દીકરી (એકોક્તિ) ~ ડૉ. શેફાલી થાણાવાળા ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૪
રેખા આમ તો મારી સહપ્રવાસી, સતત દોડતા રહેતા અતિવ્યસ્ત મુંબઈ શહેરમાં વસતી, શ્વસતી અને ઘર અને કામ વચ્ચે દોડતી રહેતી અનેક સ્ત્રીઓ જેવી જ એ પણ એક સામાન્ય સ્ત્રી.
રોજ સવારે એને જોઉં ત્યારે લગભગ હંમેશાં ચકલીની જેમ ચીં ચીં કરતી બીજી સ્ત્રીઓ સાથે ગપ્પાં મારતી હોય. સવાર સવારમાં એનો વાતો કરવાનો આવો, નાનાં વાતોડિયાં બાળક જેવો, ઉત્સાહ જોઈને મને હંમેશા થોડું હસવું આવતું.
આમ તો રેખા મારા કરતાં ઉંમરમાં ઘણી નાની. પોતાના પતિ, ત્રણ-ચાર વર્ષની નાની દીકરી અને સાસુ-સસરા સાથે પ્રેમથી રહેતી રેખા સાવ સામાન્ય, મધ્યમ વર્ગની, સાધારણ નોકરી કરતી સાધારણ સ્ત્રી. મારી એની સાથે ક્યારે મૈત્રી જામી ગઈ એની, અર્થાત્ જ હંમેશની જેમ, મને ખબર જ ન પડી.
એક દિવસ સવારે બસની રાહ જોતી હું ઊભી હતી એટલામાં રેખા અચાનક મારી પાસે આવી અને મારા હાથમાં કંઈક મૂકીને મીઠું હસી પડી. મેં પહેલાં તો એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને ઈશારાથી જ પૂછ્યું, તો મને કહે “તમે જરા જુઓ તો ખરાં.”
મેં જરા નવાઈ પામતાં જ હાથમાંનું પૅકેટ ખોલ્યું તો અંદર અવનવા રંગોથી સુંદર ભરતકામ કરેલા છ હાથરૂમાલ હતા! અને એમાંના એક પર તો કલાત્મક ભરતકામ કરેલો મારા નામનો પહેલો અક્ષર! હું એટલી આશ્ચર્યચકિત થઈ ગઈ કે કંઈ બોલી જ ન શકી. સાવ અચાનક, કંઈ દેખીતા કારણ વગર ભેટ આપે એટલો નજીકનો તો મારો અને રેખાનો સંબંધ નક્કી જ નહોતો.
રેખા મારા મોંના બદલાતા હાવભાવ જોઈને ખુશ ખુશ! મને કહે, ”તમને ગમ્યા ને? મને ખબર જ હતી કે તમને બહુ ગમશે.”
મારો આશ્ચર્યનો ઊભરો શમ્યા પછી મેં એનો હૃદયપૂર્વક આભાર માન્યો અને કહ્યું “આટલું બધું મારે માટે કેમ બેન? આઈ ડોન્ટ ડિઝર્વ સો મચ અફેક્શન..”
રેખા પાછી હસી પડી અને બોલી “એ તો મેં રોજ રાતના જાગીને થોડા થોડા ભરી કાઢ્યા. એમાં શું મોટી વાત છે? મને ખબર છે કે તમને કલાત્મક વસ્તુઓ ગમે છે એટલે મારા તરફથી નાની ભેટ.” એની આ સાવ સહજ લાગણીનો મારી પાસે જવાબ ન હતો. એ દિવસથી મારી અને રેખાની મૈત્રી થોડી વધુ ગાઢ થઈ ગઈ અને રોજનો બસ-સ્ટૉપ પરનાં ગપ્પાંનો સિલસિલો ચાલુ રહ્યો.
પણ એક દિવસ અમારા સવારના રોજિંદા પ્રવાસમાં થોડી ઊથલપાથલ થઈ ગઈ. અમારી રોજની બસ અચાનક બગડી ગઈ અને અમારે બીજી બસમાં ઊભાં ઊભાં જવાનો વારો આવ્યો. હું અલબત્ત જ અતિશય અકળાયેલી હતી. એક તો ઑફિસની હજાર ચિંતાઓ અને ઉપરથી મોડું થશે ને પાછું ઊભાં રહીને થાકતાં થાકતાં ઑફિસે પહોંચવાનું… મેં મનમાં જ કકળાટ માંડ્યો.
મારી બાજુમાં રેખા પોતાની ભારેખમ ઑફિસ બૅગ અને લૅપટૉપ લઈને ચૂપચાપ ઊભી હતી અને સતત આંચકા આપતી પૂરપાટ દોડતી બસમાં સંતુલન જાળવવાનો પ્રયત્ન કરી રહી હતી. અચાનક મારું ધ્યાન ગયું કે હંમેશની વાતોડિયણ રેખા આજે સાવ ચૂપ, વિચારોમાં ખોવાયેલી હતી.
“કેમ રેખા, આજે શું વાત છે? સાવ ચૂપચાપ?” મેં મારું અને મારી ઑફિસ બૅગનું સંતુલન માંડ માંડ સંભાળતાં પૂછ્યું. “એ તો મારા પપ્પા મારે ઘરે આવ્યા છે ને, એમનો વિચાર કરતી હતી…” રેખા હજીય પોતાનાં વિચાર વમળમાં જ વહી રહી હતી.
મેં કહ્યું “અરે વાહ, તારા પપ્પા તારે ઘરે રહેવા આવ્યા છે?” પણ મનમાં તો મને પણ થોડી નવાઈ જ લાગી. આમ પણ મહારાષ્ટ્રમાં પરણેલી સાસરે રહેતી દીકરીને ઘરે માબાપ રહેવા જાય એ ચલણ આજની તારીખે પણ ઓછું જ છે અને એમાં પણ રેખા તો એનાં સાસુ-સસરા સાથે રહેતી હતી.
પણ રેખાની વિચારધારા મારા બોલવાથી તૂટી હોય એવું લાગ્યું નહીં. મેં પાછું થોડો ભાર દઈને કહ્યું “પપ્પા આવે એટલે બાળપણની બધી વાતો પણ યાદ આવતી હશે ને… એમણે કરેલા લાડ, તારાં તોફાનો, ને બધું જ, નહીં?”
રેખા એક ક્ષણ માટે મારી સામે જોઈ રહી. પછી ધીરેથી બોલી “ડૉક્ટર, તમને ખબર નહીં હોય અને આમ પણ મેં ક્યારેય કોઈને કહ્યું નથી, પણ હું અને મારી બહેન બંન્ને અનાથાશ્રમમાં મોટાં થયાં છીએ.”
હું સ્તબ્ધ થઈને એની સામે જોઈ રહી. મને એક ક્ષણ માટે તો સમજાયું જ નહીં કે એ શું બોલી રહી હતી… આટલી સરસ, સંસ્કારી અને આદર્શ ગૃહિણી એવી આ સ્ત્રીનો ઉછેર અનાથાશ્રમમાં? કેવી રીતે?? શા માટે?? અને તો પછી એના પપ્પા?? અને મારા મનમાંનો પ્રશ્ન મારા હોઠ પર ક્યારે આવી ગયો એની મને ખબર જ ના પડી.
રેખા જાણે કોઈ અજાણ્યા કાળમાં પહોંચી ગઈ હોય એમ બોલતી રહી “…એ તો હું અને મારી બહેન બહુ જ નાનાં હતાં ને ત્યારે અમારી ગાડીનો ભયાનક અકસ્માત થયો અને અમારી મા ત્યારે જ અમને છોડીને કાયમ માટે ચાલી ગઈ…”
હું આ સાંભળીને જાણે આઘાતથી દિગ્મૂઢ થઈ ગઈ. “પણ… પણ તારાં… તમારાં પપ્પા તો…” આવી આઘાતજનક વાત સાંભળતાં સાંભળતાં પણ મારું મન ક્યાંક મને હકીકત પ્રત્યે દોરી રહ્યું હતું.
રેખા હજી જાણે ભૂતકાળમાં જ ખોવાયેલી હતી “હા…મારા પપ્પા તો સદ્નસીબે અમારી સાથે જ બચી ગયા… પણ બે નાની છોકરીઓને એકલા હાથે ઉછેરીને મોટી કરવાની જવાબદારી માત્ર એમના એકલાને માથે આવી પડી છે એ વાસ્તવિકતાનું જ્યારે એમને ભાન થયું ત્યારે સાવ જ પાણીમાં બેસી ગયા અને અમને અનાથાશ્રમમાં મૂકી દીધાં…”
મારા મનમાં અનેક પ્રશ્નો હથોડાની જેમ ઝીંકાઈ રહ્યા હતા “અને તારું, તમારું શિક્ષણ અને લગ્ન?”
“શિક્ષણ તો અમે અનાથાશ્રમમાં જ પૂરું કર્યું. મારાં સારાં નસીબે મારા સાસરાના લોકો અતિશય સમજદાર છે. એમને અને મારા પતિને હું ગમી ગઈ એટલે લગ્ન થઈ ગયાં.”
હું હવે સ્વસ્થ થઈ રહી હતી, “પણ તારા પપ્પાએ તારી સાથે આટલી નાની ઉંમરે લગભગ અમાનવીય વર્તન કર્યું, આટલો ભયાનક અન્યાય કર્યો, તમારાં માથેથી છાપરું છીનવી લીધું… એમને કંઈ જ શરમ…” મારી ઉપરછલ્લી સ્વસ્થતા પાછી ડગમગી ગઈ, પણ આથી વધુ આકરા શબ્દોમાં રોષ ઠાલવવાનું શક્ય નહોતું.
“અને પાછું તારે સાસરે આવીને રહે છે?? કયા અધિકારે?” મારા રોષનો પારો પાછો ઉપર ચડવા લાગ્યો.
પણ રેખા એકદમ સ્વસ્થ હતી, “ડૉકટર, જવા દો ને… ભલે ગમે તેવા પણ છેવટે તો મારા જન્મદાતા છે, મારા પપ્પા જ છે ને… થવાકાળ થઈ ગયું. ઈશ્વરની મારી પર અસીમ કૃપા છે એટલે મને સારું ઘર, સજ્જન વર અને સુખી સંસાર મળ્યો. આટલે વર્ષે હવે પપ્પાને સાવ એકલું લાગે છે, એટલે કોઈક કોઈક વાર મને મળવા અને મારી સાથે રહેવા આવી જાય છે. આટલી ઉંમરે પોતાની દીકરી પાસે નહીં આવે તો ક્યાં જશે બિચારા?”
હું એકદમ આભી થઈ ગઈ. જે બાપે અતિશય સ્વાર્થી વૃત્તિનું પ્રદર્શન કરીને પોતાની ફૂલ જેવી કોમળ, નાનકડી દીકરીઓને અનાથાશ્રમમાં ધકેલી દીધી એ જ દીકરી પોતાની જાતમહેનત અને લગનથી પોતાનું જીવન ઘડે છે અને સંસારમાં ઠરીઠામ થાય છે. કુમળી વયમાં પોતાના કંઈ જ વાંકગુના વગર આટઆટલું વિતાડનાર બાપ ઉપર આ છોકરીને ગુસ્સો આવવાની વાત તો દૂર જ રહી, એે એમના પ્રત્યે કેવળ અનુકંપા અનુભવે છે.
કોમળ ફૂલ જેવી દીકરીને હૂંફ આપવામાં, એનું જતન અને રક્ષણ કરવામાં જે બાપ સદંતર નિષ્ફળ ગયો એની જ આટલી કાળજી એ દીકરી કઈ અદ્ભુત સમજણથી લે છે?!
અને મારી આંખ સામે મારી આસપાસ રહેતા, નાની નાની અતિશય ક્ષુલ્લક બાબતો પરથી એકબીજા સાથે ઝઘડી પડતા, ઊંચા મને પરાણે એક ઘરમાં સમસમીને સડી જતા અનેક સંબંધો તરી આવ્યા.
રેખાને માથે વહાલથી ફેરવેલા હાથે જ મેં મારી ભીની આંખો ધીરેથી લૂછી લીધી.
અને સાંજે ઘરે જઈને મારા પપ્પાને વહાલથી વળગી પડી તો એ મારી સામે જરા આશ્ચર્યથી જોઈ રહ્યા અને પછી માંડ હસવું ખાળતાં બોલ્યા “આજે કેમ આટલા બધા મસ્કા? કંઈ જોઈએ છે કે શું પાછું!?” અને અમે બન્ને હસી પડ્યાં.

shefaali@gmail.com