વારસો ~ નીતા કઢી (એકોક્તિ) ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૦

દિવાળીને આડે માંડ પચ્ચીસ દિવસ રહ્યા છે. આજે કબાટો સાફ કરી લઉં.

(ટેલિફોન રણક્યો) ટ્રીન.. ટ્રીન, ટ્રીન… ટ્રીન.

હલ્લો, હા! અલકા, બોલ…બોલ. કેમ છે?

હું? હું તો મજામાં. દુબઈમાં મજા આવી?

સરસ! સરસ!

મારે તો આજે કબાટો સાફ કરવા છે. દિવાળીને માંડ પચ્ચીસ દિવસ રહ્યા છે.

(હસે છે) હા.. વર્ષમાં ગમ્મે તેટલી વાર સફાઈ કરો, પણ દિવાળીની સાફસફાઈ થાય, ત્યારે જ સાફસફાઈ સાર્થક કહેવાય, એવું આપણને ગળથૂથીમાં જ પિવડાવ્યું હોય છે.

તારે સફાઈ ક્યારે કરવાની છે? વાર છે?

હ… હ…બરાબર…

અલકા, ચાલ તને કાલે ફોન કરું? નહિ તો આજે પાછી હું આળસી જઈશ.

(ફોન મૂકે છે) ચાલો, આ કબાટથી શરૂઆત કરું.

(ટેબલ પર મૂકેલાં સાડી કવર ખોલે છે) આ મારાં લગ્ન વખતની ગુલાબી રંગની છેડાછેડીમાં બાંધેલું પાનેતર છે. લાલ અને સફેદ રંગનું, સોનેરી તારથી હાથે ભરેલું મહામોલું છે. આ ઘરચોળું ઉપરના ખાનામાં મૂકી દઉં.

(બીજા કબાટ પાસે જાય છે) અહીં પણ ઉપરના ખાનામાં મારા દીકરાનાં લગ્ન વખતના ગુલાબી છેડાછેડીમાં સોનેરી કિનારીવાળું “રામાયણ” છે.

(યાદોમાં ખોવાઈ જાય છે) મારી બાએ મારા દીકરા હર્ષના જન્મના સીમંત સમયે મને ખાસ આપ્યું હતું.

બાએ કહ્યું હતું, “સારા દિવસો રહ્યા હોય, ત્યારે ધાર્મિક પુસ્તકો વાંચવાં જોઈએ. બાળકમાં સારા સંસ્કાર પડે.

આજે મોટાભાઈ બહુ યાદ આવે છે. ઘરમાં બધાને વાંચવાનો શોખ તો એમણે કેળવ્યો હતો. ઘરે અઢળક છાપાં અને સામયિકો બંધાવી દીધાં હતાં. મુંબઈ સમાચાર, જન્મભૂમિ, વ્યાપાર, અભિયાન, ચિત્રલેખા, બાળકો માટે ઝગમગ, રમકડું, ચાંદામામા, ચક્રમ ઉપરાંત એક વિદેશી સામયિક, જે ખાસ તેઓ વાંચતા, જેનું નામ USSR રશિયા એવું કાંઈક હતું. જો કે અમને એમાં બહુ સમજ નહોતી પડતી, પણ એનું આકર્ષક રંગીન કવરપેજ, રંગીન ચિત્રો, ઉત્કૃષ્ટ પાનાઓ વગેરે જોવાની પણ મજા પડતી હતી.

અ.. ધ.. ધ.. ધ.. દિવાળી અંકો તો જુદા. દરેકના હાથમાં કોઈ ને કોઈ રસિકતા જળવાઈ રહેતી હતી. મોટાભાઈની દૂરંદેશીથી ઘરના સભ્યોની સાહિત્યિક સમૃદ્ધિ વધતી હતી. બાળકોને અમૂલ્ય વારસો મળતો હતો. બા તો સમાચારપત્રો વાંચે અને અમને દસ મિનિટમાં સંભળાવીને આખી દુનિયા સાથે જોડી દેતી હતી.

મારી ખાસ બહેનપણીએ આપેલી બે સાડીઓ એક-બે વાર પહેરી છે, પણ એને કાઢવાનું મન નથી થતું.

લગ્નમાં મારા મોટાભાઈએ ગાંધીજીની “સત્યના પ્રયોગો” અને મારા પ્રાધ્યાપકે મુનશીની “પૃથ્વી વલ્લભ” આપી હતી. બપોરે વાંચવા બેસું, પણ ઘરનાં કામકાજમાં આખો દિવસ જતો હોવાથી એ પુસ્તકો હાલરડાંનું કામ કરતાં હતાં. ચાર-પાંચ પાનાં વાંચું ન વાંચું, ત્યાં તો ઝોકે ચડી જતી હતી, પણ પેલી બે સાડીઓની જેમ આ બે પુસ્તકો જીવની જેમ સાચવી જ રાખ્યાં છે.

સાહિત્યિક સમૃદ્ધિ સંસારમાં રચ્યાપચ્યા રહેવાની સાથે સમયાંતરે ઓછી થતી ગઈ હતી. આર્થિક પરિસ્થિતિ વધુ સુધરતાં ભારતના દરેક રાજ્યની કલાકારી સાડીઓમાંથી જોવાનું રાખ્યું હતું. જે મારી આર્થિક સમૃદ્ધિ વધી હોવાનું પ્રમાણપત્ર આપતી હતી. ગુજરાતની બાંધણી, પાટણના પટોળા, નવરાત્રી માટે પરંપરાગત કચ્છી ભરતનાં ચણિયાચોળી, રાજસ્થાની ગોટાપટ્ટીવાળી ચૂંદડી, બિહારની ટસર સિલ્ક, પંજાબના સલવાર કમીઝ, મહારાષ્ટ્રની નવવારી સાડી, મૈસૂરી જ્યોર્જટ, કાથા વર્કની સાડી એમાં બે ખાનાઓ તો જોઈએ જ ને?

ધીરે ધીરે તો મૉડર્ન બનતાં જીન્સ અને ટી શર્ટ્સ પણ આવી ગયાં. એ માટે નવું ખાનું ફાળવ્યું હતું. સમય જતાં કપડાં પ્રત્યેનો મોહ ઓછો થતો ગયો. જૂનાં કપડાં એન્ટિક લાગે, એનો મોહ વધે, એમ અચાનક “રામાયણ” વાંચવા બેઠી. જૂનાં સામયિકો યાદ આવ્યાં. નવાં ખરીદ્યાં. રામાયણની બાજુમાં સાચવીને, ગોઠવીને, સંભાળીને મૂક્યાં. એ વખતે ખૂબ આનંદ આવ્યો. આ કબાટમાં આનંદ, ઉલ્લાસ અને સંતોષ વસ્યો.

પહેલા કબાટમાંનાં દરેક રાજ્યનાં કપડાઓની જેમ આ બીજા કબાટમાં અનેક રાજ્યો અને અનેકભાષી લેખકો અને કવિઓનાં પુસ્તકો વસવાટ કરવા લાગ્યાં. ગોવર્ધનરામ ત્રિપાઠી, દર્શક, રવીન્દ્રનાથ ટાગોર, ઉશનસ્, સુરેશ જોશી, શેક્સપિયર, ચંદ્રકાંત બક્ષી, ધીરૂબેન, વર્ષ અડાલજા, ઇલા આરબ મહેતા, સરોજ પાઠક, બિન્દુ ભટ્ટ વગેરે.

આર્થિક સંપત્તિ વધતાં જેમ વસ્ત્રોમાં, તેના રંગ, રૂપ, જાત પ્રમાણે વધારો થયેલો, એમ સાહિત્ય પ્રત્યેની રુચિનાં વધારાને કારણે અનેક સાહિત્ય પ્રકારનો વસવાટ થવા લાગ્યો. નવલિકા, નવલકથા, નિબંધ, કાવ્યો પોતાનાં થવાં લાગ્યાં. કબાટમાં ધીરે ધીરે સામાજિક નવલકથા, હાસ્યકૃતિઓ, રહસ્યકથાઓ સાથે ધાર્મિક કથાઓની જાણકારી મેળવવાની પણ તાલાવેલી વધતી ચાલી. બાળસાહિત્યનો પણ આનંદ લેવા માંડી.

હાસ્યકૃતિઓ વાંચીને ખડખડાટ હસવા લાગી. રહસ્યકથા વાંચતાં વાંચતાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાઉં, ત્યારે ગુનેગારને શોધવા મથતી. દલા તરવાડીને વાંચીને રસોડામાં રીંગણાનું શાક બનાવતી વખતે બોલાઈ જવાય, “લઉં બે ચાર રીંગણાં?” મારામાં નવી વિચારસરણીઓ ફૂટતી ગઈ. હવે તો કપડાંના કબાટમાં જગ્યા વધતી ચાલી. પુસ્તકનો કબાટ નાનો પડતો ગયો.

પુસ્તકોએ કપડાંના કબાટમાં પગપેસારો કર્યો. એમાં પુસ્તકો માટે ચોરસ ફીટ વધતાં ગયાં. સાહિત્યિક સમૃદ્ધિની ભૂખ ઊઘડી. આ ભૂખમાં ડાયેટિંગ તો ન જ કરાય. એટલે વધુ અભ્યાસ કરવાથી વિવેચકો અને નિબંધકારો ઉમેરાતા રહ્યા.

વસ્ત્રો તો એકનાં એક, ફરીથી પહેરાય. પુસ્તકોમાં નવીનતા જ જોઈએ. પુસ્તકોથી વસ્ત્રારોપણ કરી શકાતું હોય તો કેવું સારું! દર વર્ષે કપડાંનો કબાટ સાફ થાય છે અને પુસ્તકોના કબાટની સફાઈ થાય છે.

(ખાંસી ખાતાં) હવે આંખે ઓછું દેખાય છે. કાને ઓછું સંભળાય છે. લીલી વાડી જોઈ છે. સંતાનો એકદમ સુખી છે.

(પુત્ર, પુત્રવધૂ આરતી, પુત્રી શિલ્પા, જમાઈ અમિત, પૌત્રી અનાયા, દોહિત્ર સ્મિત પ્રવેશતાં હોય અને ઠઠ્ઠામશ્કરી અને મજાકમસ્તી કરતાં હોય એવું બતાવવાં બોલવું.)

હું ખુશ થતાં બોલી, “ઓહોહો! આજે બધાએ શું પ્રૉગ્રામ બનાવ્યો છે? આવો, આવો, કેમ છો અમિતકુમાર? કેમ છે સ્મિત બેટા? ભણવાનું કેમ ચાલે છે?

(બધાને ઉદ્દેશીને) સારું થયું, બધા ભેગા થયા. જુઓ, મારી ઉંમર થઈ છે. લીલીવાડી જોઈને હું બહુ ખુશ છું. તમને વારસામાં શું જોઈએ છે? એ જણાવો.

દીકરી શિલ્પા બોલી, “મમ્મી, મને તારા હીરાના લવિંગ્યા આપજે.”

હર્ષ બોલ્યો, “મમ્મી, હું તારી સાથે રહું છું, તો મને શું આપીશ?”

ત્યાં આરતી બોલી, “મમ્મીજી, મને તમારો એન્ટિક સેટ આપજો”.

સ્મિત બોલ્યો, “નાની, હું તમારો લાડકો છું ને!

અનાયાએ વિરોધ કર્યો અને બોલી, ‘‘ના! લાડકી તો હું છું.’’

મેં કહ્યું, “ભલે, ભલે, બધાને બધું મળશે, પણ આ કયાં પુસ્તકો કોને જોઈએ છે, એની યાદી બનાવી લો”.

અને સોપો પડી ગયો. મેં હસતાં હસતાં કહ્યું, “મૂંઝાવ નહિ, આમાં હિન્દી, અંગ્રેજી પુસ્તકો પણ છે. જેને જે અને જેટલાં જોઈએ એ નક્કી કરી નાખો. હજી બાજુની રૂમમાં પણ થોડાં પડ્યાં છે.”

કોઈ કંઈ ન બોલ્યું. હું હતાશ થઈ ગઈ. બોલી ઊઠી, “તમારી પાસે જેની છત છે, એ વારસો બધાને જોઈએ છે, પણ જેની અછત છે, એ વારસો કોઈને જોઈતો નથી.”

આખી રાત મને ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બધા મારી પાસે આવ્યા.

હર્ષ બોલ્યો, “મમ્મી, બાજુમાં આપણું એક રૂમ રસોડાનું ઘર છે…એમાં… તું…”

હું ધ્રૂજી ઊઠી હતી. કાલે વારસાની વાત કરી અને આજે એક રૂમ રસોડાની વાત. (આંખમાં ઝળઝળિયાં) શું આ જ મારા સંસ્કાર છે?

હર્ષ આગળ બોલ્યો, “તું કહે.. તો.. આપણે સાર્વજનિક પુસ્તકાલય બનાવીએ. આ બધાં પુસ્તકો રાખીશું. આરતી અને શિલ્પા થોડાં નવાં પુસ્તકો ખરીદી લેશે. અનાયા અને સ્મિત પુસ્તકાલયની દેખરેખ કરશે. દાદી અને નાનીનો વારસો સંભાળશે.” (હરખનાં આંસુ આવે છે.)

neeta.kadhi@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.