દફન નહીં કરી શકો! (કવિતા) ~ દલપત ચૌહાણ

તમે મને અસ્વિત્વહીન નહીં કરી શકો!
હું રગેરગમાં વસ્યો છું તમારી.
મારા પરસેવાથી તો તમારો પીંડ
બંધાયો છે.
મારો ચિત્કારભર્યો ફુત્કાર
તમે સાંભળ્યો છે?
તે ફુત્કાર તમારાં બાળકો
આવનાર પેઢીને કહેશે.
તમે મને મારી નહીં શકો!
તમે મારા શબ્દને સ્પર્શ્યો છે;
હું અણુએ અણુમાં
ફેલાઈ ગયો છું.
તમારા અસ્તિત્વ સાથે
હમેશાં મને જોશો.
તમે મને દફન નહીં કરી શકો!
હું સુનકાર
તમારી અંધારભરી રાત્રિઓ-
ઉજાસે આળોટ્યા દિવસો
ને
મહાલયોના ખૂણેખૂણે પથરાયો છું.
પછી
તમે મને કઈ રીતે અસ્તિત્વહીન કરી શકો?
તમે મને કઈ રીતે મારી શકો?
તમે મને કઈ રીતે દફન કરી શકો?

~ દલપત ચૌહાણ

(તસવીર સૌજન્ય: Penn Libraries)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.