ગાંડી (એકોક્તિ) ~ વર્ષા તન્ના ~ એકોક્તિ સ્પર્ધામાં આવેલી કૃતિ-૧
(આપણું આંગણું આયોજિત એકોક્તિ લેખન સ્પર્ધામાં પ્રાપ્ત થયેલી કૃતિઓમાંથી પસંદગીની એકોક્તિઓ તબક્કાવાર પ્રગટ કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી નિર્ધારિત એકોક્તિ મંચન સ્પર્ધામાં (૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, સહયોગી સંસ્થા: કલાગુર્જરી, વિલે પાર્લે (પશ્ચિમ) કે અન્ય કોઈ પણ સ્પર્ધા, મહેફિલ, કાર્યક્રમમાં કે મંચ પર જેમને ભજવવામાં રસ હોય તેઓ ધ્યાનથી વાંચે અને ભજવણી માટે વિચારે એવો નમ્ર ઉદ્દેશ આ સ્પર્ધાનો છે. Your time starts now.
એકોક્તિ-૧
ગાંડી
જુઓ ગાંડી.. ગાંડી.. અરે હું મારી વાત નથી કરતી. સામે ઝાડ નીચે બેઠી છે ને તેને બધા ગાંડી કહે છે. તેનું નામ શું છે તે કોઈને ખબર નથી. તેના હાથમાં નાનું પોટલું અને મોટું પેટ. કોણ જાણે કેટલામો મહિનો હશે.
‘આંટી ખાવાનું આપોને પેલી ગાંડી માટે.મારી મમ્મી બહાર ગઈ છે.’ બિલ્ડિંગની એક છોકરી આવી
‘અરે, તેં બધો જ પુલાવ આપી દીધો. હવે તું શું ખાઈશ?’ મારા પતિ તરત જ બોલ્યા.
‘એ બિચારી.. ના બિચારી નહીં.. પ્રેગનન્ટ છે. ઘરમાં કેટલું બધું ખાવાનું છે, હું કંઈ પણ ખાઈ લઈશ.’ મેં કહ્યું હતું.
‘તને એકલી મૂકી ચાઈના જવાનું જરા પણ મારું મન નથી. તું કોઈ દિવસ એકલી રહી છે?’
પહેલાં તો નાનકો તેની પત્ની અને તેનાં છોકરાં. તેનાં છોકરાઓને તે જ મોટાં કર્યાં છે ને? હર્યાભર્યા ઘરમાં મને જરા પણ ચિંતા ન હતી.’ મૌલિકના મનમાં બહુ ચિંતા હતી.
‘તમે જરા પણ ચિંતા ન કરો. અહીં મારે ઑફિસમાં કામ અને બાજુવાળાં મીનાબહેન પણ સારાં છે.’ મેં તરત જ કહ્યું. અને એ તો ચાઈના ગયા.
હું નાની હતી ત્યારે બહુ દેખાવડી, બે ચોટલા વાળતી. સાવ ભોળી ભટાક. એટલે જ કેશવની વાતમાં આવી ગઈ. કેશવ પણ હીરો જેવો. કેટલી બધી છોકરી તેના પર મરતી હતી, પણ કેશવ તો મને પ્રેમ કરતો હતો. એક વખત તે અમદાવાદ ગયો ત્યારે મારા માટે એક ગુલાબી રંગનું પર્સ પણ લઈ આવ્યો હતો. તેને બદલે તેણે મારું બધું લઈ લીધું. મારા પેટમાં તેની નિશાની છોડી તે ઍક્ટર બનવા જતો રહ્યો.
પહેલાં બધા મને ભોળી કહેતા હતા, પણ દાદી તો અક્કલ વગરની જ કહેવા લાગ્યા. બાપુએ તેના હાથ દુખ્યા ત્યાં સુધી મને મારી અને દાદીએ હુકમ છોડ્યો કાલ ને કાલ આ પાપને કાઢો.’
મને હૉસ્પિટલમાં લઈ ગયા. ‘મા આ મારો પ્રેમ છે. હું તેને લઈને અહીંથી જતી રહીશ.’ અને મા બધા વચ્ચે પિસાયા કરી. હૉસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે સાવ ખાલીખમ.
મા જો આ બિલાડીનાં બચ્ચાંને કાગડો મારતો હતો તો બિલાડીએ તેના બચ્ચાને બચાવી લીધું
મા આ તો મારો પ્રેમ…. હું સાવ બિચારી..!
ફઈ એક માગુ લઈ આવ્યા. ‘ચટ મંગની અને પટ બ્યાહ.’ મારા લગ્ન મૌલિક સાથે થઈ ગયાં.
મારાં સાસુ કહે ‘આ તો સાવ કેવી ગાંડા જેવી છે કશું બોલતી જ નથી. કોઈ સાથે હળતીમળતી નથી.’
મૌલિક મને બરાબર સમજ્યા અને કહ્યું ‘મા એ બહુ લાગણીશીલ છે.’
હું સાવ ચૂપચાપ રહેતી. ઘરમાં કોઈ સાથે હળતીમળતી નહી. એટલે બધા મને ગાંડી જ સમજતા. લગ્ન થયાં ત્યારે હું ઘરનું બધું કામ છોડી ટીવી જોવા બેસી જાઉં. દરેક સિરિયલમાં હીરો તો કેશવ જ દેખાય, પણ એ સ્થાન મૌલિકે ક્યારે લઈ લીધું તેની મને પણ જાણ ન રહી.
સંયુક્ત કુટુંબમાં નાનકા દિયરનાં બાળકોને મોટાં કર્યાં, પણ મને બાળક થયું નહી.
‘આપણે કેટલા બધા ડૉક્ટરને દેખાડ્યું. કશું પરિણામ નથી. આપણે બાળક દત્તક લઈએ.’ મેં કહ્યું.
તો મૌલિક મને કહે ‘બાળક તો પંખી જેવુ હોય. મોટું થાય એટલે ઊડી જાય. આપણે ફરી એકલાં થઈ જઈએ.’
હું અને મૌલિક બીજા ગામ સેટલ થયાં. ‘ઘરમાં સાવ એકલી બેસી વિચાર કર્યા કરીશ તેના કરતાં તું ઑફિસે આવતી જા.’ હું ઑફિસે જવા લાગી.
એક વખત કામ માટે મૌલિકને ચાઈના જવાનું થયું. માત્ર ચાર-પાંચ દિવસ માટે.
‘આ સાવ નવું ગામ અને તું ઘરમાં સાવ એકલી.’
‘એમાં ચિંતા શું કરવાની? આ બાજુવાળાં મીનાબહેન બહુ સારાં છે અને ઑફિસમાં કેટલું બધું કામ છે.’ મેં કહ્યું ‘અને ફોન બતાવીને બોલી ‘આ તો આપણી સાથે જ છે. જ્યારે મન થાય ત્યારે ફોન કરશું. ચાર-પાંચ દિવસ તો આમ ચપટી વગાડતાં પસાર થઈ જશે.’
‘આ દહીં-પુલાવ ખાઈને જાવ શુકન સારાં થશે.’
મેં મારો પુલાવ પેલી સ્ત્રીને આપી દીધો એટલે મૌલિક ગયા ત્યારે બોલતા ગયા ‘બધા લાગણીશીલ લોકો ગાંડા જ હોય છે.’
ઑફિસ જવા નીકળી ત્યાં જોરથી ઠેસ વાગી. અંગૂઠાનો નખ નીકળી ગયો. લોહી બહુ નીકળવા માંડ્યું. ઘરે પાછી આવી ગઈ. મારું આખું ટિફિન મેં પેલી સ્ત્રીને આપી દીધું.
સાંજે મીનાબહેન સાથે પેલા ઝાડ પાસે ગઈ.
‘એ કોણ છે? ક્યાંથી આવી છે?’ મેં પૂછ્યું.
બિચારીનો કોઈકે લાભ લીધો, માતાપિતાનું આજકાલ છોકરાં માને છે ક્યાં? મીનાબહેન બોલ્યાં.
બીજા દિવસે…
અત્યારે ઑફિસેથી પાછા ફરતાં પેલી દેખાતી નથી. બિચારીને પૂરો ટાઈમ અને.. આ વિચારમાં ચાલતી રહી.
‘ક્યારનો ફોન કરું છું તું ક્યાં છે? ફોન કેમ નથી ઉપાડતી?’
‘હા, પેલી દેખાતી નથી.’
‘કોણ?’
‘જેને મહિના હતા તે..’
‘કોણ પેલી ગાંડી?’
‘ના એ ગાંડી નથી.’
‘હું આવી ગયો છું. ટૅક્સીમાં જ છું જલદી ઘરે પહોંચ.’
‘ઝડપથી ચાલતી ઘરે પહોંચી.’ આ પગથિયાં પર કોના ઊંકારા.. આ તો પેલી સ્ત્રી. એટલામાં ટૅક્સી આવી.
‘તમે ટૅક્સી છોડશો નહીં. મીનાબહેનને ત્યાં બૅગ મૂકી દ્યો. આને જલદી હૉસ્પિટલ લઈ જવી પડશે.’
‘મૌલિક, આ બાળકને આપણે દત્તક લઈ લેશું.’
‘એમ બાળક દત્તક ન લેવાય. આપણે હવે નાનાં નથી. બાળક મોટું કરવું અઘરું છે. તેનાં સગાંવહાલાં, પોલીસ, કેટલી બધી કડી પસાર કરવી પડે.’
સાવ અવાક.. ત્યાં ડૉક્ટર આવ્યા.
‘ડૉક્ટર શું થયું?’
તેની માની તબિયત સારી છે, પણ બાળકને અમે બચાવી શક્યાં નથી.
અને હું પોક મૂકીને રડી પડી.
‘તું બહુ લાગણીશીલ છો. રડ નહી.. આમ ને આમ તું પણ ગાંડી થઈ જઈશ.’
varsha.tanna@gmail.com
એકદમ હ્રદય સ્પર્શી વાર્તા છે, હાલ નાં સમાજ ની વાસ્તવિકતા નાં દર્શન પણ કરાવ્યા, સુંદર.
ખૂબ હ્રદયસ્પર્શી