જાળિયું (એકોક્તિ) ~ વર્ષા તન્ના ~ એકોક્તિ સ્પર્ધામાં આવેલી કૃતિ-૨
‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે.’ હજુ તો સૂરજદાદાનું કિરણ ભોંયને આંબ્યું નથી. આ ગોદડી ઓઢીને ઘડીક સૂઈ રે’વા દે. ‘માણકી ઊઠ.’ આ સાદ મને જરાય ગમતો નથ. જોને આ જાળિયાનેય સવારની મીઠી ઊંઘ ચડી છે.
ગંગામાં તો સૂરજ નીકળ્યા પેલા ભજન ગાવા માંડે. શિયાળામાં તો કોક ઉઠાડે ત્યારે જ હું ઊઠું. ઊઠ્યા પછી ઘડીય બેસવા નો મળે. દાંડિયાની જેમ આખો દિ ઢસરડો જ કરવાનો.
એક વાત કઉ? મને આ જાળિયું બવ ગમે સે. આ જાળિયામાંથી જ સૂરજનાં કિરણ દેખાય, વરસાદની વાંછટ આવે અને લાંબી નજર કરી બા’ર જોવાય. બાકી દરવાજા સામે જોવો તો પાછું બંધ થાય. એટલે આપણે તો કેદ થય જાયે. ગંગામા ગાય ધેનુમાં કોણ જાશે પણ કોઈ જાવા દે તો જાઉ ને. આ ઘરની બા’ર તો જવાય જ નય.
આ જાળિયામાંથી ગુલાબનું ફૂલ જોયું ત્યારે ખબર પડી કે આને ગુલાબી રંગ કે’વાય અને પાન લીલા રંગનાં હોય અને ધૂળ.. કપડાં ધૂળિયા રંગનાં. જ્યારે જુવાન થઈ ત્યારે લાલ રંગની ખબર પડી.
આ હામે ઝીણી લાઈટ જબુકે સે, લાખીના લગનની સે. ઓલી રતનનો વર તો મરી ગયો સે. ઈને તો રઘુ ભેગી તે’દિ જોઈ’તી. આ સંધુય જાળિયામાંથી ભાળ્યું’તું. જાળિયા ઠેઠ લગી અજવાળું નથ પોચતું. એટલે અમે બેય સરખાં. અંધારાંમાં જ રે’વાનું.
માને કેટલું પૂછ્યું ત્યારે મને કીધું ‘તારાં લગન થઈ ગ્યાં સે. તારો વર મરી ગયો સે. એટલે તું અપશુકનિયાળ ઠરી. તારે કોઈની આડું નય ઊતરવાનું. તારા પડછાયાથી સંધાય અભડાય.’ માએ ભીના અવાજે કહ્યું, પણ મને હજી ખબર નો પડી કે મારાં લગન ક્યારે થ્યાં કોની હારે થ્યાં હું તો આ ઓરડામાંથી બા’ર જ નથ નીકળી. એક દિ’ મેં જાળિયામાંથી જોયું’તું લગનમાં તો સંધાયે ભાતભાતનાં જરીવાળાં લૂગડાં પેરયાં’તાં. ઢોલ વાગતા ને સંધાય નાચતા’તા. મારા પગ પણ.. પણ ના મારે નથ નાચવું. તે દિવસે કાકીના ઓરડામાં પોતું કરતાં અરીસામાં જોયું તો અરીસો હરખાયો, પણ કાકીએ રાડ પાડી ‘ઝટ પોતું કરીને બા’ર નીકળ મારો અરીસો અભડાય જાશે.’ અને મેં દોડીને જાળિયું પકડ્યું ‘બિચારું ઈયે વગર વરસાદે ભીનું થઈ ગ્યું.
મારાં લગન થ્યાં? એવું મેં કેટલીય વાર પૂછ્યું ત્યારે માએ કીધું ‘તારા જનમ પેલા. પેટે ચાંદલા કર્યા’તા. ઘર બવ મોટું અને તારું નસીબ ટૂંકું. જમાઈને માતાજી નીકળ્યા અને ઈ દેવ થઈ ગ્યા.’
‘ઈ તો સારા માણાં કે તને પિયરમાં જ રે’વા દીધી. વાળ ઊતરાવ્યા નય. આ રૂખી માને જોવે સે ઈને વાળ ઉતરાવા પડ્યા.’ સંધાયને ખબર હતી કે મા મને રાજી રાખવા બોલે સે પણ હું અપશુકનિયાળ તો ઠરી.
‘મા રતનનો વર મરી ગયો સે તોયે ઈને મેં રઘુ ભેગી ભાળી’તી.’ મેં કીધું તો મા તરત જ બોલી ‘ચૂપ મર. ઈ છાનીમુની જાય સે.. એની હામે નય જોવાનું. તું કપાતર નથ.’
‘હે, મા હવે મારાં લગન નય થાય?’ મેં જ્યારે માને પૂછ્યું તો માના હાથમાંથી પાણીનો પ્યાલો પડી ગયો અને માએ ઘોબા હામે જોયા કર્યું.
મે કીધું ‘તું કેતી’તીને મીરાંબાઈનાં લગન કૃષ્ણ હારે થ્યાં’તાં. તે મૂર્તિ ભેગાં લગન થાય.”
‘ઈ મૂર્તિ નો કેવાય ઈ તો ભગવાન સે. મીરાંબાઈનાં લગન તો રાણાજી ભેગા થ્યાં’તાં, પણ મીરાંબાઈ કૃષ્ણને મનથી વરી ચૂક્યાં હતાં.’ માએ મને બધું સમજાવી દીધું. ‘ઈ હાલીચાલી નો શકે, પણ ઈ ભગવાન હતા એટલે ઝેર પીને મીરાંબાઈને બચાવ્યાં.’
‘મા મારાં લગન થઈ ગ્યાં સે ને મારો રાણો મરી ગ્યો તો હું જાળિયા ભેગા લગન કરી શકું?’ મેં તરત જ માને પૂછ્યું’તું. મા મારી સામું જોઈ રઈ. ‘મા મીઠીની સાસુ મરી ગઈ ત્યારે મારી ઓરડીમાં કોક આવ્યું’તું ઈ તો જાળિયામાંથી જોરથી બૂમ પાડી એટલે ઈ ભાગી ગ્યું. મા જાળિયાએ જ મારી રક્ષા કરી.’
મા કેટલીયવાર બોલી હતી અસ્તરીની જાત.. પણ મને આજ દિ’ લાગી સમજાણું નો’તું કે મોટાં કાકી મરી ગ્યાં ત્યારે એને લાલ ચુંદડી ઓઢાડી’તી. અને કાકાએ ટકો કરાવ્યો નો’તો. લાખીનાં લગન ભેગી એનાં લગનની વાત કરવા માંડી હતી. મારાથી તો લાલ રંગ અડાય નહીં કંઈ વાંધો નય. આ લાલ રંગનો દોરો મેં મંદિરમાંથી છાનોમૂનો લીધો’તો ઈ આ જાળિયાને બાંધી દઉં. થોડું ઓઢણું માથે ઓઢી લઉં. લગનમાં આમ જ થાય ને? હવેથી તું મારો ધણી.. આપણે રોજ નિરાંતે વાત્યું કરશું.
મા મરી ગઈ તે’દિ જાળિયાએ જ મુને ટેકો આપ્યો’તો. મારે તો માને ભેટીને ખૂબ રોવું’તું, પણ કોક બોલ્યું ‘તારી માને જીવતે જીવ મારી નાખી હવે તો નિરાંતે મરવા દે.’ આ સાંભળીને હું જાળિયાને પકડીને જ રોઈ’તી. મા માંદી હતી ત્યારે મેં એની આંખો વાંચી લીધી’તી. એને મારી બવ ચિંતા હતી. એટલે મેં એના કાનમાં કઈ દીધું’તું મેં મારાં લગન જાળિયા ભેગાં કરી લીધાં છે.
હવે તો હું બધું કામ પતાવી જાળિયે આવી ઊભી રે’તી. લાલ દોરાને થોડું અડી લેતી
કાકી કે’તા’તા ઘર ધોળાંવાનું છે. તો તો મારું જાળિયું ય નવા વાઘા પે’રશે. આમ વિચારતાં એને ચૂમી લીધું. સાચું કહું શરમ બહુ આવી, પણ સારું લાગ્યું.
‘કાકી આ આખું ઘર ધોળવાનું સે.’ કાકીના પગ દાબતા પૂછ્યું તો કાકીએ કીધું’તું ‘હા, તારા ઓરડામાં કોઈને નય આવવાનું એટલે ખાલી બા’રથી રંગાશે.’
તે કાકી મને થોડો રંગ આપશો હું જાળિયાને હાથે રંગી નાખીશ
‘કાકી પેલા તો રઘુ આવતો’તો આ વખતે બીજો કોક લાગે સે.’ હું આટલું બોલી ત્યાં કાકીને વીંછી કરડ્યો હોય એમ ઊભાં થ્યાં. ‘ઈ અટાણે રતન ભેગો ભાટકે સે.’
‘પણ કાકી, રાધા અને કાન મળતાં’તાં.’
‘તારું કામ કર.’ અને મારા જાળિયાનો રંગ ગયો.
એક દી જાળિયામાંથી મે રંગવાળા છોકરાને જોયો. તેની પાસેથી છાનોમૂનો રંગ લઈ પોતાનું જાળિયું રંગી નાખ્યું. ભલે આ તૂટેલા કાચનો કટકો છે પણ એમાં જોઈને જાળિયું કેવું મલકાય હે. ‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કવ છું રે જાળિયા તને અમથું.’
હવે આપણે આ તૂટેલા કાચના કટકામાં નથ જોવું. જોને મારા મોઢાની કરચલી અને ધોળા વાળ ભળાય સે અને તું ય હાવ ખખડી ગયું સે. તારા સાટું તો ક્યાંકથી સિમેન્ટ લઈને તને ઠીક કરી દઈશ, પણ આ હાથપગ જલદી હાલતા નથ.
આ બધા કેમ રોવે સે? તેર વરસની જમનાનો વર અકસ્માતમાં મરી ગયો. એને આણું વળાવવાની સંધીય તૈયારી થઈ ગઈ હતી. હવે આ જમનાનું શું થાશે? બચાડી…આ આઘાતમાં કાકી ભગવાનને ઘરે જતાં રહ્યાં. જમનાને મારા હાથમાં મૂકી. હવે હું જમનાને મારી ભેગી જ રાખતી. એક દી મેં એને મંદિરનો પરસાદ આપ્યો. જાણે સ્મિતનું પતંગિયું આવી તેના ગાલ પર બેઠું.
એક દી મેં ઈને કીધું ‘તું ભોં ખોતર્યા વગર જે કે’વું હોય ઈ કે.’ પણ બચાડી કાંય બોલી નો શકે. એટલે મેં પૂછી લીધું તારે લગન કરવા છે? ઈ તો નીચું જોઈ ગઈ. મેં પૂછ્યું ‘કોઈ સે?’ ડોકી ધુણાવી હા પાડી. અને જાળિયામાં એક જુવાન છોકરો દેખાયો. ઈ મેં છોકરાને જોયો. પછી પૂછ્યું ‘તારામાં તેવડ છે મારી છોકરીને હાચવવાની?’ ઈ છોકરાએ માથું ધુણાવ્યું. ‘લે આ જાળિયાને હલાવી જો.’ હું બોલી.
જાળિયું તો સાવ ખખડધજ થઈ ગ્યું સે.’ ઈ છોકરાએ કીધું.
‘તો આજ મધરાતે આવીને લઈ જાજે જમાનાને. પસે ગામ છોડી દેજે.’
‘હવે આ લાલ દોરો પણ હાવ ધૂળિયો થઈ ગ્યો સે.’ મે દોરાને જાળિયાને વહાલ કર્યું
આ જાળિયું તૂટયું અને જમાના ભાગી ગઈ. ગામ લોકો બોલ્યા પટેલ પણ ખરા, જાળિયાને જરાય સાચવ્યું નય. ઈ માણકીના માથા પર પડ્યું ને લોહી નીકળવા માંડ્યું. સારું કર્યું માણકીએ જાળિયું પકડી રાખ્યું. હવે ઝટ માણકીને ઇસ્પિતાલ ભેગી કરો. આવી સંધાય વાત્યું કરતાં’તા. ત્યારે મેં મારા જાળિયાને કીધું ‘જમાનાને આશીર્વાદ આપો. તમે મારા ઝેરનો પ્યાલો પીધો.’ અને મે આંખ મીંચી દીધી કાયમ માટે.

varsha.tanna@gmail.com
આ એકોક્તિ માંહ્યેલો હલાવી ગઈ…! જરા પણ લાગણીવેડામાં સરી ગયા વિના સડસડાટ જે કહેવાનું છે તે કહી તો જાય છે પણ આવી પરિસ્થિતિમાંયે નાયિકા આવનારી પેઢીને મુક્ત કરીને જાય છે. વાહ! ખૂબ સરસ!
ભગવાન કરે અને આજના સમાજમાં આવી કુપ્રથાઓ ધરમને નામે ફરી કદીયે ન માથું ઊંચકે.
કોઈ પણ સમાજ, ધર્મ, કે રિવાજો જો સમય સાથે પ્રવાહિત ન રહે તો ખાબોચિયામાં પડેલા પાણી સમ ગંધાઈ જાય છે. ભારત પ્રગતિના પંથે છે અને સ્ત્રીઓની દશા નાનાનાના ગામમાં પણ સુધરે એ માટે સમાજ તરીકે આપણે સચેત રહેવું પડશે.
એક વિધવા માટે જાળિયા બહાર જોવા ની દ્રષ્ટિ તથા જાળિયા અંદર ની દ્રષ્ટિ નું સુંદર આલેખન કરેલ છે. અભિનંદન.