આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૫ ~ “દાદા પર આરોહણ…!” : ~ મૂળ અંગ્રેજી કાવ્યઃ ‘ક્લાઈમ્બિગ માય ગ્રાન્ડફાધર’ ~ મૂળ કવિઃ એન્ડ્રુ વોટરહાઉસ ~ ભાવાનુવાદ અને આસ્વાદ: ઉદયન ઠક્કર
દાદા પર આરોહણ
સિતાંશુ યશશ્ચન્દ્રે ‘દીકરાને’ સંબોધીને, એક કાવ્ય લખ્યું છે, બે ભાગમાં. પહેલા ભાગનું શીર્ષક છે, ‘પહાડ: ગઈ કાલે.’
તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.
બાળકને આજુબાજુનાં સૌ વિરાટ ભાસે, પિતા તો ખાસ. કોમળ માતાની સરખામણીમાં પિતા કઠોર લાગે. પોતાની દુર્ગમતા વિગતે વર્ણવતાં સંકોચ થતો હોય તેમ કવિ કહે છે, ‘કેટલીક બીજી તકલીફોવાળો.’ પહાડ છે, તો સાથે કેડી પણ છે. અવરોધ છે, તો સાથે ઓળંગવાનું આમંત્રણ પણ છે.
કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.
પિતા દીકરાને સશક્ત કરે, પોતાનાથી સવાયો કરે. આ શબ્દો ફરી વાંચો- ‘કરાડો, તરાડો, ફટકાવી, પંજા, કડિયાળી, કૌવતભર્યાં, બાવડાં, જાંઘ.’ પિતા વીરત્વના પાઠ પઢાવે છે, દુનિયાદારીના દાવપેચ શિખવાડે છે. પંક્તિને અંતે આવતો શબ્દ ભાવકનું વિશેષ ધ્યાન ખેંચે, માટે પુરુષત્વ-સૂચક શબ્દ ‘જાંઘ’ હેતુપૂર્વક છેલ્લે મુકાયો છે.
એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.
પહાડમાં કરડી કરાડની સાથોસાથ મનભાવન વન પણ છે, ફળ-માંસ-મધનાં રસબસતાં ભોજન પણ છે. પિતા દીકરાની સામે જીવન આખું ધરી દે છે, કોઈ નિષેધ વગર. ફળ હાથવેંતમાં છે, અને વેગીલાં પ્રાણી ફાળ ભરતાંવેંતમાં છે. મધનો ચટકો લાગ્યો હોય તો માખીનો ચટકો સહ્યે જ છૂટકો. ઉપરની પાંચ પંક્તિઓ જાણે કવિએ દીકરાના લાભાર્થે કરેલા વસિયતનામાનો પરિચ્છેદ છે.
પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીનમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ–હૂંફાળી તારી સોનેરી નજરથી……
પહાડના ચરણે બેસી રહેવાનું નથી, તેને ચઢવાનો છે, તેની ઊંચાઈની બરોબરી કરવાની છે. તેને ઉવેખવાનો નહિ પણ ઓળખવાનો છે. તેને ઓળંગીને આગળ જવાનું છે. પહેલાં દીકરો પિતાને ઓળખે, પછી પિતા દીકરા વડે ઓળખાય. દીકરાનો મુકામ આઘે છે- પિતાથી અલગ, ચડિયાતો, લાંબો પ્રવાસ કર્યા પછી જ પહોંચાય તેવો. એની જમીન બાપીકી નહિ પણ સુવાંગ પોતે મેળવેલી છે. ‘પહોંચેલો’ એટલે ઘડાયેલો અને લક્ષ્ય સિદ્ધ કરી ચૂકેલો. દીકરો આગળ વધતો જાય તેમ તેને મન પિતાનું મહત્ત્વ ઘટતું જાય- દૂરથી પહાડ નાનો લાગે. પિતાની વૃદ્ધ આંખો ધૂંધળી બનતી જાય, જાણે ધુમ્મસથી છવાતો જતો પહાડ. પિતાનું રક્ત પણ ટાઢું પડતું જાય. કવિ દીકરાને પાછા વળવાની વિનંતી કરતા નથી, બસ હૂંફાળી નજરે અડકવાનું સૂચન કરે છે, તેય અટક્યા વિના! ‘વધતું જતું અંતર’- ભૌગોલિક અને માનસિક. દીકરો આગળ નીકળી જાય પછી એને પાછળનાં પહાડ અને ગિરિમાળા (પિતા અને પૂર્વજો) નાનાં લાગે.
ઝાંખા થતા જતા પિતા, પુત્રની સોનેરી નજરના સ્પર્શે ફરી ઝળહળવા માગે છે.
આ સંદર્ભે એન્ડ્રુ વોટરહાઉસનું કાવ્ય જોઈએ;
‘દાદા પર આરોહણ.’ ~ મૂળ કવિઃ એન્ડ્રુ વોટરહાઉસ ~ અનુવાદઃ ઉદયન ઠક્કર
“રસ્સી કે જાળી વિના હું ચડું
એમના ધૂળિયા, જૂનાખખ જોડા પરથી
ભાંખોડિયાં ભરતો, પાટલૂનના
વણાટને આધારે સરકતો,
ઝૂલતા ખમીસથી ફંટાતો,
કમરપટ્ટા ફરતે થઈને જેમતેમ આવું
મટિયાળી હથેળી પર, જ્યાં ટેકો મળે એમના
તરડાયેલા નખનો.
હાથ પરના જૂના ઘાની કરકરી ધાર પર
હળવેકથી પગ ગોઠવી આગળ વધું,
દ્રઢ ખભા પર પોરો ખાઉં,
નીચે જોવાનું ટાળું.
(આરોહણમાં જોખમો તો હોય છે)
ડોકની સુંવાળી ત્વચા વટાવીને
હસતા હોઠે પીણું લઉં.
તાજો થઈ કપોલની સપાટી ઓળંગી
એમની બદામી કીકીમાં તાકી રહું.
ભાલ પ્રદેશની કરચલી ઓળંગીને પહોંચું
એમના કેશમાં.
(જે પોચા અને ધોળા હોય, આટલી ઊંચાઈએ હોવાથી)
શિખરે આવીને, હાંફતો, ચત્તોપાટ પડી રહું,
પંખીઓને અને વાદળોને જોતો,
ઉષ્મા અનુભવું
એમના હ્રદયના ધીરા ધબકારની.
-ઉદયન ઠક્કર
નોંધઃ નીચે મૂળ અંગ્રેજી કાવ્ય પણ મૂક્યું છે. અનુવાદ કરતી વખતે બેઉ ભાષા માટે કેટલી સજાગતા, સતર્કતા અને સક્ષમતાને સંવેદનાપૂર્ણ પણ સંયમિત રહીને જાળવવી પડે છે, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કવિશ્રી ઉદયન ઠક્કરે કરેલો આ અનુવાદ છે. કવિશ્રી ઉદયનભાઈએ એટલો અદ્ભૂત અનુવાદ કર્યો છે કે મૂળ કાવ્યના ભાવને ક્યાંય રસક્ષતિ નથી પહોંચતી પરંતુ અનુવાદ એટલો સુભગ થયો છે કે દરેક શબ્દ એક અનોખું ચિત્ર આંખ સામે ઊભું કરવામાં સુપેરે સફળ થાય છે
મૂળ કાવ્યઃ “Climbing my Grandfather” ~ Andrew Waterhouse

I decide to do it for free, without a rope or net.
First, the old brogues, dusty and cracked;
an easy scramble onto his trousers,
pushing into the weave, trying to get a grip.
By the overhanging shirt, I change
direction, traverse along his belt
to an earth-stained hand.
The nails are splintered and give good purchase,
the skin of his finger is smooth and thick
like warm ice.
On his arm I discover the glassy ridge of a scar, place my feet
gently in the old stitches and move on.
At his still-firm shoulder, I rest for a while
in the shade, not looking down,
for climbing has its dangers, then pull
myself up the loose skin of his neck
to a smiling mouth to drink among teeth.
Refreshed, I cross the screed cheek,
to stare into his brown eyes, watch a pupil
slowly open and close.
Then up over the forehead, the wrinkles well-spaced
and easy, to his thick hair (soft and white
at this altitude), reaching for the summit,
where gasping for breath I can only lie
watching clouds and birds circle,
feeling his heat, knowing
the slow pulse of his good heart.
(આ કવિતામાં કવિ તેના દાદા સાથેના સંબંધની શોધ રોક-ક્લાઇમ્બિંગના વિસ્તૃત રૂપક દ્વારા કરે છે, જેમાં સ્પષ્ટપણે માયાળુ અને સહિષ્ણુ, વૃદ્ધ માણસને એક કઠોર પર્વત તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
કવિ આ રૂપકનો ઉપયોગ હળવા હૃદયની રમૂજથી અનેક વિષયોનું અન્વેષણ કરવા માટે કરે છે; કૌટુંબિક સંબંધ, જીવન-પડકારો, બાળપણની યાદો, નોસ્ટાલ્જિયા.
એક રીતે તો આ કવિતા એ સત્તાવીસ પંક્તિઓની એક જ પંક્તિ છે. કવિ તેના દાદાનો ‘તે’ તરીકે ઉલ્લેખ કરે છે. કાવ્ય વાંચતાં એવું લાગે છે કે મુક્ત, કાવ્ય પંક્તિઓ સરળતાથી વહે છે. ત્યાં કોઈ કવિતા યોજના નથી.
એક પુખ્તવયનો કવિ તેના બાળપણ અને તેના દાદા સાથેના તેના સંબંધો તરફ નજર ફેરવીને એ ક્ષણોને ફરી જીવી લે છે.
કવિ તેના દાદાના વિસ્તૃત રૂપકનો પર્વત તરીકે ઉપયોગ કરે છે, જેમાં પર્વતારોહણની તકનીકી વિગતોના શબ્દકોષીય ક્ષેત્રને ટાંકવામાં આવે છે, જેમ કે; ‘કાચ જેવી ટેકરી’ માટે વાટાઘાટ કરવી વગેરે, પરંતુ તેના દાદાના કપડાં અને શરીરનાં વર્ણનોમાં વણાટ. કવિ વિવિધ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરે છે.)
અહીં આપેલી લિંક વડે આ મૂળ કવિતાનું પઠન સાંભળી શકાશે.