નો એન્ટ્રી (એકોક્તિ) ~ કિરણ બુચ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૧
1. પુરુષ પાત્ર
(દેખાવમાં ગામડિયો લાગે એવો ધોતી-પહેરણ પહેરેલ એક આધેડ વયનો પુરુષ ગળામાં ફૂલનો હાર પહેરીને, હાથ જોડીને, આંખમાં પાણી સાથે સ્ટૅજ પર ઊભો હોય.)
(હાર કાઢી હાથમાં લઈ) ‘અરે ભાઈ હું કોઈ મોટું માંણા નથ કે કોઈ નેતાય નથ. આ હાર છે ને ઇ મારી સચ્ચાઈને ભગવાને આપેલો પરસાદ છે.
(આંખ લૂછતાં) અરે ભાયું ને બાયું મારી વાત પૂરી સાંભળસો તો જ હમજ પડસે. આ અમે લોકો તો રામપુર ગામના ખેડુ. મે’નત કરીને રોટલા રળી જાણીએ, બાકી સાત જન્મારેય અમારા કટુંબમાં કોઈ નિસાળનાં પગથિયાં ચડેલું નહીં.
ગામમાં ચાર ચોપડી સુધીની નિસાળ ખરી પણ કોક દિ માસ્તર ન હોય ને કોક દિ સોકરાં ન હોય. સરકાર સોકરાંવને મફત ખાવાનું આપે ઇ લાલચે થોડા ઘણા સોકરાં નિસાળે જાતાં બાકી ભણતર કોઈને ચડે નહીં.
આ મારો મહેસિયો પણ પીટયો ખાવાની લાલચે નિસાળે જવાની જીદ કરતો તે એની માએ એને નિસાળે બેસાડયો. મી તો તે દી’ એને વઢી નાખી’તી. કીધું ખેડુનો દીકરો આખા જગત ને ખવરાવે. આ સું ભીખારાની જેમ એને ખાવાં હાટુ નિસાળે મોકલો છો? પણ એને એમ કે ભાયબન્ધુ હારે ભલે ઘડીક મજા કરે. પછી તો એનેય ખેતર જ ખેડવાનું છે ને?
પણ નિસાળમાં એક માસ્તર એવો ભેટી ગયો કે મારા મહેસિયાને તો વિદ્યા ચડી. ચાર ચોપડી પાસ થયો કે માસ્તર કે’ હવે અને બાજુના ગામમાં નિસાળ કરવા મોકલો. અમારી બેય માંણાની તો ઇચ્છા નહીં, પણ સરપંચ કે મારો ગગો જાય છે એની ભેગો તમારોય વયો જસે. તે મોકલ્યો.
પછી તો મારો મહેસિયો દસમી ચોપડીમાં નિસાળમાં પેલ્લો આવ્યો તે એણે જ કીધું બાપા મને સેરમાં જવા દ્યો. નાતની બૉર્ડિંગમાં રહીસ ને કૉલેજ કરીસ.
સોકરો પેલેથી ડાયો તે અમને થ્યું કે ભલે બિચારો ભણતો. ઘરે બહુ આવતો નહીં, આવે ત્યારે એના ચોપડા ભેગા ને ભેગા. એમ ને એમ ઇ તો ઓલું સું કેવાય, એન્જિનિયર થઈ ગયો.
પણ એની માના નસીબમાં સોકરાને સાયેબ તરીકે જોવાનું સુખ નહીં લખ્યું હોય તે ઇ તો ભગવાનને ઘેર હાલી ગઈ. મહેસિયો કે બાપા, હવે તમને એકલા નો રેવા દઉં. હાલો મારી ભેગા સેરમાં. તે હું તો આવી ગ્યો.
મારો હાથ રસોઈમાં પેલ્લેથી બેસેલો, એટલે સવાર-સાંજ મહેસિયાને રોટલા ઘડી દઉં ને બાકી ભગવાનનું નામ લઉં, પણ મારા રૉયા મહેસિયાને ગયા રવિવારે સું સૂઝ્યું કે મને કે બાપા હાલો તમને અહી સેરનો મોટો મૉલ દેખાડું. મેં તો ઘણુંય કીધું કે મારે તો બાજુના મંદિરે દેવ દર્સન થાય ઈ ઘણું છે, પણ તોય લઈ ગયો.
(મૉલ જોઈને અચંબિત થવાનો અભિનય) ઓહોહો મૉલ એટલે સું..ઉ મોટું મકાન.. કાચના મોટા મોટા દરવાજા ને જેટલી વાર દરવાજા ખૂલે એટલી વાર અંદરથી એવી ઠંડી ઠંડી હવા આવે.. ભાયડા જેવા કપડાં પેરેલી બાયડીયું જોઈનેય મને તો સરમ આવે. પાછું અંદર જવા માટે લાઇનમાં ઊભા રેવાનું.
મારો વારો આવ્યો ત્યાં તો ઓલા ટોપીવાળા પોલીસ જેવા કડક દેખાતા માણસે મને અટકાવ્યો, કે આમ ઉઘાડા પગે ને આવા લઘરા જેવા વેસે અંદર જવા નો મળે. મને તો એમ જ થ્યું કે ધરતી મારગ આપે તો સમાઈ જાઉ.
અમે તો ખેડુ. અમારા વેસ તો જનમથી આવા. ટાપટીપ કરીએ તો ખેતી ક્યાંથી કરીએ? મહેસ હવે સટ-પેન્ટ પેરે છે, પણ હું થોડી આમ આ ઉમરે સેરનાં કપડાં પેરવાનો? પછી મેં તો મહેસનો હાથ ખેચ્યો ને કીધું હાલ ઘરે. આપડે તમાસો નથ કરવો.
મહેસ ગરમ થઈ ગયો ને બધા પોતાના મોબાઇલમાં એના ફોટા પાડવા માંડ્યા. મી તો પાઘડી આડે મારૂ મોઢું સંતાડી દીધું ને ઝટ ઝટ રિક્સામાં બેસી ગ્યો.
પણ પછી કોણ જાણે સું થ્યું કે આજે મહેસ મને પાછો અહી મૉલમાં લઈ આવ્યો. જોઉ તો રસ્તા પર કેટલાય સેરના લોકો મારા જેવા કપડાં પેરીને મૉલની બાર હાય હાય કરતા ઊભા હતા. હાથમાં મોટા ચિતરેલ પાટિયાં પકડ્યાં હતાં. હું ગ્યો એટલે મારી જે બોલાવીને ઓલા વોચમેન પાસે મારી માફી મગાવી. આ હારતોરા કરીને મને અંદર લઈ આવ્યા ને ફોટા પાડયા.
બધી મારા વાલા ઉપરવાળાની લીલા બીજું સું? હરિ હરિ… (આંખમાં ઝળઝળિયાં સાથે હાથ જોડી ઉપર જુએ)
કિરણ બુચ
2. સ્ત્રી પાત્ર
(દેખાવમાં ગામડિયણ લાગે એવી સાદી સાડી કે ચણિયાચોલી પહેરેલી એક સ્ત્રી ગળામાં ફૂલનો હાર પહેરીને હાથ જોડીને આંખમાં પાણી સાથે સ્ટેજ પર ઊભી હોય.)
(હાર કાઢી હાથમાં લઈ) ‘અરે ભાઈ હું કોઈ મોટું માંણા નથ કે કોઈ નેતાય નથ. આ હાર છે ને ઇ મારી સચ્ચાઈ ને ભગવાને આપેલો પરસાદ છે.
(આંખ લૂછતાં) અરે ભાયું ને બાયું મારી વાત પૂરી સાંભળસો તો જ હમજ પડસે. આ અમે લોકો તો રામપુર ગામના ખેડુ. મે’નત કરીને રોટલા રળી જાણીએ બાકી સાત જન્મારેય અમારા કટુંબમાં કોઈ નિસાળનાં પગથિયાં ચડેલું નહીં.
ગામમાં ચાર ચોપડી સુધીની નિસાળ ખરી, પણ કોક દિ માસ્તર ન હોય ને કોક દિ સોકરાં ન હોય. સરકાર સોકરાંવને મફત ખાવાનું આપે ઇ લાલચે થોડા ઘણા સોકરાં નિસાળે જાતાં બાકી ભણતર કોઈને ચડે નહીં.
આ મારો મહેસિયો પણ પીટયો ખાવાની લાલચે નિસાળે જવાની જીદ કરતો તે એના બાપા વઢે તોય મી એને જવા દીધો. તે દિ તો મારા ઉપર એવું ખિજાણા ને.. મને કે કે ખેડુનો દીકરો આખા જગત ને ખવરાવે. આ સું ભીખારાની જેમ એને ખાવાં હાટુ નિસાળે મોકલો છો? પણ મને એમ કે ભાયબન્ધ હારે ભલે ઘડીક મજા કરે. પછી તો એનેય ખેતર જ ખેડવાનું છે ને?
પણ નિસાળમાં એક માસ્તર એવો ભેટી ગયો કે મારા મહેસિયાને તો વિદ્યા ચડી. ચાર ચોપડી પાસ થયો કે માસ્તર કે’ હવે અને બાજુના ગામમાં નિસાળ કરવા મોકલો. અમારી બેય માંણાની તો ઇચ્છા નહીં, પણ સરપંચ કે મારો ગગો જાય છે એની ભેગો તમારોય વયો જસે. તે મોકલ્યો.
પછી તો મારો મહેસિયો દસમી ચોપડીમાં નિસાળમાં પેલ્લો આવ્યો તે એણે જ કીધું બાપા મને સેરમાં જવા દ્યો. નાતની બૉર્ડિંગમાં રહીસ ને કૉલેજ કરીસ. સોકરો પેલેથી ડાયો તે અમને થ્યું કે ભલે બિચારો ભણતો. ઘરે બહુ આવતો નહીં, આવે ત્યારે એના ચોપડા ભેગા ને ભેગા. એમ ને એમ ઈ તો ઓલું સું કેવાય, એન્જિનિયર થઈ ગયો.
પણ એના બાપના નસીબમાં સોકરાને સાયેબ તરીકે જોવાનું સુખ નહીં લખ્યું હોય તે ઈ તો ભગવાનને ઘેર હાલ્યા ગયા. મહેસિયો કે બા હવે તને એકલી નો રેવા દઉં. હાલ મારી ભેગી સેરમાં. તે હું તો આવી ગઈ.
સવાર-સાંજ મહેસિયાને રોટલા ઘડી દઉં ને બાકી ભગવાનનું નામ લઉં. પણ મારા રૉયા મહેસિયાને ગયા રવિવારે સું સૂઝ્યું કે મને કે બા હાલ તને અહી સેરનો મોટો મૉલ દેખાડું. મેં તો ઘણુંય કીધું કે મારે તો બાજુના મંદિરે દેવ દર્સન થાય ઇ ઘણું છે, પણ તોય લઈ ગયો.
(મૉલ જોઈને અચંબિત થવાનો અભિનય) ઓહોહો મૉલ એટલે સું..ઉ મોટું મકાન.. કાચના મોટા મોટા દરવાજા ને જેટલી વાર દરવાજા ખૂલે એટલી વાર અંદરથી એવી ઠંડી ઠંડી હવા આવે.. ભાયડા જેવા કપડાં પેરેલી બાયડીયું જોઈનેય મને તો સરમ આવે. પાછું અંદર જવા માટે લાઈનમાં ઊભા રેવાનું. અમારો વારો આવ્યો ત્યાં તો ઓલા ટોપીવાળા પોલીસ જેવા કડક દેખાતા માણસે મને અટકાવી, કે આવા લઘરા જેવા વેસે અંદર જવા નો મળે. મને તો એમ જ થ્યું કે ધરતી મારગ આપે તો સમાઈ જાઉ.
અમે તો ખેડુ. અમારા વેસ તો જનમથી આવા. ટાપટીપ કરીએ તો ખેતી ક્યાંથી કરીએ? મહેસ હવે સટ-પેન્ટ પેરે છે, પણ હું થોડી આમ આ ઉમરે સેરનાં કપડાં પેરવાની? પછી મેં તો મહેસનો હાથ ખેચ્યો ને કીધું હાલ ઘરે. આપડે તમાસો નથ કરવો.
મહેસ ગરમ થઈ ગયો ને બધા પોતાના મોબાઇલમાં એના ફોટા પાડવા માંડ્યા. મી તો ઘૂમટો તાણીને માંરૂ મોઢું સંતાડી દીધું ને ઝટ ઝટ રિક્સામાં બેસી ગઈ.
પણ પછી કોણ જાણે સું થ્યું કે આજે મહેસ મને પાછો અહી મૉલમાં લઈ આવ્યો. જોઉં તો રસ્તા પર કેટલીય સેરની બાઈયું મારા જેવા કપડાં પેરીને મૉલની બાર હાય હાય કરતી ઊભી હતી. હું ગઈ એટલે મારી જે બોલાવીને ઓલા વોચમેન પાસે મારી માફી મગાવી. આ હારતોરા કરીને મને અંદર લઈ આવ્યા ને ફોટા પાડયા.
બધી મારા વાલા ઉપરવાળાની લીલા બીજું સું? હરિ હરિ… (આંખમાં ઝળઝળિયાં સાથે હાથ જોડી ઉપર જુએ)

કિરણબેન,
બહુજ ગોરવવંત પ્રયત્ન. આંધડા Westernization પૂરપ્રવાહની સામે ગુજરાતી પોશાક અને ગ્રામ્ય ભાષા અને રહેણીકરણીનું સચોટ નાટ્યાંકન યોગ્ય દાળ માગે છે. અભિનંદન.
– નરેન્દ્ર વેદ narved55@gmail.com