ભયનો ભય – સાંપ્રત સામાજિક સમસ્યા ~ લેખ (૩) ~ ડૉ. અર્પણ યાજ્ઞિક
ભયને ખાળવા આપણે સહુએ ચેક ડેમ બનવાનું છે. સહજ પ્રશ્ન થશે કે શા માટે? એનો ઉત્તર બહુ સરળ છે. ભયનો પ્રવાહ કંઈક અંશે વારસાગત પણ બની જાય છે.
તમને થશે કે આ તે કેવું અને કેવી રીતે થાય? વારસામાં આપણે બાળકોને જાણે અજાણે ઘણું આપી દેતાં હોઇએ છીએ જે દેખીતી રીતે દ્રશ્યમાન નથી હોતું. સંપત્તિ, એસ્ટેટ, ધંધોપાણી, સાથે ડાયાબીટીસ જેવી અન્ય બીમારીઓ, વગેરે તો આપણી સંતતિને મળે જ છે પણ અનેકવાર પ્રેમના પ્રવાહ સાથે ભયના વહેળાને પણ સંતોનોમાં વહેવા દઈએ છીએ. અહીં જ હવે સજાગતાથી આપણે ડેમ બનીને ડરના પ્રવાહને આપણાં બાળકોમાં રોકવાનું કામ કરવાનું છે.

તમે શાંતિથી વિચારી જોજો કે કેટલા બધા નાના-મોટા ભય તમને વારસામાં મળ્યા છે અથવા તો તમે તમારા માતા-પિતા, દાદા-દાદી કે અન્ય પરિવારજનોનાં કેટલા અલગઅલગ ડરને જોઈને મોટા થયા છો?
આ સવાલ આપણે સહુએ જાતને પૂછવા જેવો છે. જે બધાથી તમારા પૂર્વજો કે પરિવારજનો ડરતાં હશે, તેમાંનો કોઈ એક ભય તમારામાં અજાણતાં આવ્યો હશે અને એની તમને ખબર પણ નહીં હોય. તમે જે વિષયમાં કુદરતી પ્રવીણતા ધરાવતા હતા એને ઉજાગર કરવાનો કેમ મોકો ન મળ્યો એની તપાસ કરતાં સમજાશે કે તમારા માતાપિતામાંનું કોઈ એક, એ વિષયમાં છાનો ભય અનુભવતું હશે.
આ ભય તમારી સુરક્ષા અને સલામતિનો અને તમને સફળતા નહીં મળે તો શું થશે, એનો હોય છે. આપણે આનાં ઉદાહરણો જોઈએ.
યજ્ઞેશભાઈએ અત્યંત લાડકોડથી એમની દીકરી પ્રિયંકાને ઉછેરી હતી. પ્રિયંકા મોટી થઈ અને એની સખીઓ બધી ટુ વ્હીલચેર ચલવવા માંડી હતી. પ્રિયંકા ખૂબ મથી કે એને પણ ટુ વ્હીલર ચલાવીને બહાર જવાની રજા એનાં પપ્પા આપે, પણ યજ્ઞેશભાઈને સતત ડર રહેતો કે હજી તો મારી દીકરી નાની છે. રસ્તામાં એને કોઈ ઠોકી દેશે તો? ટાયરનું પંકચર થયું તો એ રસ્તામાં શું કરશે? અને જો બ્રેક ફેલ થઈ ગઈ તો એ કોઈકને ઠોકી દેશે તો શું થશે?
આવા કાલ્પનિક ભયને કારણે યજ્ઞેશભાઈએ પ્રિયંકાને ટુ વ્હીલર ચલાવવાની રજા ન આપી. આથી યજ્ઞેશભાઈની લાડલી દીકરી ઉદાસ રહેવા માંડી.

પછી તો આ બાબતને લઈને પપ્પા સાથે પ્રિયંકાની નાનીમોટી તકરારો થવા માંડી. યજ્ઞેશભાઈને પોતાનો ભય વ્યાજબી લાગતો હતો અને પ્રિયંકાને અર્થહીન લાગતો હતો.
જે ઘરમાં બાપદીકરી વચ્ચે પ્રેમ, વહાલ અને વિશ્વાસના રેશમી તાંતણાંઓનું બંધન હતું ત્યાં પ્રિયંકાને થવા માંડ્યું કે એના પપ્પા એના પર કે એની કાબેલિયત પર ભરોસો નથી રાખતા.
ઘણી બધી ગેરસમજ અને દ્વિધા અનુભવ્યાં પછીથી ઊંડા ઊતરીને કારણો તપાસતા ખબર પડી કે યજ્ઞેશભાઈની માતાએ પણ એમને સાઈકલ ચલાવીને સ્કૂલે જવાની ના પાડી દીધી હતી, આવા જ બધાં કારણો આપીને!
યજ્ઞેશભાઈ પોતે તો એ ભયમાંથી કદાચ ઉંમર સાથે નીકળી ગયા હશે અને વાહન ચલાવવા માંડ્યા હશે, પણ એમની માતાનો ડરનો પ્રવાહ એમણે એમની દીકરી મોટી થતાં એના પર લાદવા માંડ્યો હતો. આ ભયને કારણે એક હસતા-રમતા કુટુંબમાં કારણ વિનાની દુઃખની છાયા પડી.
હવે પુષ્પાબહેનની વાત કરીએ. પુષ્પાબહેન અને એમના તમામ પરિવારને બાવાઓની ખૂબ બીક લાગતી હતી. ઘણીવાર તો પેઢી દર પેઢી, નાનાંનાનાં ભૂલકાઓને બાવાઓની બીક બતાડવામાં આવે છે. “સખણો રહેજે. મસ્તી કરીશ તો બાવાને બોલાવીશ.” તો ક્યારેક બાળક બહાર શેરીમાં રમતું હોય તો એવું કહેવામાં આવે કે, “બહુ દૂર રમતાં રમતાં ન જતો, નહીં તો બાવો પકડીને લઈ જશે.”
નાનાં હતાં ત્યારે પુષ્પાબહેનને પણ આમ જ ગભરાવવામાં આવ્યાં હતાં. પુષ્પાબહેનના નાની એમની માતા સાથે, એમની માતા પુષ્પાબહેન સાથે અને પુષ્પાબહેન એમની દીકરી સાથે, પેઢી દર પેઢી, આમ જ ડરતાં અને ડરાવતાં આવ્યાં હતાં. આમ જનરેશન ટુ જનરેશન આ પ્રોબ્લેમ ચાલતો જ રહ્યો અને બીકનો પ્રવાહ વહેતો રહ્યો.
કોઈએ પણ ડેમ બનીને, બંધ બાંધીને, આ ભયના પ્રપાતને રોકવાનો કોઈ પ્રયત્ન જ ન કર્યો. એમનાં પરિવારનું વલણ એવું રહ્યું કે “જેમ ચાલે છે તેમ ચાલવા દો. છોકરાંઓ સીધાં તો રહે છે. કંઈ અડચણ આવશે તો પછી વિચારીશું.”

પુષ્પાબહેનનો પરિવાર કંઈ અપવાદ નથી. આ તો ‘ઘર ઘર કી કહાની” છે. જ્યારે બાળકમાં ડરની ગ્રંથિ બેસી ગઈ હોય તો પરિવારના ઉછેર અને વારસાને ખંખોળજો, વિશ્લેષણ કરજો તો એ “ભય-પ્રવાહ”ના મૂળ એમાં જ ચોક્કસ મળી આવશે.
એટલે જ હું કાયમ કહું છું કે ડેમ બનો અને આ વારસાગત ભયના સામ્રાજ્યને વિસ્તરતું રોકવા અવશ્ય પ્રયાસો કરજો. વારસાગત ભયથી આપણે સજાગતાથી આપણાં સંતાનોને બચાવવાની આપણી ફરજ છે.
આવતા અંકમાં એક રમૂજી ભય વિશે વાત કરીશું અને એની પીડા વિસ્તારપૂર્વક સમજીશું.
(ક્રમશઃ)
intelligent is interesting for fear solutions, especially for parents for their kids.