કૃષ્ણ-રાધાનો રાસ ચાલે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
આ સૃષ્ટિ સતત ધબકતી રહે છે. કોઈના જવાથી જગત ખાલી થતું નથી અને કોઈના આવવાથી ઊભરાતું નથી. કુદરતની ગોઠવણ એવી જડબેસલાક છે કે સર્જન-વિસર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. સાગર નવસારવીના શેર સાથે જિંદગીની તરસને ઓળખીએ…
લાગણી ઊઠે શમે જાગે છે પ્યાસ
શ્વાસ સાથે હરઘડી ચાલે છે પ્યાસ
કેવી અનમીટ હોય છે જિજીવિષા
એક બૂઝે કે તરત લાગે છે પ્યાસ
જિજીવિષા વગર જીવી ન શકાય. કૉર્પોરેટ જગતમાં કામની સામે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, જેથી કર્મચારીને સારું કામ કરવા પ્રોત્સાહન મળે. આપણું પ્રોત્સાહન કયું? પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસો જેવાં વિવિધ આકર્ષણો આપણી સામે હોય છે. દરેક જણ પોતપોતાની રીતે પ્રાથમિકતા નક્કી કરે છે. આપણે ગમે એ રાહ પસંદ કરીએ, પણ બાબુલાલ ચાવડા આતુર કહે છે એ સારપ ગુમાવવા જેવી નથી…
કડવી નહીં જ ચાલે મીઠી જુબાન કરજો
લીમડાના છાંયડામાં મધની દુકાન કરજો
એકાદ લાગણીનું બિંદુ મળે તો એમાં
પોતાના પ્રાણ રેડી સિંધુ સમાન કરજો
નાનકડી વાતમાં મોટું દર્શન છુપાયેલું હોઈ શકે. ફૂલ ખીલીને સુંગધ ફેલાવીને વિલીન થઈ જવાનો સંદેશ આપે છે. ઝાકળનું આયુષ્ય ટૂંકું હોય છે છતાં મસમોટા સૂરજનું પ્રતિબિંબ ઝીલી શકે છે. આપણી નજરે નકામા લાગતા તણખલામાંથી પંખી માળો બનાવે છે. પ્રવીણ શાહ સામાન્યમાંથી અસામાન્ય તારવે છે…
આ જુઓ બેઉ હાથ ખાલી છે
તોય સૌ આસપાસ ચાલે છે
શ્વાસની આવ-જા છે તો લાગે
કૃષ્ણ-રાધાનો રાસ ચાલે છે
કૃષ્ણ અને રાધા આખરે પ્રિય અને પ્રિયાનું, જીવ અને શિવનું મિલન છે. પ્રેમમાં ગોપીભાવ આવશ્યક છે. રાધા-કૃષ્ણનું ચિત્ર જોઈને આપણને દૈવી તત્ત્વનો અણસાર મળે. આપણો દેહ પણ દૈવી છે. એ વાત જુદી છે કે આપણે એની દરકાર કરતા નથી. સ્વાસ્થ્ય સારું હોવું એ પણ પરમ કૃપા જ છે. પ્રણય જામનગરી જિજીવિષાને મક્કમ બનાવે છે…
ટહુકારૂપે જ એની રજૂઆત થઈ શકે
વ્હેતી નદી વિષે બીજી શું વાત થઈ શકે
ચાલે છે શ્વાસ સ્વસ્થ રીતે જ્યાં લગી ‘પ્રણય’
મૃત્યુની સાથે કેમ મુલાકાત થઈ શકે
શ્વાસ આમ તો સ્વાભાવિક ક્રિયા છે, પણ પ્રાણાયમ જેવી પદ્ધતિ શીખીએ ત્યારે એનાં ઊંડાં પરિણામો સમજમાં આવે. શરીરની સાઇકલ ખોરવાય એટલે રોગ પગપેસારો કરે. પછી એને માત કરવા ટીકડીઓના સહારે જવું પડે. જેમની હસ્તરેખાઓ વિફરી હોય તેમના જીવનમાં તો સતત ઉત્પાત ચાલ્યા કરે. પીયૂષ ચાવડા કહે છે…
આ અમારી હાથની રેખાઓ સીધી કોઈ દી
ચાલી નહિ આડી જ ચાલે શું કરું?
રાતદિન મેં એ બધી કરવાને સીધી
કેટલી વિધિ કરેલી એ વિશે બોલો તમે
હાથની રેખાઓને અંકુશમાં લેવાની વાત તો દૂર રહી, આપણે આપણા વિચારોને પણ માપમાં રાખી નથી શકતા. અનાથ બાળકની જેમ અહીંતહીં ભટક્યા કરે. જે કામ કરવાનું હોય એને છોડીને બાકીનાં બધાં જ કામો તરફ બેસુમાર દોડે. પ્રદિક્ષણા કરવામાં એ ખ્યાલ જ ન રહે કે આપણે ગર્ભગૃહમાં જવાનું તો ભૂલી જ ગયા. ભાવેશ ભટ્ટ આપણી આવી જ કોઈ નબળી ક્ષણને પકડે છે…
ન સમજાયું કશું જોવા-નહીં જોવાની ઘટનામાં
કદી લાગી શકે બારીને બુરખા જેવું પડદામાં
સડકમાં ભાવ દેખાઈ રહ્યો અપરાધનો આજે
ઉઘાડા પગ લઈ ચાલે છે ચોક્કસ કોઈ તડકામાં
સડકમાં અપરાધભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ જેવાં મોટાં શહેરોમાં વૈવિધ્યસભર સાઇઝના ખાડા પ્રવર્તમાન છે. તોતિંગ બજેટ હોવા છતાં સ્થાનિક રસ્તાઓ બિસમાર હાલતમાં જોવા મળે છે.
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ સરકારે જાહેર કર્યો છે. એમાં સડકના ખાડાઓ અને દેશવિરોધી માનસિકતાથી પડતા ગોબાઓ ખાળવાનું આયોજન કરવું પડશે. જરૂર પડે ત્યાં પ્રશંસા અને જરૂર પડે ત્યાં શિક્ષાના માપદંડો રાખવા પડશે. જવાહર બક્ષીની પંક્તિઓ સાથે મહેફિલને દાર્શનિક વિરામ આપીએ…
ખ્યાલ રાખ્યો નથી જ્યારે મેં અપેક્ષા કરતાં
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં
હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં
લાસ્ટ લાઇન
ક્યાંક ધીમું, ક્યાંક ફાસંફાસ ચાલે છે
જીવતર ક્યાં એકસરખું ખાસ ચાલે છે?
આ નગરની રીતરસમો સાવ જુદી છે
ક્યાંક ગમ તો ક્યાંક ઉલ્લાસ ચાલે છે
એ સફળતાનો નથી હકદાર એકલો જ
એની પાછળ કૈંક શ્વાસોચ્છવાસ ચાલે છે
કે પવનના જોર સામે ના શક્યાં એ ટકી
સાંજનાં વૃક્ષો બધાં ઉદાસ ચાલે છે
જીવતા ચાલી શક્યા ના જેટલું આ પગ
ને મર્યા તો લખચોરાસી શ્વાસ ચાલે છે
આપણાથી ચાલવા જેવું નથી હોતું
કોઈની કૃપા બારેમાસ ચાલે છે
~ ચંદ્રકાન્ત પટેલ સરલ