હું કવિ બિલ્હણ (એકોક્તિ) ~ નગીન દવે, રાજકોટ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૪
હું કાશ્મીરનિવાસી કવિ બિલ્હણ ઞૂર્જર દેશના પાટનગર અણહિલપુર પાટણમાં ફરતો ફરતો આવી ચડ્યો અને ત્યાંના વિદ્વાનો અને વિદ્યાવ્યાસંગીઓથી પ્રભાવિત થઈ ત્યાં જ રોકાઈ ગયો.
ત્યાંના રાજા વીરસિંહ એક કુશળ રાજનીતિજ્ઞ શૂરવીર હોવા ઉપરાંત વિદ્યાવ્યાસંગી હતા. તેમના દરબારમાં વિદ્વાનોની કદર થતી. તેમની સ્વરૂપવાન પુત્રી શશિકલા કે જે ચંપાવતી તરીકે પણ ઓળખાતી હતી તેને કાવ્યશાસ્ત્ર અને સાહિત્યમાં નિપુણ બનાવવા માટે તેના શિક્ષક તરીકે મારી નિયુક્તિ થયેલી.
એ સમયે રાજકુમારીઓને પરપુરુષનાં સંસર્ગમાં આવવાની સખ્ત મનાઈ હતી. નહોતી એ સુંદરીને મેં જોયેલી કે નહોતો એણે મને જોયેલો. કાવ્યશાસ્ત્રનું રસિક જ્ઞાન હું આપતો રહ્યો એ સાંભળતી રહી. જાણો છો કેવી રીતે? તો સાંભળો:
અમારા બંને વચ્ચે એક જાડા કાપડનો પડદો રાખવામાં આવેલો કે જેથી એકબીજાને જોઈ ના શકીએ. એ સમયે હું પણ તેની જેમ જ તેનાથી ચાર પાંચ વર્ષ મોટો, અપરિણીત યુવાન હતો. રાજાના કુશળ મંત્રીઓએ સલાહ આપેલી કે એકાંતમાં જો આ બે યુવા હૈયાં મળશે તો પ્રેમ થઈ જતાં વાર નહીં લાગે.
મને કહેવામાં આવેલું કે રાજકુમારી ચંપાવતી કુષ્ઠરોગી છે, તેનાથી દૂર જ રહેવુ જોઈએ કે જેથી તેનો ચેપ ના લાગે અને ચંપાવતીને એમ કહેવામાં આવેલું કે હું જન્મથી અંધ છું તેથી મારા જેવા કમનસીબનું મોં જોવું વિપત્તિકારક જ નીવડે.
એ પડદાની ઓથે રહીને હું એ ચંપાવતીને અલંકારો, નવ રસો, જ્યોતિષ, કાવ્ય, નાટ્યશાસ્ત્ર વગેરે શીખવતો રહ્યો અને સર્વસુખદાતા કામશાસ્ત્રના પાઠ પણ ભણાવતો રહ્યો. સર્વ વિદ્યામાં એ પ્રવીણ બનતી ગઈ.
અહાહાહા! એ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર કેવો ખીલ્યો હતો! એ ચંદ્રનું હું કાવ્ય સ્વરૂપે મોટેથી વર્ણન કરી રહ્યો હતો એ ચંપાવતીએ સાંભળ્યું. એને લાગ્યું કે જો હું અંધ હોઉં તો ચંદ્રનું સાદ્યંત વર્ણન કેવી રીતે કરી શકું?
તેણે ધીમેથી સહેજ ડર સાથે જરા પડદો હટાવી ડોકિયું કર્યું તો હું ચંદ્રને શબ્દાર્ઘ્ય આપી રહ્યો હતો. હું અંધ નથી એમ માની તેણે પૂરેપૂરો પડદો હટાવી દીધો. એ મને તાકી રહી, હું એને. આ રૂપસુંદરીને ક્યાં કોઈ કુષ્ઠરોગ હતો? આ તો છળકપટ!
પડદો હટી ગયો. અમે નજીક આવ્યા. ચાંદનીની અમૃત વર્ષામાં અમે ભીંજાયા. કોઈ કશું બોલી ન શક્યું અને તે મારી ભુજાઓમાં સમાઈ ગઈ. આશ્ર્લેષનો આનંદ કોઈ અલૌકિક હતો. બધાં બંધનો તૂટી ગયાં અને અમે ભરપૂર રતિસુખ માણતાં રહ્યાં.
દૂર સેવામાં રહેલા કંચૂકીને ખબર પડી ગઈ અને તેણે મહારાજ વીરસિંહને અમારી પ્રેમકથા કહી દીધી. વીરસિંહ કોપાયમાન થયા. મને ચોર જાહેર કર્યો. મંત્રીઓની સલાહ લઈ મને દેહાંતદંડની સજા કરી અને મને વધસ્થળે લઈ જઈ ધડથી માથું જુદું કરવા આજ્ઞા કરી.
હું રાજાએ રાજાનો જાહેર કરેલો ચોર, પાટણના રાજમાર્ગ પર વધસ્થાને ચાલ્યો જાઉં છું. મને જોવા માટે માનુનીઓની ભીડ ઊમટી પડી છે. ઘણી યુવતીઓ સાનભાન ભૂલી મને તાકી રહી છે. મને કોઈ ડર નથી. હું પ્રેમની વેદી પર બલિદાન આપવા જઈ રહ્યો છું અને એ મારી પ્રિયતમા ચંપાવતી સાથે કરેલી ક્રીડાલીલાનું છડેચોક વર્ણન કરતો જાઉં છું. જેને મરવું જ છે એને વળી બીક શાની?
છેક મોત સુધી મને એ મારી પ્રિયતમાનું જ મધુર સ્મરણ રહે! અમારો પ્રેમ દિવ્ય છે. સાચા પ્રેમને ખાતર હજ્જારો જન્મ દેહાંતદંડની સજા મળે તો તે પણ મને મંજૂર છે.
આ વધસ્થાન મારા માટે મંગલસ્થાન છે કે જ્યાં હું ચંપાવતીને હૃદયમાં રાખી આ દેહનો ત્યાગ કરીશ.
અરે……અરે…! કોટવાળ કેમ તમે અટકી ગયા? મારું મસ્તક ધડથી જુદું કરી નાખો….
શું…શું…? રાજાએ પુત્રી ચંપાવતીની વાત સ્વાકારી લીધી? અમારા સાચા પ્રેમને પારખી દેહાંતદંડની સજા રદ કરી?
ધન્યવાદ મહારાજા!. ધન્ય છે તમારાં પુત્રીપ્રેમને! ધન્ય છે તમારી ઉદારતાને! આપને મારા શત શત નમન. અહીં જ મને ચંપાવતીનો હાથ સોંપી દઈ મહાન ઉપકાર કર્યો છે. હું આજીવન આપનો ઋણી રહીશ.
~ નગીન દવે (ઉંમર:- 76 વર્ષ)
~ મોબાઈલ નંબર. :- +91 6352155849
~ 242, પુષ્કરધામ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ – 360005.
~
Very nice