ત્રણ ગઝલ ~ શ્વેતા તલાટી (વડોદરા)

૧. થવાય તો?

નાજુક નહીં કઠોર ને નક્કર થવાય તો?
સચવાઈ જાય દિલ હજી, પત્થર થવાય તો

પાગલ થયા વિનાય શું એ શક્ય થઈ શકે?
સૌ મોહજાળથી જરી પણ પર થવાય તો!

ઘા દેશે સૌ, મલમ ન કોઈ, તેથી કહું છું પણ;
જાતે જ લોહ સમ બની બખ્તર થવાય, તો?

ચીર્યા કરે સદાય છતાં ના જ નીકળે;
જો સ્હેજ પણ આ મૌનથી અક્ષર થવાય, તો!

‘શ્વેતા’, ઘણાંને પ્રશ્ન ઘણાં પૂછવાના છે,
પણ સૌ સવાલથી ખરો ઉત્તર થવાય તો!

૨. આયનો

કેમ દુનિયાથી ઘણું નોખું કરે છે આયનો?
બિંબ દેખાડો જેવું, એવું ધરે છે આયનો.

જૂઠ ના બોલે છતાં સ્વીકાર્ય છેને એનું સચ!
સત્ય કડવું હોય પણ ક્યાં છાવરે છે આયનો?

જાય છે એના વિના એક પણ દિવસ ક્યાં કોઈનો?
વિશ્વમાં આજે તો લગભગ સૌ ઘરે છે આયનો.

આપણી રોજે જ તારામૈત્રીના સાક્ષી છીએ?
‘પ્રેમ પણ કેવો તને રોજે કરે છે આયનો.’

પ્રાણપ્રિય, અંગત, સરસ સાથી છે સ્ત્રીઓનો, પછી?
ક્યાંક અંતે દિલ પુરુષોના હરે છે આયનો.

દર્દ જોઈને અનુભવ્યું હશે સૌનું કદાચ;
ધ્યાનથી જોને ઝીણું ઝીણું ઝરે છે આયનો.

એકલામાં હૈયું ઠાલવવા બને સાથી કદી;
એ રીતે હમરાઝ ‘શ્વેતા’ આખરે છે આયનો.

 ૩. પીડાય છે

ધીમે ધીમે કેટલી બદલાય છે?
જિંદગી બચપણથી ઘરડી થાય છે

હોય સંબંધો મુજબ ચહેરા – મિજાજ
ક્યાં હવા પણ એકસરખી વાય છે!

બહુ દિ’એ એકદમ મળી ગઈ, એટલે
નૃત્ય કરતાં નજરું – પાંપણ ગાય છે.

મૂલ્ય કોઈ ને કોઈ રીતે ભરો
શબ્દની કિંમત પછી સમજાય છે

યુદ્ધનાં નુકસાનની ભરપાઈ ક્યાં?
સંધિ એ એક માત્ર શુભ પર્યાય છે.

આંધળી હરીફાઈમાં માબાપની
ક્યાંક સંતાનોય અવહેલાય છે

રાષ્ટ્ર, ધર્મો, ક્ષેત્ર ને ‘શ્વેતા’ સમાજ
માણસાઈનું વિહગ પીડાય છે

~ શ્વેતા તલાટી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. શ્વેતાબેન અમારા બુધસભા વડોદરાના કવયિત્રી. ખૂબ ટૂંકાગાળામાં એમને ગઝલ પર સારી હથોટી કેળવી છે. એમની નિષ્ઠા અને મહેનત રંગ લાવી છે. સુંદર ગઝલોનું ચયન. અભિનંદન હિતેનભાઈ તથા શ્વેતાબેન બંનેને.