ચોપાટ (એકોક્તિ) ~ કામિની મહેતા ~ એકોક્તિ સ્પર્ધામાં આવેલી કૃતિ-૩
મારા આ ચટાપટાવાળા વેશને જોઈ તમને નવાઈ લાગે છે ને? તે લાગે જ ને, હંમેશાં અપટૂ-ડેટ રહેનારી હું મજબૂરીથી, મારી વહુના પ્રતાપે અહીં ફસાઈ ગઈ છું. આજે હું મારા પતિ અને પુત્ર સાથે આ જેલમાં કેદ છું. નરકથીય બદતર છે આ કારાવાસ. મચ્છર, ગંધાતી ઓરડી, બહાર સૂતેલા જેલરના નસકોરા. ઉફ!! કદી સ્વપ્નેય વિચાર્યું નહોતું કે વગર વાંકે આવી યાતના ભોગવવાની આવશે.
અરે બઈ, સાંજ સુધી તો બધું બરાબર હતું. અમે તો વાળુની તૈયારી કરતાં હતાં ને રાતના આઠ વાગે બેલ વાગી. દરવાજો ખોલ્યો કે સામે પોલીસ.. ‘સુશીલા કામદાર કોણ આહે..?’
‘સાહેબ, હું જ..શું થયું.? અચાનક આમ તમારે ઘરે આવવું પડ્યું!’
‘…અને આ રોસેશ કામદાર અને સુરેશ કામદાર કોણ છે??’
‘મારો દીકરો અને મારા પતિદેવ છે. થયું છે શું સાહેબ?’
‘ડૉમેસ્ટિક વાયોલેંસના જુર્મમાં તમને, તમારા પતિને અને તમારા દીકરા ત્રણેયને ગિરફ્તાર કરવામાં આવે છે.’
હું તો ફાટી આંખે જોઈ રહી… “ડૉમેસ્ટિક વાયોલેંસ!!!”.. એ વળી શું.’
‘ડોમેસ્ટિક વાયોલેંસ નહીં સમજતા ક્યા.?.. ઘરેલુ હિંસા…તુમને તુમ્હારી સૂનબાઇ કો પરેશાન કીયા, ઉસકો મારા, ઉસને તુમ્હારે તીનો કે ખીલાફ કંપ્લેન લિખાયા હે ’ધ પ્રૉટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડૉમેસ્ટિક વાયોલેંસ ઍક્ટ’ કલમ કે તહત તુમકો ગિરફ્તાર કીયા જાતા હે..’
મારું તો માથું ફરી ગયું. એવો ગુસ્સો આવ્યો કે સૂનબાઇ સામે આવે તો ખરેખર એને બતાવું કે ઘરેલુ હિંસા કોને કહેવાય…!!!! અવાજ સાંભળી બા, રોસેશ, એના પપ્પા બધાં બહાર આવી ગયાં. ‘શું થયું?’
‘આ તમારી લાડકી વહુ ડોલીએ આપણા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. આપણને ગિરફતાર કરવા આવી છે પોલીસ. હજુ ઉપરાણું લો વહુનું..’ બા તો જોરજોરથી રડવા લાગ્યા.. ‘નખ્ખોદ જાય મુંઇનુ..’
‘બા ચૂપ રહો નહિતર તમનેય હાથકડી પહેરાવશે!!’ બા તો સમજી ગયાં, પણ મૂઆ પોલીસ, કોઈ વાતે સમજ્યા નહીં. અમને ત્રણેયને હાથકડી પહેરાવી જીપમાં નાખ્યા. અરે.. આ મારા રોસેશનો શો વાંક છે તે એનેય ધરબ્યો..? એ તો પૂંછડી પટપટાવતો વહુની આગળપાછળ ચાલતો હતો!!
‘આ બધા તારા મરચાંના પ્રતાપ છે.’ સુરેશ ગરમ થયા.. ‘મારા મરચાંના..? મેં શું કર્યું ?’
‘મરચાં તડકે નાખવાનો તને શોખ બહુ હતો ને. લે લેતી જા હવે.’
‘કેમ.. હું એકલી જ ઘરમાં મરચું ખાઉં છું? ને આ વહુનેય તો તમતમતી તીખી રસોઈના ચટાકા છે.’ મનેય મરચાં લાગ્યાં.
મને મારા દિવસો યાદ આવ્યા. પરણીને આવી ત્યારે સત્તર વરસની મુગ્ધ યુવતી હતી. લગ્ન એટલે મારે મન નવાં કપડાં-દાગીના પહેરવાનો મહોત્સવ. બસ સારાં કપડાં-દાગીના પહેરી મહાલવાનું, ને ભાવતી મીઠાઈ ખાવાની. બધા ખૂબ લાડ કરે, એ સિવાય બીજી કાંઈ સમજ નહોતી.. પિયર વાલકેશ્વરમાં ને સાસરું ભુલેશ્વરમાં. ખૂબ સુખ-સાહેબીમાં મોટી થયેલી. પાણી માગું કે દૂધ હાજર. ખાનદાન ખોરડું જોઈ મારા બાપાએ પરણાવી દીધી. પરણાવી તો દીધી. સાસરિયા રહે ચાલીમાં. ઘરના નામે એક રૂમ ને રસોડું. બહાર કૉમન સંડાસ. બાપાએ એવો વિચાર નો કર્યો કે આ છોકરી કેમ રહી શકશે.
પાછું વિદાઈ વેળાએ બાપાએ બાજુ પર બોલાવી કહ્યું હતું… ‘બેટા, સાસરીમાં સમાઈને રહેજે અને જો ન સમાઈ શકે તો સામે ચોપાટીનો દરિયો છે તેમાં સમાઈ જજે. તેનાથી આગળ વધતી નહીં. હસતી-રમતી આવીશ તો તને મારા ઘરમાં આવકાર છે. બાકી તારું ગાણું લઈ મારા ઘરે આવતી નહીં!’
સાંભળી હું તો અવાક થઇ ગઇ! પિયરનું ઘર છોડવાનાં દુઃખ કરતાં બાપાએ કહેલાં વેણનો આઘાત મને વધારે લાગ્યો. એક ઘર હજું મારું થયું નથી, તે પહેલાં બીજા ઘરમાંથી જાકારો મળી ગયો..!!! સાસરિયામાં ગૃહપ્રવેશ થયો નથી ને પિયરના દરવાજા બંધ..!
ધીરે ધીરે સાસરીમાં સમાઈને રહેવાની કોશિશ કરતી રહી. તેજ, આખાબોલી સાસુ, આકરી નણંદ, બટકબોલો અટકચાળો દિયર ને સદાનો સોગિયો.. માવડિયો વર. બધાં વચ્ચે બૅલેંસ રાખવાનું. એમાં પાછા વારેતહેવારે કાકી સાસુ ને ફોઈ સાસુ આવ્યાં જ હોય. માથેથી ઓઢવાનું જરીક ખસે કે ફોઈ સાસુ તરત બોલ્યાં જ હોય. ‘વહુ. જો માથેથી સાડલો ખસી જતો હોય ને તો ખીલ્લા ઠોકો માથામાં.
અને અમારાં બા અત્યારે ભલે ઢીલાં પડ્યાં છે, પણ ત્યારે તો રૂઆબ જોવા જેવો હતો. દસ માણસ વચ્ચે ધધળાવી નાખે. ‘કેમ વહુ, સાંભળ્યું નહીં. સાસુ બોલ્યાં તે?’
ત્યારે કદાચ આ ડૉમેસ્ટિક વાયોલેંસ – ઘરેલુ હિંસાનો કાયદો નહીં બન્યો હોય અને બન્યો હોય તોય કેટલી સ્ત્રીઓ તેનો લાભ લેત એ વાતમાં શંકા છે અને આજે… આજે જૂઓ.. નાનીનાની વાતમાં વહુઆરુ કેસ કરે છે! અરે બઈ… તું વાત તો કર.. તારા પેટમાં દુઃખે છે શું..?
આજની જ વાત કહું તો વાત બસ એટલી હતી કે આજે રવિવાર હતો અને બા સવારથી માથું ખાતાં હતાં. ‘હવે તારી વહુને ઘર પ્રમાણે પલોટવા માંડ. એ પણ આપણાં ઘરની રૂઢી શીખે ને. રોજ તો ઑફિસે જાય છે. બેન રસોડામાં ડોકાતાં નથી. રસોઈ શીખશે ક્યારે? હું કહું તારે તો તારા હાથમાં જ બધી સત્તા રાખવી છે કે કેમ ? બે દિવસથી આ મરચાની ગૂણ આવીને પડી છે, તે આજે એને રજા છે, તે બેઉ મળીને તડકે નાખી દો. એ પણ શીખે ને જરા.’
તે મેં પણ જેવી ડોલી રસોડામાં પ્રવેશી કે તરત કીધું. ‘બેટા, આજે દૂધપાક બનાવવાનો છે… તો તું આજ મારી પાસેથી શીખી લે’.. ને ડોલીબેનના તો ડોળા બાર આવ્યા. મને પૂછે છે… “કેમ, મારે શીખવાની શું જરૂર છે?”
“કેમ એટલે.. હું ન હોઉં તો તને બનાવતાં આવડે ને બેટા” મેં જરા સમજાવટના સૂરમાં કીધું..
‘પણ ત્યારે ઘરમાં દૂધપાક બનાવવાનું છે કોણ.!!’ છણકો કરતી તે રસોડામાંથી નીકળી ગઈ.. હું આશ્ચર્યવત્ તેને જતાં જોઈ રહી.
ત્યાં તો રોસેશકુમાર પધાર્યા. ‘મમ્મી, શું કહી નાખ્યું તે ડોલીને?’
‘કંઇ નહીં બેટા.. આ તો દૂધપાક બનાવવાનો હતો એટલે કહેતી હતી તેને કે..’
‘પણ બધું બજારમાં તૈયાર મળે છે મમ્મા’
તે હુંય જરા ગરમ થઈ ગઈ.. ‘હં, મળે જ છે ને વર્ષોથી.. તને આજે ખબર પડી?? તને જ બહુ ભાવે છે દૂધપાક..’
“શું મમ્મી, કેટલો સરસ રવિવારનો પ્રૉગ્રામ બનાવ્યો હતો. બધો મૂડ તમે બગાડી નાખ્યો.’
“શું પ્રૉગ્રામ બનાવ્યો હતો? હુંય જરા સાંભળુ” હુંય જરા સાસુના રૉલમાં આવી ગઈ.
‘અરે ત્રણથી છમાં પિક્ચર, પછી ડિનર.’ ‘હા તો એ પ્રૉગ્રામમાં જરા ફેરફાર કરજો.. પિક્ચર જોવાનું છથી નવમાં રાખજો. ડોલી વહુને કહેજે બે વાગે મારી સાથે મરચાં સૂકવવા અગાશીમાં આવે..’
‘મરચાં?? મરચાં એટલે??” રોસેશ અકળાયો.
‘તું રોજ જે જમે છે ને.. એમાં જે મસાલા..મરચા વગેરે નખાય છે ને તે આખાં મરચાં બજારમાંથી લાવી તેના ડિંટિયાં કાઢી. તડકે સૂકવવાનાં, પછી તેને ઘંટીમાં પિસાવા જવાના, પછી તેનો મસાલો બને.’ મેં પણ ટાઢકથી જવાબ આપ્યો ને રોસેશ પગ પછાડતો ગયો.. તેણે વહુને શું અષ્ટમપષ્ટમ કીધું હશે રામજાણે.. કે વહુબેટા તો કોઈને કહ્યા વિના પિયર જતાં રહ્યાં! અને રાતના તો અમારા નામનું વૉરંટ આવ્યું!.. લો બોલો… આમાં ડૉમેસ્ટિક વાયોલેંસ આવ્યો ક્યાં. મને તો હજુ સમજ નથી પડતી.
બસ આવડી અમથી વાત ને અમે વહુની કરેલી ફરિયાદને કારણે આજે અત્યારે જેલમાં છીએ. આજે લગ્નજીવનમાં કોઈને સમાધાન કરવું નથી. જરાક વિપરીત સંજોગો આવ્યા કે બસ નીકળી જ જવું છે. એમ સહયોગ અને સમાધાન વગર જીવન ચાલે..?
લગ્ન.. તે એક ચોપાટની રમત છે. પાસા નાખીએ અને હારજીત સાથે આગળ રમાતી જાય. પણ હવે કોઈને પાસા જ નાખવા નથી ને રમ્યા વગર જ બધાને રમત છોડી દેવી છે. અરે રમો તો ખરા… તો ખબર પડે કે જીતાય કેમ. જીતનો આનંદ કેવો હોય તે જીતો તો જ સમજ પડે ને…
***
![](https://i0.wp.com/aapnuaangnu.com/wp-content/uploads/2024/09/29196582_10213471800083003_227169017110132922_n.jpg?resize=206%2C206&ssl=1)
~ mitrakaminimehta@gmail.com
~
Very nice