હા, હું અયોધ્યા છું (એકોક્તિ) ~ મમતા પટેલ
સરયુ નદીને કિનારે વસેલી એક નગરી છું, નામ મારું અયોધ્યા.
પ્રભુ શ્રીરામની જન્મભૂમિ તરીકે લોકો મને જાણે છે. રાજા દશરથથી લઈને રામ, લવ અને કુશથી આગળ સૂર્યવંશી ૪૪ પેઢીને મેં મારાં પર શાસન કરતાં જોયાં. આજ્ઞાંકિત પુત્ર રામનો વનવાસ, લક્ષ્મણનો ભાતૃપ્રેમ, ભાઈ ભરતનો ત્યાગ, રાવણવધ પશ્ચાત રામનું અયોધ્યા આગમન…
આહાહા.. શું દિવસો હતાં એ…. લાખો દિપ પ્રગટયાં હતાં ત્યારે. નવવધુ જેવી સજી હતી હું. એની યાદમાં જ તો તમે આજે પણ દિવાળી મનાવો છો ને?

રામ રાજા બન્યા, રામરાજ્ય સ્થપાયું, પણ પછી સતી સીતાનો ત્યાગ અને એમનું ધરતીમાં સમાઈ જવું… મારી છાતી ચિરાઈ ગઈ હતી. એક સતીની સાખ માટે હું બે ભાગમાં વહેંચાઇ હતી.
મને યાદ છે, સૂર્યવંશની લગભગ ૪૪ પેઢીઓએ મારાં પર રાજ કર્યું, પણ પછી હું ધીરે ધીરે મારું મહત્વ ગુમાવતી ગઈ અને સમયાંતરે એક ઘનઘોર જંગલમાં પરિવર્તિત થઈ ગઈ.
ઈ.સ. ૧૦૦ પૂર્વે ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય શિકાર રમતાં રમતાં અહીં આવી ચડ્યાં અને જ્યારે એમણે મારા મહત્વ વિશે જાણ્યું ત્યારે રામનું એક ભવ્યતમ મંદિર બનાવડાવ્યું,

જે એ સમયે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું… પણ પછી પંદરમી સદીમાં મારો ખરાબ સમય શરૂ થયો.
૧૫૨૭-૨૮માં હિન્દુસ્તાન પર આક્રમણ કરીને શાસન કરી રહેલા બાબરે લૂંટફાટ કરી. અનેક પૂજારીઓની હત્યા કરી અને એ ભવ્ય મંદિર તોડીને એક મસ્જિદ બનાવી… ને નામ અપાયું “બાબરી મસ્જિદ”.
આ લૂંટફાટ અને હત્યાનો દોર મારી આ ધરતી સુધી સિમિત ન રહેતા મથુરા અને કાશી સુધી લંબાયો.
હા, હિન્દુ સમાજ તરફ થોડું કૂણું વલણ ધરાવતાં અકબરે મંદિરનાં પ્રાંગણમાં જ્યાં ચબુતરો હતો એ હિન્દુઓને પૂજાપાઠ કરવા સોંપ્યો હતો ખરો, પણ એ ફક્ત થોડાં સમય માટે જ હતું. ઔરંગઝેબે ફરી એ જગ્યા પોતાનાં કબજામાં લઈને પોતાના પૂર્વજનાં નામે બંધાયેલી એ મસ્જિદનો જીર્ણોદ્ધાર કર્યો.
બસ ત્યારથી રામજન્મભૂમિ માટે હિન્દુઓ લડતાં રહ્યાં સતત, લગભગ ૪૦૦ વર્ષ…
એ પછી તો હિન્દુસ્તાનની ભૂમિ પર વિદેશીઓ – અંગ્રેજોનું રાજ સ્થપાયું, એમને ન તો રામજન્મભૂમિથી કોઈ મતલબ હતો, ન તો બાબરી મસ્જિદથી, પણ બાબરી મસ્જિદનો વિરોધ થતો રહ્યો, સતત.. અને એનાં જવાબમાં હિન્દુઓ પર અત્યાચાર પણ થતો રહ્યો – સતત..
કમનસીબે હું આ બધી ભયંકર ઘટનાઓની મૂક સાક્ષી રહી છું.
૧૯૪૭ માં હિન્દુસ્તાન આઝાદ થયું. આઝાદી પછી હિન્દુ મુસ્લિમ વચ્ચે ખુબ વિખવાદ થયો. હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને દેશ બે ભાગમાં વહેંચાયો. આ વેર – વિખવાદનાં પરિણામ સ્વરૂપે ૧૯૪૯માં હિન્દુ – મુસ્લિમ વચ્ચે આ ભૂમિને લઈને પણ વિગ્રહ વધી ગયો અને સરકારે એ વિવાદિત જગ્યા પર તાળા મારી દીધા.
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સેવા સંઘે સતત પ્રયાસો કર્યા બાબરી મસ્જિદને રામમંદિર બનાવવા માટે… પણ ત્રણ યુદ્ધ અને ગરીબી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલી દેશની સરકારનો સાથ આ કાર્ય માટે ન મળ્યો.
૧૯૮૪માં ઈન્દિરા ગાંધીનાં મૃત્યુ પછી ફક્ત ‘ગાંધી’ નામને કારણે સત્તા પર આવેલાં બિનઅનુભવી રાજીવ સામે ચૂંટણી લડવા અને જીતવા, હિન્દુઓને એક મુદ્દે એકત્રિત કરવા રાષ્ટ્રીય સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહેલી રામજન્મભૂમિ ફરી હિન્દુઓનાં તાબામાં લઈને રામમંદિર બનાવવાની ચળવળને ભારતીય જનતા પક્ષે ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ૧૯૯૧માં રાજીવ ગાંધીએ ૧૯૪૯માં સરકારે લગાવેલાં તાળા ખોલ્યા અને એ ચળવળને વધુ વેગ મળ્યો.
૧૯૯૨માં રાષ્ટ્રીય સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદની નેતાગીરી – લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતીની રાહબરી હેઠળ લગભગ દોઢ લાખ લોકોએ બાબરી મસ્જીદ તરફ રામમંદિરની માગણી સાથે પ્રયાણ કર્યું. કમનસીબે એ ટોળું હિંસક બન્યું અને જ્યાં વર્ષોથી કોઈ નમાઝ અદા નહોતી થતી એ જર્જરિત થઈ ચૂકેલી બાબરી મસ્જિદનો ઢાંચો તોડી નાખવામાં આવ્યો.

આ બાજુ આ પરાક્રમ થયું અને બીજી બાજુ દેશભરમાં, ખાસ કરીને મુંબઈમાં મુસ્લિમોએ પોતાનું પોત પ્રકાશ્યું. હિન્દુ – મુસ્લિમનાં હુલ્લડોએ ભયાનક રૂપ ધારણ કર્યું. હજારો માણસોનાં મોત અને લાખો કરોડોની મિલકતનાં નુકસાનની પણ હું સાક્ષી છું.
૧૯૯૩માં આ જ હુલ્લડોને કારણે મુંબઈમાં મુસ્લિમ ગેંગસ્ટર દાઉદ પ્રાયોજિત સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયાં અને ફરી અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, અનેક લોકો અપંગ બન્યા, અનેક લોકો અનાથ બન્યા.

આ કમનસીબ ઘટનાઓ પછી પણ રાષ્ટ્રીય સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે હાર ન માની અને સતત રામ જન્મભૂમિનો કબજો મેળવવાનાં પ્રયાસો થતાં રહ્યાં. બાબરી તૂટ્યા પછી આખોયે કેસ કોર્ટમાં હતો. તારીખ પર તારીખ પડતી રહી. જે અગ્રણી નેતાઓ પર મુકદ્દમા થયાં હતાં એ લોકો સતત હેરાન થઈ રહ્યા હતાં, પણ છતાં પ્રયાસો ચાલુ હતાં
૨૦૦૨માં રામમંદિર બાંધવા માટે જે કારસેવકો અયોધ્યા આવ્યા હતાં એમને ગુજરાતનાં ગોધરા સ્ટેશન પાસે ટ્રેઈનમાં આગ લગાવી બાળી મરાયા.

મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બાંધવા માટે અમર્યાદિત પ્રયાસો, અમર્યાદિત રાજકારણ અને અમર્યાદિત હિંસા..?? મારું દિલ તૂટી તુટી ગયું, હું માની ચૂકી હતી કે હવે અહીં ક્યારેય ‘રામમંદિર’ નહીં જ બંધાય.
૨૦૧૦માં આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનનાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા. આમાંથી એક ભાગ હિન્દુ મહાસભાને, બીજો સુન્ની વકફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાને સોંપી દેવામાં આવ્યો… પણ આ ચુકાદો ના તો સુન્ની વકફ બોર્ડને મંજુર હતો, ના તો હિન્દુ તરફી પક્ષોને મંજુર હતો.
મામલો ફરી કોર્ટે ચડ્યો. અનેક આગ્રહ થયાં, અનેક વિનંતીઓ કરવામાં આવી પણ બન્ને પક્ષ હંમેશ મુજબ લડી લેવાનાં જ મુડમાં હતાં. આખરે ૨૦૧૯માં સંશોધન કર્યા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા એક સરસ મજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો જે બન્ને પક્ષને, સરકારને અને ભારતની ૧૩૦ કરોડ જનતાને મંજુર હતો.
વિવાદસ્પદ જમીન પર રામમંદિર જ બંધાશે અને એનાં બદલામાં મુસ્લિમ બોર્ડને પાંચ એકર જમીન આપવામાં આવશે, જેનાં પર ભવ્ય મસ્જિદ બંધાશે.હા, મારી ભુમિ હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતિક બનશે. ફરી રામરાજ્ય સ્થપાશે…
હું ઝુમી ઊઠી છું, ખુશ છું, પાંચ ઓગસ્ટનાં પવિત્ર દિવસે અહીં ભારતનાં પ્રધાનમંત્રી ‘મોદીજી’નાં હાથે એ ભવ્યતમ મંદિરનું ભૂમિપૂજન થયું. આનાથી રૂડું શું હોઈ શકે?

‘સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં’ એ સાબિત થયું છે. મારાં રામ, હા મારાં રામ તંબુમાંથી નીકળીને ફરી મહેલ જેવાં મંદિરમાં પ્રસ્થાપિત થશે.
હું આભારી રહીશ એ શુભ ઘડીની..
હું આભારી રહીશ એ કારસેવકોની જેમણે ક્યારેક ગોળીઓ ખાધી તો ક્યારેક બળતી ટ્રેનમાં પોતાનો જીવ ખોયો…હું આભારી રહીશ એ સેના અને સંઘીની જે જુલમના પ્રતિક સમાન બાબરી મસ્જિદ તોડીને ગર્વ મહેસૂસ કરતાં હતાં… હું આભારી રહીશ એ ઈતિહાસકારોની જેમની શોધખોળને લીધે એ સાબિત થઈ શક્યું કે મારાં ટુકડા સમાન એ જમીન જ રામજન્મભૂમિ છે અને ત્યાં રામમંદિર જ બંધાવું જોઈએ… હું આભારી રહીશ સુપ્રીમ કોર્ટનાં એ ન્યાયાધીશોની જેમણે ‘સત્યમેવ જયતે’ ખરાં અર્થમાં સાબિત કર્યું… હું આભારી રહીશ એ કરોડો હિન્દુસ્તાનીઓની જેમણે પાંચસો હા, પૂરા પાંચસો વર્ષ સત્ય માટે સંઘર્ષ કર્યો… હું આભારી રહીશ આ ‘મોદી – યોગી’ યુગની જેમણે રામને કાલ્પનિક માનવાની ભૂલ ન કરતાં મને આજે આ સુંદર અવસરની, આ શુભ ઘડીની સાક્ષી બનાવી…
હા, હું ખુશ છું. હા હું અયોધ્યા છું જે આજે ફરી નવવધુની જેમ સજી છું અને મારી ગોદમાં મારાં રામની પ્રાણપ્રતિષ્ઠા થાય એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.
~ લે: મમતા પટેલ

રાષ્ટ્રીય સેવા સંઘ નહીં પરંતુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ..🙏