ચૂંટેલા શેર ~ ડૉ. મહેશ રાવલ
મનસ્વી થઈ ગયો છું એટલો કે, વાત ના પૂછો
બધા સત્યો વખોડીને, હજુ હમણાં જ આવ્યો છું
***
ઈલમ, હસ્તગત છે બધાને દુઆનો
છતાં બદદુઆઓ ફળી જાય છે અહીં
***
બરડ અસ્તિત્વના અંજામથી વાકેફ છે દુનિયા
નમીને, જાતને ઉગારવાની ટેવ પાડી ‘લ્યો!
તમે તો શું, ખુદા પણ કાળથી અવગત નથી પ્યારા!
અહમને ખોતરી, ખંખેરવાની ટેવ પાડી લ્યો!
***
ખુદાએ જ મૃગજળ અને જળની વચ્ચે
તરસ સાંકળી છે પ્રસંગે-પ્રસંગે
ડરું છું હવે, હાથ ધરતાં બધાને
હથેળી બળી છે પ્રસંગે-પ્રસંગે
***
ક્યાંક દરિયો અને ક્યાં રણની કથા
જિંદગી એટલે આવરણની કથા
એ અલગ વાત છે કે, ન ભૂલી શકો
પણ સ્મરણ માત્ર છે વિસ્મરણની કથા
***
તરી જઈએ સાતેય દરિયા અમે, પણ
કિનારેથી પ્રસ્તાવ ઓછા મળે છે
***
સચવાય છે હોવાપણું બે શ્વાસ વચ્ચે દર-અસલ
એથી વધારે શ્વાસની બીજી કરામત કંઈ નથી!
***
નડે છે મને સ્વપ્ન મારાં અધૂરા
અને સ્વપ્નને આ હકીકત નડે છે!
***
બધાંને પી જવો છે માત્ર એક જ ઘૂંટડે, દરિયો
તફાવત એટલો છે કે, તરસની જાત નોખી છે!
***
અનહદ ગણી એ લાગણી ઓછી પડી
સંબંધ કારોબાર જેવો થઈ ગયો!
***
શ્રદ્ધા હશે તો, પૂજશે લોકો ગમે તે રીતથી
અમથું નહીંતર કોઈનું ઈશ્વર થવું સહેલું નથી!
***
જો અને તો બેઉ વચ્ચે
ધૂંધળા અણસાર જોયા
શેષની ખણખોદ કરતા
શૂન્યના દરબાર જોયા
***
પ્રગટાવી દીવો અદકેરો
ભીતર ઉતરવા બેઠો છું
અધકચરી સમજણનું શ્રીફળ
ઈશ્વરને ધરવા બેઠો છું
***
કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે?
ક્યો પાળિયો બેઠો કરું, નક્કી કરો!
***
હવે થઈ ખાતરી, તું ક્યાંક ભીતર છે
અને હું માત્ર, બારોબાર શોધું છું!
***
મેં તો લખી’તી માત્ર મારી જિંદગી, અને
અકબંધ કિસ્સા અન્યના, પૂરવાર થઈ ગયા!
***
આપણા સંબંધનો ઈતિહાસ, જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો પાછા વળો
ફૂલ માફક, મેં હથેળીમાં જ રાખ્યા છે છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો પાછા વળો
***
હું ધારું તો આખોય દરિયો સમેટી
ને ઝાકળની જેમ કમલમાં મૂકી દઉં!
ડૂબી જાશે સહુ, પોતપોતાના ભારે
મારે શું, હું પથરાય જલમાં મૂકી દઉં!
***
પંખી, માળો, પીંછા, ટહુકો
ફડકો, ડૂમો, થરથર માણસ
શબ્દો, વાણી, ટીકા-ટિપ્પણ
બરછટ, લિસ્સો, અક્ષર માણસ
***
ખૂબ અક્કડ રહ્યાં, ખૂબ સજ્જડ રહ્યાં
સ્હેજ, ભીતર વળીએ, જુદી રીતથી!
બસ, હવે બહુ થયું ઝૂરવું, ઝૂઝવું
મૃગજળોને છળીએ જુદી રીતથી
***
ફૂલોની વાત લઈને, નીકળાય તો નીકળજે
સદ્ધર મિરાત લઈને, નીકળાય તો નીકળજે
વિસ્તારી જો નવેસર, સંબંધ તારો ખુદથી
ભીતરની વાત લઈને, નીકળાય તો નીકળજે
~ ડૉ. મહેશ રાવલ
~ (“નવેસર” ગઝલસંગ્રહમાંથી)
સરસ શેઅર સિલેક્શન. અભિનંદન મહેશભાઈ અને હિતેશભાઈ.
ખૂબ સુંદર. દરેક શેર પર વાહ કહેવાઈ જ જાય.