હરિવરની હાલાકી ~ ડૉ. નારદી જગદીશચંદ્ર પારેખ ‘નંદી’ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૮

ઓળખ્યો મને? ક્યાંથી ઓળખશો? રામજન્મમાં પોતાનાં પીંછાં ખેરવી મારી સીતાની તરસ બુઝાવવા મોરે જળાશયનો માર્ગ બતાવ્યો હતો, તેના ઋણ સ્વીકારસમું મોરપીંછ માથા પર ને મારે કાજ અંગે અંગે વિંધાયેલી મોરલી, એ બંને ટ્રેડમાર્ક મારી સાથે નથી ને!

ચાલો હવે તો ખ્યાલ આવી જ ગયો હશે નહીં? જોઉં છું અહીં કેટલાયનાં મોઢાં આશ્ચર્યથી ખુલ્લાં રહી ગયાં છે કે જેને આપણે રાત-દિવસ પ્રાર્થના કરીએ છીએ તે કૃષ્ણ આપણી સમક્ષ!

હા હું એ જ છું જેની પાસે તમે બધાં તમારું દુઃખ હળવું કરવા, તમારાં દુઃખનાં રોદણાં રડવા કેટલીય વાર મારી પાસે આવો છો! અરે પોતાના સ્વાર્થ માટે કેટલાં કાલાંવાલાં કરો છો નહીં? વળી કરોડોના ફાયદા માટે હજારોની લાલચ આપો છો. તમારા કંઈક કેટલાંય કામ કરવા માટે એકાદું નારિયેળ કે 11 રૂપિયાની માનતા માની, મારા પર જબરજસ્તી કરો છો.

તમને શું હું લાલચુ લાગું છું? તમારી ભક્તિનું પ્રદર્શન કરવા મારી ઇચ્છા હોય કે ન હોય, જાતજાતના શણગાર લાદી દો છો! પછી ભલે ને મને ગરમીમાં અકળામણ થતી હોય!

મને ભૂખ હોય કે ન હોય ૫૬ ભોગ ધરાવો અને મારા મંદિરની બહાર ભૂખ્યા લોકો ટળવળતા હોય, વિશ્વમાં ક્યાંય ને ક્યાંય ભૂખમરો ચાલતો હોય તેમાંય હમણાં તો હદ થઈ ગઈ! એક મંદિરમાં 3,000 વાનગીઓનો અન્નકૂટ ધરાયો, પણ મારે ગળે કેવી રીતે ઊતરે? જ્યારે ચારે કોર મને ભૂખની ભુતાવળથી ફફડતા જીવો દેખાય!

આ બધું તો હું યુગોથી ભોગવતો આવ્યો છું, મારે ત્યાં શી ખોટ છે? કપડાં, ઘરેણા ને અન્નના ભંડાર ભર્યા છે, મને ખોટ છે હૂંફાળા હૈયાની, ભાવનાભર્યા મનની કે જ્યાં હું મારું હૈયું ઠાલવી શકું! તમારા સૌનું દુઃખ હું સાંભળું છું, પરંતુ મારું કોણ સાંભળશે?

ભલું થાય આ આયોજકોનું કે જેમણે મને મારા મનની વાત કહેવા આટલી સુંદર તક આપી! બસ આજે તો તમારી સમક્ષ મારું હૈયું હળવું કરીને જ રહીશ!

એક નાના બાળક માટે જન્મતાં જ માતપિતાથી વીખૂટું પડવાથી મોટું કયું દુઃખ હોઈ શકે? તમે સૌ જાણો છો મેં જન્મતાની સાથે આ દુઃખ ભોગવ્યું હતું. જોકે વહાલસોયાં જશોદામૈયા ને નંદબાબાએ તો મને પ્રેમ અને લાડથી નવડાવી દીધો હતો, પરંતુ માત્ર છ દિવસનો થયો અને પહેલી પૂતના માસી જીવ લેવા આવી.

ત્યાર બાદ પણ અઘાસુર, બકાસુર, શકટાસુર ન જાણે કેટલાય અસુર પેલા કંસના કારણે મારો જીવ લેવા પાછળ પડ્યા હતા તે બધાને તો હું પહોંચી વળ્યો, પણ ઈશ્વર બનીને બાળલીલા માણવામાં મારી સાથે એક કૉમેડી પણ થઈ હતી જાણો છો?

મારા નામકરણમાં ગર્ગ ઋષિ પૂજાપાઠ કરી ભોગ માટે મારું ધ્યાન ધરી આવાહન કરે, મારે ગયા વગર છૂટકો હતો? આંખ ખૂલતાં જેવો મને જુએ કે આ બાળક મારા ધરેલા ભોગને કેમ અડે? આવું એક બે નહીં ત્રણ ચાર વાર થયું.

માતાએ ધમકાવ્યો, ઋષિવરે ગુસ્સો કર્યો, પરંતુ મને કોઈ પ્રેમથી પોકારે તો ગયા વગર રહેવાય નહીં! છેવટે ઋષિએ ધ્યાન ધરી જાણવા કોશિશ કરી ત્યારે સત્ય સમજાયું! આંગણામાં બેસી માટી તો ખાધી, પણ માતાએ ધમકાવી મોઢું ખોલી માટી કાઢવા પ્રયત્ન કર્યો, પણ તે માટી એ તો સારું બ્રહ્માંડ છે જે મારા મુખમાં દેખાઈ ગયું!

માતા ક્યાંક મારા ઈશ્વરીય સ્વરૂપને ભાળી મને લાડ લડાવવાનું છોડી ન દે એ ખ્યાલ આવતાં જ મારે ફરી તેને વિસ્મરણ કરાવવું પડ્યું! અરે મારા ગોપમિત્રોને ઘરમાં ગાયો હોવા છતાં દૂધ અને માખણ વિના છાશ સાથે રોટલા ખાતા જોઈ મારે મટકીફોડ ને માખણચોરનું બિરુદ લેવું પડ્યું! મિત્રોનું ભલું ઇચ્છવું એ કંઈ ગુનો થોડો છે?

સૌથી મોટું દુઃખ આ મારું પ્રેમથી છલોછલ બાળપણ છોડી કંસના આમંત્રણ પર મથુરા પ્રયાણ કરવાનું હતું. ત્યાં તેના અહમનો તેજોવધ કરી, તેને સ્વધામ પહોંચાડ્યો ત્યારે હું મારાં માતપિતાને પામી શક્યો, પણ હું તો માનવ અવતારમાં હતો ને?

મારે મારી ઉંમર પ્રમાણે કર્મ સાથે અવતારકાર્ય બંને કરતાં રહેવાનું હતું. સાંદિપનીના આશ્રમમાં સુદામા સરીખો મિત્ર મળ્યો, જેને માટે જંગલમાંથી કાષ્ટ લઈને પાછા આવતા મિત્રદાવે તેને કદી ભારો ઊંચકવા ન દેતો, પરંતુ જેવો આશ્રમ આવે કે ભારી તેના માથે મૂકતો ને ગુરુમાનો ઠપકો સાંભળવો પડતો!

‘હટ્ટોકટ્ટો થઈને આ દુબળા-પાતળા બ્રાહ્મણ પાસે તું ભારો ઊંચકાવે છે?’ મિત્રપ્રેમ કોને કહેવાય, સાંભળી લેતો! મથુરા પાછો ફર્યો ત્યાં તો કંસને મારીને જેની બે પુત્રીઓને વિધવા કરી હતી તે જરાસંધ મારી રાહ જોઈને જ બેઠો હતો! ૧૬ વાર ચડાઈ કરીને મને મારવા આવ્યો પણ મારે તો મથુરાવાસીઓનું વિચારવાનું ને? તેમને ખાતર રણછોડનું બિરુદ લઈ લીધું!

ત્યાર બાદ તો બધી વાર્તા તમે જાણો છો સુભદ્રાને અર્જુન સાથે ભગાવી, પાંડવોનો સાથ આપ્યો, અર્જુનને ગીતા સંભળાવી ને કુરુક્ષેત્રના મેદાનમાં કંઈકના રક્તપાત જોયા! મારા યાદવકુળનો સર્વનાશ જોયો, છેવટે વાલીનો શ્રાપ માથે ચડાવી ઝેરી બાણથી ઘાયલ થઈ સ્વધામ ગયો!

મારા સ્વધામ ગયા બાદ આ કળિયુગ શરૂ થયો ને ત્યારથી જ હું અંદર ને અંદર બળતો આવ્યો છું. આ ચારેકોર અંધાધૂંધી દેખાય, માનવીની સત્તાની લાલસા, ભૂમિવિસ્તરણની ભૂખ ચારેકોર વિનાશ વેરી માનવતાને કોરે મેલે છે. બળિયાના બે ભાગની જેમ ચારેકોર તેમની હાક વાગે છે! ને ‘સમરથ કો નહિ દોષ ગુંસાઈ’ને સાર્થક કરતાં, કાયદાની ઐસીતૈસી કરી ન્યાયને તો ઘોળીને પી જાય છે! જ્યાં નજર કરો ત્યાં ગુંડાગીરી ને ભ્રષ્ટાચાર દેખાય છે!

હા હજી કો’ક ખૂણે માનવતાનાં ઝરણાં ને કરુણાની નદીઓ વહેતી દેખાય છે જે થોડી ઠંડક આપી જાય છે, પરંતુ ચારે કોર ભડભડતા વાસનાના ભડકા ને ભ્રષ્ટાચારના ભોરિંગના ફૂંફાડા એ ઝરણા ને નદીઓને સુકાવી દે છે. મારું હૈયું કોરુંધાકોર બની જાય છે ને આંખો સજળ!

ભૂખ્યાં બાળકોનો ટળવળાટ, લાચાર નારીની ચીસો, દર્દીઓના મસીહાની દરીંદગી, શિક્ષણ જેવા આદર્શ ક્ષેત્રનો વેપાર, માનવતાને કોરાણે મેલી નાનીશી બાબતમાં થતી ખૂનામરકી ને ચારેકોર વ્યાપેલ સ્વાર્થનું સામ્રાજ્ય મારા હૈયાને હલબલાવી જાય છે, મારા અંતરને રડાવી જાય છે! મારું આ દુઃખ કોને કહેવું?

એક પિતાની સામે તેનાં બાળકો હેરાનપરેશાન જીવતાં હોય, ઇચ્છા છતાં પણ મદદ ન કરી શકે કેટલા દુઃખની વાત નહીં? કારણ હું પણ કાયદાથી બંધાયેલો છું! જે પૂર્ણ સમર્પણથી ને ભક્તિભાવથી મારી તરફ આવે અને માગે તેને પણ તે ઇચ્છે તો જો તેના કર્મ પ્રમાણે તેના ભાગ્યમાં ન હોય તો આપતાં વિચાર કરવો પડે છતાં પણ કેટલી એ કસોટી જેવી કે..

ભૂખે મારું, ભોંય સુવાડું, ઉતારું તનની ખાલ પછી હું કરું ન્યાલ!

હવે આ લાલચુ, સ્વાર્થી, હવસખોર અને ભ્રષ્ટાચારીઓ પાસેથી તો આવા ભક્તિ અને સમર્પણની અપેક્ષા કેવી રીતે રખાય? પરંતુ તેમને શિક્ષા કેવી રીતે અપાય તે નથી સમજાતું! બળિયાને પોતાના સ્વાર્થ ખાતર કે ડરીને સાથ આપનારા વધુ છે ને તેની સામે અવાજ ઉઠાવનારા ઓછા છે.

સૌને મૃત્યુનો ને જુલમનો ડર તો હોય ને? પરંતુ જો બધા જ ડરીને જીવશો તો હું આવું ત્યાં સુધી તમે આવી રીતે ફફડીને જ જીવતા રહેશો? તમને ભૂખ લાગે તો તમારે જ ખાવું પડે છે ને? તો તમારા જ રક્ષણ ખાતર, તમારા જ ભલા ખાતર જો તમે જ અવાજ નહીં ઉઠાવો, તમે જાગૃત નહીં રહો તો હું તમને સાથ કઈ રીતે આપીશ?

મને ધરતીકંપ, યુદ્ધ, પૂર, વાવાઝોડા જેવા વિનાશ વેરી આનંદ થોડો મળે છે? પરંતુ મને પ્રલય કરવા મજબૂર શા માટે કરો છો? શા માટે તમે તમારા હિત માટે નથી લડતા? તે કહેવા જ મેં મારું આટલું દુઃખ કહ્યું કે તમારા હૃદયમાં જો ક્યાંક મારા માટે થોડો ઘણો પણ ભાવ હોય તો, જ્યાં અન્યાય દેખાય ત્યાં અવાજ ઉઠાવો. જ્યાં સત્ય દેખાય ત્યાં સાથ આપો અને કૃષ્ણ બની ચીર ભલે ન પૂરી શકો, પરંતુ તેના વીડિયો ઉતારી તેના મૂક પ્રેક્ષક ન બનો!

તમારામાં માનવતાનો દીપ પ્રજ્વલિત કરી સત્કર્મ દ્વારા મારી આરતી ઉતારી તમારું ભાવભર્યું મન મને ધરશો તો હું વધુ પ્રસન્ન થઈશ.

બસ આયોજકોએ મને જે તક આપી છે તે તકનો લાભ ઉઠાવી તમને આટલું જ કહેવા આવ્યો હતો…

ડૉ. નારદી જગદીશચંદ્ર પારેખ ‘નંદી’

nardi.parekh52@gmail.com
 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.