ચાર ગઝલ ~ હિના શાહ ‘મહેંદી’ (નવસારી) ~ ગઝલસંગ્રહઃ રંગ મારો ખુદનો છે
૧. વધારે
જરા આપવાથી એ મળશે વધારે
હું એથી જ આપ્યા કરું વારેવારે
સમય પાકતા વ્યાજ સાથે દઈ દે
ખુદા બેઈમાની કદી ક્યાં વિચારે?
ચરણસ્પર્શ કરવા નમે હાથ એવો
મળે માંડ એકાદ માણસ હજારે
ઉપરવાળો તત્પર બધું ઠીક કરવા
તમે કંઈ કરો નહીં તો એ શું સુધારે?
ગરીબાઈ કાઢે શું સરવૈયું ‘હિના’?
જમા થાય ખાતામાં કંઈ, તો ઉધારે
૨. લાગણીના ભાગલા
કેમ માંડ્યાં છે હિસાબો આટલા?
થઈ શકે શું લાગણીના ભાગલા!
સો ટકા પરિણામ આવે તો જ પાસ
જિંદગી એવા ગણાવે દાખલા
કોઈના ટેકા વગર પણ રહી શકાય
હોય છે આકાશને ક્યાં થાંભલા!
કેટલી ફરજો નિભાવી આપણે
એ જ તો માનવની છે સાચી કલા
ન્યાય કરવાનો છે કોનો એ મુજબ
માણસો રાખે જુદાં બે કાટલાં
હૂંફની વર્તાય નહીં સ્હેજે અછત
માટે રાખી મૂક્યા માના સાડલા
૩. રખવાળી કરી
એકલી મેં આગિયા-પાળી કરી
એમની રાતોને અજવાળી કરી
હોય હોળી કે દિવાળી બેઉમાં
મેં ઉજવણી ખિસ્સા સંભાળી કરી
સાથ તું આપીશ? પૂછયું એમણે
ત્યાં સહી મેં પાપણો ઢાળી કરી
સ્વાર્થ દેખાતા ગળે વળગી ગયા
પણ મેં વાતો પીઠ પંપાળી કરી
આંસુઓ સપનાં વહાવી ના શકે
રોકવા મેં પાંપણે પાળી કરી
તે છતાં ચૂંટી ગયા ખીલતી કળી
છોને ફરતે વાડ કાંટાળી કરી
જે જે ભગવાને કહ્યું’તું છોડવા
માણસે એની જ રખવાળી કરી
૪. કોરો કાગળ
જામ ભરું શી રીતે આગળ?
કામણગારું તારું કાજળ
ગાલ ઉપર વરસાદનાં ટીપાં
જાણે પર્ણો પર છે ઝાકળ
એણે કેવી રીતે વાંચ્યો?
સાવ હતો એ કોરો કાગળ
શહેરમાં તારાં પગલાં પડતાં
રસ્તો બદલી આવ્યાં વાદળ
તોય તું સપનામાંથી ભાગ્યો
પાંપણને મારી’તી સાંકળ
~ હિના શાહ ‘મહેંદી’ (સુરત)
~ ગઝલસંગ્રહઃ રંગ મારો ખુદનો છે