દ્રૌપદી (એકોક્તિ) ~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૬

ચીરહરણ દૃશ્ય

(કોઈ ખેંચીને લાવી રહ્યું હોય એ રીતે પરાણે ચાલતાં પ્રવેશ….  એકદમ મોટા અવાજે બૂમ પાડીને બોલતાં)

“અરે, ઓ મૂર્ખ દુર્યોધન! હું તો યજ્ઞમાંથી જન્મેલી યાજ્ઞસેની છું, યાજ્ઞસેની. અગ્નિને બાંધી ના શકાય, એ મને સ્વીકાર્ય નથી. હું કોઈ દાસી નથી. તમારી ચોકઠ પર પડેલી કોઈ વસ્તુ નથી, જેને મન ફાવે ત્યારે તમે ઉઠાવીને ગમે ત્યાં ફેંકી શકો.”

(સંવેદનાત્મક સૂરમાં) ‘મહારાજ! હું કુરુવંશની કુળવધૂ છું. કુરુરાષ્ટ્રની પ્રતિષ્ઠા છું. તમારા અનુજની પુત્રવધૂ છું. હસ્તિનાપુરની લક્ષ્મી બનીને મેં આ નગરમાં પ્રવેશ કરેલો છે અને મને આજે આ પ્રકારે સભામાં લાવી રહ્યા છે? શા માટે? મહારાજ! શા માટે? શું આ કુરુવંશના રીત-રિવાજ છે?’

(થોડું એક બાજુ ચાલીને વેદનાસભર અવાજે) ‘પિતામહ! તમે તો હસ્તિનાપુરની પ્રતિષ્ઠાના રક્ષક છો. તમે તો મા ગંગાના પુત્ર છો. તે તો પતિતને પાવન કરનારી છે.

(થોડા ઊંચા સૂરે) તો પછી તમારી નજર સામે આ પાપને થતાં તમે કેવી રીતે જોઈ શકો છો? પિતામહ! કેવી રીતે? બોલો, જવાબ આપો મને પિતામહ! શું અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન આપવાની સાથે લાજ-શરમ ને મર્યાદાની શિક્ષા આપવાનું તમે ભૂલી ગયા હતા? હસ્તિનાપુરના સમ્માનનો અંત થતાં તમે કેવી રીતે જોઈ શકો છો??’

(થોડું વચ્ચે જોઈને, થોડા ઊંચા ને દુઃખી અવાજે) ‘તમારા મનની આંખોથી જુઓ મહારાજ! તમારા પુત્રો કેવી રીતે મર્યાદાનો ભંગ કરી રહ્યા છે. આ ધર્મસભાને કેવું લાંછન લગાવી રહ્યા છે! આ તમે કેવી રીતે સહન કરી શકો છો? મહારાજ, કેવી રીતે??’

(બીજી દિશામાં થોડું ચાલીને ગુસ્સાથી બૂમ પાડીને) ‘અરે ઓ શૂરવીર પાંડવો! તમે બધા મને કેવી રીતે હારી ગયા? કયા અધિકારથી? કોની આજ્ઞાથી? હું તમારા પાંચેયમાંથી કોઈ એકની પત્ની નથી, તમારા પાંચેયની પત્ની છું, પાંચાલી છું હું.

(થોડા દુઃખી ધીમા અવાજે) ‘આર્યપુત્ર! તમારા પરિવારના સુખ માટે, તમે પાંચ ભાઈઓમાંથી કોઈ ચારને સંન્યાસ ના લેવો પડે એ માટે મેં મારું સમગ્ર જીવન તમારા બધા પર કુરબાન કરી દીધું અને તેના બદલામાં મને આવું ઘોર અપમાન મળી રહ્યું છે? શા માટે? બોલો શા માટે??’

(થોડુંક બીજી બાજુ ફરીને વેદનાસભર અવાજમાં) ‘ગુરુ દ્રોણ, યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણને દાવ પર લગાવવાની સાથે એક સ્ત્રીના માન-સમ્માનને પણ દાવ પર લગાવવાનું તમે શિખવાડ્યું છે?? બોલો જવાબ આપો!

(એ જ દિશામાં થોડું આગળ ચાલીને એ જ અવાજમાં) ‘ગુરુ કૃપાચાર્ય, તમે તો નીતિના મહાન જ્ઞાતા છો. તો આ સમયે તમારી નીતિનો અંત કેમ આવી ગયો??’

(હવે સેન્ટરમાં ઊભા રહીને ઊંચા અવાજમાં) ‘તમારા મનની આંખોથી જુઓ મહારાજ! તમે ચૂપ કેવી રીતે રહી શકો છો મહારાજ!’

‘હું દાસી કેવી રીતે બની ગઈ? હજી સુધી ધર્મરાજ યુધિષ્ઠિરે મારા આ પ્રશ્નનો ઉત્તર મને આપ્યો જ નથી. જ્યારે એ પોતે જ દ્યુતમાં હારી ગયા હતા, તો પછી એમને મને હારવાનો અધિકાર કોણે આપ્યો? કહેવાય છે કે કુરુધ્વજની નીચે ધર્મ શ્વાસ લે છે. તો આજે એ જ ધ્વજને હું પૂછું છું કે શું આ જ ધર્મ છે કે જુગારમાં ખુદને હારી ગયેલો જુગારી પોતાની પત્નીને હારી જાય? શું આ જ ધર્મ છે?’

(થોડા ઊંચા ગુસ્સાવાળા ઉપદેશાત્મક સૂરમાં) ‘આર્યાવર્તના મહાન શૂરવીર પાંડવો! તમે બધા મને કેવી રીતે હારી ગયા? પોતાની પત્નીને કેવી રીતે હારી ગયા? કોની આજ્ઞાથી? કોની હિંમતથી? કોના અધિકારથી? શું તમે ભૂલી ગયા કે હું તમારા પાંચેયની પત્ની છું. એ રીતે તમારા સૌના અર્ધા અંગ પર મારો અધિકાર છે.

માન્યું કે તમે પાંચેય ભાઈઓ છો, પણ એક પત્નીનો અધિકાર ભાઈઓના અધિકારથી હંમેશા વિશેષ હોય છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારજનો દુઃખી થાય છે, પણ વિધવા, વિધવા તો માત્ર તેની પત્ની જ થાય છે. પત્ની માત્ર પરિવારજન નહીં, પરંતુ પરિવારને આગળ વધારનારી જનની છે. એક જનનીને તમે કેવી રીતે હારી ગયા??

(આક્રમક અવાજે વચ્ચોવચ ઊભા રહીને) ‘શું ધર્મરાજ યુધિષ્ઠિરે મને દાવ પર લગાવતાં પહેલાં તમારી ચારેયની અનુમતિ લીધી હતી? શું તમે ચારેય અનુજોએ અનુમતિ આપી હતી? અગર નહિ, તો પછી કેવી રીતે? કેવી રીતે મને દાવ પર લગાવવામાં આવી? હું કેવી રીતે દાસી બની ગઈ?

શું ધર્મરાજના ધર્મના ભાલાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હતી? કે પછી મહાબલી ભીમની ગદા એટલી વજનદાર થઈ ગઈ હતી કે તે ઉઠાવી જ ના શક્યા! શું મહા ધનુર્ધારી અર્જુન પોતાનું ગાંડીવ ચલાવવાનું ભૂલી ગયા હતા? શું નકુલ-સહદેવ પણ અસમર્થ હતા? તો પછી આ અપમાન બધાએ થવા કેમ દીધું?’

‘કેમ મૌન છે આ સભા? શું હજી પણ કોઈને પોતાના ધર્મ પર સંદેહ નથી? આ સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે મને, પરંતુ બધાને હું એક જ પ્રશ્ન પૂછવા માગું છું કે, જે સ્ત્રીની સાથે અગ્નિની સાક્ષીએ તમે સપ્તપદીના ફેરા ફર્યા છો એ સ્ત્રીને શું કોઈ વસ્તુ માની લીધી છે તમે?

શું સ્ત્રી એક વસ્તુ છે કે જ્યારે મન થાય ત્યારે દાવ પર લગાવાય અને જીતી લેવાય? શું સ્ત્રીનું માન-સમ્માન કોઈ રમકડું છે કે જ્યારે મન થાય ત્યારે શણગારો અને જ્યારે મન થાય ત્યારે પગ નીચે કચડી નાખો? શું સ્ત્રીનું મન પુરુષોની ઇચ્છા પ્રમાણે ચાલતું દાસ છે? શું પોતાને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે ધર્મ, પુરુષોને એક સ્ત્રીનું અપમાન કરવાની આજ્ઞા આપે છે? શું ધર્મ પોતે જ એક સ્ત્રીના અપમાનનું કારણ છે?

‘રાજમાતા કુંતી, મહારાણી ગાંધારી, તમને જો સુરક્ષિત રહેવું હોય તો આ સભાનો ત્યાગ કરીને હમણાં જ જતાં રહો, આજે આ આખી સભા ડૂબી જવાની છે. હું હવે તમારી પુત્રવધૂ નથી, તમારા પુત્રોની પત્ની નથી, હવે હું પતિ વગરની, નામ વગરની, વંશ વગરની છું.

હું મનુષ્ય નહિ, પણ મૃત્યુ છું. આ ધર્મસભામાં ઉપસ્થિત દરેક મનુષ્યની મૃત્યુ છું હું. એટલું યાદ રાખજો બધા ધર્મજ્ઞાનીઓ, કે દુર્યોધનને એનાં પાપોની સજા અવશ્ય મળશે, આ શ્રાપ છે મારો, પણ એ પહેલાં આ સભામાં ઉપસ્થિત દરેકને પોતાના મૌનની સજા મળશે. આ શ્રાપ છે, યાજ્ઞસેનીનો શ્રાપ.

(ગુસ્સામાં) ‘તમે પાંચેયે ભલે પોતાનું દાસપણું સ્વીકારી લીધું હોય, પણ યાજ્ઞસેની દ્રૌપદી હજી પણ ખુદને સ્વતંત્ર જ માને છે. અરે! સંસારની કોઈ પણ તાકાત મને દાસી નહીં બનાવી શકે. હું યજ્ઞની અગ્નિથી જન્મેલી યાજ્ઞસેની છું દુર્યોધન! અને અગ્નિને ક્યારેય પણ બાંધી ના શકાય.

(બંને હાથ જોડીને પ્રાર્થના કરતાં કરતાં) ‘જે જગતમાં સર્વની રક્ષા કરે છે હવે એ જ મારી મદદે આવશે. જે સંસારમાં સર્વના તારણહાર છે, એ હવે દ્રૌપદીની રક્ષા કરવા પોતે જ આવશે. હે શ્રીકૃષ્ણ! સહાય શ્રીકૃષ્ણ.’

લેખિકા: નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’

niralirashminshah@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment