હરકુંવર શેઠાણી (એકોક્તિ) ~ વર્ધમાન શાહ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૫

દશપુત્રસમા કન્યા, દશપુત્રાન્પ્રવર્ધયન્,
યત્ફલં લભતે મર્ત્યસ્તલ્લભ્યં કન્યચૈકયા.

કન્યાને દશ પુત્ર સમાન કીધી છે. જે ફળ, ગુણ અને ઇચ્છિત પરિણામ દશ પુત્રને ઉછેરવાથી મળે તે માત્ર એક કન્યાના ઉછેરથી મળે છે.

હું હરકુંવર શેઠાણી. મારું પિયર ઘોઘા અને સાસરું કર્ણાવતી એટલે કે અહમદાબાદ જેને તમે અમદાવાદના નામે ઓળખો છો.

અમારું કુટુંબ ઘણું જ ધાર્મિક હતું. તે સમયે બાલવિવાહ વિરુદ્ધ કાયદા નહોતા. બાળક જન્મે એના પહેલાં જ માબાપ પરસ્પર નક્કી કરી લેતાં કે પુત્ર આવે તો તારી પુત્રી અમારાં ઘરની વહુ અને પુત્રી આવે તો મારી પુત્રી તારા ઘરની વહુ. મિત્રો હોવાથી પરસ્પરને આપેલો કોલ નિભાવતા.

પુત્રી માસિક ધર્મમાં પ્રવેશે કે તરત લગ્ન કરી દેવાતાં. મારું પણ કંઈક આવું જ થયેલું.

અમદાવાદના વતની હઠીસિંગજી ધાર્મિક અને સંપન્ન કુળના હતા. એમની સાથે નાની ઉંમરે જ મારાં લગ્ન થઈ ગયાં. તેઓ ખૂબ જ સરળ સ્વભાવના હતા. અમદાવાદ શહેરમાં એમની છાપ દયાળુ, ધાર્મિક અને વિનમ્ર વ્યક્તિ તરીકેની હતી. ગર્ભશ્રીમંત હોવા છતાં તેમને જરાય અહંકાર નહોતો.

અમદાવાદ તે સમયે વ્યાપારનું ક્ષેત્ર ગણાતું, દેશ-પરદેશથી કેટલાય લોકો વ્યાપાર કરવા અમદાવાદ આવતા, કોઈનું કામ એક દિવસમાં થઈ જતું અને કોક વળી અઠવાડિયું રોકાતા, કેટલાય જૈનો પણ વ્યાપાર માટે આવતા તો કેટલાક વળી પોળોમાં સદીઓ જૂનાં દેરાસરોનાં દર્શન-પૂજન માટે આવતા, એમને રહેવા-જમવાની અગવડ પડતી, તેથી શેઠનું સપનું હતું કે જૈન સમાજના લોકોને સારી સગવડ મળે એવી ધરમશાળા અને વ્યાપાર માટે આવેલો જૈન પૂજા વગરનો ના રહી જાય માટે ભવ્ય દેરાસર બંધાવવું.

ગુરુજનની પ્રેરણા લઈ બાવન જિનાલયનો શિલાન્યાસ કર્યો, સંપૂર્ણ નિર્માણ સ્વદ્રવ્યથી જ કરવું એવું એમણે પ્રણ લીધું, કામ પૂરજોશમાં ચાલતું હતું, પણ એમનું પ્રણ પૂરું થાય એની પહેલાં એમના પ્રાણ જતા રહ્યા. અકાળે, સામાન્ય બીમારીમાં આ રીતે એમના અવસાનથી આખું અમદાવાદ શોકમગ્ન થઈ ગયું. હું તો માત્ર ૨૦ વર્ષની વયમાં વિધવા થઈ ગઈ.

એ સમયે સ્ત્રીઓનાં પુનર્લગ્ન, પોતાના જીવનનો વિચાર કરવો, લાંબું આયુષ્ય છે, મારું કોણ, મારું શું થશે એવા બધા વિચારો હજી બહુ ફેલાતા નહોતા. સૌભાગ્ય ગયા પછી પણ એક વખત જેમની સાથે સાત ફેરા લીધા એમનાં જ નામ, ઠામ, કુળને વળગી રહેવું એ પણ સૌભાગ્ય ગણાતું અને એ સંસ્કાર તો મને બાળપણથી મળેલા.

આટલી સુખસાહ્યબી હોવા છતાં મનને વશ રાખવું કઠણ છે. ઓલી પંક્તિ છે ને

‘મન માંકડું વનવાસ ભમતું, વશ કરી ઘર આણીએ’

બાળપણના સંસ્કાર અને માએ સંભળાવેલી સતીઓની વાર્તા અત્યારે કામ લાગ્યાં.

અને મારા પતિદેવ કેવળ સમૃદ્ધિ જ નહોતા આપી ગયા તેઓ તો મને એમણે જોયેલું સપનું સાકાર કરવાનો મોકો આપી ગયેલા.

આટલા મોટા પાયે ઉપાડેલા કામ માટે હજારો મજૂરો લાગે, બધાને ચિંતા હતી કે હવે એમનું શું થશે?  શેઠ ગયા તો કામ પણ બંધ થઈ જશે એમની તો આજીવિકા જતી રહી, પણ જેવો શોકનો સમય પૂરો થયો કે મેં જાહેરાત કરાવી દીધી કે ‘શેઠ જે સ્વપ્ન  જે કામ અધૂરું મૂકીને ગયા છે તે પુરું કરવું એ એક જ મારો ધ્યેય છે અને તે તમારા બધા વિના શક્ય નથી માટે કોઈ મૂંઝાશો નહીં, કામ જેમ ચાલતું હતું તેમ જ ચાલશે અને બધાને મહેનતાણું પણ એ જ રીતે મળતું રહેશે.’

મજૂરોમાં રાહત અને હર્ષની લાગણી છવાઈ ગઈ, એ લોકો પણ મન દઈને કામ કરવા લાગ્યા. લોકોને બરાબર મહેનતાણું મળી રહે અને એમની ધગશ જળવાઈ રહે માટે રોજ સાંજે હું પોતે ગાદી ઉપર બેસીને તેમની મજૂરી આપતી. બાજુમાં મુનિમજી ઊભા હોય એ નામ બોલે અને રકમ બોલે ગાદી નીચેથી કાઢી એમને આપતી. ધીમે ધીમે તો મુનિમજીને રકમ બોલવાની પણ જરૂર નહોતી પડતી નામ બોલે એટલે મને ખબર જ હોય કે આને કેટલી રકમ આપવાની છે.

એક વખત મજેની ઘટના બની. મારા પતિદેવની મને બહુ જ યાદ આવતી હતી, ઊંઘ નહોતી આવતી, મને થયું લાવ બંધ આંખે સ્વપ્ન તો આજે આવશે નહીં, તો ખૂલી આંખે પતિનું સ્વપ્ન જે આકાર લઈ રહ્યું છે તે જોઈ લઉં. બાંધકામ જોતી જોતી પતિદેવને યાદ કરતી ધીમે ધીમે ચાલતી હતી ત્યાં કોઈ કામ કરતું હોય એવો અવાજ આવ્યો.

મનમાં પ્રશ્ન થયો ‘આટલી રાતે કોણ કામ કરે છે? કેમકે મેં સખત મનાઈ ફરમાવેલી કે રાતના જીવજંતુની વિશેષ વિરાધના થાય, માટે રાતે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહીં, પહેલાં તો થયું કે જઈને રોકું, ઠપકો આપું, પણ પછી વિચાર આવ્યો કે શું કામ ચાલે છે એ તો જોઈ લઉં.

થોડે દૂર છુપાઈને ઊભી રહી અને જોયું તો એક મજૂર હું જ્યાં ગાદી નાખીને બેસતી અને બધાને એમનું મહેનતાણું આપતી ત્યાં ખાડો ખોદતો હતો. મને તો કાંઈ સમજ ના પડી કે ત્યાં વળી કયું બાંધકામ કરવાનું છે?

થોડી વાર થઈ, તે નિરાશ થયો, થાક્યો અને જે ખાડો કરેલો એને પાછો પૂરી ‘તિજોરી તો અહી નથી’ એમ બબડતો બબડતો ચાલ્યો ગયો અને મને બધો ભેદ સમજાઈ ગયો.

એને એમ હશે કે શેઠાણી રોજ ગાદી નીચેથી રકમ આપે છે તો તિજોરી અહીં જ છુપાવેલી હશે, પણ તે મળી નહીં માટે નિરાશ થઈને જતો રહ્યો, બીજે દિવસે સાંજે બધાને મહેનતાણું આપતી હતી એટલામાં રાતવાળા મજૂરનો વારો આવ્યો, મેં એને રકમ આપી. એ કહે, ‘શેઠાણી તમારી ભૂલ થાય છે, તમે મને બે ગણી રકમ આપી છે, મેં પણ કહ્યું, ‘ભાઈ તે મજૂરી પણ બે ગણી કરી છે ને’ બિચારો પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો અને બધા લોકોએ હકીકત જાણી તો મારા પ્રત્યેનો અહોભાવ ઓર વધી ગયો અને વધારે ખંતથી કામ કરવા લાગ્યા.

જૈન સ્થાપત્યકળાનું ઉત્કૃષ્ટ અને બેનમૂન ઉદાહરણ બનાવવાનો મારો નિશ્ચય હતો. સમય જોકે તકલીફવાળો હતો કેમકે  મુગલ અને અંગ્રેજોનું શાસન હતું, પણ ગમે તેમ તોય વાણિયાણી, એમાંય પિયર ઘોઘારી અને પરણેલી અમદાવાદીને. કુનેહ તો જાણે રગરગમાં, બધાને પહોંચી વળતી.

ઘણા લોકો દેરાસર ઉપાશ્રય વગેરે બંધાવવાનો વિરોધ પણ કરતા તેઓ કહેતા કે આ તો પૈસાનો ધુમાડો છે આનાથી લોકને શું ફાયદો? પણ હકીકત કહું. તે દરમ્યાન દુકાળ પણ પડેલો, હજારો લોકો કામધંધા વિનાના થઈ ગયેલા, આજીવિકાનું સાધન નહોતું રહ્યું, ભૂખે મરતા, પેટે પથ્થર મૂકીને સૂતા, પણ શરમ અને લોકલાજને કારણે હાથ લાંબો નહોતા કરતા, ત્યારે મારા પતિદેવના સ્વપ્નને સાકાર કરવા દ્વારા લગભગ ૧ લાખ લોકોને આજીવિકાનું સાધન મળ્યું.

ત્યાર પછી તો મેં હૉસ્પિટલ પણ બંધાવી, ગૌશાળા પણ બંધાવી, પશુઓની સારવાર માટે પશુ આરોગ્ય સંસ્થાનું નિર્માણ કરાવ્યું અને કન્યાઓ શિક્ષાથી વંચિત ના રહે માટે ખાસ કન્યાઓ માટે પાઠશાળાનું નિર્માણ કરાવ્યું, સદાવ્રત ક્ષેત્ર બનાવ્યાં, ઠેકઠેકાણે પાણીની પરબો બનાવી, જીર્ણોદ્ધાર કરાવ્યા અમદાવાદની આસપાસ બીજાં ૪ જિનાલયનું નિર્માણ કરાવ્યું.

લોકમાં મારી પ્રખ્યાતિ ખૂબ જ થઈ, સાદગીપૂર્ણ, સદાચારી, પરોપકારી, અનુકંપાશીલ તરીકે લોકો મારી મિસાલ આપવા લાગ્યા.

આજે મને ઘોઘામાં વીતેલા મારા બાળપણથી શેઠજીને પરણી, એમના વિરહથી લઈને એમના સપનાને સાકાર કરવાનો મારો નિશ્ચય અને જે દેરાસરનું સ્વપ્ન એમણે જોયેલું અને એને આકાર આપવા ૧૮૪૦માં શરૂ થયેલું કામ ૧૮૪૮માં ધર્મનાથ દાદાની પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયું એ સઘળી ઘટના નજર સામે તાદૃશ્ય થાય છે. આવાં બેનમૂન સ્થાપત્યનું સ્વપ્ન એમણે જોયેલું. આ હરકુંવરે તો ફક્ત આકાર આપ્યો છે. હઠીસિંગનાં દેરાં જ્યારે પણ આ નામ સાંભળું ને મનમાં અજબ ભાવ જાગે છે.

સજોડે પાયાનો પથ્થર મૂક્યો ત્યારથી શિખર ઉપર કળશની પ્રતિષ્ઠા અને પવનમાં લહેરાતી ધજા ફરકાવી ત્યાં સુધી જાણે કે તેઓ સાથે જ હતા. અત્યારે પણ ધર્મનાથ દાદાનાં દર્શન કરું છું ત્યારે એમના મનની ઇચ્છા એમના સ્વપ્નને મૂર્તિમંત થયેલું જોઈ હર્ષથી-આનંદથી સ્તવન ગાતો તેમનો અવાજ સંભળાય છે.

ધર્મ જીનેસર ધર્મ ધુરંધર, પુરણ પુણ્યે મળીઓ રે,
મન મરુથલમે સુરતરુ ફળીઓ, આજ થકી દિન વલીઓ રે..

vardhaman420@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..