“મારા ગમતા મિત્રોની ઓળખાણ” ~ (૩) ~ ગીની માલવિયા

આજે હું ઓળખાણ કરાવીશ મારા ત્રીજા મિત્ર એટલે કે ત્રીજા પુસ્તકની.

તુષાર શુકલનું ઈવનીંગ.છલકાતી સાંજની સુગંધ.. સાંજ જેને તુષાર ભાઈ સ્હાંજ કહે છે, એ સાંજના આછા કેસરિયા રંગનું કવરપેજ  છે.

પુસ્તકનો કેસરિયો રંગ પુસ્તકનાં સબટાઈટલ જેવી જ સાંજની સુગંધ મનમાં છલકાવી દે છે. સાંજને વાચા આપતું કે પુસ્તકને બોલકું કરતો એ રંગ!
મેઈન પેજનાં ૧૬ નાના ચોરસમાં તુષાર ભાઈનાં વિવિધ મૂડને ઝીલતી તસવીરો છે, પણ માત્ર ૧૦માં, બાકીના પાંચ ચોરસ કોરાં છે. જેમાં વાચકોએ રંગ ભરવાનાં છે, તેમનાં પુસ્તક સાથે જોડતા તાદામ્યનાં…સંજય ભાઈ જેટલા નીવડેલા તસવીરકાર છે એટલાં જ કલમનાં કસબી પણ છે.એ ફક્ત ટચૂકડા બે પાનાંમાં લખેલી તેમની પ્રસ્તાવના વાંચતા સમજાઈ જાય છે. ગદ્ય અને પદ્યના કેન્વાસમાં પ્રસરેલું આ પુસ્તક એક સંગીત જેવું છે.

ગદ્ય અને પદ્ય તો એકમેકમાં ગોઠવાયેલા છે, બે વાદ્યોની જુગલબંધી જેમ. પણ દરેક પાને ગદ્ય અને પદ્યને અનુરૂપ તસવીર પણ આ સંગીતની સૂરાવલિનો એક ભાગ જ લાગે છે. તુષાર ભાઈનાં વિભિન્ન મૂડ, બાઈક માટેનો પ્રેમ, તેમની કવિ હ્રદયી રુજુતા… સંજય ભાઈનાં લેન્સથી કંઈ જ છાનું રહેતું નથી.  જે જેમ છે તેમ જ આબાદ ઝીલાઈને વાચક સામે સંજયભાઈનો કેમેરા ધરે છે, પ્રગટાવે છે..તુષારભાઈનાં અલગ અલગ અંતરાલમાં કેદ થયેલાં ફોટોગ્રાફ્સ એટલાં પૂરક છે, એમનાં શબ્દોને કે મારી પાસે એ કહેવા કોઈ શબ્દ નથી. નીચેનું ઉદાહરણ જુઓ અને વાંચનારને હું જે કહું છું તે આત્મસાત થઈ ન જાય તો જ નવાઈ!

તુષારભાઈનાં હસ્તાક્ષરમાં આપણે સૌ જેની છાલકમાં ભીંજાયા છીએ, જેની મીઠાશ ચગળી છે એ બહુ ગમતીલું ગીત ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ-“ પણ અહીં ઝીલાયું છે.
સંજયભાઈના શબ્દોમાં કહીએ તો જેને આપણે કવિ, ચિંતક કે સંચાલક તરીકે ઓળખીએ છીએ એ તુષાર ભાઈનાં ત્રણ દાયકાનાં વિચારોનો અહીં મેળો ભરાયો છે.
સાચે જ, આ મેળાની અનુભૂતિ સૌ સુધી પહોંચે છે જ, હરખાતાં હૈયાની હેલી જેમ જ. વાંચતી વખતે વાચક વિચારતો હોય છે કે આ લેખક કેવો દેખાતો હશે?
અહીં એ કલ્પના મૂર્ત થઈ જાય છે, કારણકે પાને પાને લેખકનાં વિધ વિધ મૂડ પ્રસરેલા છે.
અને જો વાચક તુષારભાઈને ઓળખતો હોય તો ગમતીલી વાત! પુસ્તકમાં તુષારભાઈ સાથે નીજી સંવાદ પણ છે. એની તો વાત જ મજાની છે.

જેમકે સંજયભાઈએ પૂછેલો એક સાવ સામાન્ય સવાલ કે, “લગ્ન એટલે શું?”
જેના જવાબમાં તુષાર ભાઈ કહે છે કે, “સંગાથે સુખ શોધીએ… “એનાથી આગળ વધી એ પત્ની વિશે બે જ શબ્દોમાં હ્રદય ખાલી કરીને જવાબ આપે છે, “મારો વરસાદ.”

આ પુસ્તક આવાં લાગણીભર્યા સંવાદો, કવિતા, તસવીર અને લાગણીનો મેળો જ છે. પુસ્તકનાં છેલ્લાં પાને તુષાર ભાઈએ એમનાં મધમીઠાં શબ્દોમાં સંજય ભાઈને રજૂ કર્યા છે.


જે કામ સામાન્ય રીતે તસવીર કરી શકે એ કામ તુષાર ભાઈએ તેમનાં શબ્દોમાં એવી તો રજૂ કરી છે કે સંજયભાઈ નખશિખ કેવા? એ સહજતાથી, સરળતાથી સમજાઈ જાય છે. તુષાર ભાઈ જે ફોટોગ્રાફરની વાત કરે છે એ ફોટોગ્રાફરનાં લેન્સમાં પ્રતિબિંબિત થવાની અદમ્ય ઈચ્છા કોઈ વાચકને ના થાય તો જ નવાઈ !અને આ મિત્રને મળવાની ઈચ્છા ના થાય તો પણ નવાઈ.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.