ચાર કાવ્ય ~ રાવજી પટેલ ~ જન્મતારીખઃ ૧૫ નવેમ્બર

રાવજી પટેલ
facebook/Shakeel Kadari | સૌજન્ય: https://www.bbc.com/gujarati/india-46206216

ડાબેથી પાંચમાં ક્રમે રાવજી પટેલ ગઝલકાર અઝીઝ કાદરી અને મહેબૂબ સાલેરી સાથે (1949)

1. પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ

ધીરે રહી પમરતું પરભાતિયું, ને
માંચી મહીં બચબચ્ચું શિશુ, કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાળી ગરગડી થઈ કો’ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે. સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ. નયનબ્હાર ઘડીકમાં તો.
ભીની જગા કલકલી ઊઠી – સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં…

2. રમ્ય શાંતિ

એક પંખીની પાંખ હવે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર
ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે!
વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે…
જાગે સૂર્ય એકલો.
નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ
સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે!
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદ્ગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી…

3. મિસ જૂલિયટીનું પ્રણયગીત

(હો રાજ રે હું તળાવપાણી ગૈતી –
એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે
અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે
અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી –
તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે
કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે તમે જૈ
રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો,
મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે
તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-
નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે
વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી –
ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું
ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં –
અમને કાળજકાંટા વાગ્યા.

4. ક્રીડાવન

એક પુરાતન વન મારી પાંપણોને ક્યારનું
હિલોળી રહ્યું છે… !
ફાળ ભરી ભરી
ઝાંઝવાના કૂવામાં આવી લપાયેલાં
રણ પણ આછાં આછાં
પાછલાં પરોઢ થઈને જાગે છે…
જાણું ના, પાણીની ડાળ થોડીક વંકાઈને,
નવીસવી માછલીને
કેવી રીતે રમાડી લેતી?
હું ઝાડ હતો
પંખી હતો,
કે વન?
વનની ગાઢાશને છોડીને
છેક નગરની એક બારીમાં
પાંદડાની જેમ હું
આવી પહોંચ્યો છું.
અધરાતે મધરાતે એક નાનેરો
મારી હથેલીઓમાં ઓગળવા માંડે છે,
ને એ વિશાલ જાજમ પાથરી હોય
એવા સમય પર –
પાગલ પગલાં જેવી અત્રતત્ર વેરાઈ જાઉં છું:
અહો અહીં તો
અજવાળાં જીવે છે!

~ રાવજી પટેલ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખૂબ સરસ
    રાવજી પટેલના હૃદયસ્પર્શી કાવ્યો