“Love you લાવણ્યા”~ લેખકઃ ડૉ. રઈશ મનીઆર ~ પુસ્તક પરિચય: પૃથા મહેતા સોની

એક નાનકડા ગામની ભારતીય સ્ત્રીની સરળતા, કોઠાસૂઝ, શક્તિ, ગરિમા, દ્રઢતા અને એના સમર્પિત પ્રેમના સૌંદર્યની એક સુરુચિપૂર્ણ વાર્તા એટલે જ  “Love you લાવણ્યા”!

લાવણ્યા એટલે પોતાની અનોખી મેન્ટાલીટી અને અણધારી રિયાલિટી વચ્ચે સતત મેળ બેસાડવા મથતી એક સેન્સિટીવ છોકરી.

લાવણ્યાના પાત્રનિરૂપણની એક ખાસિયત છે કે લેખકે પુસ્તકમાં ક્યાંય નાયિકાના દેખાવના કે સૌંદર્યના સીધા વર્ણનો લખ્યાં નથી અને છતાં, તેની એક શક્તિસ્વરૂપા, કમનીય અને સુંદર સ્ત્રી તરીકેની છબી વાચકનાં ભાવવિશ્વમાં અનાયાસે ઘર કરી જાય છે. એટલું જ નહીં, ન કહેવાયેલું પણ કહેવાયેલા શબ્દોમાં ઝબકી જાય છે. એ સાથે જ, પાસાદાર સ્ફટિક જેવું પાત્રાલેખન કથાના પોતને એક કૌવત આપી દે છે.

આ કથાની નાયિકા, લાવણ્યાનું નામ એવું સરસ છે કે ફક્ત આ નામ જ એને નાયિકા તરીકે પ્રસ્થાપિત કરી દેવા માટે પૂરતું છે! આ પાત્ર ને ‘લવ યુ’ કહેવાનું ભાવકનેય મન થાય એવું  સુંદર લાવણ્યાનું પાત્રાલેખન છે.

પ્રારંભિક શબ્દો જ જોઈએ: “લાવણ્યા એટલે ખારાશ વાળી સુંદરતા. કહો કે વહેલી પરોઢના ઝાકળમાં મોડી રાત સુધી જાગેલી વિરહિણીનું આંસુ ભળી જાય એ ઘટના એટલે હું.” અહીં કવિ રઈશ મનીઆરની ઝલક જોવા મળે છે.

કથાનો ઉઘાડ લેખિકા સુરમ્યાથી થાય છે. વાર્તાલેખન માટે એને પ્રેરણા મળે તે હેતુથી સુરમ્યાના સહકાર્યકર અને અંગત મિત્ર અનુરવે તેને કોઈ લાવણ્યાની અંગત ડાયરી વાંચવા માટે ક્યાંકથી લાવી આપી.

આ કથાવસ્તુની ખૂબી એ છે કે આ ડાયરીમાંની વાર્તા, લેખિકાના પોતાના જીવનની વાર્તા સાથે કથાના ઉત્તરાર્ધમાં “હાઉક” કરીને સાવ સહજપણે જોડાઈ જાય છે! આવી વિશિષ્ટ પ્રસ્તુતિ દ્વારા રજૂ થતી, અને લેખકના જ શબ્દોમાં કહીએ તો આ  “પ્રારબ્ધના પાસાંને પલટાવતા પ્રેમની નાજુક કથા” છે.

સમાજની દ્રષ્ટિએ બગડેલા એના પતિ તરંગને આ સ્ત્રી લાવણ્યા, પોતાની સૂઝબૂઝ અને હકારાત્મક અભિગમ દ્વારા આબાદ ઓળખી લે છે, સમજે છે અને એને સાથ આપીને એને એક સુંદર જીવન જીવવા માટે પ્રેમ અને સમર્પણપૂર્વક પ્રેરિત કરે છે. એટલું જ નહિ, પણ, દરેક મુશ્કેલીનો સામે પ્રવાહે તરીને ખૂબ દ્રઢતાપૂર્વક સામનો પણ કરે છે. અંતે, એક સુંદર તેમ જ પ્રેરણારૂપ પરિવાર બનાવવામાં એ સફળ થાય છે.

કથામાં આવતા આલેખનો તો જાણે કોઈ પટકથાને નજર સમક્ષ ભજવાતી જોઈ રહ્યાં હોઈએ એવો અનુભવ કરાવે છે. ઉદાહરણ રૂપેઃ

“હું લાવણ્યા, પથ્થર નીચે દબાયેલું પતંગિયું. અરમાન તો એવા હતા કે કોઈ મને જ ફૂલની જેમ ઊંચકી લે. પણ ભાગ્યમાં લખ્યું હતું કે બંને ખાનદાની ઈજ્જતનો ભાર મારા નાનકડા ખભા પર ઉઠાવવાનો હતો.”

સુરમ્યાના પાત્ર સાથે સંકળાયેલા આલેખનો પણ રસપ્રદ છે.
“ઝઘડો એટલે ટાઇમપાસ!”
“આ ‘ઘૂઘરો’, ‘સાતતાળી’ અને ‘પનઘટ’ના મિનિંગ ગુજરાતી લેક્સિકોનમાં જોવા પડશે. આ બધું જરા ટફ છે. જરા ઇઝી હોવું જોઈએ.”

અહીં લેખક રઈશ મનીઆર વિરોધાભાસને ખૂબીથી બતાવે છે કે આ આધુનિકા ગુજરાતી નવલકથા લખવા જઈ રહી છે!

“બે પથ્થર વચ્ચેની ચકમક પોતે આગિયો બનીને ઉડવા માંડે એમ હું અસ્તિત્વમાં આવી હતી. છતાં મારી પાંખો પર પતંગિયા જેવા રંગો મારે જોઈતા હતા.”

પુરુષ પાત્રો, તરંગ અને અનુરવનું પાત્રાલેખન રસાળ છે અને વાર્તાના જામને આકંઠ છલકાવવામાં મદદરૂપ થાય છે. અહીં એક કુશળ મનોચિકિત્સકની ભાવ અને શબ્દો પરની હથોટી નવલકથાને ઓપ આપે છે.

કવિ જ્યારે કથા લખે ત્યારે એનો સાર પણ વ્યંજના જેવો રાખે! અહીં લેખકે ત્રણ પેઢીના વાચકોને ત્રણ જુદા જુદા સાર મળે અને તે છતાંય જરા પણ ઉપદેશાત્મક ન લાગે એ રીતે વાર્તા કરી છે!

આ નવલકથા એક ઉમદા ચાઈલ્ડ સાઇકોલોજીસ્ટ ડોક્ટરની કલમની નીપજ છે, જેની પ્રતિતી તેમાં ખૂબ સ્પષ્ટ, બહુમૂલ્ય તેમ જ કલાત્મક બાળઉછેરના સંદેશાથી થાય છે. પણ એ સમજવા અને માણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

આ પુસ્તક હાથમાં લેતાં જ ગમી જાય એવું છે. ખૂબ કલાત્મક, સર્જનાત્મક અને રમ્ય ચહેરાવાળું પુસ્તકનું મુખપૃષ્ઠ અને એનાં પર ડૉ. રઈશ મનીઆર જેવા માતબર સર્જનો કરનારા, બહુમુખી સાહિત્યકાર-સર્જકનું નામ જોઈને વાચક સહજતાથી જ પુસ્તક વાંચવા માટે આકર્ષાય છે.

એકવીસમી સદીમાં જન્મેલા સહુ સ્ત્રી-પુરુષો માટે આજના સમયને અનુરૂપ, છતાંયે આગલી પેઢીને પણ વાંચવી ગમે એવી આ નવલકથાના પોત અને સૌષ્ઠવ સાથે દરેક વાચક રીલેટ કરી શકે છે. અને, આ જ એક સંનિષ્ઠ અને સક્ષમ લેખકની સિદ્ધહસ્તતા દર્શાવે છે.

વાસ્તવમાં, આ પુસ્તક એકવાર જો વાર્તારસમાં ખાસ રુચિ ન રાખનારાનાં હાથમાં જો આવે તો એ લોકો પણ પુસ્તક પૂર્ણ કર્યા વિના હાથમાંથી નીચે નહીં મૂકે, એની મને ખાત્રી છે. આ માત્ર નવલકથા નથી પરંતુ માનવતા અને જીવનને પ્રેમ કરનારાઓની ધબકતી અનુભૂતિ છે.

એવું કહેવાય છે કે આજના સમયમાં, એકવાર ઘરમાં વસાવીને વારંવાર વાંચવી ગમે એવી બહુ ઓછી નવલકથાઓ લખાય છે. “Love You લાવણ્યા!” આ માન્યતાને સદંતર ખોટી પાડે છે.

~ લેખકઃ ડૉ. રઈશ મનીઆર
~ પુસ્તક પરિચય: પૃથા મહેતા સોની

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. શ્રી રઈશસરની સર્જકતા નું સુગંધીદાર પૂષ્પ એટલે ‘love you લાવણ્યા’ .જેનો પમરાટ ભાવકો સુધી પહોંચાડી એ પૂષ્પને સુંઘવા માટે ભાવક તલપાપડ બને એવી મોહક રજૂઆત માટે પૃથા મેહતા -સોનીને ખૂબ ખૂબ અભિનંદન.
    સર્જક શ્રી રઈશ મનીઆરને સુંદર સર્જનની ભેંટ સમાજને આપવા બદલ શુભેચ્છા સહ આભાર.

  2. રઈશભાઈની “Love you લાવણ્યા” નવલકથાનો પૃથા મહેતા-સોની દ્વારા ખૂબજ ઉત્કૃષ્ટ રીતે અપાયેલો પુસ્તક પરિચય જ આખી નવલકથા એકી બેઠકે વાંચી જવા માટે પ્રેરિત કરે છે.

    નવલકથાના સ્ત્રીપાત્રો અને પુરુષ પાત્રો બંનેનું આલેખન નવલકથામાં રઈશભાઈની કલમ દ્વારા કુશળતાપૂર્વક કરાયું હોવાનુ પ્રમાણ આપતા આ નવલકથાનો પરિચય આપીને પૃથા મહેતા-સોની કહે છે કે,એકવીસમી સદીમાં જન્મેલા સહુ સ્ત્રી-પુરુષો માટે આજના સમયને અનુરૂપ, છતાંયે આગલી પેઢીને પણ વાંચવી ગમે એવી આ નવલકથા માત્ર નવલકથા નથી,પણ માનવતા અને જીવનને પ્રેમ કરનારાઓની ધબકતી અનુભૂતિ છે.

    કોઈ નાટ્યગૃહમાં નાટક શરૂ થતા પહેલા ઉદ્ઘઘોષકના ઘેઘૂર અવાજમાં એવું સાંભળવા મળે કે,

    ” હું લાવણ્યા.પથ્થર નીચે દબાયેલુ પતંગિયું અરમાન તો‌ એવા હતા કે કોઈ મને ફૂલની જેમ ઉંચકી લે.પણ ભાગ્યમાં લખ્યું હતું કે બંને ખાનદાની ઈજ્જતનો ભાર મારાં નાનકડા ખભા પર ઉઠાવવાનો હતો. બે પથ્થર વચ્ચેની ચકમક પોતે આગિયો બનીને ઉડવા માંડે એમ હું અસ્તિત્વમાં આવી હતી. છતાં મારી પાંખો પર પતંગિયા જેવા રંગો મારે જોઈતા હતા.”

    આટલું સાંભળતા જ પ્રેક્ષકોની તાલીઓથી હૉલ ગુંજી ઉઠે એવી જ અનુભૂતિ આ નવલકથાનો પરિચય વાંચીને થઈ છે.એ માટે પૃથા મહેતા-સોનીને તો અનેકાનેક અભિનંદન ખરા જ💐💐,સાથે આ નવલકથાના સર્જક ડૉ.રઈશ મણિયારને પણ આનંદ સાથે અઢળક અભિનંદન.💐💐

    1. કોઈ વાંચે, આનંદિત થાય… બીજું શું જોઈએ! ખૂબ ધન્યવાદ.