પ્રકરણ: ૨ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

એના પહેલા પગથિયા તરીકે તારા લગ્ન-સમારંભમાં હું બરાબર સજીને આવીશ.

બરાબર સજીને આવી, સસ્મિત.

એમનાં મોટા ભાગનાં સહાધ્યાયીઓ એ પ્રસંગે હાજર હતાં. દીપકના સસરા ઉદ્યોગધંધાને કારણે સૂરત સ્થિર થયા છે. પણ બધાં સગાંવહાલાં ઈચ્છતાં હતાં કે લગ્નવિધિ અમદાવાદમાં યોજાય. એમ થતાં સહાધ્યાયીઓ માટે અનુકૂળતા ઊભી થઈ. જેમને ઔપચારિક આમંત્રણ ગયેલાં એવી કેટલીક વ્યક્તિઓ પણ આવેલી.

લાવણ્ય-દીપકની મૈત્રી વિશે જાણનાર સહુએ કંકોતરી બરાબર વાંચી હતી અને કુતૂહલ તેમ જ શંકાનું સમાધાન થઈ ગયું હતું. છતાં વનલતા તો ભૂલ કરી જ બેઠી અને પળવાર માટે લાવણ્યને જ નવવધૂ માની બેઠી! પણ એની હથેલીઓ પર નજર ગઈ અને મેંદી ન હોવાને કારણે ખ્યાલ આવી ગયો. નહીં તો દીપકની વાગ્દત્તા સવિતાના મનમાં અગાઉ જાગેલી શંકા દઢ થઈ હોત. લગ્નની ચોરીમાં વધેલી ગેરસમજમાં પછી ઘટાડાનો અવકાશ રહેતો નથી.

લગ્ન મહાલવા આવેલી જાનડીઓ જેટલી બલ્કે એથી વધુ લાવણ્ય ખુશ લાગતી હતી તો કન્યા પક્ષનાં કુટુંબીજનો કરતાં પણ વધુ કામ કરતી હતી. અને આ જ તો એની ખૂબી છે. પ્રવૃત્તિ દરમિયાન એ વધુ પ્રસન્ન લાગે છે. બે-પાંચ મિનિટ મિત્રો વચ્ચે ઊભી રહે ને પાછી કામ શોધી લે.

બધો વિધિ પૂરો થઈ ગયો. ભોજન-સમારંભ પતી ગયો. હવે કલાકનો વિશ્રામ છે. પછી કન્યા-વિદાય.

કેટલાંક મિત્રો દીપક-સવિતા સાથે બેઠાં હતાં. વનલતા લાવણ્યને મંડપના એક છેવાડા સુશોભન નીચે લઈ ગઈ. ખુરશીઓ ગોઠવી.

‘આવ બેસ. નિરાંતે વાતો કરીએ. તું ન હોત તો હું તો ક્યારનીયે ભેટસોગાદ આપીને પ્રેમલની સાથે જ રવાના થઈ ગઈ હોત.’ — એમ કહી વનલતાએ એની હથેલી દબાવી.

એથી લાલ થયેલી હથેલીની રેખાઓ પર નજર કરતાં લાવણ્ય કહે:

‘હરખભેર આગળ ધસી જતાં વાછરડાંને કોઈક ગોવાલણી સમજાવી-પટાવીને પાછાં વાળી લે એ રીતે મેં મારી લાગણીઓને પાછી વાળીને સંકલ્પના ખીલે બાંધી દીધી છે.’

વનલતાને થયું કે લાવણ્ય બોલતાં બોલતાં ઢીલી પડી ગઈ છે. પણ એવું નહોતું, એનો અવાજ ભાવવાહી બન્યો હતો. આ અવાજમાં એ કશીક ફરિયાદ કરી બેઠી હોત. પણ એક વસ્તુ એ શીખી છે. કોઈની વિરુદ્ધ કશું કહેવું નહીં. બીજા કોઈમાં દોષ દેખાય તો એને આધાર બનાવીને જાતને સમજવા પ્રયત્ન કરવો.

હા, આપણી વૃત્તિઓ અવ્યાખ્યેય રહી જતી હોય છે. ભલે રહી જાય. અમુક વસ્તુઓ તો એ વનલતાને જ નહીં, પોતાની જાતને પણ કહેવા માગતી નથી, દીપકને પણ ક્યાં કહી હતી? પોતે એકલતાને ક્યારે ઈષ્ટ માની હતી?

શોધવા નીકળી હતી સંબંધ અને જડી એકલતા. એકલી વ્યક્તિને એકલતા ગમે નહીં. ભલે બધાં ગેરસમજ કરતાં. મેં અભિમાન નથી કર્યું.

ત્યાં વળી વનલતાને શું થયું તે લાવણ્યનો હાથ પકડી નજીક ખેંચી. એની સાડીનો પાલવ સરખો કરતાં બોલી:

‘હું જાણું છું, તું સહન કરી લેવાનો લહાવો લે છે. ખરી નીકળી તું તો! બધાં મિત્રોમાં આજ લગી એવી છાપ હતી કે લાવણ્ય સેન્ટિમેન્ટલ છે, ખૂબ આળી છે. પણ તું તો મક્કમ નીકળી. તારી જગ્યાએ હું હોઉં તો આ લગ્નમાં હાજર જ ન રહું. એટલું જ નહીં, દીપક સાથે જિંદગીભર ન બોલું. આપણાં બધાં મિત્રો માની બેઠાં હતાં કે —’

‘હું પણ કશુંક એવું જ માની બેઠી હતી.’ કહેતાં લાવણ્ય પ્રયત્નપૂર્વક હસી. આ રીતે હસવાની એને અગાઉ ક્યારેય ફરજ પડી ન હતી. પોતે જાત સાથે બનાવટ કરી બેઠી તેથી છોભીલી પડી ગઈ. થોડી વાર ઉદાસ રહી. આત્મનિરીક્ષણ કર્યું.

પર્સ એક ખભેથી બીજે ખભે લેતાં બોલી: ‘મને લાગે છે કે આ લગ્નમાં આવીને મેં યોગ્ય જ કર્યું છે. મારી હાજરીને કારણે તમે બધાં પણ દીપકનો વાંક નહીં કાઢો. એને ઠપકાને બદલે શુભેચ્છા મળે છે તેથી એ રાજી રહેશે. એણે મને અન્યાય કર્યો છે એવું એ નહીં અનુભવે.

આપણો સમાજ આવા દાખલાઓમાં પુરુષનો વાંક જોવા ટેવાયેલો છે. તેથી હું આ પ્રસંગે ગેરહાજર રહી હોત તો વાંકદેખા માણસોને દીપકની ખોદણી કરવાની તક મળત. સારું થયું કે હું સહજભાવે ભાગ લઈ શકી.’

ત્યાં એને જ પ્રશ્ન થયો: સહજ ભાવે? કે આયાસપૂર્વક?

‘તને નથી લાગતું કે તેં તારા હકનું કશુંક ગુમાવ્યું હોય?’ — વનલતાએ પૂછ્યું.

‘હકનું? કેવી રીતે? હક તો કરારનો ભાગ છે. આપણો અનુભવ પ્રેમનો હોય તો પછી કરારની ભૂમિકા સુધી જવું પડે ખરું? પ્રેમ યાચના નથી કરતો, વિસ્તરે છે, ફૂલની સુગંધની જેમ. — આજ સુધી હું આવું બધું કહેતી આવી છું, લખતી આવી છું, એ શું બીજાઓ માટે હતું, મારા માટે નહીં?’

વનલતાને આ વાતચીતમાં રસ પડ્યો હતો. લાવણ્ય જાણે અજાણે એની સમક્ષ કબૂલ કરી બેઠી હતી કે દીપક સાથે લગ્ન કરવા એ તૈયાર હતી.

એના મૂળમાં પ્રેમ જેવું કશુંક હતું. એણે જે ગુમાવ્યું છે એને ત્યાગનો ઓપ આપીને એ હવે આદર્શ આચરવા બેઠી છે. પોતાની જેમ લાવણ્ય તટસ્થ રીતે વિચારીને પોતાના રૂપગુણનો અંદાજ બાંધી શકે તો એને દીપક કરતાં સવાયો મુરતિયો મળે.

મારો લગ્ન વિશેનો ખ્યાલ એ જાણે છે પણ એ ગણતરીપૂર્વકની ગોઠવણમાં પડવા માગતી નથી. જાહેરખબર, પત્રવ્યવહાર, કુંડળીઓની આપલે, મુલાકાત, શરતો અને લગ્નની અનુકૂળ તારીખો – આ બધો વિધિ એને બહુ સાંસારિક લાગે છે. એને જે સહજ સંબંધની કામના હતી એ હવે કેવી રીતે આવી મળશે?

વનલતા એને કહેવા માગતી હતી: લાવણ્ય, તારા લગ્નનો પ્રશ્ન હવે તું મને સોંપી દે. મારા કરતાં વધુ યોગ્ય મુરતિયો મને જડશે તો હું એની સાથે તારી ઓળખાણ કરાવીશ. વળી, મારે તો અમેરિકા કે કેનેડામાં સ્થાયી થયેલો, સારું કમાતો છોકરો જોઈએ છે. જ્યારે તું તો લગ્ન કરવા માટે ભારત બહાર જવાનું પસંદ કરવાની જ નહીં!

એ કંઈ કહે ત્યાં પ્રેમલ આવ્યો. અંદર એરકંડિશન્ડ ઓરડામાં બેઠેલાં વરકન્યાને ખબર હતી કે લાવણ્ય અને વનલતા ક્યાં છે. પ્રેમલે દીપકને આપેલી ગુલછડી હજી એના હાથમાં જ હતી. એ પણ આ વિખ્યાત ચિત્રકારને માન આપવા સાથે સાથે આટલે સુધી આવ્યો હતો.

આજકાલ પ્રેમલ એના ‘વન મૅન શો’ની તૈયારીમાં રોકાયેલો છે. વનલતા દ્વારા એને પણ ભોજનનું આમંત્રણ મળેલું. આવી ન શક્યો. હવે આવ્યો જ છે તો વનલતાને લેતો જશે.

ત્યાં સવિતા પણ બહાર આવી. પ્રેમલે એને ચિત્ર ભેટ આપ્યું હતું. લાવણ્યે હાથમાં લઈને જોયું. ગમ્યું. અંધારી રાતે આકાશમાં તારા છે. નીચે ધરતી પર પારિજાત. દૂર કુટીરમાં સિતાર વગાડવા એક હાથ ઊંચકાયેલો છે. બસ.

‘પરંપરાગત વિષયની પણ કેવી અદ્યતન માવજત કરી છે! વાહ!’

– લાવણ્ય બોલી, પ્રેમલે એની સામે જોયું, જોતો જ રહી ગયો. અગાઉ એકાદવાર એણે વનલતા સાથે એની આ બહેનપણીને અલપઝલપ જોઈ હતી પણ આજે તો એ આભો બની ગયો.

લાવણ્યે જે કંઈ પહેર્યું હતું એ બધા પાછળ એની ચોક્કસ પસંદગી વરતાતી હતી. તેથી જાણે એકેએક વસ્તુ એના માટે જ નિર્માઈ હોય એવી લાગતી હતી.

સવિતાને ચિત્ર પાછું આપતાં પહેલાં લાવણ્ય ફરી નજર કરવા જતાં તન્મય થઈ ગઈ, બોલતી હતી એ જાણે સ્વગત, પણ એ સાંભળવામાં પ્રેમલને ક્યાં રસ હતો? એ તો જાણે એક આકૃતિ નિહાળી રહ્યો હતો. વનલતા, સવિતા અને દીપક તટસ્થભાવે વાણી અને આંખનો સંવાદ અનુભવી રહ્યા.

લાવણ્ય સામે ચિત્ર છે, પ્રેમલ સામે ચહેરો બલ્કે એક અનવદ્ય કાયા.

‘ભાઈ, લાવણ્ય માટે આવું જ એક બીજું ચિત્ર બનાવી આપજે.’

‘જરૂર.’

‘આવું જ ચિત્ર? ના. બીજું, અપૂર્વ. સાચો કલાકાર પોતાનું અનુકરણ નથી કરતો. પ્રત્યેક કૃતિમાં એ પ્રયોગશીલ હોય છે. એ રીતે એ પોતાની મૌલિકતા ટકાવી રાખે છે.’ — પણ જેટલી ભાવુકતાથી લાવણ્યે હાથમાં રહેલા ચિત્રની પ્રશંસા કરી હતી, એટલી જ દઢતાથી આ અભિપ્રાય ઉચ્ચાર્યો હતો.

પ્રેમલને આ ક્ષણે થયેલો આનંદ અછતો ન રહ્યો. અન્ય ક્ષેત્રની એક યુવતીએ પોતાની ચિત્રકળા વિશે આ રીતે પહેલી વાર વાત કરી હતી.

એને રોકાવું ગમ્યું હોત, પણ પ્રેસમાં જાહેરખબરનું મેટર પહોંચાડવું છે. વિશ્વનાથને સોંપી દેશે. એ બીજાં દૈનિકોને મેટરની નકલ મોકલી આપશે. આવાં કામ એ શોખથી કરે છે. સાહિત્ય અને કળાનો અભ્યાસી છે, વિશ્વનાથ! અસાધારણ રાષ્ટ્રપ્રેમ ધરાવે છે.

એની એક જ નબળાઈ છે: લાવણ્ય પ્રત્યેનું અદમ્ય આકર્ષણ. આજ સુધી એ પ્રેમલને હાસ્યાસ્પદ લાગતું હતું. એવો જાગ્રત યુવક આવી ઘેલછા દાખવે એ એને શોભે? પણ આજે ખુદ પ્રેમલને જ લાગ્યું કે લાવણ્યથી તો જ દૂર રહી શકાય જો એની નજીક ઊભા રહેવાનો પ્રસંગ આવ્યો ન હોય…

‘ફરી મળીશું.’ — પ્રેમલે દીપક-સવિતા સાથે હાથ મેળવ્યા. લાવણ્ય સામે હાથ લંબાવતાં લંબાવતાં એ રહી ગયો.

‘ક્યારેક અનુકૂળતાએ વનલતા સાથે આવજો. નિરાંતે બેસીશું. આવશો ને?’ — લાવણ્ય સાથે નજર મેળવીને એણે પગ ઉપાડ્યો.

‘આજે જ લઈ જવા હતા ને!’ સવિતા બોલી. એ દીપકને ગમ્યું નહીં. લાવણ્યને ગમ્યું કે નહીં એનો કોઈને ખ્યાલ ન આવ્યો.

પછી તો કન્યાવિદાયની તૈયારીઓ શરૂ થઈ. કેમેરા અને મૂવી કેમેરા ઊતરી આવ્યા.

આજે લાવણ્યની ઘણી મુદ્રાઓ ઝિલાઈ હતી. કોણ કહી શકશે કે એની સ્થિર છબિઓમાં પણ ગતિ નથી?

વરવધૂની વિદાય પછી પણ કોઈકે એની સામે ફરીને ચાંપ દબાવી. એ એક અજાણી વ્યક્તિ હતી. એ જોઈને બે સહાધ્યાયી પાસે આવ્યા.

‘આજે તો તમારી સામે કંઈ કેટલાયે કેમેરાઓએ નિશાન તાક્યાં છે. ખોટું કહું છું?’

‘કેમેરાવાળાઓને લગ્નપ્રસંગે સારી છૂટ મળી જાય છે.’ બીજા મિત્રે કહ્યું.

‘હોળીના દિવસની જેમ. ખરું ને!’

‘હા, લગ્નપ્રસંગની હોળી આંખ વડે રમાતી હોય છે.’

‘કેટલાંક લગ્નોમાં તો બીજી બેચાર વ્યક્તિઓનાં પણ ચોકઠાં ગોઠવાઈ જતાં હોય છે. કેમ બોલતાં નથી લાવણ્ય?’

‘સાંભળું તો છું જ. તમને બોલવું ગમે છે. બોલો.’ — લાવણ્યે કહ્યું. બધાને થયું કે એ સારું કે ખોટું લગાડ્યા વિના ઊભી છે. ઘડિયાળ જુએ છે. એની બસને હજી પોણા કલાકની વાર છે.

ત્યાંથી સાથે બહાર નીકળેલાં સહુ મુખ્ય રસ્તે આવીને થોડીવાર ઊભાં રહ્યાં. સીધાં બસસ્ટેન્ડ જવું કે બજારમાં થઈને એ નક્કી થઈ શકતું ન હતું. એણે સહુને આવજો કહી દીધું.

સિંધસાહેબને ત્યાં જાઉં? કંઈક વાત થાય તો આખા દિવસનો થાક ઊતરી જાય.. યાદ આવ્યા કૉલૅજના એ દિવસો. જ્યારે દરરોજ કશુંક ખટમીઠું બન્યા કરતું.

ક્યારેક સિંધસાહેબ કોઈક તોફાની વિદ્યાર્થીને ધ્યાનથી સાંભળી રહેતા અને પછી પ્રેમથી એની એવી મજાક કરતા કે આખો વર્ગ ખડખડાટ હસી પડતો. પેલો તોફાની પણ એ હાસ્યમાં જોડાતો. ક્યારેક વર્ગમાં ખૂબ મઝા આવતી. ક્યારેક કૉલેજના મકાનને કાંગરે મોર બેસતો અને પછી સપનામાં બોલતો. ક્યારેક પિકનિકમાં બધાં નદીકાંઠે જતાં અને વિજાતીય ભેદ ભૂલીને સમવયસ્ક મિત્રોની હેસિયતથી વર્તતા. ઉલ્લાસનો વંટોળ ઊઠતો.

ત્યારે તો દીપકના સાન્નિધ્યમાં પણ કશી સભાનતા નહોતી વરતાતી. એ માત્ર મુગ્ધ હતો. ગણતરીનું નામનિશાન નહોતું. નર્યું અજવાળું હતું, એમાં ખીલેલાં ફૂલો હતાં. સાથે દીપક હતો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.