|

આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૧૦ ~ “આકોલિયસના અશ્વો”  – સી. પી. કાવાફી ~ અનુવાદઃ ઉદયન ઠક્કર

(કાવાફીની કવિતા “(કાવાફીની “Hidden Things” -Leiden, Netherland માં એક બિલ્ડિંગની દિવાલ પર કોતરેલી છે.)

(કવિ પરિચયઃ  કોન્સ્ટેન્ટાઈન પી. કાવાફી, (Constantine P. Cavafy) – એપ્રિલ ૨૯, ૧૮૬૩ – એપ્રિલ ૨૯ ૧૯૩૩ – ગ્રીક કવિ હતા. એમનો જન્મ ત્યારના ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થયો હતો. તેઓ તાલિમાખ્યાત જર્નાલિસ્ટ અને સિવિલ સરવન્ટ હતા. તેમને અર્વાચીન ગ્રીક સાહિત્યના ખૂબ પ્રતિષ્ઠિત કવિ માનવામાં આવે છે. એમની વિશિષ્ટ શૈલીની, આગવી કવિતાઓને કારણે માત્ર ગ્રીક નહીં પણ, પશ્વિમી કાવ્યોમાં પણ એમનું સ્થાન ઊંચું છે. કાવાફીએ ૧૫૪ કાવ્યો લખ્યા છે. તદુપરાંત કેટલાંયે કાવ્યો અધૂરા લખેલાં રહ્યાં છે.

કાવાફી પુસ્તકરૂપે કાવ્યો પબ્લીશ કરવામાં નહોતા માનતા પણ પ્રિન્ટ મિડીયામાં એટલે કે છાપાં અને ચોપાનિયામાં આપવાનું પસંદ કરતા હતા.

એમને ચાળીસ વરસની ઉંમર પછી લખેલા કાવ્યોને કારણે જ પ્રસિદ્ધિ મળી હતી. કાવાફીના પિતા ઈંગ્લેન્ડના શ્રીમંત વેપારી હતા પણ પિતાના અચાનક મૃત્યુ પછી, કુટુંબની નાણાંકીય પરિસ્થિતિને કારણે માતા સાથે પાછા એલેક્ઝાન્ડ્રિયા આવ્યા હતા.

૧૮૮૨ની એંગ્લો-ઈજીપ્તના યુદ્ધમાં એમનું એલેક્ઝાન્ડ્રિયાનું ઘર બળી જતાં, કોન્સ્ટન્ટીનોપોલમાં થોડો વખત નાનાને ઘેર પરિવાર સહિત રહ્યા હતા, પણ પછી ૧૮૮૫માં ફરી એલેક્ઝાન્ડ્રિયા આવ્યા અને છેવટ સુધી ત્યાં જ રહ્યા.

તેઓ સિવિલ સર્વિસમાં ઊંચા હોદ્દા પર હતા. ૧૯૨૨માં તેમણે એ નોકરી છોડી દીધી. ૧૯૨૬માં એમને ગ્રીક સરકાર તરફથી એમના ગ્રીક ભાષાના પ્રદાન બદલ “ઓર્ડર ઓફ ફિનિક્સ”ના ઉચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેઓ એમના ૭૦ મા જન્મદિને સ્વરપેટીના – Larynx – કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા.

એમણે અછાંદસ કવિતાઓ લખી છે. એમની કવિતાઓમાં મોટે ભાગે અનિશ્વિત ભાવિના એંધાણ, સેક્સ્યુઆલિટી, સમલૈંગિકતા, લોકોની માનસિકતા અને તીવ્ર નિયતિવાદી નોસ્ટાલજિયા પ્રબુદ્ધપણે દેખાય છે. મોટા ભાગના કાવ્યોના વિષયો ગ્રીક ઈતિહાસ પર આધારિત છે. અનેકવાર તેઓ એમાં પોતાની કલ્પનાના રંગ પણ પૂરતા હતા.

એમની ૧૯૦૪ની કવિતા “Waiting for the Barbarians” એક ખૂબ જ મહત્વની કૃતિ ગણાય છે. કાવાફીની “Ithaca” એમની ઉત્તમ કૃતિ ગણાય છે, જે હોમરના  Odyssey. મહાકાવ્ય પરથી પ્રેરિત થઈને લખી હતી.)

“આકોલિયસના અશ્વો”  – સી. પી. કાવાફી

પેટ્રોક્લસને નિષ્પ્રાણ નિહાળી
કેવો યુવાન હતો એ! બળકટ અને બહાદુર –
આકિલિયસના અશ્વોએ અશ્રુ સાર્યા
એમનું અમરત્વ ઘા ખાઈ ગયું,
જોઈને મૃત્યુની મહાનતા

– ઉલાળ્યાં મસ્તક એમણે, કંપાવી કેશવાળી
પછાડ્યા ડાબડા પૃથ્વી પર
સંતાપ કર્યો પેટ્રોક્લસનો :
સુપ્ત, લુપ્ત, સૂધબૂધ વિનાનો સાવ,
લોચો હાડચામનો, હડસેલાયેલો જીવનથી.

અમર અશ્વોને અશ્રુ સારતાં જોઈ
ઝીયુસ દુભાયા
‘મારી જ ભૂલ રે તુરગો :
શું કામ ભેટ આપ્યા તમને
પેલિયસના લગ્નપ્રસંગે?
ક્યાં તમે ન જરા, ન મૃત્યુ
અને ક્યાં દુઃખિયારી માનવજાત?
નિયતિ નચાવે તેમ નાચે જે
અરેરે અટવાઈ પડ્યા તમે પારકી પીડામાં’
પરંતુ ઉદાત્ત અશ્વો અશ્રુ સારતા રહ્યા, નિહાળી
મૃત્યુની શાશ્વત શોકાંતિકા

~ ગ્રીકના અંગ્રેજી અનુવાદ પરથી
~ અનુવાદઃ ઉદયન ઠક્કર

ટ્રોય સાથે ગ્રીસનો મહાસંગ્રામ ચાલે. ગ્રીસનો મહારથી તે અજેય આકિલિયસ. તેના અશ્વો તે કઝાન્થસ અને બાલિયસ, અજર, અમર, દેવાધિદેવ ઝીયુસે આપેલા. આકિલિયસના રથમાં આરૂઢ થઈને તેનો મિત્ર પેટ્રોક્લસ રણે ચઢ્યો અને હેક્ટરના હાથે હણાયો. આ જોઈ દેવતાઈ અશ્વોની આંખો ભીની થઈ ગઈ.

આટલી વાત મહાકવિ હોમરના ‘ઈલિયડ’ માંથી. (પુસ્તક અ૭, પંક્તિ ૪૩૪ – ૪૪૦) યુદ્ધની વાર્તારમણીય હોય, ‘યુદ્ધસ્ય હિ કથા રમ્યા.’ પરંતુ અહીં શૂરાતનની વાત નથી. પ્રથમ પંક્તિનો વીર, પ્રથમ પંક્તિમાં જ વીરગતિ પામ્યો છે. કાચોપોચો કવિ હણાયેલા યોદ્ધાને પ્રેયસીની દૃષ્ટિએ જુએ; કાવાફી અશ્વની દૃષ્ટિએ જુએ છે.

મરણશીલ માણસને મરણનું આશ્વર્ય ન હોય. માટે કવિએ અજર અને અમર અશ્વોના પાત્ર પસંદ કર્યા : આ પંક્તિ વાંચો, જુઓ અને સાંભળો : ‘ઉલાળ્યાં મસ્તક એમણે, કંપાવી કેશવાળી, પછાડ્યા ડાબડા પૃથ્વી પર..’

ઘડી પહેલાંનો ખૂંખાર અને ઝુઝારુ હવે મરી ગયો? સાવ? માની નથી શકાતું. માટે આ રટણ, “લાઈફલેસ, ડિસ્ટ્રોઈડ, મિયર, ફ્લૅશ ઍન્ડ બોન, ડિફેન્સલેસ નાઉ, હિઝ સ્પિરિટ ગૉન, અ કાસ્ટાવે ફ્રોમ લાઈફ, નાઉ નોટ.” – “સુપ્ત, લુપ્ત, સૂધબૂધ વિનાનો સાવ, લોચો હાડચામનો, હડસેલાયેલો જીવનથી”

આ ક્ષણે દેવાધિદેવ ઝીયુસ*** પ્રકટ થાય છે. ગ્રીક મિથકની આ વિશેષતા – માનવીની દૈનંદિનીમાં દેવતાઓના હસ્તાક્ષર.

દેવરાજ ઝીયુસ દુઃખી થાય છે – ‘અરેરે અમર તુરગો ! પામર માનવોની પીડામાં તમારે પલોટાવું પડ્યું?’

ગ્લાનિ બેયને છે. ઝીયુસને લાગી આવ્યું છે અમર અશ્વોનું અને અશ્વોને લાગી આવ્યું છે મરણશીલ માણસનું.

ઐતિહાસિક પાત્રોને વાચકની આંખ સામે હરતાંફરતાં કરવાં એ સી. પી. કાવાફીનો કાવ્ય વિશેષ છે.

(***ઝીયુસઃ Zeus – King of the Gods, God of the sky, lightning, thunder, law, and order)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.