ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ અંતિમ હપ્તો ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:12 (12માંથી)

અંતિમ હપ્તો

પ્રશાંત અને નીલેશ સીધા હૉસ્પિટલ પર પહોંચ્યા. આભા વિશાખાને લઈને બરાબર પોણા છએ પહોંચી ગઈ. આભા સિવાય ત્રણે માટે હૉસ્પિટલનું વાતાવરણ અજાણ્યું અને કંઈક ગુંગળાવનારું હતું. શું બોલવું એ ન સૂઝતા બધાં ડૉ.ની કેબીનમાં ચૂપચાપ બેઠાં હતાં. એમનો સંકોચ ડૉ. સમજી શકતા હતા એટલે એમણે વાતની શરૂઆત કરી,

‘તમે સૌ તો મને ઓળખો જ છો પણ પહેલાં મને તમારી પોતપોતાની ઓળખ આપો.’ શરૂઆતનો સંકોચ થોડો દૂર કર્યા પછી સીધા મુખ્ય વાત પર આવતાં એમણે કહ્યું,

‘તમારાં મમ્મીના કેસમાં અત્યાર સુધીમાં થયેલ પ્રોગ્રેસથી આભા વાકેફ છે પણ આજે જે વાત હું કરવાનો છું એ એને માટે પણ નવી છે. આ વાત ડેલીકેટ પણ છે અને શૉકીંગ પણ છે. તમે બધાંએ આટલાં વર્ષોમાં તમારા પપ્પાની જે ઈમેજ બનાવી છે એ કદાચ મારી વાત સાંભળીને ખંડિત થઈ જશે એ બદલ સૉરી, પણ મારે તો તમને સાચી વાત જણાવવી જ પડશે.’

દીકરાઓ અને વહુઓને સુધાંશુભાઈ માટે તિરસ્કાર ન થઈ જાય એ રીતે સાચવીને વાત કરવાની હતી. એમણે મનોમન ગોઠવણ કરી લીધા પછી વાત આગળ ચલાવી,

‘નીલેશ, પ્રશાંત, નાનપણથી તમારા કુમળા મગજમાં એક જ વાત ઠસાવી દેવામાં આવી કે, નીતાબેને તમારી નાની બેનની હત્યા કરી.’

‘પણ ડૉ., એ જ હકીકત હોય પછી એમાં ઠસાવવાની વાત ક્યાં આવી?’ પ્રશાંતથી બોલ્યા વિના ન રહેવાયું,

‘પ્રશાંત, ઉપરથી શાંત અને સ્થિર દેખાતાં પાણીની અંદર ડોકિયું કરવા જઈએ તો કંઈ કેટલીય ઉથલપાથલ નજરે પડે છે. તમારાં મમ્મીના કેસમાં પણ એવું જ છે. સપાટી પર દેખાતી વાતમાં અને અંદરની વાતમાં ઘણો ફરક છે!’

અધીરા થઈ ગયેલા નીલેશથી રહેવાયું નહીં. એ બોલી ઊઠ્યો, ‘પ્લીઝ ડૉ., અમને સમજ પડે એ રીતે વાત કરો.’

ડૉ. જેમ જેમ એમનાં માતા-પિતાનાં જીવનની એક એક ઘટના, એક એક પ્રસંગનું વર્ણન કરતા ગયા તેમ તેમ બધાંને લાગતું હતું કે જાણે તેઓ પપ્પા વિશે નહીં પણ બીજા કોઈ વિશે સાંભળી રહ્યાં છે. જે પિતાને અત્યાર સુધી આદરપાત્ર માનતા આવ્યા એમનો ચહેરો ડૉ.ની વાતના પિતાના ચહેરા સાથે મેળ નહોતો ખાતો. કોઈએ વશીકરણ કર્યું હોય એમ તેઓ ડૉ.ની વાત સાંભળી રહ્યાં હતાં.

કેસના એક પછી એક મુદ્દા રજુ કરીને એને વિગતવાર સમજાવતા ડૉક્ટર નીતાબેને ડાયરીમાં ચાર્વી અને અંકિતાનાં નામ લખ્યાં હતાં એ વાત સુધી આવ્યા ત્યાં આભાના કાન વધુ સરવા થયા.

‘તે દિવસે મેં તને કહ્યું હતું ને આભા, કે જો આ બે નામ વચ્ચે શું સંબંધ છે એ જાણવા મળે તો વર્ષોથી ગુંચવાયેલો આ કેસ ઉકેલવાનો ઉપાય મળતા વાર નહીં લાગે. અચાનક જ એને માટેના અનુકૂળ સંજોગો ઊભા થયા.

અહીંની એક મહિલા દર્દીએ ડીપ્રેશનને કારણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. અમારો સ્ટાફ દરેક દર્દી પર વ્યક્તિગત રીતે નજર રાખતો જ હોય છે પણ આણે બધાંની નજર ચૂકવીને બાથરૂમની બારીનો કાચ તોડીને પોતાની જાતને ઈજા પહોંચાડવાની કોશિશ કરી. તરત જ એને બચાવી લેવાઈ, પણ આવી વાતની ચર્ચા થયા વિના તો રહે નહીં.’

વિશાખાનાં મનમાં સવાલ થયો, ‘પણ ડૉ.સાહેબ, આવાં પેશન્ટને તો તમે અલગ જ રાખતા હશો ને? આ બહેને તો પોતાની જાતને જ નુકસાન કર્યું પણ હિંસક બનીને બીજા દર્દી પર હુમલો કરે તો?’

વિશાખાનો પ્રશ્ન તો યોગ્ય જ હતો, પણ નીલેશને અત્યારે વાતના પ્રવાહમાં વિક્ષેપ પડે એ પાલવે એમ નહોતું. એણે કહ્યું, ડૉ.સાહેબ જે કહે એ સાંભળ, વચ્ચે સવાલ પૂછીને એમને ડીસ્ટર્બ ન કર.’ પણ ડૉક્ટરે એનાથી જુદી જ વાત કરી,

‘ના નીલેશ, ડીસ્ટર્બ થવાનો સવાલ જ નથી. ઊલટું, દર્દીનાં સગાં તરફથી પ્રશ્ન કરવામાં આવે એને અમે સારી નિશાની માનીએ છીએ. એ લોકો સવાલ પૂછે એનો અર્થ એ કે, એમને પોતાની વ્યક્તિ માટે લાગણી છે, એમને પોતાનું માણસ સાજું થાય એમાં રસ છે.

હા તો વિશાખા, તમારી વાતનો જવાબ આપું. જે પેશન્ટ વાયોલંટ થઈ જતા હોય એમને તો જુદા જ રાખવા પડે. એટલે સુધી કે, જો કોઈ વધારે પડતું ઝનૂની થઈ જતું હોય તો અમારે નછૂટકે એના હાથ-પગ બાંધીને પણ રાખવા પડે પણ અમુક કિસ્સામાં એવું બને કે, દર્દીનાં મગજનું બેલેન્સ અચાનક ખોરવાઈ  જાય. એકદમ નોર્મલ થઈ ગયેલું લાગતો પેશન્ટ ઓચિંતુ જ આવું વર્તન કરી બેસે છે; પણ એમને કાબૂમાં લઈ શકાય છે.’

આભા પણ હવે પછીની વાત જાણવા ઉત્સુક થઈ ઊઠી હતી. એણે ડૉ.ને પૂછ્યું’ ‘પણ ડૉ. એ બેનની વાતને અને મમ્મીના સારા થવાને શું સંબંધ એ મને સમજાયું નહીં.’

‘નીતાઆંટીનું માનસિક સંતુલન ખોરવાવાનું કારણ, એનાં મૂળ જ આ ઘટનામાં છે એટલે આ આખી વાત મારે તમને બરાબર સમજાવવી પડશે.’ ડૉક્ટરે વાતની શરૂઆત કરી.

પેલી બહેનની આત્મહત્યાના પ્રયાસની વાત જેમ જેમ બીજા દર્દીઓને ખબર પડતી ગઈ એમ એ લોકો અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. એ બધામાં એક નીતાઆંટી જ એવા હતાં કે જે આ બધી ચર્ચાથી દૂર પોતાની જાત સાથે કંઈક ગડમથલ કરી રહ્યાં હતાં.

અચાનક એમણે પોતાની કેરટેકર બેનને બોલાવીને કહ્યું કે, મારે ડૉ.ને એકાંતમાં મળવું છે. સામાન્ય રીતે તો ડૉ. જ જઈને પેશન્ટને મળતા હોય છે. આવી હૉસ્પિટલોમાં દર્દીને ડૉ.ની કેબિનમાં જવાની પરવાનગી હોતી નથી પણ એમની તબિયતમાં હવે સારો એવો સુધારો દેખાઈ રહ્યો હતો ને વળી આભાને લીધે હું એમને માટે અંગત રસ પણ લઈ રહ્યો હતો તેથી એ મારી કેબિનમાં આવે તેમાં કશો વાંધો નહોતો.

મારી પાસે આવીને આડીઅવળી કોઈ વાત કર્યા વિના એમણે સીધું જ કહી નાખ્યું,

‘ડૉ., આ બહેને મરી જવાનો પ્રયત્ન કર્યો છતાં એ તો બચી ગઈ, પણ અંકિતાએ ઉપરના માળેથી કૂદકો માર્યો ને એ બિચારી તો ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગઈ. જુવાનજોધ છોકરીએ, મારા પતિને કારણે રહી ગયેલા ગર્ભથી ગભરાઈને જીવ આપી દીધો. સાચું કહું ડૉ.? ત્યારે તો મારા મનમાં એવું જ ઠસી ગયું કે, ચાર્વી વખતે સુવાવડ કરવા પિયર ગઈ એને લીધે જ આ છોકરીને જીવ આપવાનો વારો આવ્યો. હું ન ગઈ હોત તો આજે એ જીવતી હોત. આમ જે બન્યું એને માટે હું મારી જાતને અને ચાર્વીને દોષિત માનતી થઈ ગઈ.

અત્યાર સુધી પ્રેમાળ લાગતા પતિની મારી નજર સામે આવેલી કાળી બાજુ, અમારા રોજરોજના ઝઘડા અને આ બધા વચ્ચે પીસાઈ રહેલા કુમળાં બાળકો નીલેશ અને પ્રશાંત – આ બધી વાતોનું મારાં મન પર એટલું બધું ભારણ હતું કે, મારાં મગજની નસો ફાટફાટ થતી, માથા પર ધડાધડ હથોડો ટીપાતો હોય અને ખોપરીના કટકા થઈ જવાના હોય એવી પીડા હું અનુભવતી.

મને ત્યારે શું થતું એ કશી ખબર પડતી નહોતી. ધીમે ધીમે કરતા હું કંઈ વિચારવાની, સમજવાની કે એક વાત સાથે બીજી જોડવાની શક્તિ ગુમાવતી જતી હતી.

મનની આવી સ્થિતિ વચ્ચે અંકિતાનું આ રીતે જવું મારે માટે છેલ્લા ઘા જેવું નીવડ્યું. મારું માનસિક તંત્ર આખું વેરવિખેર થઈ ગયું. એમાં ને એમાં મેં આ બનાવનો આખો ટોપલો હજી તો પારણાંમાં ઝૂલતી નિર્દોષ ચાર્વીને માથે ઢોળ્યો. એને જોઉં ને મારી આંખોમાંથી ઝેર વરસતું. મને થતું કે, આ ન હોત તો અંકિતાએ મરવું ન પડત અને અમારી જિંદગીમાં આવો ઝંઝાવાત ન આવત.

કેટલીય વાર એવું બનતું કે, અંકિતા આવીને મને હુકમ કરતી કે, “આણે જ મને મારી નાખી છે. ચાલ, ઊભી થા ને મારા મોતનો બદલો લે. મારી નાખ, એને મારી નાખ.’’

રાત-દિવસ આ ઓથાર હેઠળ રહીને હું પાગલ થઈ ગઈ હતી. કઈ નબળી ક્ષણે હું એના તાબે થઈ ગઈ ને કઈ ઘડીએ મારી કાળજાના ટૂકડા જેવી દીકરીને ગળે મેં ટૂંપો દઈ દીધો, હું કંઈ નથી જાણતી સાહેબ, બાકી કેટલીય માનતા માનીને મેળવેલી લાડલીને સગી જનેતા આમ રહેંસી નાખે? આ ઘોર પાપમાંથી હું કયા ભવે છૂટીશ?’

આટલાં વર્ષોથી પાળ બાંધીને રોકી રાખેલાં આંસુઓ આડેનો બંધ તૂટી ગયો હતો અને એ એવાં ધસમસતા વહી રહ્યા હતાં જાણે પૂર આવવાનું હોય!

************

ડૉ.ની વાત પૂરી થઈ ત્યારે એમની કેબિનમાં એવો સોપો પડી ગયો જાણે ત્યાં કોઈ છે જ નહીં. ચારે જણ કોઈએ દોરેલા પોટ્રેટની જેમ સ્થિર થઈ ગયાં હતાં. ન કોઈ બોલે-ચાલે કે ન કોઈ હલે. થોડીવાર પછી વિશાખાનાં ડૂસકાં સંભળાવા લાગ્યાં. આભા પાણીનો ગ્લાસ લઈને એને સાંત્વન આપવા તો ગઈ, પણ એની પોતાની આંખો પણ છલકાતી હતી. વિશાખા એનો હાથ પકડીને છૂટે મોઢે રડી પડી,

‘હવે જ્યારે હું એક સંતાનની મા બનવાની છું ત્યારે મને બરાબર સમજાય છે કે, મમ્મીનાં દિલ પર શું વીત્યું હશે! અને જે કંઈ બન્યું એમાં એમનો કંઈ વાંક ન હોવા છતાં એમને ભાગે આટલાં વર્ષો સુધી સ્વજનોથી દૂર, અહીં હૉસ્પિટલવાસ ભોગવવાનો આવ્યો. એમની બદનસીબીનો વિચાર કરતાંય હું કંપી ઊઠું છું.’’

પ્રશાંત ઊભો થઈને આભા પાસે આવ્યો અને એને ખભે હાથ મૂકતાં બોલ્યો,

‘તારો કયા શબ્દોમાં આભાર માનું એ મને સમજાતું નથી. તું મારાં જીવનમાં અને આ ઘરમાં ન આવી હોત તો કદાચ મમ્મી આ રહસ્યો પોતાની છાતીમાં ધરબીને જ દુનિયામાંથી વિદાય લેત. પોતાની એકલવાયી જિંદગી એ અહીંની ચાર દીવાલો વચ્ચે જ વિતાવત. અને અમે તો હંમેશા એમ જ માનતા રહેત કે, અમારી મા ખૂની છે, અમારી મા ગાંડી છે. અમારે માટે આ પાપમાંથી ઉગરવાનું તારે લીધે જ શક્ય બન્યું. તારા પ્રયત્નોમાં સાથ ન આપવા બદલ મને માફ કરીશ?’

નીલેશે કહ્યું, ’મારાં મનમાં તો નાનપણમાં જોયેલી માની છબી એવી દ્રઢ થઈ ગયેલી કે મારું મન આવી વાતો સ્વીકારવાની કાયમ ના પાડતું છતાં વળી પાછું એમ પણ થતું કે, પપ્પાએ તો આ બધું પોતાની સગી આંખે જોયેલું છે, એ ખોટું શા માટે બોલે?’

પ્રશાંત કડવાશથી તુચ્છકારભર્યું હસ્યો,

‘આ બધું બન્યું ત્યારે હું તો એટલો નાનો કે, મેં તો હંમેશા પપ્પા જે કહે એ પૂર્વ દિશા એમ જ માન્યા કર્યું. પણ આજે જે સત્ય સામે આવ્યું એના પ્રકાશમાં પપ્પાનો ચહેરો ધૂંધળો દેખાય છે.’

બંને ભાઈઓની વાતમાં દરમિયાનગીરી કરતાં ડૉક્ટરે કહ્યું, ‘જુઓ, આમ તો જો કે, આ તમારી ફેમિલી મેટર કહેવાય પણ મને એક સૂચન કરવું જરૂરી લાગે છે… તમારા ફાધરે જુવાનીમાં જે પહાડ જેવડી ભૂલ કરી એની સજા એમણે પણ જીવનભર એકલા રહીને ભોગવી છે. હવે જો મમ્મી એક છત નીચે એમની સાથે રહેવાનું કબૂલ કરતાં હોય તો તમે કોઈ એમાં વચ્ચે ન આવશો.

ને પ્રશાંત, માનસશાસ્ત્રના અભ્યાસમાં એવું શીખવવામાં આવે છે કે, મંથનની પ્રક્રિયા એવી છે કે, એમાંથી વિષ પણ બહાર આવે કે પછી અમ્રૃત પણ. વલોણાંને અંતે જે મળે તે સ્વીકારવું જ રહ્યું.’

જરા નિરાશ સૂરે વિશાખાએ કહ્યું, ‘ડૉ., અહીં આવ્યાં ત્યારે હું એટલી ઉત્સાહમાં હતી કે, આજે મમ્મીને મળાશે પણ તમારી વાતમાં જે રહસ્યો ખૂલ્યા એણે મને એવી હચમચાવી નાખી છે કે આજે ને આજે એમને મળવાની કે એમની સાથે કશી વાત કરવાની મારામાં હિંમત નથી.’

‘આમ પણ હું તમને એ જ સલાહ આપવાનો હતો કે, આજે એમને મળવાની ઉતાવળ ન કરશો. આભાને તો તેઓ વારંવાર મળે છે એટલે એનો વાંધો નહીં પણ બીજા બધાંને મળે એ પહેલાં મારે એમને માનસિકરૂપે તૈયાર કરવાં પડે. પણ આઈ એમ  સ્યોર કે, થોડા જ વખતમાં એ એટલાં સ્વસ્થ થઈ જશે કે તમે એમને ઘરે લઈ જઈ શકશો.’

‘ખરેખર? સાચ્ચે જ ડૉ.?’ આભા ભાવવિભોર થઈ ગઈ, ‘મારું સપનું સાકાર થશે? મમ્મીને એમનો પરિવાર, એમનું સ્થાન પાછાં મળશે ખરાં? હું આ જ દિવસની રાહ જોતી હતી. આ બધું તમારા કારણે જ શક્ય બન્યું ડૉ., અમારા અખા કુટુંબ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેંક્સ ફોર એવરીથીંગ ડૉ.’

***

ટેક્સીમાં બેઠેલાં ચારે જણાં ચૂપચાપ હતાં. શું બોલવું એની કોઈને સૂઝ પડતી નહોતી. સુખ અને દુ:ખની, ખુશી અને વ્યથાની લાગણી એકમેકમાં એવી ભેળસેળ થઈ ગઈ હતી કે અત્યારે તેઓ આનંદિત છે કે ઉદાસ એ તેમને સમજાતું નહોતું.

નીલેશ અને વિશાખાને પ્રશાંતે ખાસ ભારપૂર્વક સાથે જ ઘરે આવવા કહ્યું હતું. એને પપ્પા સામે ઊભા રહેવામાં નાનમ લાગતી હતી, ગુસ્સો પણ આવતો હતો. એને થતું હતું કે, એના દિલમાં ધરબાયેલો આક્રોશ જ્વાળામુખી બનીને ફાટશે ત્યારે બધી મર્યાદાનો, બધી આમન્યાનો છેદ ઊડી જશે. પોતાની લાગણી પર એ કાબૂ નહીં રાખી શકે અને પ્રલય સર્જાશે. એના કરતાં ભાઈ-ભાભી સાથે હોય તો પપ્પાનો સામનો કરવાનું એના એકલાના ભાગે ન આવે.

આભાએ પણ આગ્રહ કર્યો અને એ બેઉને પણ લાગ્યું કે, આજે ઘરના મોટા દીકરા – વહુ તરીકેની ભૂમિકા અદા કરવાની વેળા છે અને એ ફરજ એમણે બજાવવી જ જોઈએ.

ઘરે પહોચ્યાં ત્યારે ઘડિયાળનો કાંટો સાડા સાતથીય આગળ વધ્યો હતો પણ હજી સુધાંશુભાઈ ઘરે નહોતા આવ્યા. બધાનાં મનની અકળામણ કંઈક ઓછી કરવાના આશયથી આભાએ કહ્યું,

‘બધાની થોડી થોડી ચા મૂકી દઉં? ત્યાં સુધીમાં પપ્પા પણ આવી જશે.’

‘પપ્પા’નાં નામના ઉલ્લેખથી પણ ઘરની હવા જાણે બોજલ બની જતી હતી. સૌ પોતપોતાનાં મનમાં ગોઠવણ કરી રહ્યાં હતાં કે, પપ્પા આવે પછી એમની સાથે કેમ બોલવું, કેમ વર્તવું. રસોડા તરફ જતાં જતાં આભાની નજર ડાઈનીંગ ટેબલ પર મૂકેલાં ચમચીનાં સ્ટેંડ નીચે દબાવીને રાખેલા કાગળ પર પડી.

‘પપ્પાજી બહારથી મોડા આવવાના હશે એટલે ચિઠ્ઠી લખીને ગયા લાગે છે…’ કહેતાં એણે કાગળ હાથમાં લીધો. એના પર ઉપર ઉપરથી નજર નાખતાં જ એનો ચહેરો ફિક્કો પડી ગયો. પત્ર પ્રશાંતના હાથમાં આપીને એ ધબ દઈને ખુરશી પર બેસી પડી.

નીલેશે પત્ર તરફ જોતાં કહ્યું, ’શું લખ્યું છે પ્રશાંત? મોટેથી વાંચ એટલે બધાં સાંભળી શકે.’ પ્રશાંતે વાંચવાની શરૂઆત કરી,

મારા વ્હાલાં નીલેશ-વિશાખા અને પ્રશાંત-આભા,

આપણે હંમેશા ફિલ્મોમાં જોતા આવ્યા છીએ કે, અંતમાં વિલને કરેલા કરતૂતોનો પર્દાફાશ થાય અને કોઈ ને કોઈ રીતે એણે મેદાન છોડીને ભાગવું પડે. તમારી નિર્દોષ અને નિષ્પાપ મમ્મી માટે હું વિલન જ બની રહ્યો હતો તે છતાં એક સજ્જનનું મહોરું પહેરીને તમારા બધાં વચ્ચે, સમાજ વચ્ચે રહ્યો.

છેલ્લા કેટલાય વખતથી આ મહોરાથી મને અકળામણ થવા લાગી હતી પણ બેઆબરુ થવાના ભયથી એને ફગાવી નહોતો શકતો. આજે એ સમય આવી ગયો છે કે, હું જેવો છું તેવો તમારા બધાની સામે, ખાસ કરીને મારી પત્ની સામે ઊભો રહી શકું. મારા બધા ગુના કબૂલીને કહું કે ‘હું તમારા દરેકનો અપરાધી છું. મને જે આપવી હોય એ સજા આપો.’ પણ મારામાં એ હિંમત નથી. તમે એને કાયરતા પણ કહી શકો અથવા મારો દંભ પણ કહી શકો.

આજે તમે ચારેય હૉસ્પિટલ જવાનાં હતાં એનો થોડો-ઘણો ખ્યાલ તો મને આવી જ ગયો હતો. આમેય છેલ્લા થોડા સમયથી હું સમજી ગયો હતો કે, મારા પાપોનો ઘડો ફૂટવાની તૈયારીમાં છે. જે નાટક હું આટલાં વર્ષોથી ભજવી રહ્યો હતો એની પર પડદો પડવાનો સમય આવી પહોંચ્યો છે.

હું તમારા બધાનો ગુનેગાર છું પણ સૌથી મોટો અપરાધી હું તમારી માનો છું. મારી પાપલીલા પર ઢાંકપિછોડો કરવા, સમાજમાં મારી છબી સ્વચ્છ રાખવા મેં એની આખી જિંદગી બરબાદ કરી નાખી. ખેર! આ બધાનો હિસાબ તો મારે ઉપરવાળાના દરબારમાં ચૂકવવાનો રહેશે, પણ આજે હાથ જોડીને તમને ચારેયને વિનંતી કરું છું કે એનાં આયુષ્યનાં જે વર્ષો બચ્યા હોય એને તમે સૌ ખુશીથી ભરી દેજો.

મેં તો વણહક્કનું બધું સુખ ભોગવી લીધું છે પણ જે હક્કદાર છે એની હવે પછીની જિંદગી તમે બધાં લાગણીથી, પ્રેમથી તરબોળ કરી દેજો. જો કે, આવી બધી ડાહી ડાહી વાતો કરવાનો કે તમને શિખામણ આપવાનો મને કોઈ અધિકાર નથી છતાં આટલું કહ્યા વિના રહી નથી શકતો. મને ખબર છે કે, અમે બંને આ જન્મમાં એકસાથે, એક ઘરમાં નથી રહી શકવાનાં તેથી જ એને એનું નાનકડું સામ્રાજ્ય આપવા હું જગ્યા ખાલી કરું છું.

કોઈ આશીર્વાદ આપવાને હું લાયક નથી એ જાણવા છતાં તમે સૌ ખૂબ ખૂબ સુખી રહો એવી કામના થઈ જાય છે. પૌત્રને રમાડવાનો લ્હાવો લેવાનું ભલે મારાં નસીબમાં ન હોય, પણ નીલેશને ઘરે આવનાર બાળકનો ઉછેર એની દાદીના ખોળામાં થશે એ વાતનો સંતોષ લઈને જાઉં છું.

આભા, તારો ‘આભા’ર માનવા મારી પાસે શબ્દો નથી અને આમેય મારા શબ્દોમાં ઝાઝી અસર પણ નથી તોયે એટલું તો જરૂર કહીશ કે, જે માને તેં એનાં કુટુંબમાં પ્રસ્થાપિત કરી છે એનું અંતર સદૈવ તારા પર આશીર્વાદ વરસાવતું રહેશે. લખવાની જરૂર તો નથી પણ લખાઈ જાય છે કે, મારી ફિકર ન  કરશો.

લિ.
પપ્પાના…(?)

(સંપૂર્ણ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.