ટેકરી ~ લલિત નિબંધ ~ દિવ્યા જાદવ
સામે ઊભેલી ટેકરીને હું વિસ્મયતાથી જોઈ રહી છું. જ્યારે પણ આ ટેકરીને એક ધ્યાન બનીને જોઉં છું. ત્યારે એ મને હંમેશાં પહેલાં કરતા જુદી લાગી છે.
વર્ષોથી ઊભેલી ટેકરી, તપસ્યા કરતી તપસ્વીની જેવી લાગે છે. તો ક્યારેક સૌંદર્યવંતી બનીને એનું સૌન્દર્ય છલકાવતી નવ પરણિત કન્યા જેવી લાગે છે. તો પાનખરે પોતાના બધા જ આભૂષણો ફાગવીને રીસાયેલી પ્રેયસી જેવી લાગે છે.
હું એને સદાય નવા નવા રૂપો ધારણ કરતી જોઉં છું, ત્યારે વિચારું છું કે, આને પ્રકૃતિ પાસેથી કોઈ વરદાન મળ્યું હશે? કે પોતે જ ખુદ પ્રકૃતિનું નવલું રૂપ હશે?
હું ટેકરીની ભૂખરી જમીન ઉપર ઊગી નીકળેલું ઘાસ જોઉં છું તો લાગે છે, એ ઘાસ ટેકરીના ખરબચડા શરીરનાં મુલાયમ રૂંવાડા છે. જ્યારે પવન આ મુલાયમ રૂંવાડા ઉપરથી પસાર થાય છે. ત્યારે ટેકરી પવનના સ્પર્શ માત્રથી થનગની ઉઠતી હોય એવું લાગે.
ટેકરીની ટોચે ઉભેલા નાના મોટા વૃક્ષો એના લીલાછમ્મ ચોટલા જેવા લાગે છે. તો જગ્યા જગ્યાએ ઊગી નીકળેલા જંગલી ફૂલોથી એ ચોટલા ઉપર સુંદર વેણી ગૂંથાઈ જાય છે, ત્યારે એનું અનુપમ રૂપ વધારે નિખરી ઊઠે છે.
હું ટેકરીની આ મોહિની જાળમાં ફસાતી જાઉં છું. ધીમે ધીમે એના રૂપમાં ઓગળતી હું મારી જાતને લીલવર્ણી બની જતી જોઉં છું. તો ક્યારેક પતંગિયાની માફક એના રંગબેરંગી ફૂલોની સુગંધથી આકર્ષાઈને નાચું છું. તો મધમાખી બનીને એ ફૂલોનો રસ ભેગો કરતી કંઇક ગણગણી લઉં છું.
ઘટાદાર વૃક્ષની ડાળે બેસી કોયલ બનીને એકાદ ગીતનો લહેકો ઉપાડું ત્યાં પવન મારી પાસે ગમ્મત કરતો આવી પહોંચે છે. વૃક્ષની પાતળી નાજુક ડાળને આમથી તેમ ફંગોળે છે. પણ હું તો એ પવનને હાથતાળી આપીને જાડી ડાળખી ઉપર બેસી એને ઠેંગો બતાવું છું. ને એને કહું છું. “લે હવે આ ડાળખી હલાવીને બતાવ તો માનું.”
પવન પણ જીદે ચડી ગયો. એણે એનું જોર બતાવ્યું. ઘડીવારમાં તો આખું વૃક્ષ ધરાશાયી થઈ જશે એવું લાગ્યું. હું મારી પાંખો ફફડાવતી એની સામે ઝઘડી પડું છું. “આ વૃક્ષે તારું શું બગાડ્યું છે?” બિચારો પવન છોભીલો પડી જાય છે. પછી એ મારી સામે મંદમંદ હસતો પસાર થઈ જાય છે.
તપીતપીને લાલ થઇ ગયેલો સૂરજ હવે થાક્યો છે. ક્યારેક વિચારું છું કે શું ટેકરીની પાછળ કોઈ રહસ્મય મહેલ હશે? હોવો જ જોઈએ. નહિતર રોજ થાકીને લાલ ચટ્ટક થઈ ગયેલા આદિત્ય દેવ પશ્ચિમ દિશામાં ઊભેલી ટેકરીની પાછળ કેમ આવી જતા હશે?
નિયત સમયે સૂરજ ટેકરીની પાછળ આવી ગયો છે. ધીમે ધીમે લાલ રંગના દડાને ટેકરીની પછીતે ઉતરતો હું જોઉં છું. ત્યારે હરખઘેલી બનીને સંધ્યારાણી દોડતી આવી પહોંચે છે ટેકરીને મળવા. કે પછી વિરહિણી બનેલી સંધ્યા રહસ્મયી મહેલમાંથી બહાર નીકળીને, પોતાનાં પ્રિયતમનાં સ્વાગત માટે આવી પહોંચી છે?
સૂરજ ધીમેધીમે પોતાનું સામ્રાજ્ય આટોપી લે છે, ત્યારે સંધ્યા ધીમેધીમે પશ્ચિમ દિશા તરફ પગપેસારો કરે છે. ગુલાબી, કેસરી, રંગોથી એ ટેકરીને સજાવે છે. ત્યારે સંધ્યા સૂરજના મિલનની મૂક સાક્ષી બનીને ટેકરી જોયા કરે છે.
સૂરજ અસ્ત થતાં જ સંધ્યા પોતાની ઓઢણી સંકેલીને સૂરજની પાછળ હળવે પગલે ચાલી જાય છે. ધીમે ધીમે આગળ વધતું અંધારું, ટેકરીને પોતાની આગોશમાં લઈ લે છે. ત્યારે હજારો તારલાઓથી મઢેલું આકાશ ટેકરીની અનુપમ શોભામાં વધારો કરે છે.
પૂનમનો ચંદ્ર પોતાની શીતળ ચાંદની આખી ટેકરી ઉપર વરસાવે છે. ત્યારે, ઝાંખું અજવાળું આખી ટેકરીને તપસ્વીઓના તેજ સમું રૂપ આપે છે.
આખી રાત ચાંદનીનાં શીતળ રસમાં નાહીને રસતરબોળ બનેલી ટેકરી સૂરજનું પહેલું કિરણ પડતાની સાથે જ નવયૌવનાં જેવું રૂપ ધારણ કરે છે.
ટેકરી દિવસે દિવસે નિતનવા રૂપો સર્જે છે. ચોમાસે ઠેકઠેકાણે ફૂટી નીકળતા ઝરણાઓનો શણગાર સજીને એ મનમોહક લાગે છે, શિયાળામાં ઝાકળ ઓઢીને, ઇન્દ્રલોકની ભૂલી પડેલી અપ્સરા જેવી ભાસે છે. તો વળી ઉનાળે ચળકતા તડકામાં તો એ હીરા મઢેલી પૂતળી જેવી બનીને આંખોને આંજી દે છે. વળી સાંજનાં શીતળ છાયામાં આંખોને લિલાસથી ભરીને ઠંડક આપે છે.
હું ટેકરીના બદલાતાં રૂપોને અચરજતાથી જોયા કરું છું. ટેકરી મારા મનને એના પ્રાકૃતિક સૌંદર્યથી ભરી દે છે ત્યારે મારું મન અજંપો ખંખેરી ફરી પ્રફુલ્લિત થઈને પતંગિયું બની જાય છે. હું ટેકરીની ખરબચડી કેડી ઉપર ચાલતાં જઈને કોઈ આસનની જેમ પથરયેલા પથ્થર ઉપર બેસું છું, ત્યારે ટેકરી મને સુખદ અનુભવ કરાવે છે.
આ સુખ ભલે ક્ષણિક માત્ર જ હોય. પરંતુ આ સુખ મારા અંતરમનને અદભુત ઊર્જાથી છલોછલ ભરી દે છે. હું શાંતચિત્તે પથ્થર ઉપર બેસી રહું છું.
ચારે તરફ વૃક્ષોથી લદાયેલી ટેકરી નાના એવા અરણ્યની ગરજ સારે છે. હું આંખો બંધ કરીને સાંભળવા પ્રયાસ કરું છું કોઈ અગોચર વિશ્વમાંથી આવતો અવાજ, જે મારા મનને શાંતિ આપે. પરંતુ હું ભૂલી જાઉં છું કે એ પરમ શાંતિ તો ખુલ્લી આંખે જ મળવાની છે.
આ ટેકરીનું ચારે તરફ છવાયેલું અદ્વિતીય રૂપ જ મને શાંતિ આપવાનું છે. ધીમેધીમે અંદર ઉપડેલો દરિયાનો ઘૂઘવાટ શાંત પડે છે. અને નિર્મલ વહેતી સરિતા જેવો આવતો શાંત સ્વર સાંભળીને મને નવાઈ લાગે છે. હું મારી જાતને પૂછી બેસું છું.
“આ ટેકરીમાં એવું કયું તત્વ છે, જે મને એની તરફ ખેંચે છે?”
મારા મનમાં ઊઠતા ઘણાં સવાલોનાં જવાબો આ ટેકરી આપે છે. ટેકરીના પાષણોમાં ઊંડેઊંડે ધરબાયેલો કોઈ અવાજ મને સંભળાય છે. અજાણી શક્તિ મારો હાથ પકડીને મને લઈ જાય છે, પ્રકૃતિનાં અલૌકિક સામ્રાજ્યમાં!
ત્યાંની સામ્રાજ્ઞીદેવી પ્રકૃતિ મારા મનને અખૂટ શાંતિનું વરદાન આપે છે… ને હું ટેકરીની લીલી દુનિયામાં મારી જાતને ફરીવાર ઓગળતી જોઉં છું.
~ દિવ્યા જાદવ
પ્રકૃતિ સાથે તાદાત્મ્યનો સુંદર નિબંધ