રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
દશેરા સાથે જ નવરાત્રિએ વિરામ લીધો અને દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું. તહેવારો માત્ર આનંદ માટે જ નહીં, અર્થતંત્ર માટે પણ મહત્ત્વના પૂરવાર થાય છે.

ફૂલો, વસ્ત્રો, ખાણીપીણી વગેરે અનેક ક્ષેત્રમાં નોંધનીય ટર્નઓવર જોવા મળે છે. તહેવારો નિમિત્તે ઊભા થતા મંડપો, સાધનસામગ્રી પૂરી પાડનાર વેન્ડર. કેટરર વગેરે અનેક લોકોને કામ મળે છે. છાયા ત્રિવેદી મનના ઉજાસને પામવાની વાત કરે છે…
તોડ દિવાલો ને બારી-બરણાં
ખાતરી તો થાય કે આકાશ છે
આ ઇમારત જીર્ણ છે, તૂટી જશે
કેટલા બાકી હજી નિઃશ્વાસ છે
આકાશને જોવાનો આનંદ અનેરો હોય છે. તાજેતરમાં યેઉર જંગલની મુલાકાતે જવાનું થયું. યેઉર એટલે નેશનલ પાર્કનો થાણા તરફનો છેડો. મુંબઈમાં જ મોટા થયા હોવા છતાં જિંદગીમાં પહેલી વાર યેઉરદર્શન કર્યું. ટ્રેકિંગ કરી ઊંચાઈ પર પહોંચ્યા પછી એક તરફ સ્કાસ્ક્રેપર્સની ટોળી તો બીજી તરફ ઘટ્ટ વનરાજીના દર્શન કર્યા.

કુદરતના નિતનવા રૂપ જોઈને થાય કે આયુષ્યમાં ઘણું બધું જોવાનું હજી બાકી છે. જો કે માણસના રૂપ પણ બદલાય છે એ ગણપત પટેલ `સૌમ્ય’ તિરછી કલમે જણાવે છે…
ઈવ–આદમના જમાનાથી મથામણ થાય છે
તોય માણસજાત આ આજેય ક્યાં પરખાય છે
એકસરખો માનવી ક્યાં હોય છે કાયમ અહીં?
કેટલાં રૂપો ધરીને જીવતર જીવાય છે
માણસને પારખવામાં જમાનાના ખાધેલ પણ થાપ ખાઈ જાય. છત્તીસગઢમાં છાપોરા ગામે ગઠિયાઓએ સ્ટેટ બૅન્કની ચકાચક બ્રાંચ ઊભી કરી દીધી. ગામના લોકોએ હોંશેહોંશે ખાતા પણ ખોલાવ્યા.

થોડા દિવસમાં અન્ય બ્રાંચના મેનેજરને શંકા ગઈ એ પછી ષડયંત્ર પકડાયું. હદ વટાવી જાય એવા કૌભાંડો વિસ્મિત કરે છે. મનસુખ કારિયાની સખત પગલાં લેવાની હિમાયત ખોટી નથી…
જાત ઓગાળીને માણસ
કેટલાંયે પદ કરે છે
ક્યાં સુધી તું માફ કરશે
એ હવે અનહદ કરે છે
માફી માગવી સહેલી નથી અને કોઈને માફ કરવા પણ સહેલું નથી. ક્યારેક અહંકાર આડે આવે તો ક્યારેક ઊંડો જખમ રોકે. જે પંથ કે સંપ્રદાયમાં અનેરી શ્રદ્ધા સાથે જોડાયા હોઈએ એના કર્તાહર્તા જ જો તકલાદી નીકળે તો શું કરી શકો? ડૉ. મહેશ રાવલની વાત કડવી હોવા છતાં સાચી છે…
નક્કી કરેલાં લક્ષ્યથી બહુ દૂર ક્યાં હતો?
મારા હતાં, એ અન્યના આધાર થઈ ગયા!
શ્રદ્ધા હજુ ય કેટલાં આશ્ચર્ય સર્જશે?
અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા!

ધર્મને નામે સાધારણને પણ અસાધારણ બનાવી દેવા આપણે સક્ષમ છીએ. કોઈ નાનકડો ચમત્કાર બતાવે કે તરત લાગણી સાષ્ટાંગ કરવા હરખપદુડી થઈ જાય. યુક્તિ અંગે ભક્તિ કંઈ વિચારી શકતી નથી. વિમાસણ થાય કે માણસને બનાવી ઈશ્વરને શું વિચાર આવતો હશે. જાતુશ જોશી એની કલ્પના કરે છે…
સાવ કંટાળી પ્રભુ પથ્થર થયો
દુઃખ એવાં કેટલાં મોટાં હતાં
સુખ અને દુઃખને તપાસ્યા તો થયું
એક મનના બે અલગ ફોટા હતા
તસવીરો જોવાનો અદકેરો આનંદ હોય છે. એમાં પણ શ્વેત-શ્યામ તસવીરો જેની અલમારીમાં પડી છે એ લોકો સ્મૃતિ-શ્રીમંત ગણાય. દરેક તસવીર કંઈક બોલતી હોય. એને સાંભળવાની મજા જતી કરવા જેવી નથી.

દર્શક આચાર્ય ફ્લેશ બૅકમાં લઈ જાય છે…
હું અને તું કેટલા નિકટ હતા
આજની નહિ બાળપણની વાત છે
કોઇ પાને નામ મારું પણ હશે
પહાડથી વ્હેતા ઝરણની વાત છે
અંજળ હોય તો સંબંધ બંધાય. ચિંતન મનન કરીએ તો જિંદગીની ગતિવિધિઓ થોડી સમજાય. કેટલીક વાર સત્ય, તથ્ય અને પ્રાપ્ય વચ્ચેની મૂંઝવણ આપણને વિચલિત કરતી રહે. ઉર્વીશ વસાવડા સમસ્યા અને એનું કારણ પણ જણાવે છે…
તથ્યોની આરપાર નીકળવું કઈ રીતે
ભટક્યા કરે છે કેટલા એની તપાસમાં
અન્યોને દોષ આપવા કેવી રીતે પછી
મારો જ હાથ હોય જ્યાં મારા રકાસમાં

લાસ્ટ લાઈન
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યા કરો છો યાદ અનાયાસ કેટલાં?
બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા
~ શૈલેશ ગઢવી
~ ગઝલસંગ્રહઃ થોડાંઘણાં કબૂતર