આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૮ ~ “વંટોળિયાના શુકન..!” ~ આર્થર રિમ્બો ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

(જીન નિકોલસ આર્થર રિમ્બોએ ૧૧ વરસની નાની ઉંમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. પ્રારંભની કવિતાઓ એમણે પ્રખ્યાત સાહિત્યકાર વિક્ટર હ્યુગોની અસર નીચે લખી હતી પણ ૧૬ વરસની ઉંમર સુધીમાં એમણે પોતાનો આગવો અવાજ શોધી લીધો હતો.

આર્થર રિમ્બો એમની ઉલ્લંઘનકારી – નિયમોને ભંગ કરનારી (Transgressive) અને સરરિયલ (Surreal) વિષયની (Theme) કવિતાઓ માટે વિખ્યાત છે. એમની કવિતાઓ આધુનિક અને અતિઆધુનિક સાહિત્યના આરંભના તબક્કામાં પહેલા પગથિયા તરીકે ગણાય છે. ખાસ કરીને  Surrealism – અતિવાસ્તવાદી સાહિત્યમાં એમની કવિતાઓ પાયાના પથ્થર તરીકે વખણાય છે.

તેઓ વિચારસરણીમાં સ્વચ્છંદી કહી શકાય એટલી હદ સુધીની વ્યક્તિગત સ્વતંત્રતામાં (Libertinism) માનતા હતા. હાડકાના કેન્સરને કારણે ૩૯ વર્ષની યુવાન વયે એમનું મૃત્યુ થયું હતું. એમની કવિતા – “Le Bateau ivre” – ૧૦૦ પંક્તિઓનું દીર્ઘ કાવ્ય છે અને એ કાવ્ય ફ્રેંચ સાહિત્યમાં એનાં સુંદર રૂપકો માટે “માસ્ટરપીસ” ગણાય છે. )

“Le Bateau ivre” – ૧૦૦ પંક્તિઓનું દીર્ઘ કાવ્ય પેરિસની દિવાલ પર

વંટોળિયાનાં શુકન

આજે ફ્રેંચ કાવ્ય ‘ધ ડ્રંકન બોટ’ (પીધેલ નૌકા)ની વાત કરીએ. આર્થર રિમ્બોએ આ કાવ્ય ૧૬ વર્ષની વયે, ૧૮૭૧માં રચ્યું હતું. ૧૦૦ પંક્તિની મૂળ રચના છંદોબદ્ધ અને પ્રાસયુક્ત છે, અહીં તેનો સંક્ષેપમાં ભાવાનુવાદ કર્યો છે. આખું કાવ્ય એક નૌકાની ઉક્તિરૂપે છે:

નિર્લેપતાથી વહ્યે જતી નદીમાં આગળ વધતાં મેં અનુભવ્યું
કે હું હંકારાતી નથી હવે નાવિકોથી
બધા તો વીંધાયા, ચિત્કારતા રેડ ઇન્ડિયન્સ વડે
ચડાવાયા રંગીન વધસ્તંભો પર, નગ્ન

નૌકા ‘નિર્લેપતાથી વહ્યે જતી નદીમાં’ (એટલે કે જીવનમાં) આગળ વધતી હતી. અત્યાર સુધી તે નાવિકોના ઇશારે ચાલતી હતી. એકાએક તેને મુક્તિનો અનુભવ થયો. નાવિકો બધા વીંધાઈ ગયા રેડ ઇન્ડિયન્સ વડે. બે જ પંક્તિ થકી કવિએ વગડાઉ અમેરિકાનું ચોંકાવનારું ચિત્ર દોર્યું છે.નૌકા પરના નિયંત્રણોનો અંત આવ્યો, તેની આદિમ ઇચ્છાઓ ચિત્કારી ઊઠી.

મને
ફરક પડતો નહોતો
મારા પર લદાયાં હોય, વલન્દાઓનાં ઘઉં કે વિલાયતી કપાસ
નાવિકો ભેગી જંજાળ પણ ભાંગી
નદીઓએ સરવા દીધી મને,મન ફાવે ત્યાં

નૌકાની અગાઉની હયાતી માત્ર વેપારવણજ માટે હતી, હવે તેણે નિરુદ્દેશ ભ્રમણ શરૂ કર્યું. (‘નદીઓ’ બહુવચનમાં લખાયું છે- નૌકા વિવિધ નદીઓમાં સરતી હતી.)

દરકાર વગર હું દોડી, મનસ્વી બાળકની જેમ
ભરતીઓટના ભભૂકતા ચાબખા ખાતી
દ્વીપકલ્પો છૂટા પડ્યા ત્યારેય નહોતા થયા
આવા વિજયી કોલાહલો

દ્વીપકલ્પ મુખ્ય ખંડથી છૂટો પડે, તો કેવી ઉથલપાથલ થઈ જાય! નૌકા નાનકડી નદીમાંથી સાગરમાં ફેંકાઈ ગઈ ત્યારે એવા જ ‘વિજયી કોલાહલો’ થયા. રિમ્બોનાં આવા પ્રતીકો (સિમ્બલ્સ)થી તે વખતનો ફ્રેંચ સમાજ ખળભળી ઊઠ્યો હતો.નૌકાને નદીમાં સ્વતંત્રતાને ભોગે સુરક્ષા મળતી હતી. સાગરમાં જતાંવેંત તે સ્વાધીન થઈ ગઈ. ભરતીના ભભૂકતા ચાબખા તેને ભલા લાગ્યા.

મારા સમંદરપ્રવાસને વંટોળિયાનાં શુકન થયાં
બુચથી હળવી હું, નર્તતી રહી મોજાં પર
દસ રાત સુધી, દીવાદાંડીઓની જડ દ્રષ્ટિ તળે

નૌકાનો ઉન્માદ તો જુઓ! વંટોળિયાને અપશુકન નહિ પણ ‘શુકન’ ગણે છે, મોજામાં ઘસડાવાને ‘નર્તન’ કહે છે. નૌકા ‘પીધેલ’ છે- તેની અંદર પાણી પેઠું છે, તેને મુક્તિનો નશો ચડ્યો છે.વહાણોને બચાવનાર દીવાદાંડીઓ પ્રત્યે તેને આદર નહિ પણ ચીડ છે.

લીલું જળ ફરી વળ્યું મારા તૂતક પર
ભૂરા દ્રાક્ષાસવ અને વમનના ડાઘા ધોતું
સુકાન અને લંગર તોડતું ફોડતું

સાગરના જળે ધોઈ નાખ્યા દારૂના અને નાવિકોએ કરેલી ઉલટીના ડાઘા. લંગર ગયું, સુકાન પણ ગયું. નૌકા લાંગરવા માગતી નથી, તેને તો બસ લહેરોના લહાવા લેવા છે.

મેં જોયાં છે વીજળીથી સ્ફોટમાન આકાશો, ફુવારા,
ફીણ, પ્રવાહો. મેં જોઈ છે સાંજ
ને સવાર, પારેવાં શી પવિત્ર
મેં જોયું છે, જે માણસોને લાગ્યું હો કે તેમણે જોયું છે

કિશોરવયે રિમ્બો, જુલે વર્નની સાહસકથા ‘ટ્વેંટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ વાંચીને પ્રભાવિત થયા હતા.તેમાં આવતાં કેટલાંક દ્રષ્યોનો અણસાર આ કાવ્યમાં આવે છે.

ક્ષિતિજે લીલેરા ધણની લગામોની જેમ તણાયેલા
મેઘધનુષ્યો મેં જોયાં છે
હું બહુ રોઈ છું,હ્રદયવિદારક હોય છે પરોઢ
ચંદ્ર ક્રૂર અને સૂર્ય કટુ હોય છે

દરિયાઈ અશ્વો દાબડા બોલાવતા હોય,કેશવાળી ફીણ ફીણ થતી હોય, મેઘધનુષ્યની લગામો તેમને કાબુમાં રાખતી હોય માંડ માંડ- નૌકાને આવું યે જોવા મળ્યું. તે તોફાનમાં તણાઈ ગઈ ન હતે, તો જીવનભર મજૂરી કર્યા કરતે.પરોઢના સૌંદર્યથી નૌકાનું હૈયું વલોવાઈ જાય છે. (આવી સંવેદનશીલતા કલાકારમાં સહેજે હોય. અહીં કવિની જીવનદ્રષ્ટિ વરતાય છે.)

છો ફાટતો મારો મોભ, છો જતી હું સાગરને તળિયે
મોજાંઓ! તમારી સુસ્તીમાં સ્નાન કર્યા પછી
હું કપાસ લઈ જતી નૌકાઓની પૂંઠે નહિ જઈ શકું
કે કેદીઓને ભરી જતાં વહાણોની ભીષણ આંખો હેઠળ નહિ તરી શકું

જનસામાન્યને કલ્પનામાં પણ ન આવે એવા વિશ્વનું દર્શન નૌકાએ કરી લીધું,હવે તે કપાસની ખેપ કરવા પાછી જાય? નૌકાએ હવે જળસમાધિ લેવી છે, આનંદસમાધિ લેવી છે.

રિમ્બો આપણને જાણે પ્રશ્ન કરે છે- તમારે જીવન વેંઢારવું છે? કે માણવું છે?

~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.