખવડાવ. મને ભૂલવાનું સહેલું થતું જશે.’
‘શું હું મારી શારીરિક જરૂરિયાતો સંતોષવા અહીં આવું છું? તમે સમજો છો શું?’
‘એ અંગે હું હવે વિચારવાનો નથી, હું સ્ત્રીઓને સમજવામાં સતત નિષ્ફળ ગયો છું. હવે એક જ હઠ રહી ગઈ છે. જો લાવણ્ય તારી જેમ આપમેળે હાથવગી થાય, એ જાતે જ એના દર્પનું કવચ ઉતારે અને મને —’
‘તમે દીદીના સ્વતંત્ર વ્યક્તિત્વને સાંખી શકતા નથી. અમે જે કારણે એમને આધુનિક નારીના વ્યક્તિત્વનો આદર્શ માનીએ છીએ —’
‘આધુનિક અને એ? એ તો જુનવાણી છે, મધ્યયુગી માનસ છે એનું. તને એમાં સમજણ નહીં પડે.’
‘મને એટલી તો સમજણ પડે જ છે કે તમે સામંતો અને શ્રીમંતોની સ્વામિત્વ-ભાવનાથી જીવવા ઇચ્છો છો. તમે જે ફ્રીડમ ભોગવો છો, જે પર્મિસિવ સોસાયટીની દુહાઈ દો છો એ મધ્યયુગમાં હતી જ, ફેર એટલો જ છે કે એનો લાભ ફક્ત પુરુષો લેતા હતા, જેમાંના એક છો તમે. મારા જેવી શિક્ષિત અને સુંદર યુવતીને ભોગવીને લગ્નની ના પાડનાર અને લાવણ્યદીદી જેવી આદર્શ યુવતીને ભ્રષ્ટ કરવાના મનસુબા સેવનાર કાપુરુષ…’
શારદાની ઇચ્છા એ ક્ષણે ઊઠીને કર્ણિકાર સ્ટુડિયોમાંથી કાયમ માટે નીકળી જવાની હતી પણ એમ કરવા માટે એના પગમાં શક્તિ નહોતી. એ બેઠાં બેઠાં રડતી રહી. થોડીવારમાં મલૂકચંદ આવશે. ત્યાં સુધીમાં એ સ્વસ્થ થઈ જશે. લેવડદેવડનું કામ પતી જશે. એમના દ્વારા પ્રેમલને જે જે કામો મળ્યાં છે એમાંથી એણે પચીસ ટકા કમિશન આપવાનું છે. હિસાબ તૈયાર છે….
લલિતા આ બધું જ જાણે છે. શારદા એનાથી કશું છુપાવતી નથી. ક્યારેક કહેશે દીદીને. અત્યારે તો મળવાનું થાય ત્યારે બાબાઓની વાતમાંથી જ એ ઊંચી નથી આવતી.
એણે એના પતિને આગ્રહ કરેલો: નામ પાડવા દીદીને બોલાવો. જેમ નંદ-યશોદાએ એમના બંને કુંવરનાં નામ પાડવા આચાર્ય ગર્ગને બોલાવેલા તેમ આપણે વિદુષી લાવણ્યને બોલાવીએ. વિરાજબેન એમના પિતાશ્રીની અટક લખે છે, દીદી એમનાં માતુશ્રીની અટક લખે છે: લાવણ્ય સચદે! જોકે કવિતા-વાર્તા સાથે તો માત્ર પોતાનું નામ લખે છે: લાવણ્ય!
લલિતાનો ભાવ જોઈને લાવણ્ય નામકરણ માટે આવી હતી. પ્રકાશ અને વિકાસ, બોલો મંજૂર? નામ સાંભળતાં જ પતિપત્ની ખુશ થઈ ગયાં હતાં. અને એમને એમની ખુશીની ઝાંખી પ્રકાશ અને વિકાસના કપોલ પર થઈ હતી….
પ્રકાશ અને વિકાસ હવે પારણામાં બેઠા રહે છે. બરાબર તંદુરસ્ત છે. લલિતા થોડી સુકાઈ છે. પણ એવી તો ખુશ રહે છે કે તાજી અને ઘાટીલી લાગે છે. લલ્લુકાકા અને આખું કુટુંબ મહિને એકાદ વાર અચૂક આવે છે. એમને બીક હતી કે લલિતા પુત્રીને જ જન્મ આપશે. જ્યારે જન્મ્યા બબ્બે દીકરા! આનંદની સીમા ન રહી.
છ એક માસ પછી લલ્લુભાઈ એક ભાણિયાને ઈડર લઈ જશે. ત્યાં ઉછેરશે અને મિલકતનો વારસદાર બનાવશે. લલિતા એનો અભિપ્રાય આપતી નથી. એનો પતિ ખુશ છે. ખુશ રહેવા સિવાય એને બીજું વ્યસન નથી.
આ વખતે લાવણ્ય લાંબી મુદત પછી આવી. એને જોતાં જ લલિતા હર્ષઘેલી થઈ ભેટી પડી. આપ્તજન સાથે સુખની વાતો કરવા એ બેચેન હતી. શારદા હમણાંથી આ બાજુ ફરકી નથી. મોટા મોટા સમારંભોમાં હાજરી આપવામાંથી એને નવરાશ મળે છે જ ક્યાં!
પ્રકાશ અને વિકાસ લાવણ્ય સાથે હળી ગયા. એમને ખોળામાં બેસાડી ગીત ગાતાં એણે અપૂર્વ આનંદ અનુભવ્યો. બેઉ હાથે બંનેને તેડીને ઊભાં રહેતાં છાતીના ધબકારામાં લોહીનો ઉછાળો વરતાયો, મૂળમાં સીંચેલું જળ ગુલમહોરનાં ફૂલ સુધી પહોંચી જાય એમ.
‘એક વાત કહેવાની ક્યારનીયે રહી જતી હતી દીદી! અમારે ત્યાં ઈડરમાં બધાં તમને શુકનિયાળ માને છે.’
‘હા, હું બીજાઓ માટે તો શુકનિયાળ છું જ.’ — લાવણ્ય આગળ કંઈક બોલવા જતી હતી, પણ અટકી ગઈ. એ લલિતાની સભરતા બિરદાવવા આવી હતી, પોતાની એકલતા વહેંચવા નહીં. પણ લલિતા ચકોર હતી. પામી ગઈ.
‘કેમ, ફક્ત બીજાઓ માટે જ કેમ? તમારા પોતાના માટે પણ! તમારે જોઈતું હતું એમાંનું શું તમને નથી મળ્યું? હવે પીએચ.ડી.ની પદવી પણ મળી જશે. તમારે જે નથી જોઈતું એ જ તમારાથી આઘું છે. ખોટું કહું છું? અમારી બાજુથી તો જે કોઈ આવે છે એ છાપામાં આવેલા તમારા ફોટાને યાદ કર્યા વિના રહેતું નથી. ધ્રુવસ્વામિની નહીં પણ તમે રૂપ અને કલાનાં સ્વામિની છો. એ તો તમે જ પેલી મુલાકાતમાં જાહેરાત કરી દીધી કે તમને ધંધાદારી ચલચિત્રોમાં કામ કરવામાં રસ નથી. નહીં તો નિર્માતાઓની લાઈન લાગત! પણ મને તમારો નિર્ણય ગમ્યો.
શારદા પણ તમારી મહત્તા સ્વીકારતી હતી. તમે સાહિત્યસર્જન અને વિદ્યાની ઉપાસનાને વરેલાં છો તેથી જ અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિથી અનાસક્ત રહી શકો છો.’
‘તું મારા પ્રત્યેના પક્ષપાતને કારણે આમ અતિશયોક્તિ કરે છે.’
‘જરાય નહીં. ચાલો મારા સોગંદ ખાઈને કહો. તમે ઇચ્છો તો તમને ફિલ્મોમાં કામ મળે કે નહીં?’
‘મળે. મળતું જ હતું. પણ એટલા માટે નહીં કે હું અભિનયની કળાને ઉપાસનાનો વિષય માનું છું. એટલા માટે નહીં કે સૂક્ષ્મ અભિનયની ક્ષમતા ધરાવું છું. પણ એટલા માટે કે મારો ચહેરો અને દેહની આકૃતિ ફોટોજનિક છે. એ માધ્યમ મારો ઉપયોગ કરી શકે એમ છે. અભિનય એ એક મોટી કળા છે લલિતા. મારે સાહિત્યસર્જન અને વાચન છોડીને એની પાછળ સંપૂર્ણ ધ્યાન આપવું પડે. ધ્રુવસ્વામિની તરીકે મેં તમને બધાંને થોડોક સંતોષ આપ્યો કેમ કે હું શબ્દને સરખી રીતે બોલવાની આવડત ધરાવું છું પણ આજના નિર્માતાઓનું ધ્યાન શબ્દ કરતાં શરીર પ્રત્યે વધુ રહે છે.’
‘તમારું તો શરીર પણ —’
‘મૂરખ, તું મને શરીરથી ઓળખે છે? મને તો એમ કે તું સમજદાર છે. આપણું શરીર દેખાડો કરવા માટે નથી, જીવના જતન માટે છે, પ્રાણશક્તિના આવિષ્કાર માટે છે. નિર્માતાઓએ ખરીદેલી દિગ્દર્શકોની બજારુ જરૂરિયાત મુજબ હું મારા શરીર પાસે ચાળા કરાવું? કપડાં આઘાંપાછાં કર્યાં કરું? હું એટલી નમ્ર તો નથી જ કે ધનપાલોની શિષ્યા બનું.
મારા ગુરુ તો છે સિંઘસાહેબ! સિંઘસાહેબ અને શ્રીદેવીના દામ્પત્ય વિશે તારે ઘણું જાણવા જેવું છે. એમ તો વિરાજબેન અને ચંદ્રકાન્તભાઈ ગ્રામસમાજના સર્વાંગી ઉત્કર્ષના આદર્શ સાથે જે દામ્પત્ય-જીવન માણે છે એ પણ એક નમૂનો છે.. તું કોઈ કોઈ વાર શારદા અને પ્રેમલની વાત કાઢે છે. હું એમાં રસ લઈ શકતી નથી. એ જે રીતે કમાય છે, પ્રસિદ્ધિ મેળવે છે એને તો તું આદર્શ નથી માનતી ને?’
‘મારો આદર્શ તો તમે આ ભુલકાઓનાં નામ પાડીને સૂચવી દીધો છે. પ્રકાશ સાથેનો વિકાસ! બરાબર ને? હું કંઈ એવી ભોટ નથી કે મૂળ વાત પણ ન સમજું. તમે એક વાર કહેલું: ગમે તેવી સુંદર વ્યક્તિ પણ આત્મસ્વરૂપ ન હોય તો ભારતીય સાહિત્યમાં એનો મહિમા નથી થતો. સંસ્કૃત નાટકમાં ગણિકા નાયિકા નથી હોતી. વસંતસેના નાયિકા છે કેમ કે ચારુદત્તને ચાહે છે, દરિદ્ર થયેલા ચારુદત્તને એના ગુણોને કારણે ચાહે છે. જૈન પ્રબંધકાવ્યોમાં ગણિકાઓનાં પાત્રો આવે છે એ પણ અંતે એમના ચાહકો સાથે આત્મસ્વરૂપ બનવાની દિશા પામે છે. બોલો, મને બધું બરાબર યાદ છે ને? સ્નાતક થઈ છું તે કંઈ આ બધું ભૂલી જવા માટે? એમ તો હું તમારા પ્રેમ અને ત્યાગ વિશે પણ સમજું છું. તમે ક્યાં માનવમૂલ્યો માટે પ્રેમલગ્ન જતું કર્યું એની મને ખબર છે. પણ કોઈ કોઈ વાર સ્ટાર-વેલ્યુથી અંજાઈ જવાય છે.’
લલિતાને હળવાશથી સાંભળી રહેલી લાવણ્યને એકાએક યાદ આવ્યું: પોતે પ્રકાશ અને વિકાસ માટે ઝભલાં લાવી છે અને હજી પર્સ ખોલતી નથી! આ ગાંડીનો બકવાસ પણ કેવો મોહક હોય છે!
લલિતાએ ઝભલાં હાથમાં લેતાં જ વખાણ શરૂ કયોઁ. પછી પહેરાવીને ફરી વખાણ્યાં.
‘ગાંડી, વખાણ તારાં સંતાનોને, વખાણ તારા માતૃત્વને —’
સાંભળતાં લલિતા ધન્યતાના ભાવથી આર્દ્ર બની ગઈ. દીદીને ભેદીને રડી પડી. લાવણ્યે એની પીઠ પર હાથ ફેરવ્યો. એનાં આંસુ લૂછયાં. પારણામાં જુએ છે તો બંને બાબાઓની આંખમાં આંસુ છે! આ શું? કશો અવાજ નથી અને છતાં આંસુ?
જનેતા અને સંતાન વચ્ચેનો મજ્જાગત સંબંધ પ્રત્યક્ષ થયો. લાવણ્યે ત્રણેક કલાક ત્યાં વિતાવ્યા. લલિતા કરતાં પણ પ્રકાશ અને વિકાસ સાથે પોતે વધુ પુરાણો પરિચય ધરાવતી હોય એવી અનુભૂતિ સાથે એણે વિદાય લીધી.
અનધ્યાયના દિવસો છે આ! હરોફરો અને મન ફાવે તે વાંચો! મહાનિબંધ રજૂ કરી દીધો છે. એના મૂલ્યાંકનના હેવાલ આવશે પછી મૌખિક પરીક્ષા થશે. ચાર છ મહિના તો ખરા જ. કોઈક દાખલામાં તો વરસ થયાનું પણ સાંભળ્યું છે. પીએચ. ડી. પછી શું કરવું છે? અધ્યાપન, બીજું શું?
પાસે કોઈ ઊભું હોય તો લાવણ્ય વતી ઉત્તર આપી દે છે. માત્ર જિજ્ઞાસાભાવે કોઈ શું કામ આ કડાકૂટમાં પડે? લાવણ્યને નવાઈ લાગેછે. એના વતી ઉત્તર આપી દે છે. માત્ર જિજ્ઞાસાભાવે કોઈ શું કામ આ કડાકૂટમાં પડે?
લાવણ્યને નવાઈ લાગે છે. એના વતી ઉત્તર આપી દેનાર કેવી ખાતરીથી બોલે છે! શું મારી નિર્હેતુક જિજ્ઞાસા કોઈને ગળે નહીં ઊતરે? મેં ક્યાં નક્કી કર્યું છે કે અધ્યાપિકા થવું? હું તો સંપાદનનું કામ પણ કરું. આજીવિકા ચાલે અને લેખન માટે મોકળાશ રહે એથી વધુ કશું જોઈતું નથી. તેથી જાહેરખબરના પ્રમાણમાં બહુ ઓછી જગ્યાએ એ અરજી કરે છે.
એક દિવસ ટચુકડા સમાચાર વાંચે છે. વિદેશ-પ્રધાન સાથે પ્રવાસે જનાર પત્રકારોમાં વિશ્વનાથની પસંદગી થઈ છે. એને થયું કે પોતે પણ પત્રકાર હોય તો વિશ્વનાથ સાથે પ્રવાસ કરત. એનામાં બીજા કયા કયા ગુણ છે એ જાણત અને આજ સુધી એની શુભેચ્છા મળતી રહી છે એ બદલ એનો આભાર માનત.
ચાલો શુભેચ્છા આપવા તો જઈએ! શુભલક્ષ્મીબેન અને પ્રભાકરભાઈ આપણા પ્રત્યે ઉદાસીન લાગે એમાં વિશ્વનાથનો શો વાંક? એ દંપતીને નાટ્યકળા સામે તો વાંધો નહોતો, વાંધો હતો જાહેરાતની સામગ્રી બનવા સામે. પણ વિશ્વનાથે એમની ગેરસમજ કેમ દૂર કરી નહીં હોય? એ જ કહેશે કોઈક વાર.
એને ઘેર જવાને બદલે ઑફિસે જવું જોઈએ. ફોન પણ નથી કરવો. નહીં મળે તો શુભેચ્છાનું પ્રતીક એના ટેબલ પર મૂકીને પરત. નીકળી. પહોંચી.
વિશ્વનાથ પાસે હવે બે જ દિવસ હતા. એમાં અહીંનાં બાકી કામ આટોપી લેવાનાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા ગોઠવાયેલો પ્રવાસ પાંચ દિવસનો હતો. એ જવાબદારી પૂરી કરી, હેવાલ મોકલી, પોતે બે અઠવાડિયાં યુરોપમાં રોકાઈ શકે તો ત્યાંનાં વરિષ્ઠ દૈનિકોનાં કાર્યાલયોની મુલાકાત લેવાની સાથે સાંસ્કૃતિક સહેલગાહ પણ કરી શકે, ખુદ તંત્રીશ્રીએ જ એને એ માટે પ્રેર્યો હતો અને ગોઠવણ કરી આપી હતી. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો!
વિશ્વનાથે લાવણ્યને આ બધું કહીને જ વાત પૂરી ન કરી. તંત્રી પાસે લાવણ્યને લઈ ગયો અને એની સાક્ષીએ તંત્રીનો ફરી આભાર માન્યો.લાવણ્યનું પ્રસન્ન વ્યક્તિત્વ જોઈને તંત્રીશ્રી બોલી ઊઠ્યા: તમે ધ્રુવસ્વામિની નહીં, એથી સવાયાં છો!
‘જોયું? કંઈ હું એકલો જ તમને નથી વખાણતો. અમારા તંત્રી પણ વખાણે છે! એનો અર્થ એ કે હું મારા અભિપ્રાયમાં તટસ્થ છું!’
‘તટસ્થ અને નિ:સ્પૃહ!’
‘તમારાથી નિ:સ્પૃહ થયા પછી તો મારે સંન્યાસી થવાનું જ બાકી રહે. અથવા એમ કહું કે તમારાથી નિ:સ્પૃહ થવા કરતાં પણ સંન્યાસી થવું સહેલું છે. પણ એટલું ખરું કે હું લોભી નથી. તેથી સમજી શકું છું કે હું તમારો બરોબરિયો નથી. તેથી તમને વધુ સારો મિત્ર મળે તો હું એની ઈર્ષા ન કરું.’
‘હું શુભેચ્છા લેવા નહીં, આપવા આવી હતી. તમારે ઘણું કામ બાકી હશે. હું જાઉં. જાઉં?’
‘મારો પ્રલાપ ન ગમ્યો? જો થોડુંક વધુ સાંભળી લેવાની તૈયારી હોય તો બેસો. અડધા કલાકમાં તો ટેબલ ખાલી કરી દઈશ. પછી હું તમને મૂકી જઈશ.’
‘સાથે લઈ જવાની ઇચ્છા થાય ખરી?’
‘ના, તમે સાથે હો તો વિદેશપ્રધાન સામે કોઈ જુએ જ નહીં. જ્યાં જઈએ ત્યાંના કલ્પનાશીલ પુરુષો એમની સ્વપ્નસુંદરીઓના નામે તમને ઓળખવા પ્રયત્ન કરે. કોઈ કહે આ હેલન છે, કોઈ કહે કિલયો – ના, તમને કિલયોપેટ્રા તરીકે ઓળખવાનો કોઈને અધિકાર નથી. તમારામાં હું દ્વિનિષ્ઠા કલ્પી શકતો નથી. તમે તો નિર્મલ અને નિષ્કલંક મંદાકિની શાં, કૈલાસની પાર્શ્વભૂમિમાં જ શોભો એવાં!
તમને હસવું આવે છે? હસવું જ હોય તો લો આ ચર્ચાપત્રો વાંચો! આપણા ગુજરાતી બંધુઓ કેવું અંગ્રેજી લખે છે! એમની ભાષા સુધારવાને બદલે મારે ગુજરાતીમાંથી શબ્દશ: અનુવાદ કરવાનો હોય તો સમય બચે. મેં થોડા દિવસ પહેલાં જ તંત્રીશ્રીને સૂચવ્યું કે વાચકોને એમની માતૃભાષામાં ચર્ચાપત્રો મોકલવાની છૂટ આપીએ તો કેવું? મારા સૂચનમાં સ્મિત કરવા જેવું શું હતું? એમણે સંમતિ ન આપી. અમારા વાચકોને અંગ્રેજી આવડે છે એ ભ્રમ ભલે ટકી રહેતો, એવી એમની ધંધાદારી ગણતરી હશે. સારું, જરા કહેશો કે તમે આજ સુધી અમારા છાપામાં કેમ ચર્ચાપત્ર લખ્યું નથી?’
‘ચર્ચાપત્ર? શું કામ લખું?’
‘કશાકનો વિરોધ કરવા. જેમને વિચારતાં ફાવે એ બધા વિરોધ કરી શકે.’
લાવણ્ય હસી પડી: ‘મને વિરોધ કે વિવાદ જગવવાનું ગમતું નથી. હું માત્ર અસંમતિ દાખવીને અટકી જાઉં છું. સંવાદની સૌથી સારી શૈલી જાત સાથે વાત કરવાની નથી?’
‘તમારા આ એક ઉદ્ગાર પર લઘુલેખ લખી શકાય. પ્રવાસ દરમિયાન હું તમને પત્ર લખીશ. હું મારા સ્વગત સંવાદને ટેપ કરી મોકલીશ. એમાં હું તમને સંબોધન નહીં કરું. જેથી કોઈ મારા પર ગુસ્સે ન થાય, ઠપકો ન આપે: તારા જેવા એક સામાન્ય પત્રકારને શો હક્ક હતો આવો પ્રેમપત્ર લખવાનો?’
‘મારી પાસે એક પ્રેમપત્રોનું પુસ્તક છે. એમાં તમારો પત્ર સાચવી રાખીશ.’
‘તમને સાચવી રાખવાનું મન થાય એવું એક વાક્ય પણ મારાથી લખાય તો ધન્ય થઈ જાઉં. તમારી કવિતામાં અને પ્રેમલની ચિત્રકલામાં જે મૌલિકતા છે એમાંનો એક અંશ પણ મારામાં હોત તો આ એક એક દિવસનું આયુષ્ય ધરાવતું લેખન છોડી દેત. ચાલો.’ — જાણે આ ક્ષણે જ બધું છોડીને ચાલી નીકળતો હોય એમ વિશ્વનાથ ઊભો થયો.
‘તમારા માટે એક નાનકડો શુભેચ્છા-સમારંભ યોજું?’
‘શું કામ મારો પ્રવાસ બગાડો છો? પછી તમારા જ વિચાર આવ્યા કરશે અને “આશ્ચર્ય દર્શન ખલુ મનુષ્ય લોક:” માં પૂરતો રસ નહીં પડે. પાછો આવું પછી મિત્રો સાથે મળવાનું ગોઠવીશું. અને એ પણ રહી જશે તો તમે પીએચ.ડી. થાઓ એની પાર્ટી રાખીશું. બરાબર?’
‘આ બે દિવસ તમે બહુ કામમાં હશો!’
‘ખરું! પણ તમારી શુભેચ્છા પછી કાર્યશક્તિ વધી ગઈ છે. મારી ગેરહાજરીમાં એકાદ વાર મારે ત્યાં જઈ આવશો?’ — કહ્યા પછી વિશ્વનાથ વિચારમાં પડી ગયો. — ‘અથવા હું મમ્મી પપ્પાને કહી રાખું છું. એમને કંઈ કામ હશે તો તમને મળશે.’
‘એમને મારું શું કામ પડવાનું હતું?’ — લાવણ્યના પ્રશ્નનો વિશ્વનાથ પાસે ઉત્તર નહોતો. શુભલક્ષ્મીને લાવણ્ય પ્રત્યે પહેલાં જે ભાવ હતો એ હવે નથી એનો તાળો બંનેની આંખે મેળવી લીધો હતો.
છતાં છેવટે લાવણ્યે બાજી સુધારી લીધી: ‘હું અને શ્રીદેવીબહેન એકાદ વાર તમારે ત્યાં જરૂર જઈ આવીશું.’
(ક્રમશ:)
સરસ રસસભર, જકડી રાખે છે. આગળના ભાગ નિયમિત અંતરાલે મોકલવા વિનંતિ.