ન્યૂરેમ્બર્ગ ડોક્યુમેન્ટેશન સેન્ટર ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:49 ~ ઉત્કર્ષ મઝુમદાર
બપોર પછી અમે ડોક્યુમેન્ટેશન સેન્ટર જોવા ગયા. અહીં ચાલીને જવાય એવું ન હતું એટલે ટ્રામમાં ગયા. ટ્રામ સ્ટોપ પર આપણે પોતે ત્યાં રખાયેલા મશીનમાં જરૂરી પૈસા નાખીને ટિકિટ લઇ લેવાની. વાંચનારને પ્રશ્ન થશે આ ડોકયુમેન્ટેશન સેન્ટર એટલે શું? ટૂંકમાં કહું તો એ મ્યુઝિયમ છે.
મૂળમાં અહીંયા નાઝીના મુખ્ય સ્થપતિ આલ્બર્ટ સ્પીયરે અહીં એક જબરજસ્ત પ્લાન બનાવેલો. જેમાં ઝેપલિનને ઉતારવાની વિશાળ જગ્યા હોય, 4 લાખ લોકો સમાઇ શકે એવું વિશાળ સ્ટેડિયમ, 50,000 જણ બેસી શકે એવો હોલ, લશ્કરી કવાયત માટે વિશાળ મેદાન ઇત્યાદિ હોય. અહીં 1933 ને 1938 દરમ્યાન નાઝી પક્ષની દસ લાખ લોકોની વિશાળ રેલીઓ યોજાતી.

એના કમનસીબે આખો પ્લાન બંધાયો નહિ. એની ઉત્તરીય પાંખમાં ‘ફેસિનેશન એન્ડ ટેરર‘ નામનું પ્રદર્શન આવ્યું છે. અહીં નાઝી જર્મનીનો ઇતિહાસ સાંપડે છે. અહીં પણ 6 યુરોની ટિકિટ હતી ને ઓડિઓ ગાઈડ એની સાથે આવતી હતી.
નાઝી પાર્ટીએ આ શહેરને પસંદ કર્યું કારણકે હોલી રોમન એમ્પાયરમાં એનું અગત્યનું સ્થાન હતું. જર્મન ભાષી વિસ્તારમાં એ મધ્યમાં હતું.
સરકાર બનાવી એ પહેલાથી અહીંયા, એ લોકોએ પોતાની પ્રચારસભા શરુ કરી દીધેલી. આખી પ્રદર્શની સિલસિલાબંધ પ્રસ્તુત થઇ છે. દરેક રૂમ કદમાં જુદા જુદા હતા. પરંપરાગત પ્રદર્શનીની સાથે આધુનિક ટેક્નોલોજી પણ ઉપયોગમાં લેવાઈ હતી.

સાક્ષીઓની મુલાકાતો આંખ ખોલી નાખનારી હતી. ફ્લેશ લાઈટનો ઉપયૉગ કર્યા વિના તમે અહીંના ફોટાઓ લઇ શકો છો.
આટલા બધા વર્ષો પસાર થયા પછી પણ આ પ્રદર્શન અમને હચમચાવી ગયું, ભય પમાડી ગયું. હિટલર ભક્તિમાં જર્મન પ્રજા કેવી આંધળી ભીંત થઇ ગઈ હતી, કેવી રીતે ને શા માટે થઇ ગઈ એનો પૂરો ચિતાર અહીંથી અમને મળી ગયો.
વળતી વખતે પાછા ટ્રામમાં આવ્યા. કઈ ટ્રામથી ક્યાં જવાય, ટિકિટ કઢાવવી આ બધું કામ કેપ્ટનને માથે. એણે આ કામ વ્યવસ્થિત રીતે પાર પાડ્યું. અમે માર્કેટ પ્લેસમાં આવ્યા ને અહીં ‘ચર્ચ ઓફ અવર લેડી‘ નામનું ગોથિક શૈલીમાં બનેલું એક સુંદર ચર્ચ જોયું.

સન ૧૩૪૯માં અહી પ્લેગની મહામારી ફેલાયેલી. એને માટે યહુદીઓ ગુનેગાર ગણાયા. એમને શહેરમાંથી હાંકી કઢાયા. હોલી રોમન એમ્પરર ચાર્લ્સ ચતુર્થના આદેશથી એમનું સિનાગોગ તોડી પડાયું. (યહૂદી દ્વેષ બહુ જૂનો છે,) આ જ સ્થળ પર 1362ના અરસામાં ચર્ચ બંધાયું. 1525માં એ પ્રોટેસ્ટન્ટ ચર્ચ બન્યું ને 1810માં ફરી પાછું કેથલિક ચર્ચ બન્યું. આમ ભગવાનના ઘરની માલિકી સતત બદલાતી રહી.
આ ચર્ચની એક ખાસ જોવાલાયક વસ્તુ છે 1506-1509ના અરસામાં મુકાયેલી કરામતી ઘડિયાળ. એની નીચે ગોખલામાં હોલી રોમન એમ્પરર એના ભાયાતોથી વીંટળાયેલો બેઠો છે.

બરાબર મધ્યાહ્ને બારના ટકોરા વાગે ને ઢોલને દુંદુભિઓના નાદ સાથે ભાયાતોનું સરઘસ ઇમ્પેરરની આસપાસ ચકરાવો લે છે. ચર્ચથી થોડે દૂર એની સામે એક ફુવારો છે એનું નામ જ છે સુંદર ફુવારો ને સાચે જ સુંદર છે. 1385થી 1396ના ગાળામાં હેંરીખ બેહેમે મિનારાના આકારમાં બાંધેલો આ ફુવારો લગભગ 19 મીટર ઊંચો છે.
એની આસપાસ બનાવેલી ગોળાકાર વાડમાં સામસામે બે બાજુએ પિત્તળની બે કડ઼ીઓ મુકવામાં આવી છે લોકવાયકા છે કે એને ગોળ ફેરવવાથી ભાગ્યનો ઉદય થાય છે.
40 જેટલી રંગીન પ્રતિમાઓ જુદા જુદા સ્તરે મુકાયેલી છે જે ફુવારાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે આને નુકસાન ન થાય એ હેતુસર ચારેબાજુથી ચણી લેવામાં આવેલો ને સદ્નસીબે એને ઊની આંચ પણ ના આવી.
માર્કેટપ્લેટઝથી તમે બાર મિનિટ ચાલીને જેકોબ પ્લાત્ઝ તરફ જાવ એટલે બે પ્રાચીન ચર્ચ જોવા મળશે. જર્મનીના દરેક શહેરમાં જોવાલાયક સ્થળોમાં તમને ચર્ચ તો અવશ્ય જોવા મળશે. આ બેમાનું એક છે સેન્ટ જેકોબ ચર્ચ જે ‘સેન્ટ જેમ્સ ધ ગ્રેટર‘ને સમર્પિત છે.
સન 1209માં હોલી રોમન ઍમ્પરર ઓટો ચોથાએ બંધાવ્યું. રિફોર્મશન સમયમાં આ ચર્ચ પ્રોટેસ્ટન્ટ પંથીઓ પાસે આવી ગયું. 1810માં ન્યુરેમબર્ગનું આ ત્રીજું પ્રોટેસ્ટન્ટ ચર્ચ બની ગયું. આ ચર્ચને લીધે આ ચોકનું નામ જેકોબ પ્લાત્ઝ થયું.

એની સામે આવેલું છે સેન્ટ એલિઝાબેથ ચર્ચ જે રોમન કેથલિક ચર્ચ છે. રિફોર્મશન પછી પ્રોટેસ્ટન્ટ ન્યૂરેમ્બર્ગનું આ એક માત્ર કેથલિક ચર્ચ રહ્યું.
આ ચર્ચની સામે અમે રસ્તાની વચમાં આવેલું એક સ્થાપત્ય જોયું. બે નાના ગોળ બુરજને એની સાથે પાછળ જોડાયેલો એક ઊંચો ટાવર જેની મધ્યમાં એક ઘડિયાળ હતું. નવાઈ લાગી કે આ છે શું? પાસે જઈને જોતા ખબર પડી કે આ તો વિમર ટ્રમ નામનું ભૂગર્ભ રેલવે સ્ટેશન છે.

કોઇ કાળે કલ્પના જ ન આવે કે આવું કોઈ મધ્યકાલીન સ્થાપત્ય ભૂગર્ભ રેલવે સ્ટેશનનો બાહરી હિસ્સો છે. એક આશ્ચર્ય જેમ પૂરતું ન હતું તેમ આની પાછળ એક બીજું આશ્ચર્ય આવેલું હતું. એક અજબનો ફુવારો.
જર્મનીમાં ચર્ચનું માહાત્મ્ય જેટલું એટલું ફુવારાનું પણ એટલું જ મહત્વ. ઠેર ઠેર તમને વિવિધ પ્રકારના ફુવારા જોવા મળે. આ જે ફુવારો હતો એનું નામ હતું-ઈહેકેરોસેલ યાને કે મેરેજ મેરી-ગો-રાઉન્ડ.
આ આધુનિક ફુવારો છે જે વીસમી સદીના આઠમા દાયકાની શરૂઆતમાં વેબર નામના કલાકારે બનાવ્યો. હંસ સાક્સ નામના કવિની ‘બિટર સ્વીટ મેરિડ લાઈફ‘ નામની કવિતા પરથી પ્રેરિત થઈને આ કલાકૃતિ બનાવી.

એક યુવાન યુગલના સંવનન કાળથી લઈને એમના લગ્ન ને છેવટે એમના મૃત્યુ સુધીનો કાળ સુધીના વિવિધ તબકકાઓ અહીં આવરી લીધા છે. આ જયારે ખૂલ્લું મુકાયું ત્યારથી જે સનસનાટી મચી તે હજી સુધી શમી નથી. કેટલાકને આ લગ્નનું હૂબહૂ ચિત્રણ લાગે છે તો ઘણાને મન આ લગ્નનું સાચું નિરૂપણ નથી. જે હો તે આ ફુવારો મુલાકાતીઓને આકર્ષે છે એ વાત નક્કી.
શહેરના બીજા પ્રખ્યાત ચર્ચમાં આવે છે 8મી સદીમાં થઇ ગયેલા પાદરી ને શહેરના પેટ્રોન સંત સેબલ્ડસના નામથી મશહૂર એવું સેન્ટ સેબસલદસ ચર્ચ જે અહીંનું જૂનામાં જૂના ચર્ચમાંનું એક છે ને બીજું તે સેન્ટ લોરેન્ઝ ચર્ચ.
આ સેન્ટ લોરેન્ઝ ચર્ચ કેથલિક ચર્ચ હતું પણ એની કાળજી શહેરના ધનાઢ્ય પ્રોટેસ્ટન્ટ લોકો લેતા હતા ને પોતાના પૂર્વજોની યાદગીરી રૂપ અહીંનો કલા ખજાનો તેઓએ બીજી જગ્યાએ ખસેડ્યો નહિ. કેવી ઉમદા ભાવના!
બીજે દિવસે રાબેતા મુજબ જલ્દી ઉઠી ગયા. તૈયાર થઈને હોટેલની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ઉપડ્યા. હોટેલમાં હતા એટલે નાસ્તો બનાવવાની માથાકૂટ ન હતી ને નાસ્તામાં વૈવિધ્ય પણ સારું મળતું. અહીં દાબીને નાસ્તો કર્યો જેથી બપોરે ભોજન માટે વાર લાગે તો વાંધો ન આવે.
પહેલું કામ નેશનલ મ્યુઝિયમ જોવાનું નક્કી કર્યું. એ પણ ચાલીને જવાય એવું હતું માત્ર છ મિનિટમાં ત્યાં પહોંચી જવાય. બે રસ્તેથી ત્યાં પહોંચાય તેમ હતું ને બંનેનું અંતર સરખું હતું. અમે વાયા કોર્ન માર્કેટના રસ્તેથી ગયા.
અમે ત્યાં એક શ્વેત સ્થાપત્ય જોયું ને હારબંધ શ્વેત સ્તંભો જોયા જે ગલીના નાકા સુધી વિસ્તરેલા હતા. અમે અચંબામાં પડી ગયા કે આ શું હતું? કેવી રીતે એનો ઇતિહાસ જાણવો? લોન્લી પ્લેનેટ વહારે આવ્યું. ખબર પડી કે એ ‘વે ઓફ હ્યુમન રાઇટ્સ‘ નામનું સ્મારક હતું જે ઈઝરાઈલના શિલ્પી દાની કારાવાને સર્જેલું.

સન 1988માં કારઠુસીએન એલીમાં મુકવા મ્યુઝિયમે યોજેલી ડિઝાઇન સ્પર્ધામાં જર્મન નેશનલ મ્યુઝિયમના બાર જ્યુરી સદસ્યોએ દાનીની ડિઝાઇન પસંદ કરી.
એક દરવાજો ને થોડા થોડા અંતરે 27 શ્વેત સિમેન્ટના સ્તંભો, બે જમીનમાં ધરબાયેલા જેનો ઉપરનો ગોળાકાર જ દેખાય અને એક ઓક વૃક્ષનો સ્તંભ. પ્રત્યેક સ્તંભ પર યુનિવર્સલ ડેક્લેરેશન ઑફ હ્યુમન રાઇટ્સની એક એક કલમો. એક જર્મનમાં ને એક અન્ય ભાષામાં.
શહેર પોતાની ઓળખ ‘સિટી ઓફ નાઝી રેલીસ‘ને મિટાવી ‘સિટી ઓફ પીસ એન્ડ હ્યુમન રાઈટ્સમાં રૂપાંતરિત કરવા માગતું હતું. આને માટે એને ‘યુનેસ્કો પ્રાઈઝ ફોર હ્યુમન રાઇટ્સ એડ્યુકેશન‘ મળ્યું. દર બે વર્ષે ‘ન્યૂરેમ્બર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવૉર્ડ‘ અપાય છે.

(ક્રમશ:)