ચૂંટેલા શેર ~ સુધીર દવે (ડલાસ) ~ આગામી કાવ્યસંગ્રહમાંથી: “ઉડાન કવિતાના ગગનમાં”

હા, અમે જુદા છીએ એ સત્ય તો સમજાય છે
એક પણ સળિયો નથી  ને કેદ અહી વરતાય છે
*
ભલે ધરતીના કંપોથી ઘણા બદલાય છે નક્શા
હૃદયના કંપથી જગમાં પરિવર્તન થશે સાચું
*
જ્યાં મળ્યો ના કોઈ બીજાનો ખભો
ત્યાં સુધીર જાતે સહારો થઈ ગયો
*
સાવ સુક્કું છે ઝરણ પાણી નથી
વારતામાં એક પણ રાણી નથી
*
તથ્ય શોધું સ્ક્રીન પર હું ક્યારનો
વેબ ઝૂરે વાયરસના ત્રાસમાં
*
રાહ જોઈને તરસ છેલ્લે બધું સમજી શકી
વાદળો દેખાય પણ વરસ્યા વગર વિખરાય છે
*
ગમે છે લાલ, પીળા ને ઘણા રંગો
પણ પડછાયો હવે કાળો નથી ગમતો
*
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે
તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું
*
સંભળાય છે જે દૂર દૂર ક્ષિતિજોના અંતમાં
શ્રી કૃષ્ણની એ વાંસળીનો નાદ થઈને રહે
*
સાંભળે સૌ માનવી જો એકબીજાની કથા
ભીંત હો ચારે તરફ પણ દ્વાર ત્યાં સાબિત થશે
*
છે ગણિત કળિયુગનું ‘મૉડર્ન ગ્લોબલ’ પ્રેમનું
થાય સરવાળો પછી ત્યાં બાદબાકી હોય છે
*
સત્યના આરાધકોનું નૂર કંઈ ઓછું નથી
એમના તો શ્વાસ મંત્રોચ્ચાર ત્યાં સાબિત થશે
*
પર્વતોને બીક લાગે ખીણના સાન્નિધ્યની
એ વ્યથા પૂરી સમજવા ઢાળ થઈ જાતે જુઓ
*
મિત્રો! મને આજે અહીં સાચું કશું મળતું નથી
મળશે જીવનમાં સામટું જ્યારે શરણ મળશે મને
*
જ આદમ, એ જ ઈવ, ફીક્કું સફરજન ખાય છે
મન વિવશ થઈ જાય છે, જૂના પ્રણયને પામવા
*
છે સભામાં લાખ, પણ ત્યાં એક વ્યક્તિ ખાસ છે
એ નજર શરમાઈને મલકાય તો હું શું કરું?
*
મહેલોની માયામાં એકલતા થાકી
લઉં છું સૂના આંગણિયે હું શ્વાસો
*
ચિત્ત જો ચકરાય તો તારો જ વિશ્વામિત્ર છું
મેનકાનું લઈ સ્વરૂપ વિહ્થવળ બનીને આવજે
*
કહી ના શકે માછલીને કશું પણ
સમસ્યા સ્વયંની ચગળતો કિનારો
*
એની પ્રતીક્ષાએ મને વ્યાકુળ કર્યો હોય છે
ખાલી રહે છે ઘર છતાં દરબાર ભર્યો હોય છે

~ સુધીર દવે (ડલાસ)
~ આગામી કાવ્યસંગ્રહમાંથી:
“ઉડાન કવિતાના ગગનમાં”
sudhirminadave@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સરસ. કહી ના શકે માછલીને કશું પણ
    સમસ્યા સ્વયંની ચગળતો કિનારો.
    સરયૂ પરીખ.