ભરપાઈ (એકોક્તિ) ~ મેધા અંતાણી ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૬
(કલાકાર: પુરૂષ)
મારા જૂના ગામના નવા ઘર અને નવી બ્રાન્ચનો મારો પહેલો દિવસ. મિસિસ અને છોકરાઓને અહીં આવવાને હજુ મહિનો છે, એટલે ઘરનો સામાન લેવા નીકળ્યો છું. આમેય આ ક્યાં અજાણ્યું ગામ છે? ગલીઓની ધૂળ હજુય બાળપણની યાદો બનીને પગે ચોંટેલી છે. એને જ આધારે હું નીકળી પડ્યો છું.
ખોબા જેવું ગામ કેટલું વિકસી ગયું છે! બાપુ સાથે આવતો, ત્યારે તો આ મોટી બજાર મહાબજાર લાગતી. કટાયેલી ખખડધજ સાઈકલ, રબર વિનાના પેડલ, ડાંડા પર ચીંદરડાં વીંટીને બનાવેલું નાનકડું કૅરિયર અને એમાં બેઠેલો નાનકડો હું! બજાર વચ્ચે નીકળતો ત્યારે રાજાની સવારી જેવો જે ઠાઠ લાગતો, એ ઠાઠ આજે બૅન્ક તરફથી મળેલ કારમાં પણ નથી મળતો.
આ જમણે હતું કબૂતરખાનું, હવે ત્યાં ખોખા જેવા ફ્લૅટ છે અને આ ડાબી, સાંકડી ગલી પાછળની કાચી ઝૂંપડપટ્ટી, મારું જન્મસ્થાન, મારું ઘર, ત્યાં હવે આંગણવાડી છે.
બાપુ કહેતા કે, ગામ છોડ્યું ત્યારે ખિસ્સામાં બે-એક ફદિયા, બે દીકરી, બે દીકરા અને પોટલામાં ઘરવખરી, આટલું જ હતું. મોટું શહેર ફળ્યું હોય, એમ પહેલાં હાથલારી, પછી રિક્ષા, પછી ટૅક્સી અને પછી તો ટેક્સીઓનો ધીખતો ધંધો! બસ્તીમાંથી ખોલી, ખોલીમાં પંખા ને લાઈટ, બે ટંક ખાવાને ભાત, ભણવા માટે ચોપડા અને પગ ઢાંકવા સાંધેલી ચપ્પલો પણ ઉમેરાતી ગઈ.
બાપુ બહુ ઘસાયા, ત્યારે આજે બેય બહેનો સાસરે સુખી છે. નાનકો રેલવેમાં ટી.સી. અને હું બૅન્કમાં ક્લાર્કમાંથી મૅનેજર થયો છું.
ભગવાન મા રૂપે જ નહીં, બાપ રૂપે પણ માથે હાથ અને રસ્તે સાથ દેતા હોય છે. મારા પાકીટમાં અને મારી કૅબિનના ટેબલ ઉપર હું એટલે જ બાપુનો ફોટો રાખું છું. હવે તો એને હાર ચડી ગયો છે, પણ મારી દરેક જીત મારો બાપુ, મારા ભગવાનને આભારી છે.
આ બજારે આવવાનું બીજું એક કારણ તમને કહું. આજે તો બ્રાન્ચનો કારભાર સંભાળવાના થોડા જ કલાકોમાં કૅબિનની બહાર બહુ બબાલ થઈ. એક અદેકપાંસળી છછૂંદર જેવા મોંવાળો માણસ આજીજી સાથે કાગળિયાં ધર્યા કરતો હતો.
“સાહેબ! એ તો અમૃતલાલ છે. રોજ લોન માટે ચક્કર કાપે છે, પણ એની એલિજિબિલિટી જ નથી. દેવાળિયો છે. કામ-ધંધો કાંઈ જ નથી. કેટલી વાર બૅન્કના નિયમો સમજાવ્યા, પણ સમજતો જ નથી. રોજ લમણાં લેવા આવી જાય છે. અહીં કાંઈ મારે કે તમારે ટાઈમ છે ખોટી થાવાનો?”
ચા કરતાં કીટલી ગરમ થઈ. ઊકળેલા પ્યુનને આઘો કરીને, મેં આ અમૃતલાલને ધરપત આપીને ઠાર્યા તો ખરા, પણ એના ફૉર્મમાં લખેલ વિગતોથી ઝાંખુંપાંખું ઘણું ઝબક્યું.
‘અમૃતલાલ વિસનજી
ઉપલે માળે,
જનતા ભંડારની બાજુમાં,
મોટી બજાર.’
મારા બાળપણની કોઈ યાદો હોય તો, પેલી ખાટીમીઠી ગોળી અને જીવન બદલી દેનારી પેલી રાત.
આ એ જ બજાર, આ એ જ ખાટીમીઠી ગોળીઓવાળી દુકાન, એની બાજુની એ જ દુકાન, જ્યાં બાપુ કામ કરતો. ઘણું બદલાયું છે, છતાંય ઘણું અકબંધ છે. પેલું, કહે છે ને, નોસ્ટાલજિયા.! એની અસરમાં ફરી એકવાર જનતા ભંડારથી ગોળીઓ લેતાં હું, અમૃતલાલ વિસનજીનું સરનામું પૂછું છું.
“કોણ? ઓલો અમથો? ઉપર જ રહે છે. કેમ? તમારીયે ઉધારી બાકી રાખી છે કે શું? ભૂલી જ જાજો. બાપે ગામનું કરી નાખ્યું. હવે દીકરો એ જ પગલે છે. બાજુની દુકાનેય એમની જ હતી ને? વિસા સેઠ આપણા કાયમી ઘરાક. આ ગોળીઓ જથ્થાબંધ લઈ જાય.” દુકાનદારે ફોડ પાડ્યો.
વિસા સેઠ? તો તો આ એ જ! એક ગોળી ચગળતાં જ સમયના પડ ઊખડવા માંડ્યા જાણે! હું ઊપલા માળે જતાં જતાં છેંતાળીસમાંથી છ વર્ષનો છોકરો થઈ ગયો.
હું દુકાનને ઓટલે બેઠો છું. જાડા ચશ્માં, છછૂંદર જેવા મોંવાળા વિસા સેઠ મને મુઠ્ઠો ભરીને ગોળીઓ આપે છે, બાપુ સેઠનાં કામો કરતો રહે છે.
ઉપલા માળે પહોંચતાં જ દેખાય છે, જર્જરિત ઘરમાં લોખંડના ખાટલા પર ચોપડી વાંચતા, છછૂંદર જેવા બે ટેણિયાઓ. પસ્તીનો ઢગલો હટાવી, પ્લાસ્ટિકની ખુરશી ઝાપટતાં અમૃતલાલે મને આવકાર્યો.
અટકળની ખાતરી કરવા પૂછું છું, ”વિસનજી.. એટલે તમે વિસા સેઠના દીકરા?”
એ ઝંખવાઈ ગયો: ”તમારા સુધી વાત પહોંચી જ ગઈ, એમ ને? લોન ન આપવાનું આ કારણ હોય તો સાહેબ, એ વાજબી નથી. બાપનાં કર્યાં દીકરાએ થોડાં ભોગવવાનાં?”
હું વધુ ઝંખવાઈ ગયો, “અરે, એ શું બોલ્યા અમૃતભાઈ?! તમારા ઊતરેલા કપડે તો હું મોટો થયો છું. હું રઘુભાઈનો દીકરો. વિસા સેઠને ત્યાં કામ કરતા એ.. રઘલો..”
ખબર નહીં કેમ, એ રડમસ થઈ ગયો, ”ભાઈ! બહુ મોડા આવ્યા તમે. બાપુજીને રઘલા..અ..તમારા બાપુજી પર જીવથીય વધુ ભરોસો. એક જ વાત લઈને જીવ કાઢ્યો, ‘રઘલો બધું જાણે છે. એને બોલાવો. એ મારી નિર્દોષતાની સાક્ષી પૂરશે.’ તમને લોકોને બહુ શોધ્યા, પણ ભાળ ન મળી. રઘલાભાઈની દીકરી..અ..તમારી બહેનને કંઈક ઝેરી તાવ ચડ્યો હોઈ રાતોરાત શહેર લઈ જવી પડી. એ રાતની તો ભાઈ, પછી સવાર જ ન પડી!”
મને એ રાત કેમ ભુલાય? અડધી રાતે બાપુ અચાનક ઉચાળા ભરી ગાડી પકડવા ઉતાવળા થયેલા. ગાભા-ઠીકરા સમેટતાં વાર પણ કેટલી લાગે? બેય બહેનો બચકાં લઈને માથી મોર થાતી ડાંફો ભરતી હતી. હું બાપુના કાંધે અને નાનકો માની કાંધે.
‘‘તમને તો ક્યાંથી ખબર હોય? ખાલી તમારા બાપુજીને જ જાણ હતી. વિસનજી, મારા બાપનો ધિરાણનો ધંધો, એય ખોટમાં ચાલતો હતો. કોક ઓળખીતાએ આંગડિયા મારફતે રાત પૂરતા રૂપિયા પચાસ હજાર સાચવવા માટે મોકલાવેલા, તે બાપાએ ગણીને રઘાભાઈની હાજરીમાં તિજોરીમાં મૂક્યા. સવારે બાપુજી નીચે આવીને તિજોરી ખોલે છે, તો એમાંથી પચ્ચીસ હજાર જ નીકળ્યા! વાત વણસી. ફોજદારી ગુનો લાગ્યો.
રઘાભાઈ પર શંકા ગયેલી, પણ એ તો બાપુજીએ જ રદિયો આપી દીધેલો કે, રઘલો તો રાતે જ રજા લઈને શહેર જવા નીકળી ગયેલો. રસીદમાં પાછી બાપુજીની સહી બોલે. પુરાવા બધા બાપુજીની વિરુદ્ધ!
બાપા કરગરતા રહ્યા, ”રઘાને સંદેશો મોકલો. એ સાક્ષી છે. ”ગાંડાની જેમ રઘલો..રઘલો રટતા જાય, પણ રઘલાભાઈ જડે તો ને?’’
ઘટતા રૂપિયા ભરપાઈ કરવા જેટલી અમારી હાલત જ નહોતી. જાણીતાઓ મદદના નામે મોં ફેરવી ગયા. નાલેશીના માર્યા બાપુજીએ આપઘાત કર્યો. એ આઘાતમાં મારી માએ ગઈ. અમારી શાખ, દુકાન બધું જ ગયું.
સાહેબ, જેણે આ કર્યું, એણે સીધા માગ્યા હોત, તો બાપુજી પોતાના ખિસ્સેથી આપી દે એવા હતા. ઉચાપત કરવાની શું જરૂર હતી? બસ, નાનો કોઈ ધંધો કરવા લોન જોઈએ છે. ખુદ્દાર છું. જાત વેચીનેય ભરપાઈ કરી દઈશ, સાહેબ! થોડોક ટેકો જો બૅન્ક આપી દે ને, તો હું વિસા સેઠનું લોહી છું. રજભરમાંથી ગજભર ખડકી દઈશ.” એ એકધારું બોલતો રહ્યો અને હું પેલી રાતના અંધકારમાં ફંગોળાતો રહ્યો.
બધું ધૂંધળું ધૂંધળું દેખાતું હતું. રાતોરાત સ્થળાંતર, ત્યાં જઈને તરત જ હાથલારીનો ધંધો, રઘલામાંથી શ્રી રઘુનાથભાઈનું ટેક્સીચાલક ઍસોસિયેશનના પ્રમુખ થઈ જવું, સંઘર્ષથી સફળતા સુધીની એમની કહાની એમની જુબાની..
પેલી ઝૂંપડપટ્ટી, આ ગામ, મનમાં બનાવેલું મંદિર, મંદિરમાં સ્થાપિત થયેલો ભગવાન.. બધું એકાએક ધરાશાયી થવા લાગ્યું. એની કરચો મારી આંખોમાં ઊડવા લાગી. આંખોથી લઈને છેક અંદર સુધી ખૂંચવા લાગી.
એક ટેણિયો દુબળા હાથોથી મને એકદમ ઝકઝોરે છે: ”પાણી!”
હું મૂર્છામાંથી બહાર આવી, લથડાતો ઊભો થઈને બબડું છું, ”પરમ દિવસે બૅન્ક આવી જજો. ત્યાં સુધી તમારા લોનનાં પેપર્સ હું તૈયાર કરાવી દઈશ.”
યંત્રવત્ હું ચેકબુક કાઢીને ચેક લખી આપું છું. અમૃતલાલ એને લેતાં અચકાય છે અને હું બોલતાં રૂંધાઉં છું, ‘‘લઈ લો!.. સમજોને, કે આય કોઈક ભરપાઈ જ છે.’’
પેલી ખાટીમીઠી ગોળીઓનું પૅકેટ બન્ને ટેણિયાઓને પકડાવીને, હું લાકડિયા અંધારા દાદરેથી ધડાધડ ઊતરી જાઉં છું. મારા પગ, બાજુની દુકાન તરફ વળે છે અને હાથ પાકીટમાંના મારા બાપુના ફોટા તરફ. મારી આંખો અને ફોટામાંના બાપુની આંખો ચાર થાય છે અને પછી ફોટાના ઝીણા ઝીણા ટુકડાઓ બંધ પડેલ દુકાનના ઓટલે જઈને વેરાઈ જાય છે.

medhaantani8@gmail.com
Very nice
વાહ, હ્રદયસ્પર્શી રજૂઆત. ઉત્તમ લેખનકાર્ય
Waah waah