ધરતીપુત્ર (એકોક્તિ) ~ નિમિષા વિજય લુંભાણી ‘વિનિદિ’, રાજકોટ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૯
(ગોઠણબૂડ પાણીમાં ખેડૂત ઊભો છે. આંખોમાં આવતાં પાણીને ગમછાથી લૂંછી રહ્યો છે. તેની સામે કેટલાક પત્રકારો માઈક ધરીને ઊભા છે. ખેડૂત બોલવાનું ચાલુ કરે છે.)
છેલ્લાં બે વર્ષથી કંઈક ને કંઈક કુદરતી હોનારત આવ્યા કરે છે. કમોસમી વરસાદ કે વાવાઝોડું આવ્યાં જ કરે છે. જેને પરિણામે કેળાં, ચીકુ, આંબો – બધાં જ પાકોને નુકસાન થયે રાખે છે. એમાંય આ વર્ષે તો વળી અતિવૃષ્ટિ થઈ છે.
જોવો છો તમે? આ ઊભો પાક નષ્ટ પામ્યો છે. છતાંય… તમને મારાં આંસુ મગરમચ્છનાં આંસુ લાગે છે ને? અમને ખેડૂતોને ખબર છે, તમે અમારા માટે શું વિચારો છો. ‘સરકાર પાસેથી રૂપિયા મેળવવાનાં આ બધાં બહાનાં છે.’ એમ જ વિચારો છો ને?
અરેરે… શું કહું તમને, સરકાર તરફથી મળતી સહાય ચણા-મમરા જેવી હોય છે. આ તો હવેની સરકાર સીધાં બૅન્કનાં ખાતામાં રૂપિયા જમા કરે છે, તે દેખાય છે. પહેલાં રોકડમાં સહાય ચૂકવાતી, તેનો મોટો ભાગ વચેટિયાઓનાં ખિસ્સામાં જતો હતો.
તમે સૌ ભણેલા છો. જાતે જ હિસાબ કરી જોવો. ખેડાણ કરવું, વાવણી કરવી, બિયારણ લેવા માટે ધક્કા ખાવા. મળ્યું તો ઠીક, નહિતર ફરીથી ધક્કો ખાઈને વારો આવે તેની રાહ જોઈને ઊભું રહેવાનું. વાવણી થયા પછી બીજ ફૂટે તેની રાહ જોવાની, પિયત માટે જીવનું જોખમ લઈને રાત્રે પાણી પાવા જવાનું, નિંદામણ કાઢવાનું, જીવાત ન થાય તે માટે જરૂરી દવાઓ છાંટવાની, આ બધું તમે એક વખત કરી તો જોવો.
હા, અમે જગતના તાત છીએ, શરીર તોડી નાખે તેવી મજૂરી કરવી અમારા માટે આનંદની વાત છે. ખેતરમાં પાક લહેરાતો જોઈને અમે અમારો બધો જ થાક ભૂલી જઈને આનંદથી લણણી કરીએ છીએ.
આખું ઘર કામે લાગે ત્યારે અનાજ ખેતરમાંથી દુકાને પહોંચે. આ તો ખુલ્લા બજારમાં વેચવાની છૂટ મળી એટલે થોડાક પણ રૂપિયા ગાંઠે બાંધી શકીએ છીએ. માર્કેટિંગ યાર્ડમાં વારો આવે તેની રાહ જોઈને ગમે તેવા વાતાવરણમાં ઊભું રહેવાનું, જે ભાવ બાંધી આપ્યો તે સ્વીકારી લેવાનો… ક્યારેક તો મુદ્દલ માંડ છૂટતું હોય છે. એમાંય કમોસમી વરસાદ પડે, તો તો રૂપિયા હાથમાં આવે તે પહેલાં જ, યાર્ડમાં જણસ પહોંચે તે પહેલાં જ બધું પલળીને નકામું થઈ જાય.
(થોડીવાર ખાલી આંખે પાણી ભરેલાં ખેતરમાં નજર ફેરવે છે.)
લ્યો, તમને એક વાત તો કહેવાની રહી જ ગઈ. સૌથી મોટું જોખમ તો ખેતરમાં રહેતાં જીવોનું હોય છે. નાનામોટા સાપ તો નીકળ્યે રાખે, પણ… પણ પેલા મોટા મોટા ભોરિંગનું શું? ઈવડા ઈ જીવનોય શું વાંક? ક્યાંય તો રહેવું ને? એમાં અમે ખેડાણનાં નામે તેનું ઘર લઈ લઈએ તો ક્યારેક ગુસ્સે ભરાઈને દંશ પણ આપે!
(વળી થોડી વાર પાણીની આરપાર નીચે જમીન સુધી જોતો હોય છે. ઊંડો નિસાસો નાખીને બોલવાનું ચાલુ કરે છે.)
અરે, એટલું તો વિચારો કે ખેતરનું નુકસાન ફકત અમારું નુકસાન નથી, સમગ્ર વિશ્વનું નુકસાન છે. ધરતીમાં કંઈ ઊગશે જ નહિ, તો માનવો અને અબોલ જીવો ખાશે શું?
જે કંઈ થોડું ઘણું બચ્યું હોય તેનો અમે ઉપયોગ કરીને અમારો જીવ ટકાવીએ કે ફરીથી અનાજ ઉગાડવા માટે બિયારણ તરીકે રાખીએ, એ જ અમારા માટે તો વિકટ પ્રશ્ન બની રહે છે. સારું કે ખરાબ જે કંઈ બચેલું અનાજ બજારમાં વેચીશું, તેનો ભાવ વધશે ત્યારે તમે ફરીથી અમારા પર દોષારોપણ કરશો.
(એક પત્રકાર કંઈક કહે છે.)
શું કહ્યું? ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો જોઈએ? હા…હા…સાચું જ કહ્યું તમે. મેં મારાં જ ખેતરમાં એક તળાવ રાખ્યું છે, જેમાં હું વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ સારો પાક ઉતારું છું. વર્ષ સારું જાય તો ખેતીમાં ઉપયોગી હોય તેવાં સાધનોની ખરીદી કરું છું.
તમને ખબર છે? મારાં ખેતરમાં હું પાણી પાવા માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરું છું, પણ આવા ગોઠણબૂડ પાણીમાં તમને એ ક્યાંથી દેખાશે? (હાથ લાંબો કરીને પાણી દેખાડે છે.)
(થોડીવાર રહીને ફરીથી હાથ લાંબો કરીને દેખાડે છે.)
ત્યાં જોવો, દૂર તમને પાણીમાં લાલ રંગનું કંઈક દેખાય છે? તે ટ્રેક્ટર છે. પાણી ક્યારે ઊતરશે અને ક્યારે તેનું સમારકામ થાશે? ઈ તો મારા ઉપરવાળાને ખબર. (ઉપર જોઈને બે હાથ જોડે છે.)
દવા છાંટવા માટે ડ્રોન લીધું છે. તેની હાલત તો કહેવા જેવી નથી. જ્યાં ઘરવખરી પલળી ગઈ હોય, ત્યાં મશીનોનું શું રોવું?
(ફરી આંખો લૂંછતાં લૂંછતાં, રડતાં રડતાં બોલે છે.) અમે અમારાથી શક્ય તેટલા પ્રયત્નો કર્યા, અમારા વહાલા અબોલ જીવોને ના બચાવી શક્યા! (ડૂસકું મૂકે છે.)
(કંઈક સાંભળીને અચાનક ચોંકે છે.)
અમારે ભણવું જોઈએ એમ? ભાઈ, હું ભણેલો છું એટલે જ આધુનિક સાધનોનો ખેતીમાં ઉપયોગ કરું છું, પણ આ અતિવૃષ્ટિનું શું? વાવાઝોડાંનું શું? વાવાઝોડાથી મૂળસોતા પાક ઊખડી જાય અને અતિવૃષ્ટિથી બધો પાક બળી જાય. વળી, આ પાણી ક્યારે ઊતરશે તેની કોઈ ખાતરી ખરી? તળ સાજા થાય તે વાત ખરી, પણ ‘અતિ સર્વત્ર વર્જયેત’. પાણી જઈ જઈને જશે ક્યાં?
(આંસુ સારતો, ગમછાથી મોઢું લૂંછતો પાણીમાં ચાલવા જેવું કરે છે, ધીમે ધીમે ડગ માંડે છે.)
(સહેજ ઉશ્કેરાટથી બોલે છે.) સરકાર ગમે તે રાજકીય પક્ષની હોય, છે તો માણસોથી ચાલતી સરકાર જ ને? પોતાના રૂપિયાના લાભ માટે કે બ્યુટિફિકેશનના નામે, ક્યાંક દરિયો પૂરીને જમીન બનાવે છે, તો ક્યાંક નદી કિનારે રહેણાક બનાવે છે. એમાં શહેરીજનો આડેધડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે.
ઉપયોગ કરે તેનોય વાંધો નથી, આમ જ્યાંત્યાં આડેધડ ફેંકવાથી જે નુકસાન થાય છે, તે તેમને કેમ દેખાતું નથી? પ્લાસ્ટિક સહિતનો બધો જ કચરો ગટરમાં જાય છે. વરસાદનું પાણી રસ્તા પર નદી બનીને વહેવા લાગે ત્યારે તંત્રનો વાંક કાઢે છે, ‘તંત્ર સફાઈ કરતું નથી, પૂર આવશે તેવી ખબર હોવા છતાં પહેલેથી કોઈ આયોજન નહોતું. ટૅકસના નામે રૂપિયા ભરીએ છીએ, તે બધા જ ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય છે.’
આમ બોલીને બળાપો કાઢવાથી શું થશે? અરે… સુજ્ઞ નાગરિકો, તમને પૂછું છું… પોતાના, કુટુંબના, સમાજના, દેશના લોકો ચોખ્ખા વાતાવરણમાં, ચોખ્ખી આબોહવામાં જીવી શકે તે માટે તમારી કશી જ ફરજ નથી?
પોતાના જ દેશની વ્યવસ્થાનો વાંક કાઢીને બીજા દેશમાં રહીને નિયમોનું પાલન કરવું છે, એ જ નિયમોનું ચુસ્તપણે પાલન પોતાના દેશમાં કેમ નથી કરવું?
(સામેથી બોલાતું સાંભળીને ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે.)
હા, તમારી વાત સાચી છે. ઘણા ખેડૂતોએ ખેતરો વેચીને રૂપિયા બનાવ્યા છે. કેટલાકે તો વિદેશમાં જઈને આધુનિક જીવનશૈલી અપનાવી લીધી છે. તમને એ વિચાર કેમ ન આવ્યો કે, આ ખેતરો ખરીદે છે કોણ? ખેતીની જમીનને કાયદેસર બિનખેતી જમીન કરવાનો હુકમ આપે છે કોણ? કેટલી બધી ફૅક્ટરીઓ બને છે? સગવડના નામે, રસ્તાઓ પહોળા કરવા માટે હાઈવે નજીકની જમીનોનું સંપાદન કરાય છે. જમીન ઘટવાથી અનાજનું ઉત્પાદન તો ઓછું જ થવાનું ને?
(નિઃશ્વાસ નાખીને) વધુ પાક ઊતરે, ઝડપથી ઊતરે તેના માટે મોટા ભાગના ખેડૂતો રાસાયણિક ખાતર વાપરે છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન થાય છે, લોભામણી જાહેરાતો આપીને તેનું વેચાણ થાય છે, એટલે ખરીદાય છે.
જો ઉત્પાદન અને વેચાણ જ બંધ થઈ જાય તો? ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
છેલ્લે એક વિનંતી કરું? “જનતા ઘણાંબધાં નકામાં આંદોલનો કરે છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન બંધ થાય તેનાં માટે શાંતિપૂર્વકની ઝુંબેશ ના કરી શકાય? વરસાદનું આટઆટલું પાણી આવે છે, તેના યોગ્ય સંગ્રહ માટેની, વધારાની પાણીના યોગ્ય નિકાલની ઝુંબેશ શરૂ ના કરી શકાય?”
પત્રકારો તરફ છેલ્લી વાર જોઈને બે હાથ જોડે છે, “લ્યો ત્યારે રામ રામ… સૃષ્ટિની શરૂઆતથી જ અમે ધરતીપુત્રો આ બધી તકલીફો વેઠતાં આવ્યા છીએ. સમય બધું સરખું કરી આપશે. પાણી ઊતરશે એટલે ક્યાંકથી ઉછીનાં નાણાં લઈને ધરતીને ફરીથી લીલીછમ બનાવવા બમણી હોંશથી મંડી પડીશું.”
(આટલું કહીને ચાલવા માટે પીઠ ફેરવે છે.)
umbhaninimisha@gmail.com