આદતવશ (એકોક્તિ) ~ દીપ્તિ ભગત-વછરાજાની ‘શિવા’ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૮
(સ્ટૅજ ઉપર અંધકાર. એક ખૂણામાં ઝાંખો પ્રકાશ છે અને એક વીસેક વર્ષની યુવતી ત્યાં ઊભી છે. લાઈટનું ફોકસ એ યુવતી ઉપર છે. યુવતી ધીમે ધીમે પ્રેક્ષકો સામે આવીને ઊભી રહે છે)
યુવતી: (બે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં) નમસ્તે, મારું નામ કેસર.
(સ્ટૅજ ઉપર હવે ધીમે ધીમે પ્રકાશ વધે છે)
શું તમે માળો જોયો છે? અં…હં, હું પંખીના માળાની વાત નથી કરતી. મુંબઈના માળાની વાત કરું છું. ચાલો, આજે હું તમને બતાવું મુંબઈનો માળો એટલે કે મારી ચાલી.
(સ્ટૅજ ઉપર આગળના ભાગે પ્રકાશ છે અને પાછળની તરફ ઝાંખો પ્રકાશ છે. પાછળના પડદા ઉપર મુંબઈના એક માળાનું ચિત્ર છે. ચિત્ર તરફ ઈશારો કરી)
તો આ છે મારી ચાલી. આવો હું તમને મારી ચાલીમાં જ લઈ જાઉં.
(પડદા પર દેખાતા બિલ્ડિંગના ચિત્ર પાસે જઈને મેઈન એન્ટ્રન્સ તરફ બતાવતાં)
ચાલો, અહીંથી અંદર. આ આપણે ચડ્યાં દાદરો અને પહોંચ્યાં પહેલે માળે. આગળની તરફ આવો. આ… હા… હા, આ જુઓ અમારો વૈભવ!! કેવો વૈભવ!! રૂમની આગળ અને પાછળ એમ બંને બાજુ ચાલી. રૂમ ૧૦ બાય ૧૨ની અને રસોડું ૧૦ બાય ૮નું. જોકે પાછળની ચાલીનો ઉપયોગ તો પાણીનાં પીપડાં ભરવા અને સંડાસના ડબલાં રાખવા કરીએ. (રમૂજી લાગે તેવું હસતાં) જી જી…
(ચિત્રમાં પહેલી રૂમથી તેર રૂમ સુધી હાથના ઇશારાથી બતાવતાં)
અમારે આ પહેલી રૂમથી શરૂ કરી ૧૩મી રૂમ પછી આવે નળ. એટલે કે છેવાડેના ખૂણાની મોટી જગ્યા; જ્યાં ઘાટી રાંધે, કપડાં-વાસણ કરે અને અમારે સંડાસ જવામાં પાણી જોઈએ તો તેનાં પીપડાં પણ ત્યાં જ ભરાય. તેર રૂમ વચ્ચે ચાર જ સંડાસ હોં…
ચાલો હવે આગળની ચાલીમાં જઈએ. આ, આ તરફ (ચિત્રમાં પહેલી રૂમ તરફ ઈશારો કરીને) આ મનુ દાદાની રૂમ, પછી કાકા, પછી દવે કાકા અને પછી અમે ત્રણ; હું, મારા પપ્પા અજય અને મમ્મી સીમા. આમ તો મારી મમ્મી પોતાને શીમા કહે કારણ કે તે ‘સ’ ના બદલે ‘શ’ બોલતી! પછી પયાબા, ધા કાકી ને બિન્ની કાકી. આ અમારી તરફની ચાલી પૂરી. વચ્ચે સીડી તરફ જવાની થોડી જગ્યા અને સામેની ચાલીના છ રૂમ, પછી આવે નળ. સમજાઈ ગયું ને?
અમારી ચાલીમાં ગમે તે રૂમમાં ગમે ત્યારે જવાય. એટલે બોલો, સવારે બ્રશ પર ટૂથપેસ્ટ લગાડવા પણ બાજુની રૂમમાં જવાય, બ્રશ કરતાં કરતાં વળી બીજાના ઘરનું છાપું પણ લઈ અવાય. ચા માટે દૂધ માગવા પણ જવાય અને જમીને મુખવાસ ખાવા પણ જવાય!!!
હું તો આવું બધું કરીને જ મોટી થઈ કારણ મમ્મીનું ધ્યાન ઘરમાં ઓછું હોય. અરે! હું નાની હતી ત્યારે મમ્મી મને સવારથી મનુદાદાની આ ગોળ બારીમાં (ચિત્રમાં બારી બતાવીને) બેસાડી જાય. શા માટે ખબર છે? દાતણવાળા અને ગજરાવાળીનો ઝઘડો જોવા! મમ્મીને ઝઘડા જોવા બહુ ગમે. એવું કહે કે ટાઈમપાસ થાય!!
મમ્મીને પાછું એવું પણ ખરું કે બધાની પાસે બધું મગાય અને બધું કહેવાય!
(હાથમાં ડબલું લઈને જતી હોય તેમ ચાલતાં)
સંડાસ જતી વખતે હાથમાં ડબલું લીધા પછી આગળ ચાલતાં ચાલતાં ખ્યાલ આવે કે ચારે ચાર સંડાસ તો બંધ છે અને ત્યાં તો લાઈન લાગી છે એટલે મમ્મી નવ નંબરવાળાં રમાકાકીના ઘર પાસે અટકે ને કહે (મમ્મીની જેમ અભિનય કરતાં કરતાં), ‘તમે આજે અગિયારશ કરી છે કે નહીં? તમે તો ઘરમાં પાંચ જણા છો તો ભેગાભેગી મારીય શાબુદાણાની ખીચડી બનાવજો ને, આ બાપ-દીકરી દહીં નથી ખાતાં એટલે હું તો દૂધ મેળવતી જ નથી. તો શાથે મારું દહીં પણ આપજો.’
અને કહે, ‘કાલે રાત્રે મારાથી શેવ-ઉશળ વધુ ખવાઈ ગયું હતું અને રાત્રે ૨.૦૦ વાગે મારે શંડાશ જવું પડ્યું હતું. ત્યારે મને લાગ્યું કે મારા ભાઈ ગઈકાલે પીને આવ્યા હતા. હે ને? તમે તો ખાલી જાળી જ વાશી’તી અને ઉંદર દોડાદોડી કરતા’તા એટલે હું તમારા ઘર પાસે જ ઊભી’તી. વાશ બહુ આવતી હતી હોં.’
બિચારાં રમાકાકી આગળ કંઈ બોલે એ પહેલાં મમ્મીએ આગળ ચલાવ્યું, જરા નજીક આવીને ધીમેથી કહ્યું, ‘અને સાંભળો, ૧૧ નંબરની રૂમમાંથી અડધી રાતે ઝઘડાનો અવાજ આવતો હતો. તે રૂપાણીભાઈને ઉપરવાળી હારે લફરું છે એ શાચું?
૧૨ નંબરની રૂમવાળા ગાંધીકાકાને કરિયાણાની દુકાન. ગાંધીકાકી ઊંચાં અને ટટ્ટાર ચાલે એટલે આખી ચાલી એમને મિસિસ ગાંધી કહે. મમ્મી એમને ઘેર પહોંચી ગઈ, ‘શું મિશિશ ગાંધી, તમારે ત્યાં કાલે કુરિયરવાળો આવ્યો’તો ને? શુગંધ બહુ આવતી હતી. શું હીંગ મગાવી ઊંઝાથી? તે મારી પણ એક ડબ્બી કાઢજો ને…’
સવારે હીંગની ડબ્બી લઈ, મમ્મી સાંજે શાક લઈને આવી ત્યારે એણે ચાલીમાં જ વઘાર કર્યો. ‘મિશિશ ગાંધીની છોકરીને મેં ભાજીગલીમાં જોઈ, એક છોકરો હતો સાથે.’ અને… વઘારની સુગંધ ચાર નંબરથી બાર નંબર પર પહોંચી એટલે મિસિસ ગાંધીએ મમ્મીને પકડી, ‘કેમ મારી છોકરીને વગોવો છો?’
મમ્મી કહે, ‘લો બોલો, હું ક્યાં વગોવું છું? મેં શાચ્ચેને જોયાં’.
મિસિસ ગાંધી કંઈ આગળ કહે એ પહેલાં મમ્મીએ કહ્યું, ‘શાંભળો, આ ઉપરવાળા મારફતિયાભઈને પકડ્યા બરાબરના, શિગરેટ પીતા જોયા!’ અને પછી મિસિસ ગાંધીની સામે આંખ મારીને કહે, ‘તમે નહીં માનો પણ એમની વાઇફે પણ બે કશ માર્યા, મેં જોયું ને!’
(હસીને) બિચારાં મિસિસ ગાંધી… એની છોકરીને ભૂલી નવી વાત લઈને ઘેર ગયાં.
પણ… ચાલી એટલે ચાલી હોં!! બધુંય સાચવી લે. સ્વભાવથી લઈ સપનાં સુધી, બધું જ. અમને ચોપાટીની ભેળ ખાવાનું મન થયું હોય કે લસ્સી પીવાનું મન થયું હોય, વડાપાંઉ ખાવાનું મન થયું હોય કે પારસી ડેરીનો આઈસ્ક્રીમ. ચાલીમાં કોઈક ને કોઈક અમારી આ ઇચ્છા પૂરી કરી જ દે.
લગ્ન, મરણ ને બીમારી બધું જ ચાલીમાં બધાં સંભાળી લે. કોઈ બીમાર હોય તો ગંઠોડાવાળી રાબ પહોંચી જાય. કોઈને દવાખાને જવું હોય કે નાના છોકરાંને નાગરવેલના પાનનો શેક કરવો હોય તો એની માને ચિંતા ન રહે. આવું બધું તો કંઈ કેટલુંય સચવાય.
૯૦ વર્ષનાં હીરાબા ખુદ બૅન્કના લૉકર જેવાં. બધાનો દાગીનો સાચવીને બેસે. અંબોડામાં તિજોરીની ચાવી રાખી બધાંનો દાગીનો સાચવીને બેસે અને આનો કોઈ બોજ નહીં કે ન ઉપકાર કર્યાની ભાવના.
બોલો, ગમે તે પ્રસંગે કોના મહેમાન ક્યાં જમ્યા, ક્યાં સૂતા અને કોનાં ચા-ખાંડ વપરાયાં? એમાં કોઈ હિસાબ જ નહીં. આવો સંપ ચાલીમાં. આ ચાલીના કારણે જ મારી મમ્મી પણ સચવાઈ ગઈ.
મારા ઘરની ઉપર બીજે માળે મારી બેનપણી રહે. એની મમ્મી અને મારી મમ્મી પણ પાછાં બેનપણી. એ લોકોને ઘેર રોજ ઝઘડા થાય અને અમને સંભળાય. મમ્મી તો દોડીને ત્યાં જાય અને કલાક પછી આવે. ચાલીનાં ઘરડાં ના પાડે પણ મમ્મી કહે, ‘એ મારી બહેનપણી નહીં? હું તો એને સમજાવા જાઉં છું.’
એક દિવસ આવી જ રીતે એમના ઘરે ખૂબ ઝઘડો થયો. ઉપરથી એટલો મોટો અવાજ આવ્યો કે નીચે અમારી આખી ચાલી ભેગી થઈ ગઈ. મમ્મી ઘરમાંથી નીકળીને દાદર તરફ ભાગી. બધાએ રોકી, એ ન માની.
અમારી દાદર તરફની પહેલી રૂમવાળા બિન્ની કાકીએ જોયું કે મમ્મી દાદર ચડતી હતી અને મારી અને મમ્મીની બેનપણી પોતાના ઘરની પાછળની ચાલીમાંથી બહાર આવી દાદર ઊતરતાં ઊતરતાં ભાગ્યાં.
અમારી ચાલીમાંથી બધાંએ કહ્યું, ‘સીમા, તું ન જા. એના ઘરમાંથી તો વહુ-દીકરી ભાગ્યાં’. મમ્મી ઉતાવળે દાદર ચડતાં બોલી, ‘જોઈને આવું ને કહું. જોવા તો જવું જ પડે ને!’ મમ્મી ઉપરને માળે પહોંચી એ સાથે જ અંકલે ચપ્પુ સાથે મમ્મી પર હુમલો કર્યો. નીચેથી રોડ પરથી લોકોએ જોયું. બધા બોલ્યા, ‘માર રહા હૈ વોહ, ચાકુ માર રહા હૈ.’
પપ્પા તો ઘરમાં હતા નહીં. હું ગભરાણી. હું ઉપર જવા માટે ભાગી. બધાંએ મને હાથ પકડીને રોકી રાખી, પણ મેં કહ્યું, ‘મમ્મીને કોણ બચાવશે? મને જવા દો.’
(દોડવાનો અભિનય કરતાં) હું બધાંનો હાથ છોડાવી બીજે માળ પહોંચી અને ત્યાં જઈ મેં જોયું કે અંકલ આ રીતે (કોઈને જાણે ચપ્પુના ઘા ઝીંકતી હોય તેવું બતાવતાં) મમ્મીને આડેધડ ચપ્પુ મારી રહ્યા હતા. મારતા મારતા ગુસ્સામાં દાંત પીસી પીસીને બોલતા હતા. ‘બોલ, મારા ઘરમાં દખલ કરીશ? બોલ…’
મેં મરણિયા બની મમ્મીને છોડાવવા પ્રયત્ન કર્યો (કોઈ વ્યક્તિ સાથે ઝપાઝપી કરતી હોય તેવું દેખાડતાં). મારી હાઈટ વધુ એટલે અંકલે મમ્મીને છોડી અને મારા ગળા ઉપર વાર કર્યો. મેં મમ્મીને ધક્કો મારી કહ્યું, ‘મમ્મી ભાગ.’
અંકલે મારા ગળા ઉપર વારંવાર છરીથી ઘા કર્યા. સામેની ચાલીમાંથી કોઈ બે ત્રણ જણા બેટ અને લાકડી લઈને આવ્યા અને એમનાથી ડરીને અંકલે મને છોડી. મારા, મારા ગળા પરથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. અહીંથી (પોતાના ગળાનો ભાગ દેખાડતાં)…
હું બીજા માળના દાદર પર આવી અને ઝડપથી નીચે પહેલે માળે આવી. મેં જોયું કે બધાં મમ્મીના ઘા પર કપડાં વીંટી તેને હૉસ્પિટલ લઈ જવાની તૈયારીમાં હતાં. મેં બૂમ મારીને કહેવાનો પ્રયત્ન કર્યો કે ‘કોઈક મારા ગળે પાટો વીંટો. મારું લોહી રોકો.’
પણ આ અચાનક બનેલા બનાવથી સૌ અતિશય ગભરાયેલા હતા. મને થયું કે હવે નીચે ભાગો. એટલે પહેલો માળ ઊતરીને હું ભોંયતળિયે આવી. હવે મને તમ્મર આવતાં હતાં. હું દાદરો તો ઊતરી ગઈ, પણ ફૂટપાથ પર કોઈકે મને પકડી. મને ખ્યાલ આવ્યો કે લોકો મમ્મીને આ તરફ, (જમણી તરફ નિર્દેશ કરતાં) લઈ ગયા અને મને ટૅક્સીમાં પેલી ડાબી તરફ. અમારા રસ્તા ફંટાઈ ગયા! (રડવા લાગે છે, નીચે બેસી જાય છે)
મમ્મીનું ઑપરેશન તો કલાકો સુધી ચાલ્યું. ગળાથી પેઢુ સુધી અને પાછળ, પીઠ કમર બધે થઈ ૨૦૦ ટાંકા, કેટલા? ૨૦૦ ટાંકા આવ્યા. (રડતાં રડતાં) દિવસો સુધી તે સિરિયસ રહી, પણ બચી ગઈ હોં. મમ્મી બચી ગઈ હોં.
બીજે દિવસે મારું બૉડી ઘેર લાવ્યા ત્યારે આખી ચાલી હીબકે ચડી હતી. મને થયું કે હું પણ મારી વાત કરું. હું જાણે બેઠી થાઉં છું (ઊઠીને સ્ટેજ પર આગળ આવતાં) અને ખૂબ જોરજોરથી કહું છું, ‘દાતણવાળી ને ગજરાવાળી લડે તેમાં આપણે શું? મારફતિયા સિગારેટ પીએ ને રૂપાણીભાઈને લફરું હોય તો આપણે શું? આપણે શું? (રડતાં રડતાં) મમ્મી, આપણે શું?’
પણ મારો અવાજ… મારો અવાજ જાણે હવામાં ઓગળી જતો હતો. સાચું કહું? (ચહેરા પરથી આંસુ લૂંછતાં) આ કેમ થયું એ તો કોણ જાણે? બાકી અમારી ચાલી એટલે અમારી ચાલી. તે દિવસે પણ અમારા મહેમાનોમાં, કોણે ક્યાં ખાધું? કોણ ક્યાં સૂતું, કોના પૈસા વપરાયા એનો કોઈ જ હિસાબ નહીં. (ફરી રડતાં રડતાં) અમારી ચાલી ખોટી બદનામ થઈ ગઈ.
(પ્રેક્ષકો તરફ હાથ ફેલાવી, ડાબેથી જમણે સૌને સંબોધી)
‘તમે સૌ મને વચન આપો કે તમે મુંબઈની ચાલી વિશે ક્યારેય કોઈ ગેરસમજ નહીં કરો. અમે ચાલીવાળાં સૌ એકબીજાને ખરેખર ખૂબ પ્રેમ કરીએ છીએ, ખૂબ લાગણી છે, ખૂબ સંપ છે અને એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. આ મમ્મી તો કોણ જાણે કેમ… આદતવશ…’
(રડતાં રડતાં બન્ને હથેળીથી પોતનો ચહેરો ઢાંકી દે છે)

dkv27aug@gmail.com
~
કંઈક અલગજ અનુભૂતિ માણવા મળી. આભાર.
🌹🙏 ખૂબ સરસ.