ચૂંટેલા શેર ~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ ગઝલસંગ્રહ: વિચાર્યું પણ કદી નહોતું
વીતી છે આખી જિંદગી એવા ખયાલમાં
અલ્લાહ કરશે મારી મદદ આજકાલમાં
*
ધર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા શું કરે!
જીવતર જાણે સજા, વિશ્વાસ જેનો તૂટે છે
*
બંદગી પણ જિંદગી જેવી જ નિષ્ફળ નીવડી
હાથ ફેલાવ્યા, પરંતુ માગતા શીખ્યો છું ક્યાં!
*
પુરાની યાદના જખ્મોનો પણ કરવો પડયો ઉપચાર
મને આ તારી આયોજિત સભામાં આવતાં પહેલાં
*
એક પગલું પણ ભરી શકતો નથી વિશ્વાસથી
બાહર બધું સારું સમું છે, એવું દર્શાવી
*
અંદરથી બહુ તૂટૂફૂટી, હમણાં જ સૂતો છે
આભને તાકે નિરાશ્રિતોની જેમ
*
ધૈર્ય જેવું ફળ, ખરેખર કંઈ નથી
ધ્યાનથી ઉપચાર કરજે, બહુ જરૂરી છે તબીબ
*
આંખની ફરિયાદ છે જે આંખ ઘેરાતી નથી
દાખવી છે કઈ હદે મેં નમ્રતા કે શું કહું!
*
ભીંત માથા પર ચઢે છે, ઘર તરફ જાવું નથી
રોજની માફક લથડિયાં ખાતાં ખાતાં
*
ઘર સુધી તો છેવટે પહોંચી ગયો છું
ને અસર એની પછી વરસોવરસ
*
હતી એ કાફિલામાં કંઈક મિત્રોની ભલી સંગત
છતાં રસ્તો ન પામ્યો, ના દિશા પામ્યો, હકીકત છે
*
સાથે ન કોઈ ચાલ્યું, ન પાછળ હતું કોઈ
પોતાની એક કેડી બનાવ્યાનો થાક છે
*
કીધી નથી કોઈ ઉજવણી એટલે ખામોશ છું
મારાં દુઃખોની શું છે વય! કંઈ યાદ આવે તો કહું
*
સત્યમાં કે કોઈ સપનામાં નથી
એક પણ સુખ મારા હિસ્સામાં નથી
*
અટકળો કાલે હતી, આજેય છે
જીવવાનું મારું હમણામાં નથી
*
પ્રાર્થનાઓ, પુણ્યકાર્યોથી નથી રીઝતો જરા
એની પણ નારાજગી ભરપૂર છે શાયદ હવે
*
આવે છે ક્યાં ખુદાય સમયસર મદદ ઉપર!
આવું જ ચાલે છે અને આવું જ ચાલશે
*
જરૂર છે મને તારા હૃદયના આશિષની
ખરું, કહું તો, ખતમ થઈ રહ્યો પ્રવાસ છું, માતા!
*
કહેવાય છે દયાળુ, પરમ દાનવીર પણ
અલ્લાહ આપે છે મને શું વાયદા સિવાય
*
ઘણાં વરસોથી સૂર્યોદય નથી જોવાને હું પામ્યો
સમયસર જાગવાનાં એકબે કારણ મળે તો ઠીક
*
કોક દી આંખોને ચાલે રાતભર કોરાપણું પણ
કોક દી એવુંય લાગે, આવો અનરાધાર શાને
*
દિવસ ને રાત પાછો માયૂસી સાથે ગુજારો છે
ન દુનિયાથી કોઈ નિસ્બત, ન ઈશ્વરનો સહારો છે
*
માનવી ગુમરાહ છે, એવું નથી હું માનતો
સાચો રસ્તો જાણે છે સૌ, ચાલતું કોઈ નથી
*
વર્તમાનમાં જીવીશ, એમાં કંઈ નથી કમાલ
ભૂલી ગયો છું વાતો જૂની, એ કમાલ છે
~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’
~ +91 98240 74249
~ ગઝલસંગ્રહઃ વિચાર્યું પણ કદી નહોતું

ઉત્કૃષ્ટ શેરોનો સુંદર સંપુટ….નાશાદ સાહેબ અને હિતેનભાઈ અભિનંદનના અધિકારી..
ગઝલસંગ્રહના સરસ શેઅરોનું ચયન. અભિનંદન નિશાન અને હિતેનભાઈ.
ખૂબ જ સરસ શેર નું સંકલન.