પ્રકરણ: ૬ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
‘મને લાગે છે કે પીએચ. ડી.નો અભ્યાસ કરવાનો તારો નિર્ણય વાજબી છે. ધીરેધીરે તારા મનમાં ઉઘાડ આવી જશે. યાદ છે? એકવાર સિંઘસાહેબે વર્ગમાં એક યુવતીનો દાખલો આપેલો? એ કશી સમસ્યાનો ભોગ બનેલી નહોતી. એના મનમાં જળ વગરનાં વાદળાંનો ઘટાટોપ જામ્યો હતો. એ દૂર કરતાં જ નિર્મળ દર્પણ જેવું એનું મન ઊઘડ્યું અને એ ફરી પાછી જગત સાથે વિધાયક સમ્બન્ધે સંકળાઈ. ગાઈડ તરીકે સિંઘસાહેબનો સંપર્ક તારા માનસિક સ્વાસ્થ્ય માટે સારો છે.’ કહેતાં વનલતાએ હાથ પકડીને લાવણ્યને ઊભી કરી.
‘તું તો રીતસર મને દર્દી જ માની બેઠી.’
‘દર્દી નહીં, બેદર્દી!’ – કહેતાં વનલતાએ એને બાથમાં લીધી. ‘ચાલ જમી લઈએ.’ કહી આગળ કરી. જમુનાબહેન દાખવે એવા ભાવથી એણે લાવણ્યને બેસાડી.
જમતાં જમતાં સિંધસાહેબના પ્રેમાળ અને રમૂજી સ્વભાવ વિશે વાતો થઈ. હાથ ધોતાં વનલતાએ પૂછ્યું: ‘સિંઘસાહેબ દીપકના લગ્નમાં આવેલા કે નહીં?’
‘કેમ, બંને આવેલાં. તેં નહોતાં જોયાં? પણ તુરત ચાલ્યાં ગયેલાં. મને સલાહ આપેલી. ‘જાત પર જુલમ ન કરીએ!’ એમને લાગ્યું હશે કે હું સંકલ્પ કરીને ખુશ દેખાતી હતી, સ્વાભાવિક રીતે નહીં. પછી મેં મળવા અંગે પત્ર લખેલો. એમના જવાબ સાથે શ્રીદેવીએ ‘પહેલાં લગ્ન પછી પીએચ. ડી.’ એવી ટૂંકી સલાહ આપીને દીપકથી હું તટસ્થ ન થઈ શકી એ બદલ ઠપકો પણ આપેલો.
એ માને છે કે દીપકે એની જાતને છેતરી છે. એણે માબાપના અભિપ્રાયને વચ્ચે લાવવાની જરૂર ન હતી. શ્રી અને સરસ્વતીની સરખામણી કરીને એણે શ્રીની પસંદગી કરી હોય એમ લાગે છે. પણ ઊંડે ઊંડે એ સાહિત્ય અને સંસ્કારનો ચાહક છે. માત્ર સંપત્તિથી સુખી નહીં થઈ શકે. એને તારી ખોટ સાલશે ત્યારે એ નિરુપાય હશે. તું જલદી લગ્ન કરી લે એ એના પણ હિતમાં છે.’
— આ બધું સાંભળ્યા પછી વનલતા પણ સિંઘ-દંપતીને મળવા લલચાઈ પણ બંનેને મળવું હોય તો એમને ઘેર જવું પડે. આજે તો વિદ્યાભવન પર મળવા સમય માગેલો છે. વનલતા ત્યાં આવવા પ્રેરાઈ. મુશ્કેલી એક જ હતી. એનાં માતાપિતા જમુનાબેન અને મધુકરભાઈ આજે યાત્રાએથી પાછાં આવવાનાં હતાં. ન કરે નારાયણ ને એમની ગાડી વહેલી આવે તો? સાંભળતાં લાવણ્ય હસી પડી.
‘કશુંક વહેલું થાય એવી તારી તીવ્ર ઇચ્છા લાગે છે.’ કહી એણે તૈયાર થવા જણાવ્યું. પ્રેમલનું ઠેકાણું નહીં. ગમે ત્યારે આવી ચઢે. બાજુમાં ચાવી મૂકી હોય તોય તપાસ કર્યા વિના પાછો જાય અથવા આવે જ નહીં. જોયું જશે. ભાઈ સાથેના ઝઘડામાં મોટે ભાગે વનલતા જ જીતતી આવી છે. માત્ર એક જ વાર એણે બહેનને વિચારતી કરી મૂકી હતી.
પ્રેમલે એકાએક કહેલું: ‘મને જોવા છતાં લાવણ્ય દીપકના પ્રેમમાં પડી! અને તોય તું એનાં ધોરણોને બિરદાવે છે?’ પછી તો આ ગમ્મત હતી એમ કહીને પ્રેમલે એવા ઉદ્ગારની ધાર બુઠ્ઠી કરી નાખી હતી. સ્પષ્ટતા પણ કરી હતી: ‘અમારા વ્યક્તિત્વમાં ન પુરાય એવું અંતર છે. જોજે કદી એને વાત કરતી.’
ત્યારે વાત કરવાનો પ્રશ્ન ઊભો થતો ન હતો. લાવણ્ય એ પહેલાંથી દીપકના સંપર્કમાં હતી. હવે પણ એ વાત કરવાથી કશો અર્થ સરે એમ નથી.
વનલતા માને છે કે લાવણ્ય પ્રેમલની આદતોને નભાવી શકે નહીં. બંને એકમેકની સૂઝબૂઝ અને શક્તિનાં પ્રશંસક છે એ પૂરતું છે. એ એમની મરજીથી નજીક આવે તો જુદી વાત છે, બાકી કોઈની વકીલાત થઈ શકે એમ નથી. આવું તેવું વિચારતી એ તૈયાર થઈ.
એના ઘરથી યુનિવર્સિટીનું મકાન એક કિલોમીટર જેટલું છે. અભ્યાસકાળમાં બંને ઘણીવાર ચાલતી ઘેર ગઈ છે, પણ આજે સહેજ ગરમી હતી. રિક્ષા પકડી.
વિદ્યાભવનના પ્રાંગણમાં પગ મૂકતાં જ જાણે બંનેની ઉંમર ઘટી ગઈ. લોનમાં બેસવાનું મન થયું. એમાં વિચારવાનું શું? આસોપાલવના છાંયે બેઠી. બંનેને એક જ મનોદશાએ વિસામો મળ્યો.
લાવણ્ય બી. એ. પછી બી. એડ. કરતી હતી ત્યારે વનલતા ઘેર જ હતી. ભરતગૂંથણ અને વાનગીઓ બનાવવાની કળા શીખતી રહી. એમ. એ. દરમિયાન પાછી બંને સાથે થઈ ગઈ.
સિંઘસાહેબ વિભાગીય વડા તરીકે યુનિવર્સિટીમાં જોડાયા હતા અને એમના વર્ગો ભરવા એ એક લહાવો હતો છતાં વનલતા લાવણ્યને કહેતી: ‘તારે વિદુષી થવું છે, મારે સમય પસાર કરવો છે.’ પણ પરીક્ષાની તૈયારી એ બરાબર કરતી. એનું મુદ્દાસર લખાણ સિંઘસાહેબને ગમતું.
દીપક એક વર્ષ વહેલો એમ. એ. થઈ ગયો હતો અને વલસાડ રહી વાડી સંભાળતો હતો, વાંચતો હતો, પ્રેમપત્રો લખતો હતો. એની સમાંતર રીતે ઉદ્યોગધંધામાં પડવા પણ વિચારતો હતો. સવિતાના પિતાની સિલ્ક મિલની એજન્સી મળે એમ હતી. ત્યારે સવિતા ચિત્રમાં ન હતી. પણ બે કુટુંબ વચ્ચે પરિચય થયો એના મૂળમાં એજન્સી હતી.
વિદ્યાભવનના પહેલા માળની ગેલેરીમાંથી સિંઘસાહેબ પસાર થઈ રહ્યા હતા. ત્યાં એકાએક એમનું ધ્યાન ખેંચાયું. એ સખીઓને ઓળખતાં એમને વાર ન થઈ. ઊભા રહી ગયા. વિચારમાં પડી ગયા. મારા ખંડમાં આવીને નીચે ગઈ હશે? પણ ફોન લેવા તો હું હમણાં જ ગયો હતો. કદાચ મને મળવા આવી છે પણ સંસ્મરણોએ એમને ઘેરી લીધી લાગે છે! ખલેલ પાડવી નથી. કેવી તન્મય થઈને વાતો કરે છે!
સિંઘસાહેબ એમના ખંડમાં ગયા. લાવણ્ય દીપકનો સંબંધ વિકસતો અટકી ગયો એનો એમને રંજ હતો. પંદરેક દિવસ પહેલાં દીપકે શહેરમાંથી એમને ફોન કર્યો હતો. એના અવાજમાં કેવી ભાવુકતા હતી!
સિલ્ક મિલના કામે આવ્યો છે પણ વચ્ચે થોડોક સમય મળ્યો તો બે પુસ્તકો ખરીદી આવ્યો. ધંધામાં ઠરીઠામ થયા પછી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે કશુંક કરવા ધારે છે… સદુપયોગ કરવા માટે જ સંપત્તિ એકઠી કરશે.
સિંઘસાહેબે નક્કી કર્યું કે દીપક અંગે લાવણ્યને કશું કહેવું નહીં. ઘા તાઝો થાય. કદાચ સદ્ભાવ પણ જાગે. થોડીક અકળ છે. એમણે વાંચવા માંડ્યું.
ત્યાં લોનમાં બેઠેલી બહેનપણીઓ વીતેલાં વર્ષોનું સરવૈયું કાઢવામાં રોકાઈ હતી. વાતચીતના કેન્દ્રમાં વનલતા આવી ગઈ હતી. એ હજી કોઈના પ્રત્યે લાગણીથી ખેંચાઈ ન હતી. એ માટે એ ઘરના સંસ્કારને જવાબદાર માનતી હતી.
માબાપની ઇચ્છા પ્રમાણે દીકરો સુખી થવાની સમાજમાન્ય દિશામાં આગળ વધતો નથી, દીકરી વધશે. ગ્રીનકાર્ડ ધરાવતા યુવક સાથે લગ્ન કરી અમેરિકા સ્થાયી થવાની વનલતાની ઇચ્છા છે. માબાપ એ અંગે સંમત છે. આવા પ્રયત્નમાં છેતરાવાનો ભય ખરો પણ વનલતાને પોતાની બુદ્ધિ પર વિશ્વાસ છે તેથી એ ગણતરીપૂર્વક જોખમ ખેડી શકશે. જમુનાબેન દીકરીના કલ્યાણ માટે બાધા રાખતાં આવશે, કહેતાં એ હસી પડી.
એણે મમ્મીને વચન આપ્યું છે કે પોતે ચોવીસ વર્ષ પૂરાં કરે ત્યાં સુધીમાં કોઈ ગ્રીનકાર્ડ ધરાવતો મુરતિયો નહીં મળે તો અમેરિકાનું સ્વપ્ન છોડી દેશે. વડીલોની પસંદગી પ્રમાણે લગ્ન કરી લેશે. મામા-ફોઈનાં મળીને કુલ પચીસેક સગાંવહાલાં એના લગ્નનો પ્રશ્ન ઉકેલી નાખવા તત્પર છે!
વનલતાએ એની વાત પૂરી કરીને લાવણ્યની સાડીના પાલવના તાણાવાણા પર મીટ માંડી. લોનનાં માથું ઊંચકી રહેલાં તરણાં પર ટેરવાં ફેરવ્યાં. એનું મૌન ખાલી નહોતું. હોઠ ખૂલતાં જ એ વસ્તુનો ખ્યાલ આવી ગયો:
‘સાચું કહું લાવણ્ય? એકવાર પિકનિકમાં તું દીપક સાથે બેઠી હતી. નાનાં બાળકો સહજ ભાવે અડીને બેસે એટલાં તમે નજીક હતાં. રહી રહીને મારી નજર તમારા ભણી ખેંચાતી હતી. થોડીવારમાં તેં તારી કવિતાની ડાયરી કાઢી. દીપક તારા મુખની લગોલગ કાન ધરીને સાંભળતો હતો. તમારા સહિયારા પડછાયા નીચે સરકતું નદીનું પાણી પાર્શ્વસંગીતનું કામ કરતું હતું.
એ ક્ષણે મેં ઈર્ષાથી મોં ફેરવી લીધું હતું, હા ઈર્ષાથી જ… પણ આજે થાય છે કે મારી જેમ તારું મન પણ કોરી સ્લેટ જેવું હોત તો કેવું સારું! કેવું વિચિત્ર કહેવાય, હેં! કશુંય ન પામનાર, રાગાત્મક અનુભવમાંથી પસાર ન થનાર એવી હું તારા કરતાં વધુ ભાગ્યશાળી ઠરી!’
લાવણ્ય કશું બોલી નહીં. શું બોલે? વનલતા સાથે સંમત થાય? શું સાચે જ એ વધુ ભાગ્યશાળી ગણાય? તો પોતાને કેમ એની ઈર્ષા થતી નથી? કે સ્મરણોને મૂળસોતાં ઉખેડીને સૂકી સાબરમાં ફેંકી દેવા પોતે કેમ તૈયાર થતી નથી?
‘નમસ્તે બેન!’ – એક પટાવાળાનો આદરભર્યો અવાજ સાંભળતાં લાવણ્ય ઝબકીને ઊભી થઈ ગઈ. એ ચંદુભાઈ હતા. એમને જવાબ આપીને એણે વનલતાને ઊભી કર્યા વિના જ ચાલવા માંડ્યું: ‘આપણે સરને મળવા આવ્યાં હતાં અને અહીં જ બેસી પડ્યાં.’ એ એવી સ્ફૂર્તિથી ચાલી કે વનલતા ઠીક ઠીક પાછળ રહી ગઈ. પહોંચી વળવા માટે એણે બબ્બે પગથિયાં એક સાથે ચઢવાં પડ્યાં.
‘તારા સ્વભાવની આ વિચિત્રતા ન ગઈ. જે સાથે હોય એને જ ભૂલી જવાનું?’
લાવણ્યે ઉપલા પગથિયે ઊભાં રહીને વનલતાનો હાથ ખેંચીને આગળ કરી. ‘હવેથી આમ જ કરીશ. બસ! તું કહેતી હોય તો પીએચ.ડી. માટે તારી ફી પણ ભરી દઉં.’
‘ના, ભાઈશાબ! મારે એવું દુસ્સાહસ નથી કરવું. કૉલેજનાં વર્ષોમાં ખોખો ને કબડ્ડી રમી છું એ પૂરતું છે. પીએચ. ડી. કરીને મારે મુરતિયાઓ માટેનું પસંદગીનું ક્ષેત્ર નાનું નથી કરી દેવું. પીએચ. ડી. થયેલી છોકરીને કોણ પરણે? એક તો મારે ચશ્માં ને પાછું કપાળ પર પીએચ. ડી.નું લેબલ લાગે. પત્યું!’
— એમની વાતચીત સાંભળીને પ્રો. સિંઘ એમના ખંડના બારણા સુધી આવ્યા. બંનેને નામ દઈ આવકાર આપ્યો. બેસાડયાં. ઘંટડી વગાડી. પટાવાળો પાણી લઈને જ આવ્યો. વાત શરૂ કરી.
સિંઘસાહેબે લાવણ્ય માટે જગા ખાલી રાખી હતી તેથી રજિસ્ટ્રેશન કરાવવામાં તો મુશ્કેલી ન હતી. પણ લાવણ્ય ક્યા હેતુથી પીએચ. ડી. કરવા માગે છે એ અંગે સિંઘસાહેબે સ્પષ્ટતા માગી. જવાબ અણધાર્યો હતો:
‘હું કયા હેતુથી જીવું છું એનો જવાબ પણ મારી પાસે નથી સર!’ – કહેતાં લાવણ્યની આંખના ખૂણા ભીના થઈ ગયા.
વનલતાને નવાઈ લાગી. હમણાં સુધી તો આ કેવી દઢ લાગતી હતી અને એકાએક લાગણીશીલ થઈ ગઈ?
સિંઘસાહેબે લાવણ્યનાં આંસુ જોયાં જ ન હોય એવી સ્વસ્થતા ટકાવી રાખીને કહ્યું:
‘મનુષ્ય શા માટે જીવે છે એ અંગે એ સદીઓથી વિચારતો આવ્યો છે પણ એનો પૂરેપૂરો જવાબ તો હજી પરમ તત્ત્વ પાસે જ રહ્યો છે. એ અંગે આપણે ક્યારેક જરૂર વાત કરીશું.
મારે જાણવું એ હતું કે તમે નોકરીમાં બઢતીની અપેક્ષાએ આ પદવી મેળવવા માગો છો કે તમને જ્ઞાનપિપાસા છે? તમારે પદ્ધતિસર તારણ કાઢવાની તાલીમ લેવી છે? તમારો સહૃદયધર્મ તો જાગ્રત છે જ, સર્જક પણ છો. જો બઢતીને અનુલક્ષીને તમારે કામ કરવું હોય તો વિષય એવો પસંદ કરીએ કે સમયસર પહોંચી વળાય. અને —’
‘પહોંચી ન વળાય તોપણ આપના માર્ગદર્શનમાં સ્વાધ્યાય કરવો છે. જો આપની પાસે જગા ન હોત તો મને પીએચ. ડી.નો વિચાર પણ આવ્યો ન હોત.’ – સમર્થન માટે લાવણ્યે વનલતા સામે જોયું. એ સમજી નહીં અથવા એનું ધ્યાન નહોતું એમ લાગ્યું. એ એક સામાયિકનાં પૃષ્ઠ ઉથલાવી રહી હતી.
લાવણ્ય આગળ બોલી: ‘મારું માનસ ઉપનિષદકાળની સ્ત્રીઓ જેવું છે. જેનામાં વિશ્વાસ હોય એની સમક્ષ જ જિજ્ઞાસા વ્યક્ત થાય.’
‘તમને મારામાં વિશ્વાસ છે એ —’
‘સર, તમે મારા માટે બહુવચન ક્યારથી વાપરતા થયા?’
‘તમને શિક્ષણ-નિરીક્ષકની નોકરી મળી ત્યારથી.’
‘એમ હોય તો મારે નોકરી છોડી દેવી પડે.’
‘બધું છોડી દેવામાં ઉતાવળ ન કરવી. હું ઈચ્છું કે તમે નોકરી સાથે અભ્યાસ કરો, રોજ ત્રણેક કલાક વાચનલેખન કરી શકો તો અઢીત્રણ વરસમાં મહાનિબંધ પૂરો કરી શકો. શિષ્યવૃત્તિ મેળવનાર પણ આથી વહેલું પૂરું કરતા નથી. કોઈક વિદ્યાર્થી તો વળી શિષ્યવૃત્તિ ચાલુ હોય એ કારણે પણ લંબાવે. બાકી, તમારા જેવી વ્યક્તિ પૂરો સમય આપે તો બે જ વરસમાં કામ પૂરું કરી શકે.’
‘કોઈપણ વિષય હોય તોપણ?’ — વનલતાએ પૂછ્યું, તટસ્થ ભાવે.
‘ના. વિષય ગાઈડને પોતાને સમજાતો હોવો જોઈએ.’ — કહેતાં સિંઘસાહેબ હસી પડ્યા. ત્યાં એમના વિભાગમાં રીડર તરીકે કામ કરતા પ્રો. શ્રીવાસ્તવ ડોકાયા. એક સેકંડ આઘા ઊભા રહીને ટેબલ પાસેની એક ખાલી ખુરશીમાં ગોઠવાઈ ગયા. બંને યુવતીઓ પર નજર કરી લીધી.
એ બે વરસથી આ વિભાગમાં જોડાયા છે. કાયમી થઈ ગયા છે. ત્યારથી નચિંત છે. સ્વાધ્યાયને બદલે હવે સંપર્કોમાં વધુ રસ લે છે.
એમણે સિંઘસાહેબને એક પુસ્તક વિશે પૂછ્યું, પણ સિંઘસાહેબ જાણે છે કે શ્રીવાસ્તવજી આવ્યા છે આ યુવતીઓનો અવાજ સાંભળીને! થોડાક સમયથી એ વધુ સામાજિક બન્યા છે અને રસિકતા દાખવવા લાગ્યા છે.
એમણે લાવણ્ય અને વનલતાના આગમનનું કારણ પૂછ્યું. એ જાણતા હતા કે સિંઘસાહેબ પાસે એક જ જગા ખાલી છે. જો બંને યુવતીઓ પીએચ. ડી. કરવા માગતી હોય તો પોતે ગમે તે એકના માર્ગદર્શક થવા રાજી છે એ પણ અછતું ન રહ્યું. યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ – એ બધામાં એમને રસ છે.
પાંચેક મિનિટમાં જ સિંઘસાહેબે શ્રીવાસ્તવજી માટે કામ શોધી કાઢ્યું. એક સૂચિપત્ર સોંપીને એમાંથી પસંદગીનાં પુસ્તકો તારવવા જણાવ્યું. એ જાણે છે કે ડૉ. શ્રીવાસ્તવને ખરીદીનાં કામો વધુ ગમે છે. એ આકર્ષાઈને આવ્યા હતા, લોભાઈને ગયા.
લાવણ્ય માટે ત્રણ વિષયોની ચર્ચા થઈ. છેવટે આ વિષય નક્કી થયો: ‘નેગેટિવ એજ એન્ડ ક્રિયેટિવ એપ્રોચ ઈન લિટરેચર’ –સાહિત્યમાં નકારાત્મક વય અને સર્જનાત્મક અભિગમ. એક લેખિકા તરીકે લાવણ્ય માટે આ સ્વાધ્યાય ઉપકારક નીવડશે.
વનલતાને આ વિષય જરા અઘરો લાગતો હતો. કોઈ એક પ્રાચીન ગ્રંથનું સંપાદન કે કોઈ એક સર્જકના સમગ્ર લેખનનો સ્વાધ્યાય જલદી પૂરો થાય. લખતાં પણ ફાવે. જ્યારે આમાં તો લખી લખીને તમે લખો કેટલું?
લાવણ્યે એને ટૂંકો જવાબ આપ્યો: ‘હું જોખમ ખેડવામાં માનું છું.’
વનલતાને ત્યાં જઈ તૈયાર થઈ એ બજારમાં ગઈ. એક પુસ્તક ખરીદ્યું. જમુનાબેન-મધુકરભાઈ આજે આવશે પણ એમને મળવા આખી રાત અહીં રોકાવું પડે. કાલે સવારે જે શાળાની તપાસ છે ત્યાં પહોંચતાં મોડું થાય.
મન કાઢું કરીને બજારમાંથી એ સીધી એસ.ટી. બસ સ્ટેન્ડે ગઈ. હવે તો અહીં મહિનામાં બે વાર અચૂક આવશે. પ્રેમલનું ચિત્ર-પ્રદર્શન હશે એવામાં જરૂર હશે તો બેત્રણ રજાઓ પણ લઈ લેશે. મદદ કરશે અને વાંચશે. શિષ્યવૃત્તિ માટે અરજી કરશે, મળશે, કેમ ન મળે? પછી તો નોકરી પણ નહીં. માત્ર વિદ્યાભ્યાસ. નર્યા કૌમાર્યની અવસ્થાએ પરત પહોંચીને સરસ્વતીની છાયામાં…
ખાતરી થઈ ગઈ છે કે શિક્ષણ-નિરીક્ષક તરીકે એનાથી કશું નક્કર કામ થઈ શકે એમ નથી. બધાની ભૂલો માફ કરવા માટે નોકરીમાં ટકી રહેવાનો શો અર્થ?
(ક્રમશ:)