એના ઈલાજરૂપે બસ પુસ્તકો પીધાં છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

વિશ્વ પુસ્તક દિવસને અનુલક્ષીને એક લેખ

૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ૧૯૯૫માં યુનેસ્કો દ્વારા તેની શરૂઆત થઈ હતી. એની ઉજવણી માટે દર વર્ષે વિશ્વમાંથી એક શહેરની પસંદગી થાય છે જ્યાં પુસ્તક સંદર્ભિત વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ૨૦૨૪ માટે ફ્રાન્સના સ્ટ્રાસબોર્ગ શહેરની પસંદગી થઈ છે.

Strasbourg Pocket Travel Guide: A Romantic Escape to A Fairytale Old Town of France | BringYou
Strasbourg city

૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઈમેજ પ્રકાશનના લોગો સાથે કેપ્શન હતું – પુસ્તકોઃ વિશ્વ તરફ ઊઘડતી બારી. પુસ્તક મિત્ર પણ બની શકે અને માર્ગદર્શક પણ બની શકે. કમલેશ શુક્લ મહત્તાનું પ્રતિપાદન કરે છે…

પુસ્તકોને રાખવાનો એક ખૂણો રાખજો
નીંદમાંથી જાગવાનો એક ખૂણો રાખજો
ભૂલથી ભટકો તમે જો ચાલતા રાહે અગર
જિંદગીને જાણવાનો એક ખૂણો રાખજો

Is 'bookworm' positive or negative? | Merriam-Webster

પત્રકાર કાંતિ ભટ્ટના ઘરમાં રાચરચીલા કરતાં વધારે મહત્ત્વ પુસ્તકોનું હતું. એક સમયે જન્મભૂમિની અતિસમૃદ્ધ લાઈબ્રેરીનો લાભ અનેકભાષી લેખકો લેતા હતા. મુંબઈ જેવા શહેરમાં હવે લાઈબ્રેરી કલ્ચર મૃતપાય થઈ ગયું છે. લોકો પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી અને ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા નથી. પુસ્તક જો ગાઈ શકતું હોત તો ટેક્સી ડ્રાઈવર ફિલ્મનું આ ગીત જરૂર પીડાભર્યા સ્વરે વહેતું કરતઃ જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં…

યુવા કવિ મહિમ્ન પંચાલ આ ગમમાં શરીક થાય છે…

આપમેળે કોઈ પુસ્તકનું
વજન થોડી વધે?
ક્યાંક ખૂણે એકલામાં
ધૂળ ચોક્કસ ખાય છે

દળદાર પુસ્તક વાંચવાની ધીરજ હવે આપણે ગુમાવી બેઠા છીએ. એક સમય એવો હતો કે રસપ્રદ પુસ્તકનાં સો પાનાં એક દિવસમાં વાંચી જતા. હવે સો પાનાનું એક પુસ્તક સો દિવસમાંય વંચાતું નથી.

When did books get so freaking enormous? The year of the very long novel.

મનોરંજનના વિપુલ પર્યાયો સામે સ્પર્ધાને કારણે પુસ્તકોનો સોનેરી અધ્યાય જાણે પૂરો થઈ ગયો હોય એમ લાગે છે. આજના સમયમાં પણ જેને માટે પુસ્તક પરિવારના એક સભ્ય જેવું હોય વાચક રક્ષા શાહની વાત સાથે સંમત થશે…

મેં પુસ્તકને જગ્યા આપી
એણે આખી દુનિયા આપી

World Book Day Stock Photos, Images and Backgrounds for Free Download

એક સારું પુસ્તક આપણને જાત કે જગત સાથે જોડી આપે છે. ટીવી અને સિનેમાનું માધ્યમ એવું છે કે જેમાં તમે દૃશ્યો જોઈ શકો છો. પુસ્તકનું માધ્યમ એવું છે જેમાં તમે દૃશ્યો કલ્પી શકો છો. કોઈ નવલકથા કે વાર્તા વાંચતા હોઈએ ત્યારે એક નાનકડી સૃષ્ટિ આંખ સામે રચાતી જાય. વાંચવાની આદત છૂટી જવાને કારણે આપણી વિચારશક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અસર પડે છે. રશ્મિ જાગીરદાર પુસ્તક સાથે મૈત્રી રાખવાનું સૂચવે છે…

અભણ તો એને વાંચીયે શકે નહીં અને વળી
ભણેલા જો મૂકી રાખે તો ભણી શકે નહીં
જો હશે તો આપણોય હાથ ઝાલી ચાલશે
કદીયે એકલા તો તમને તજી શકે નહીં

Essay on Books Are Our Best Friend in English for Classes 1-3: 10 Lines, Short & Long Paragraph

ઘણા પ્રેરણાદાયી પુસ્તકો નિરાશાના સમયમાં વાચકને સાચવવામાં મદદરૂપ થાય છે. સતત પ્રવૃત્તિમય રહેનાર અને અસ્ખલિત બોલી શકનાર કવિ સુરેશ દલાલ જબરદસ્ત ડિપ્રેશનમાં સરી પડેલા ત્યારે એક શબ્દ પણ બોલી શકતા નહોતા.

સુરેશ દલાલ, Suresh Dalal | ગુજરાતી પ્રતિભા પરિચય

એ કપરા સમયમાંથી જે. કૃષ્ણમૂર્તિના એક પુસ્તકે તેમને બહાર કાઢ્યા હતા. દ્વારકાના કવિ જય સુરેશભાઈ દાવડાનો શેર જાણે આવી જ કોઈ ઘટના સંદર્ભે લખાયો હોય એવું પ્રતીત થાય છે…

કીધું‘તું દાક્તરે કે
ખાલી પ્રવાહી લેજો
એના ઈલાજરૂપે બસ
પુસ્તકો પીધાં છે

પુસ્તક પાસે હાથ નથી કે એ આપણા ખભા પર મૂકી શકે કે આપણો વાંસો પસવારી શકે. પણ પુસ્તક પાસે હેત જરૂર છે. આ હેત વરસાવવામાં એ જરાય કચાશ એ રાખતું નથી. કચાશ આપણા ઝીલવામાં છે. ડૂબકી લગાવો તો મોતી મળી શકે એ વાત નજરઅંદાજ કરીએ છીએ. મૃદુલ શુક્લ `મન’ ગહનતાની વાત કરે છે…

બે પુઠ્ઠામાં ભેદ રાખે પુસ્તકો
શબ્દને કેદ રાખે પુસ્તકો
મનના જોને મેલ ધોવે પુસ્તકો
પાનાં પર વેદ રાખે પુસ્તકો

File:A photo collage of book covers by Humayun Ahmed (7606854290).jpg - Wikimedia Commons

લાસ્ટ લાઈન

એટલું નક્કી કહું છાનું કશું રાખ્યું નથી
જિંદગી પુસ્તક સમી ખુલ્લી જ રાખી છે અમે
~ અતુલ દવે  

હું જ પુસ્તક, હું જ પાનું,
હું જ મારી વાર્તા
ચોપડી કે ગ્રંથ!
એ તો વાંચનારા ધારતા
~ ભૂમિ પંડયા ભટ્ટ `શ્રી’   

ડાયરીનું મને એક પાનું મળ્યું
પ્રકરણ જ્યાં પ્રણયની કથાનું મળ્યું
આત્મસંતોષ છે ના કશી રાવ છે
જે મળ્યું, તે બધુંયે મજાનું મળ્યું
~ ભારતી ગડા  

પુસ્તક નથી કે પાનું તમે ફેરવી શકો
આ જિંદગી છે દોસ્ત, અધૂરી મૂકાય નહિ
~ દીપક ઝાલા `અદ્વૈત’
***
પકડી રાખે હાથોમાં તું
મારે પુસ્તક થઈ જાવું
તારી નજરોની સામે રહું
મારે પુસ્તક થઈ જાવું
~ રશ્મિ અગ્નિહોત્રી

જ્યાં જાઓ ત્યાં લઈ જાઓ તો ભાર ન લાગે
હાથવગા છે પુસ્તક મળતાં વાર ન લાગે
છે સાથે ને સાથે ગ્રંથાલય દુનિયાનું
પણ ઈ-પુસ્તક સાથે દિલનો તાર ન લાગે
~ અંકિતા મારુ `જીનલ’

વાંચી શકે વિચાર અહીં તો, કલમ થકી,
મળશે પછી કિતાબ કહાણી નગર ને હું
~ કાજલ શાહ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખૂબ સરસ!

    ષડરસ જીંદગીના ભર્યા છે પુસ્તકે
    નવરસોનો ભંડાર ભર્યો છે પુસ્તકે
    કૈંક કિસ્સા ફૂલના રંગો સમાન ને
    સોડમ વૈવિધ્ય સભર ભર્યા છે પુસ્તકે
    કોને કહે વ્યથા નિજની પુસ્તકો
    કોણ હવે વાંચે છે? પ્રશ્નો કર્યા છે પુસ્તકે.
    – રસિક દવે