આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૬~ “જળપરી અને દારૂડિયાઓની દંતકથા..!” ~ પાબ્લો નેરુદા ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર


કવિ પરિચયઃ
ચિલીના રાષ્ટ્રિય કવિ કહેવાતા, પાબ્લો નેરુદા-(જુલાઈ ૧૨, ૧૯૦૪ થી સપ્ટેમ્બર ૨૩, ૧૯૭૩) ચિલીમાં વસનારા સ્પેનિશ કવિ છે. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે આજીવન સંકળાયેલા રહ્યાં.

૧૩ વરસની ઉંમરથી નેરુદાને કવિ તરીકે ખ્યાતિ મળવા માંડી હતી. એમણે અનેક પ્રકારનાં કાવ્યો લખ્યા છે, જેમ કે; સરરિયલ, ઐતિહાસિક મહાકાવ્યો, રાજકીય મેનીફેસ્ટોસ્નાં કાવ્યો, શૃંગાર અને ઉત્કટ પ્રેમનાં કાવ્યો, અને પ્રાકૃતિકતાનાં કાવ્યો.

એમનો ૧૯૨૪માં લખાયેલો કાવ્યસંગ્રહ, Twenty Love Poems and a Song of Despair “ ખૂબ પ્રસિદ્ધિ પામ્યો છે.

એમનાં લગભગ બધાં જ કાવ્યસંગ્રહો સ્પેનિશ ભાષામાંથી અંગ્રેજી અને વિશ્વની બીજી અનેક ભાષાઓમાં અનુવાદિત થયા છે. એમાંના કેટલાંક જાણીતા કાવ્યસંગ્રહો- “100 Love Sonnets”,  “Still Another Day”,  “Residence on Earth, ” “The Captain’s Verses”  છે.

૧૯૭૧માં નેરુદાને સાહિત્યનું નેબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. જોકે અગાઉ એમણે સ્ટાલિન જેવા તાનાશાહ શાસકની પ્રશંસા કરી હતી, એ કારણે આ એવોર્ડ માટે કમિટીના કેટલાંક મેમ્બરોએ વાંધો લીધો હતો. 

રાજકરણમાં એમની સક્રિયતાને કારણે એમને પોતાના વતન ચિલીથી ૧૯૪૮થી ૧૯૫૨ સુધી દૂર રહેવું પડ્યું હતું. પણ, સત્તા બદલાતાં, ફરી પાછા ચિલીમાં આવી શક્યા હતા.

સપ્ટેમ્બર ૨૩, ૧૯૭૩માં કેન્સરની બીમારીથી પારેલ, મૌલી રિજન, ચિલીમાં એમનું મૃત્યુ થયું હતું. એવી અફવા પણ ત્યારે પ્રસરી હતી કે એમને ઝેર આપીને મારવાની કોશિશ થઈ હતી.

એમના ચિલીના ત્રણ નગરોમાં જે ઘરો છે તેને સરકારે મ્યુઝિયમ બનાવ્યા છે. એમના પર અનેક ભાષામાં ફિલ્મ અને ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે.

“જળપરી અને દારૂડિયાઓની દંતકથા”

પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું

એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી

અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર

એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં

એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી

અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ

પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)

આસ્વાદઃ “આંખો છે પણ દ્રષ્ટિ નથી…!”

સ્પેનિશમાં લખતા ચિલીના કવિ પાબ્લો નેરુદાને ૧૯૭૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે.

સંત તુકારામ નદીમાં નહાઈને આવતા હતા ત્યારે કોઈ અદેખો તેમના પર થૂંક્યો એ પ્રસંગ જાણીતો છે.

વળી પ્રેમ અને સૌંદર્યની દેવી વિનસનો જન્મ સમુદ્રનાં ફીણમાંથી થયો હતો. ‘અબુધ-અણજાણ’- સંસારના આટાપાટાથી અણજાણ જળપરી વાસ્તવિકતાની ભોંય પર ચાલી ન શકે.

‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.

પંચતંત્રમાં ‘હંસકાકીયમ્’ની વાર્તા છે: હંસે કાગડાના પ્રાણ બચાવ્યા, બદલામાં કાગડાએ હંસ પર વિષ્ઠા કરી! ‘વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.

જીવનો અસલી સ્વભાવ તે આનંદ. જળપરીને અશ્રુની ઓળખ જ નહોતી. ‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા.

જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે. આંખો પરથી કળાતું હતું કે પ્રેમ એને માટે આઘેની વસ્તુ છે. ‘શ્વેત પોખરાજમાંથી ઘડેલા હસ્તની જોડ’- લોકસાહિત્યના દુહાગીરે ગાયું છે:
“કંચનવરણી કામિની, (એના) કંકુવરણા હાથ
પારસબિબું બનાવિયું (જેદિ) નવરો દીનાનાથ”

‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે.

આ કાવ્યના અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે ‘ફેબલ ઓફ ધ મર્મેડ એન્ડ ધ ડ્રંક્સ.’ આ એક ઉત્તમ ફેબલ (દંતકથા, નીતિકથા કે આખ્યાન) છે, વળી ઉત્તમ કાવ્ય તો છે જ. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃતિનું?

બે કે ચાર યાદગાર પ્રતીક રચી શકનાર કવિનો જન્મારો સફળ થયો લેખાય છે, જ્યારે નેરુદાએ તો આવાં અનેક પ્રતીક રચ્યાં છે.

~ ઉદયન ઠક્કર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.