બાદન બાદન છોડવું ગમતું નથી ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:23 ~ ઉત્કર્ષ મઝુમદાર

રોમન એમ્પરર કારકલાના નામ પરથી જેનું નામ પડ્યું છે એ સ્પામાં હું ને સીજે દોઢ કલાકની એક જણની 15 યુરોની ટિકિટ લઇ અંદર ગયા.

નિશ્ચિન્ત કહે “અહીંયા વ્યૂઇંગ ગેલેરી છે હું ત્યાં બેસીશ.”

“જેવી તારી મરજી” અમે કહ્યું.

નિયમ તરીકે અમે બ્હાર ટ્રીપ પર નીકળીએ એટલે કોઈ પણ ઋતુ હોય સ્વિમિંગ કોસ્ચ્યુમ લઈને જ નીકળીએ જેથી આવા મોકા જતા ન કરવા પડે.

અમને કાંડા પર પહેરવા માટે એક પ્લાસ્ટિકની પટ્ટી આપી. આ પટ્ટી પર અમારો આવવાનો સમય નોંધાયેલો હતો અને લોકરની ચાવી તરીકે પણ એ કામ કરે. પહેલા અમે લોકર રૂમમાં ગયા. ત્યાં ખાલી લોકર શોધી અમારા કપડાં અને અન્ય વસ્તુઓ તેમાં મૂકી.

પુલમાં જતા પહેલા સ્નાન કરી લીધું ને સ્પાનો અનુભવ લેવા અંદર દાખલ થયા. જોયું તો કેટલા બધા નાના મોટા પુલ હતા. પછી અનુભવે ખબર પડી કે એ જુદા જુદા ઉષ્ણતામાનવાળા પુલ હતા. બરફ જેવા ઠંડાથી લઈને ગરમાગરમ પાણીવાળા.

અમે પહેલા તો જે મુખ્ય અંદરનો પુલ હતો એમાં હળવેથી દાખલ થયા. પાણી હૂંફાળું હતું એટલે ગમ્યું.

ખાસ્સી ઊંચાઈએ ઉપર મોટો ઘુમ્મટ ને ખાસ્સી એવી બાજુની દીવાલો કાચવાળી એટલે સૂરજનો પ્રકાશ અંદર આવે.

પ્રથમ દેખાવ જ તમને જાદુઈ અનુભવ કરાવે. પછી પાણીમાં પડો એટલે એક પછી એક ખૂબીઓ બહાર આવવા લાગે. અંદર જ જાકુસી. એ નીચેથી, બાજુથી, ઉપરથી એમ વિવિધ જગ્યાએથી હોય.

થોડીવાર અહીં વિતાવી અમે બહાર આવેલા ખુલ્લા પુલમાં ગયા. બેતહાશા મઝા કરી ફરી પાછા અંદર આવ્યા. ઠંડાગાર પુલમાં ગયા. ગરમ પાણીમાંથી ગયા હો એટલે શરૂઆતમાં એટલું ઠંડુ ન લાગે, પણ પછી એનો પરચો દેખાડે એટલે ત્યાંથી બહાર નિકળી હૂંફાળા પાણીમાં આવી જવાનું.

તરવા કરતા પાણીમાં પડ્યા રહેવાની અદભુત મઝા આવે. પ્રમાણમાં ભીડ ન હતી. કોઈ એકબીજાને તાકીને જોતું ન હતું. બધા પોતપોતાનામાં કે સાથીદારોમાં રમમાણ હતાં.

વૉટર જેટથી આલ્હાદક મસાજ થાય ને એવું થાય કે બસ એમને એમ જ પડ્યા રહીએ. જુદી જુદી જગ્યાએ આવેલા આ વૉટર જેટ તમારા પ્રત્યેક અંગને મસાજ કરતા જાય, મસળતા જાય.

The Number of Jets in a Hot Tub

ગરદન પર હૂંફાળા પાણીનો દદુડો પડતો હોય ને મસાજ થતો હોય એની કેવી મઝા ખરું કે નહિ?

અંદરના પુલની મઝા અલગ તો બહારના પુલની મઝા પણ અનોખી. પાણીના ઘોધની નીચે રહી તમારા સ્નાયુઓને શિથિલ થવા દો.

જુદા જુદા ઉષ્ણતામાનવાળા બે પુલ. સૂર્યસ્નાન કરવું હોય તો એનીય સગવડ. લૉનમાં પડેલા રિક્લાઈનરમાં આરામથી સૂતા સૂતા સૂર્યસ્નાનની મઝા માણો.

શિયાળામાં તો આની મઝા કૈક જુદી જ હોય. સ્નો પડતો હોય કે ઠંડી હવા વહેતી હોય તમે ક્ષારવાળા હુંફાળા પાણીમાં પડ્યા હો ને તમારી ઉપર જાણે ચાંદીના રંગવાળી ઝાકળની ચાદર હોય એવું એક અલૌકિક વાતાવરણ રચી દે.

બહાર એક પુલમાં વહેતા પાણીની મઝા માણી શકો તો બીજામાં ચક્કર ચક્કર ફરતા પાણીનો લ્હાવો પણ લઇ શકો. અમે આવા બધા લહાવા લીધા. ઠંડા અને ગરમ પાણીની બખોલો.

આજથી દોઢસો વર્ષ પહેલા સેબેસ્ટિયન નામના પાદરીએ શોધ્યું કે ઠંડા અને ગરમ પાણીમાં અદલાબદલી રહેવાથી શરીરને એક અનોખી તાજગીનો અહેસાસ થાય છે.

અહીંયા કરાયેલી ભલામણ મુજબ અમે પ્રથમ 38 ડિગ્રી ગરમ પાણીની બખોલમાં આશરે પાંચ મિનિટ રહ્યા. ત્યાંથી નીકળી બાજુમાં આવેલી 18 ડિગ્રી ઠંડા પાણીની બખોલમાં પંદરેક સેકન્ડ રહ્યા. ત્યાંથી બહાર નીકળી પાછા ગરમ પાણીમાં ને ફરી પાછા ઠંડા પાણીમાં – એમ બેત્રણ વાર કર્યું. સાચે જ શરીરમાં નવું જોમ વરતાયું.

આ બધા પાણીના હોજ વધુમાં વધુ માત્ર 1.35 મીટર એટલે કે સમજોને 4,40 ફૂટ ઊંડા એટલે ડૂબવાનો ભય નહિ.

અમને એ માહિતી પણ મળી કે સોમવારથી શુક્રવાર સવારે 11.30 વાગ્યે વૉટર જિમ્નેસ્ટિક્સના મફત વર્ગ ચાલે છે. નિષ્ણાતની દેખરેખ હેઠળ જાત જાતની કસરતો કરવા, શીખવા મળે છે શરીરના સ્નાયુઓ હળવા થઇ જાય. બીજી બધી રમતો કરતા વૉટર જિમ્નેસ્ટિક્સમાં તમારા કોઈ એક અંગ નહિ પરંતુ સમગ્ર શરીરને લાભ મળે છે.

Water Gymnastics Images – Browse 260,012 Stock Photos, Vectors, and Video | Adobe Stock

મારા આ પ્રથમ સ્પાના અનુભવે મને ગજબનો રોમાંચક અનુભવ આપી દીધો. એવું થયું કે હજી બે ચાર દિવસ અહી રોકાઈ જાઉ ને રોજ ડબલ વાર સ્પામાં આવું. પર વો દિન કહાં….

સીજેને કોણ જાણે એટલી મઝા નહિ આવી. એને માટે તો ગાજ્યા મેઘ એટલા વરસ્યા નહિ. અમારો દોઢ કલાક જાણે પલકવારમાં પતી ગયો હોય એવું લાગ્યું. અંદર ભીંત પર મોટી ઘડિયાળ લગાડેલી હતી એટલે સમયની ખબર પડી નહિતર સમયભાન રહેત નહિ.

લોકર રૂમમાં જઈ કપડાં બદલી અમે બહાર આવ્યા. નિશ્ચિન્ત પણ ત્યાં આવી ગઈ હતી. એ કહે એનો સમય પણ સરસ રીતે પસાર થયો.

સંકુલની જેવા બહાર નીકળ્યા કે ઝરમર વરસાદ શરુ થઇ ગયો. ગમે ત્યારે વરસાદ પડે એ જાણતા હોવાથી મુંબઈથી નાની ફોલ્ડિંગ છત્રી લઈને નીકળ્યા હતા પણ સ્પા માટે આવવાના ઉત્સાહમાં બૅગમાંથી લઇ લેવાનું ભુલાઈ ગયું. ટૂંકમાં દશેરાએ ઘોડો દોડ્યો નહિ.

એકબે મિનિટ ઊભા રહેવું પડ્યું, વરસાદ નહિવત જેવો હોવાથી અમે ઝડપ કરી પાર્કિંગ લોટમાં પહોંચી ગયા. વળતી વખતે સિટી સેન્ટરથી વાયા પેલી રેસ્ટોરન્ટના રસ્તે આવ્યા જે એકમાર્ગી હતો.

એપાર્ટમેન્ટ પર આવી થોડીવાર આરામ કરી અમે સાંધ્યભોજન લેવા ગઈકાલવાળી હોંગ રેસ્ટોરન્ટમાં ગયા. અંતર ઓછું હોવાથી ચાલીને ગયા ને વળતી વખતે બાજુમાં આવેલી ‘પેની’ નામના જાણીતા ગ્રોસરી સ્ટોરમાં ગયા.

PENNY - Supermarket in Frankfurt am Main

આવતી કાલની સવાર માટે જોઈતી નાસ્તાની સામગ્રી (બ્રેડ/પાંઉ, માખણ, દૂધ, ફ્રૂટ્સ ને જ્યુસ) ત્યાંથી લઇ પાછા એપાર્ટમેન્ટ પર આવ્યા.

બાદન બાદનમાં જે બીજા અનેક જોવાલાયક સ્થળો છે તેની વાત હું જણાવું. સમયાભાવને કારણે ભલે અમે ના જઈ શક્યા, પણ વાચકમાંથી કોઈ જવાનું હોય તો ખબર પડે ને ગયા કરતા જાણ્યું ભલું.

મારકુર માઉન્ટન.

Merkur (mountain)

અહીં પણ ટોચ પર જવા માટે ફુનિકયુલર ટ્રેન છે પણ અમે હાઈડલબર્ગમાં એની સફર માણી આવ્યા હતા એટલે જવાનો રસ ન હતો. આ જર્મનીની લાંબામાં લાંબી અને સીધા ચઢાણવાળી ટ્રેન છે. ઔર ઉપર જવા માટે એક લિફ્ટ છે જ્યાંથી તમે રાહીન નદી, બ્લેક ફોરેસ્ટના ડુંગરાઓ અને ફ્રાન્સનું સ્ટ્રાસ્બૉર્ગ નામનું શહેર પણ નિહાળી શકો છો.

બીજું એક સ્થળ છે. અલ્ટસ શ્લોસ હોહેનબાદન – કેસલ. અમારે ઘણા કેસલ્સ જોઈ લીધા હતા ને હજી બે અગત્યના કેસલ જોવાના હતા એટલે અહીં જવામાં પણ રસ ન હતો.

Hohenbaden Old Castle
Hohenbaden Old Castle (Altes Schloss Hohenbaden)

જૂના કેસલ તરીકે ઓળખાતો આ કેસલ 1102માં બંધાયો. જોકે આજે તો એ ખંડેર હાલતમાં છે. અહીં એક આધુનિક વસ્તુ મુકાઈ છે તે છે વિન્ડ હાર્પ નામનું વાજિંત્ર. એની નાયલોનની દોરીઓ જોરદાર હવા ફૂંકાય ત્યારે આંદોલિત થઈને સુમધુર સૂર છેડે છે.

Schloss Hohenbaden - Altes Schloss - Picture of Hohenbaden Old Castle, Baden-Baden - Tripadvisor

ત્રીજું આકર્ષણ છે પેરેડાઇસ કાસ્કેડ. શહેરના જૂના વિસ્તારમાં 1925માં બંધાયેલા આ ફુવારાઓનું સંકુલ એક જોવા જેવો નઝારો છે.

Paradies

જમાઇનમાંથી વહેતુ ઝરણું 40 મીટરની ઊંચાઇએથી પડે છે ને એનું પાણી એક પછી એક ઉતરતા ક્રમમાં બંધાયેલા કુંડમાંથી નીચે આવે છે. અહીં એક ખૂબસુરત બગીચો પણ બનાવ્યો છે.

તમને એક સવાલ મનમાં ઊગ્યો હશે – આ લોકો એમાના મેલા કપડાં ધોતા હશે કે નહિ? ને ધોતા હોય તો ક્યાં ધોતા હશે? હોટેલમાં રહેતા હોઈએ તો સ્વાભાવિક છે ત્યાં ધોવડાવવું મોંઘું પડી જાય.

અમે જયારે એર બી એન્ડ બીમાં ઉતર્યા હોઈએ ત્યારે કપડાં ધોવાનો કાર્યક્રમ બને કારણકે અહીં એના ઉપકરણો હોય. રાતે હિના અને નિશ્ચિન્ત જયારે સગવડ મળે ત્યારે એનો કાર્યક્રમ કરે. એ મુજબ અહીં એ સગવડ ઉપલબ્ધ હોવાથી એમણે કપડાં મશીનમાં ધોઈને સુકવી દીધા. સવારમાં બધા સુકાઈ ગયા હતા એટલે ગડી કરીને બેગમાં મૂકી દીધાં.

હું ભણવા બેસું. આગલા દિવસે આપવાની પરીક્ષાની તૈયારી. અમારા અફલાતુન ડ્રાઈવર ઉર્ફે ડોકટરસાહેબ ઉર્ફે સીજે મહારાજ આરામ ફરમાવે. ગાડી ચલાવીને થાકી ગયા હોય ને!

સવારે ઊઠી હિના અને નિશ્ચિન્તે નાસ્તો બનાવ્યો તે ખાઈને બાદન બાદનને અલવિદા કહી ઉપડ્યા અમારા આગળના મુકામે… એટલે કે ફ્રાઈબર્ગ જવા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..