રંગોત્સવના વધામણાં (લેખ) ~ ગિરિમા ઘારેખાન

જીવનમાં ઉત્સવો ના હોત તો એકધારું, એક જ ઘરેડમાં ચાલતું માનવજીવન કેવું કંટાળાજનક, ત્રાસદાયક બની જાત! ઉત્સવો માણસની ઉદાસીમાં ઉત્સાહના રંગો ભરે છે, એકવિધતાના અંધકારમાં વિવિધતાના દીપ પ્રગટાવે છે, મનના સૂના આંગણામાં આનંદની રંગોળી કરે છે અને ખુશીના પતંગો  ચગાવે છે.

એટલે જ કોઈ પણ ઉત્સવ આવે ત્યારે આબાલવૃદ્ધ સહુ કોઈના મન ઉલ્લાસના ગરબે રમવા માંડે છે. આવા વિવિધ ઉત્સવોની માનવોની ઉજવણીમાં કુદરત પણ ભળી જતી હોય અને જીવંત થઈને નાચી ઉઠતી હોય તો વળી પૂછવું જ શું?

પ્રકૃતિ અને માનવો એક થઈને, આનંદ અને ઉલ્લાસના એક રંગે રંગાઈને સાથે મળીને જેને ઉજવે છે એવો આપણો એક ઉત્સવ છે વસંતોત્સવના ભાગ રૂપે આવતો હોળીનો, ધુળેટીનો ઉત્સવ – રંગોત્સવ.

Experience The Most Vibrant Holi Festivals In India | Zee Zest

વિશ્વમાં ઘણા ઉત્સવો છે જે જે તે પ્રદેશ કે રાષ્ટ્ર પૂરતા કે એક ધર્મ પૂરતા મર્યાદિત હોય. દાખલા તરીકે હેલોવીન જેવો તહેવાર દુનિયાના અમુક ભાગમાં જ મનાવાય, કે પછી ચાઇનીઝ ન્યુ ઈઅર ચીનમાં જ મનાવાય.

Halloween, Celebrations, and Its Craze in India

નાતાલ કે ઈદ અમુક ધર્મના લોકો જ ઉજવે. પણ વસંતોત્સવ કે સ્પ્રિંગ ફેસ્ટીવલ એ માત્ર માનવોનો ઉત્સવ નથી. પ્રકૃતિ પણ એમાં એટલી જ જોડાયેલી હોય છે. ઈશ્વરે પ્રકૃતિનું દાન કરવામાં ક્યાં પ્રદેશો કે ધર્મના ભેદભાવ રાખ્યા છે? એને તો એમણે છૂટે હાથે ચોમેર વિખેરી છે.

એટલે જ માત્ર ભારત નહીં, નેપાળ, ટ્રીનીડાડ અને ટોબેગો, જમૈકા, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, ફીજી, મલેશિયા, સિંગાપોર, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ઉપખંડોમાં પણ આ વસંતોત્સવ અલગ અલગ રીતે અને અલગ અલગ નામે ઉજવાય છે.

Holi -

આ જ ઉત્સવનો એક ભાગ છે ‘હોળી’. આપણે એને હોળી કહીએ છીએ કારણ કે એની સાથે વિષ્ણુના ભક્ત પ્રહલાદની અને હોલિકા દહનની કથા જોડાયેલી છે.

Holika Dahan 2024 - Know significance of Holika Dahan

આમ પણ હોળીમાં અહંકારનું, ગેરસમજનું, વૈમનસ્યનું, દહન કરીને માનવ માનવ વચ્ચે પ્રેમનો સંબંધ જોડવાનો હોય છે ને? દુશ્મનને પણ પ્રેમના રંગે રંગીને ગળે લગાડવાનો તહેવાર એટલે જ આ મધુમાસનો મદનોત્સવ.

ઠંડી ઠંડી શિયાળાની ઋતુની વિદાય પછી ગેબી ગગનથી ઉતરીને, રંગે નીતરતો, ડાળે હીંચકતો, મઘમઘતો ઋતુઓનો રાજા વસંત આવીને ધરતી ઉપર ચોમેર પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે અને એના સ્વાગતમાં વનશ્રી સોળે કળાએ ખીલી ઊઠે છે.

ફૂલોની ડાળીએ નવા ખીલેલા ફૂલોની સાથે તાજગી ટહુકા કરે છે. કોયલ સપ્તસુર આલાપે છે અને માનવ ઊર્મિઓ ઉલ્લાસની ચરમ સીમાએ પહોંચે છે. આ વસંતોસવને મદનોત્સવ પણ કહે છે કે અનંગોત્સવ પણ કહે છે.

2700 years before rishi charvak celebrate festival of love madanotsav too of with colours of love - 2700 साल पहले चार्वाक मनाते थे प्रेम उत्सव, मदनोत्सव में भी दिखते थे प्यार के रंग – News18 हिंदी

મદન અને અનંગ એ બે કામદેવના નામ છે. કામદેવ પ્રેમના દેવ છે જેમણે શંકર ભગવાનને એમની તપશ્ચર્યામાંથી જગાડવા માટે એમની ચારે બાજુ સૃષ્ટિમાં વસંતોત્સવ રચ્યો હતો.

Kamdev Vashikaran Mantra: Power, Benefits and Procedure – Mystical Bee

વસંતના એ હુમલા સામે શિવ જેવા જોગી પણ ચલિત થઇ ગયા હતા અને એ તપમાંથી જાગ્યા પછી એમણે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને કાર્તિકેયનો જન્મ થયો હતો.

વસંત ઋતુમાં આવતા આ હોળીના તહેવારની આસપાસ સૂર્યના કિરણો પણ એટલા આહલાદક લાગે છે કે કવિ રવીન્દ્રનાથ ટાગોર એ સમયની સૂર્યની ઉષ્માને ‘પ્રિય આલિંગન, મધુ, માધુર્ય સ્પર્શ’ જેવી દર્શાવતા લખે છે કે ‘સહસ્ત્ર સહસ્ત્ર મધુમાદક સ્પર્શોથી આલિંગન આપી રહેલા આ કિરણો ફાગણની વાસંતી સવારને સુગંધિત સ્પર્શથી આચ્છાદિત કરી દે છે.’

વસંતમાં આવતો સહુનો પ્રિય તહેવાર હોળી એ એક દિવસની ઉજવણી નથી, એ પ્રેમ, લાગણી અને જીવનના રંગોથી છલકાતી આખી મોસમ છે.

અગ્નિપૂજા, આસ્થા અને આસ્તિક્તાને ઉજાગર કરનાર મહાપર્વ એટલે આપણી હોળી અને પ્રકૃતિનો વસંતોત્સવ. એટલે જ યુવાન હૈયાઓ કહે છે કે ‘બીજા માટે આ તારીખિયાનો તહેવાર માત્ર હશે, અમારે માટે તો આ જીવંતતા માણવાનો ઉત્સવ છે.’

વસંતમાં ડાળ ડાળ પર ખીલેલા ફૂલો માટે પ્રેમપત્રો બનીને આવે છે પતંગિયા.

એ પ્રેમપત્રોને વાંચ્યા પછી પ્રકૃતિના હૈયામાં કામનો, પ્રેમનો દાવાનળ જાગે છે જે કેસુડાં રૂપે પ્રગટ થાય છે. ફાગણનો મઘમઘતો કેસુડો લહેરાય ત્યારે આખી સૃષ્ટિ મલકતી હોય એવું લાગે.

Butea monosperma - Wikipedia

આ મલકાતા જીવનને જોઇને માનવ હૈયામાં પણ સ્નેહની પિચકારીઓ ફૂટે છે. પછી તો પ્રેમના પ્રતિક સમા એ કેસૂડાને પાણીમાં ભીંજવીને એ પ્રેમના લાલ રંગથી ભરેલું જળ એક બીજા ઉપર નાખીને પ્રિય જનના આખા અસ્તિત્વને પણ પોતાના પ્રેમના રંગે ભીજવી દેવાય છે.

હોળી એ અનિષ્ટ ઉપર સત્યના  વિજયની ગાથા તો છે જ, પણ વધારે તો એ પૃથ્વીના પટ ઉપર લખાયેલી પ્રેમની કથા છે. પ્રેમના રંગ સામે જગતના બીજા બધાં રંગ ફિક્કા પડી જાય છે.

એટલે જ તો પ્રેમના પરમેનન્ટ પ્રતિનિધિઓ રાધા અને કૃષ્ણ પણ આ ડોલોત્સવ વખતે ઘેલાં થઈને હોળી રમતાં હતાં એવો ઉલ્લેખ અનેક ગીતોમાં મળી આવે છે.

Holika Dahan / Happy Choti Holi 2023 Wishes Images, Radha Krishna Holi Pictures, Wallpapers, GIFs for Facebook DP, WhatsApp Status and Instagram Stories

વૃંદાવન અને બરસાનાની હોળી આજે પણ એટલી પ્રખ્યાત છે કે એને માણવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ હોળી અને ધુળેટીના દિવસે ત્યાં ઉમટી પડે છે. વસંતપંચમીથી રંગપંચમી સુધી દરેક વૈષ્ણવ મંદિરોમાં ‘રસિયા’ એટલે કે રાધા કૃષ્ણના  પ્રેમ ગીતો ગવાય છે…

રંગ ગુલાબી રાધા, લીલો રંગ શ્યામ સંગે એમ જ મ્હાલે,
ટેરવાથી લસરકા વ્હાલના ઉપસ્યા જોને બેય ગાલે.’

હોળી આવે છે અને યુવાન હૈયા તો જાણે હિલ્લોળે ચડે છે. દરેક યુવાન કૃષ્ણ અને દરેક યુવતી રાધા બનીને પ્રેમના રંગે રંગાઈ જવા અભિલાષા કરે છે.

એ દિવસે દરેક કૃષ્ણ પોતાની રાધાને કહે છે કે ‘હું રંગની મુઠ્ઠીમાં રંગ ભરીને આવીશ, તું માત્ર કોરું મન લઈને આવી જજે. પછી કેસુડો અને બીજા વનફૂલોની સાક્ષીએ આપણે ગમેતેવા વગડાને પણ વૃંદાવન બનાવી દઈશું.

ઘણી વાર એવો પ્રશ્ન થાય કે ઋતુઓ તો પોતપોતાની રીતે બધી જ સુંદર હોય. તો હોળીના તહેવારને લઈને આવનાર વસંતને જ શા માટે ઋતુઓમાં સર્વોપરી માનવામાં આવે છે?

એનું કારણ છે કે એ શૃંગારરસનો જનક છે. શ્રી નિસર્ગ આહીરના કહેવા પ્રમાણે શૃંગાર રસ જ મૂળ રસ છે. બીજા બધા રસ એમાં સમાયેલા છે. શૃંગાર જ પ્રકૃતિ રસ છે જે રતિ ભાવમાંથી નિષ્પન્ન થાય છે. રતિ એટલે સ્ત્રી અને પુરુષની એકબીજાના થઈને રહેવાની ઈચ્છા.’

Kamdev Rati Initiation – Guruvani

રાધા અને કૃષ્ણ જે શૃંગાર રસથી છલકતી હોળી ઉજવતા હતા એ ગુલાબી શૃંગાર રસ પછી કાળક્રમે પ્રેમના બીજા રંગોમાં પણ પરિવર્તિત થયો. એમાં દોસ્તીનો સ્નેહનો પીળો રંગ પણ ભળ્યો અને કુટુંબીજનોની લાગણીનો લીલો રંગ પણ ઉમેરાયો. એટલે જ તો હજુ પણ મિત્રો, પ્રિયજન અને કુટુંબીજનોની સાથે ઉજવાતી હોળી જ વધારે આનંદ અને ઉલ્લાસ આપી જાય છે.

સંબંધો પોતે જ સફેદ જિંદગીમાં રંગ બનીને આવે છે. જીવનમાં જેટલા વધુ રંગ ઉમેરાતા જાય, જિંદગી એટલી જ રંગીન બનતી જાય. સંબંધોનો રંગમહોત્સવ જીવનમાં હશે તો વ્યક્તિઓ એક બીજાને કહેતા રહેશે, ‘હજી તો તારો રંગ મારી હથેળી સુધી જ પહોંચ્યો છે. ચલ, હજી સાથે સાથે થોડું જીવીને એ પ્રેમ રંગને હૈયા સુધી પહોંચાડીને જીવનને રંગીન બનાવી દઈએ.’

પ્રેમનો સંતોષ ક્યારેય કોઈને થતો હોય ભલા?

હોળીનો તહેવાર સદીઓથી મનુષ્યો ઉજવતા આવ્યા છે. રાધા કૃષ્ણની રંગ રસિયાની વાતો તો આપણે જાણીએ જ છીએ, પણ આપણા યુગમાં પણ સદીઓથી વસંતના આ તહેવાર ને રાજા મહારાજાઓ પણ માણતા હતા એવા અનેક પ્રમાણો મળી રહે છે. અનેક સંસ્કૃત ગ્રંથોમાં આ તહેવારની ઉજવણીના સુંદર વર્ણનો મળી આવે છે.

સાતમી સદીમાં કવિ હર્ષે લખેલું ‘રત્નાવલી ‘નામનું નાટક આની સાક્ષી પૂરે છે. એની પ્રસ્તાવનામાં જ લખવામાં આવ્યું છે કે આ નાટક કોશાંબી નગરના એ સમયના રાજાએ ‘વસંતોત્સવ’ની ઉજવણી માટે કવિ પાસે લખાવ્યું હતું.

સ્વાભાવિક છે કે એ હેતુથી જ લખાયેલા નાટકમાં આ મધુત્સવની ઉજવણીનું વર્ણન હોય જ. એ વાંચીને પણ ખબર પડે છે કે નૃત્ય – ગીત, હસી ખુશી અને મસ્તીનો ત્રિવેણી સંગમ એટલે હોળી.

રત્નાવલી ઉપરાંત ૧૧મી સદીમાં લખાયેલું ‘વિક્રેમ ચરિત’ અને ‘કથાસરિત્સાગર’, ૧૨મી સદીમાં લખાયેલું સંસ્કૃત નાટક ‘પારિજાત મંજરી’ શબ્દે શબ્દે વસંતોત્સવનો મહિમા ગાય છે. ૧૫મી સદીમાં લખાયેલું ‘વિરૂપાક્ષવસંતોત્સવ કેમ્પું’ ગ્રંથ શિવ પાર્વતીના પ્રેમને રંગોના આ મહોત્સવ સાથે જોડે છે. [વિરૂપાક્ષ એ મહાદેવનું એક નામ છે].

પ્રેમના, આનંદના, ખુશીના, સંપ અને સહકારના, રંગો લઈને આવતા રંગોના આ તહેવારને દેવી દેવતાઓ, રાજા મહારાજાઓ, પણ ઉજવતા હોય તો સામાન્ય માનવ તો એની સામાન્ય ઘરેડવાળી જિંદગીને એક નવા અભિગમથી જીવવાની પ્રેરણા આપતા આ તહેવારને રંગેચંગે  ઉજવે એમાં શું આશ્ચર્ય છે?

જગતનો તાત પણ આ સમયે ખૂબ ખુશ છે કારણકે એ પોતાની મહેનતના ફળ રૂપ ફસલને પોતાના ખેતરોમાં લહેરાતી જુએ છે.

From fields to screens: KissanGPT, the AI chatbot helping Indian farmers maximize their profits | Business Insider India

વિશ્વમાં બીજા પ્રાંતોમાં આ ઉત્સવની ઉજવણીની રીતો અલગ અલગ છે પણ સ્પ્રિંગ ફેસ્ટીવલ ઉજવાય છે બધે જ. ક્યાંક એ ‘colour run’ છે, ક્યાંક ‘holi run’ છે તો કોઈ જગ્યાએ વળી ‘colour me red’ પણ બની જાય છે.

આપણા મહારાષ્ટ્રમાં એ રંગપંચમી છે, ઉત્તર પ્રદેશમાં ‘લઠમાર હોળી’ છે. પંજાબમાં ‘હોલ્લા મોહલ્લા’ છે તો ગોવામાં ‘શીગ્મો’ છે. ઉદેપુરમાં હોળી ‘રોયલ હોળી’ બની જાય છે તો ઉત્તરાખંડના કમાઉની ‘ખાદી હોળી’ પણ એટલી જ પ્રખ્યાત છે. કેરાલામાં એને ‘મંજલ કુલી’ જેવું રૂપાળું નામ મળ્યું છે.

No photo description available.

ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર પણ આ ‘મદન મહોત્સવ’ના રંગથી મુક્ત નહોતા રહી શક્યા અને એમના સમયથી શાંતિનિકેતનમાં ઉજવાતો હોળીનો તહેવાર હજી પણ ત્યાં એટલી જ રંગીન રીતે ઉજવાય છે. નૃત્ય, ગીત અને રંગીન, ખાસ કરીને પીળા રંગોના વસ્ત્રોથી મંડિત આ તહેવાર ત્યાંના શાંત વાતાવરણમાં ઉલ્લાસ ભરી જાય છે.

Holi Celebration at Shantiniketan

આપણા પોતાના શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયેલા કવિ મેઘબિંદુના શબ્દોને યાદ કરી લઈએ…

https://tahuko.com/?p=634

‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના કેમ રહીએ?

કામણ કીધાં છે અહીં કેસુડે એવાં
કે મહેક્યા વિના કેમ રહીએ?

નાત-જાત, ઊંચ-નીચ, ગરીબ-તવંગર, ભણેલા-અભણ બધું જ બાજુએ મૂકીને, હ્રદયના બધા વેરભાવને વિસરી જઈને, ધર્મ અને રંગના ભેદભાવ ભૂલીને, સહુ માનવો પ્રેમના રંગોથી હોળી રમે તો આ વિશ્વ પણ રાધા કૃષ્ણ સમયનું વૃંદાવન બની જાય.

સહુને એક જ વિનંતી..

ભરો પિચકારી પ્રેમ રંગથી,
રંગો દુનિયા સ્નેહ રંગથી
ચાહ રાખીને સહુ માનવથી,
રમજો હોળી નેહ રંગથી.

આપ સહુને રંગોત્સવના વધામણાં.

~ ગિરિમા ઘારેખાન
~ ફોન: ૮૯૮૦૨ ૦૫૯૦૯

આપનો પ્રતિભાવ આપો..