|

 પન્ના નાયકની કવિતામાં ડાયસ્પોરિક સંવેદના ~ ( ૩ ) કવિતાઃ એક Love Affair…. (અંતિમ )~ ડૉ. પન્ના ત્રિવેદી

૩.   કવિતાઃ એક Love Affair ~ (અંતિમ )

‘તરફડાટ એટલે?’ કાવ્યમાં કહે છે:
“એને તમે શું કહેશો?
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે કોરું કોરું તરફડે”

‘અવાજ’ કાવ્યમાં ‘વિરહ’ની અનુભૂતિ કલાત્મક રીતે પ્રગટી છે. અમેરિકા આગમન સાથે પાછળ રહી ગયેલું બધું જ છૂટી ગયું છે. બહેનપણીઓ નથી, નથી માનો અવાજ. અહીં પ્રયોજેલા શ્રાવ્ય અને સ્પર્શ કલ્પન રમ્ય બન્યા છે. સાત સમુદ્ર પાર આવ્યા પછી ‘ખારો’ ડૂમો થઈને એય શમી ગયો છે. ડૂમો ખારો ખારો બની ગયો છે. ઓરડો એર–ટાઈટ’ છે, દીવાલો સલામત અને મજબૂત છે પણ મન? કોમળ નાજુક મન ભીતરથી ક્યાં મજબૂત છે? ‘આંબલીના પડઘાતા અવાજ’ દ્વારા શૈશવને સ્મરણીય રાખવા મથતી કવયિત્રીની મથામણ દૃષ્ટે પડે છે.
“બહેનપણીઓ દૂર થઇ ગઈ છે
માનો અવાજ દસ હજાર માઈલ દૂર
સાગરથી વીંટળાઈ ખારો ડૂમો થઇ શમી ગયો છે
કોઈનો સૂર મારા કાન વીંધી શકે નહીં
એવા એર – ટાઈટ ઓરડાની
સલામતીની મજબૂત દીવાલો વચ્ચે
ભીતરની ગહેરાઈને આંબવા મથતો
આંબલીનો અવાજ
કશુંક પૂછતો :
સતત પડઘાયા કરે છે.”

એક કાવ્ય છે : ‘ફૂલોને કેટલી નિરાંત’ જેમાં જાતને ફૂલ સાથે મૂકી જુએ છે. ફૂલનું સુખ તેમને નિજ સુખ કરતાં અણીશુધ્ધ અને નિતાંત લાગે છે. એક દિવસની જિંદગી અને સર્વસ્વ અર્પી ઝરી જવાનો કુદરતી ક્રમમાં એક પ્રકારની નિરાંત અનુભવાય છે. આપણે એક ઘરમાંથી બીજા ઘરમાં રહેવાજઈએ છીએ ત્યારે પોતીકું ઘર હોવા છતાં થોડા દિવસ તો ત્યાં પણ અતડું અતડું લાગે છે. ગોઠવાઈ શકતા નથી. આ તો એક દેશમાંથી બીજા દેશની વાત. ડાર્વિનનો સિધ્ધાંત Survival Of Fittestનું સ્મરણ થઇ આવે. એકલતા સામે બાથ ભીડવાની હામ, એની મથામણ અને એ સંઘર્ષો માટે હંમેશા તત્પર રહેવાની અનિવાર્યતામાંથી જન્મતું કારુણ્ય અહીં અભિવ્યક્તિ પામે છે.
“વરસોવરસ
જન્મી
ઊગી
‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું..’
ફૂલોને કેટલી નિરાંત –

Survival
Identity
Alienation
એવા કોઈ પ્રશ્નોની મૂંઝવણ જ નહીં !”

Survival- Identity- Alienation આ ત્રણ શબ્દો કેટલાં વેધક છે ! જીવન માટેનો સંઘર્ષ, ઓળખ માટેનો અને વિચ્છેદની પીડા… ક્ષણે ક્ષણે ‘કલ્ચર – કોન્ફલિકટ’માંથી પસાર થવાનું. સાડી પહેરવી કે નહીં? ચાંદલો કરવો કે નહીં? ઇન્ડિયન ગ્રોસરીની વસ્તુઓ મળશે કે નહીં? લાલ ઘઉંની રોટલીથી ટેવાઈશ કે નહીં? તેમણે એક સરસ ઉદાહરણ આપ્યું છે કદાચ આપણને આ વાત બહુ જ સાધારણ લાગી શકે. પણ એક અસાધારણ તાદાત્મ્ય આપણને ચોક્કસ અનુભવાશે. અમેરિકામાં કઢી બનાવતી ભારતીય સ્ત્રી કઢી લીમડાને તરત યાદ કરવાની. ‘સ્થળાંતરિત લોકો’ જેવી કોઈ મૂંઝવણ નહીં!

‘અમેરિકન ડ્રીમ’ કાવ્યમાંપરિશ્રમી ભારતીયના સંઘર્ષને વાચા અપાઈ છે:
“એક પરદેશી માણસ
શહેરની વચ્ચોવચ્ચ
ફૂટપાથ પર
છાપાં વેચે છે
એ માણસ
અઢાર કલાક છાપાં વેચે છે”

આ ‘એ’ એટલે કોઈ એવો ભારતીય જે ‘સારા દિવસ’ લાવવામાં વર્તમાનને ખોઈ નાંખે છે. એ માણસ જાણી અજાણી ભાષાના છાપાં વેચે છે, ટ્રેનના અવાજને અવગણી છાપાં વેચે છે, જતાં આવતાંના ચહેરાને જોયા વિના છાપાં વેચે છે, ડોલર્સ ભેગાં કરવા છાપાં વેચે છે, દેશમાં છોડેલા સંતાનોને ભણાવવા છાપાં વેચે છે, અમેરિકનડ્રીમ સાકાર કરવા છાપાં વેચે છે, એ માણસ બે ચાર કલાક જ સૂવે છે, ફૂટપાથ પર ન વેચાયેલા છાપાંની પથારી પાથરીને. છાપાં વેચનાર માણસની પીડા અને સંઘર્ષ કોઈ છાપાંમાં છપાતાં નથી.. !

અન્ય એક કાવ્યમાં એમનું નિરીક્ષણ  જોવા જેવું છે. સંઘર્ષ અને વરસાદના ફોરાંમાં પુષ્પ પર બેસવા ટેવાયેલું પતંગિયું એરીયલની ટોચ પર બેસતું જુએ છે અને ગાડી ઘર તરફ હંકારાય છે પણ મન? મન પાછળ પાછળ દોડી જાય છે. કદાચ એ જ સુવર્ણ અતીત તરફ. ‘દૂરત્વ’ કાવ્યમાં એ જ ભાવપુન: પુન: જીવિત થાય છે. અસંખ્ય માઈલોનું અંતર ન સહેવાતાં ડિસેમ્બરનું શૈત્ય વીંધી ધબકાર લઇ જમ્બો જેટની પાંખે દોડી આવે છે.
અન્ય એક કાવ્યમાં કહે છે:
“હું ઊઠીને
ટેલિફોન પાસે જાઉં છું – કેટલાં બધાં જોડાણો
લઈને બેઠો છે એ !
એ રણકતો નથી એટલે અફાળું છું
અનાયાસ
પગ
બાગમાં રાખેલા મેલબોક્સ પાસે જઈને ઊભા રહે છે
હાથ અડતાં જ
શૂન્યતાના પરબીડિયાની થપ્પી
હવામાં વેરવિખેર થઇ જાય છે
મારાથી આકાશ તરફ દૃષ્ટિ થઇ જાય છે
અને ઈર્ષ્યા થઇ આવે છે
ઉડતાં પંખીઓની !”

એક સમય હતો જ્યાં સ્વજનોના કાગળ માટે આંખનું રણ ચાતક નજરે રાહ જોતું બેઠું હોય. ફોન રણકતો નથી અને પગ ટપાલ પેટી ફંફોસવા ઉતાવળા છે પણ પછી? ‘શૂન્યતાના પરબીડિયાની થપ્પી’.. કશું જ હાથ લાધ્યું નથી શૂન્યતા સિવાય અને ત્યારે? દેવોના અમૃતપુત્રના વારસદાર મનાતા માણસને એકાએક ઈર્ષ્યા થઇ આવે સાધારણ પંખીની પણ ! જે ખુલ્લા આકાશમાં વિઝા – પાસપોર્ટ વિના પહોંચી શકે એક ઉડાને તેના ગંતવ્ય સ્થાને.

વર્ષોથી ભારત છોડી દઈને અમેરિકા વસવાટ કરતી આ સ્ત્રીએ જાતને ‘ગોઠવવા’નો પ્રયાસ કરવો પડે છે. ન્યૂયોર્કના ઠંડા એરપોર્ટ પર પરદેશી પોશાકમાં મસાલા ચાને બદલે લીંબુના રસવાળી ચા માણી શકે, પાસપોર્ટના ભારતીય ચહેરા પર અમેરિકાના આંગળીઓ અને સિક્કાની છાપ ક્યારની પડી ચૂકી છે. આંખ ‘ગુજરાત સમાચાર’ કે ‘સંદેશ’ને સ્થાને હવે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ઉથલાવતી થઇ ગઈ છે અને છતાં એ આંખો તો શોધે છે ભારતીય સમાચારોને.મુંબઈઅંધેરીના ચિર પરિચિત ઘરમાં વિહરી આવતી ‘આ સ્ત્રી ‘કોણ કહે છે?’ કાવ્યમાંપૂછે છે :
“અમેરિકાના
અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે
શોધું છું કેવળ ભારતને..
કોણ કહે છે મેં વર્ષોથી ભારત છોડી દીધું છે?”

તો, અન્ય એક કાવ્ય, ‘અદ્વૈત’માં આથી વિપરીત પરિસ્થતિ છે.અમેરિકામાં ભારત શોધતી આ કવયિત્રી ભારતમાં અમેરિકા સાથે વિહરે છે. શ્વાસે શ્વાસે ફેફસામાં અમેરિકાની હવા ભરી છે. લોહી-અસ્થિમાં ઋતુઓની સુગંધના રંગબેરંગી ફૂલોમાં મલય સતત વહ્યા કરે છે. બારેમાસ વરસતા વરસાદના પાણી ઘર કરી ગયા છે. ગળા ખભાની ત્વચા પર અમેરિકન શાલ દુપટ્ટો થઈને વીંટળાય અને- ?
“વર્ષોના વસવાટ પછી
મુંબઈના એરપોર્ટ પર ઊતરું છું
ત્યારેય
ત્વચા થઈને ચોંટેલું હોય છે
અમેરિકા…”

‘કે જેથી’ કાવ્ય જુઓ. કવયિત્રીનો એક વેધક પ્રશ્ન – ગોઠવાઈ જવા માટે કોની જરૂર છે? ફ્રેમની, દીવાલની કે ખીલીની? બારી પર ઢળેલા રેશમી પડદાઓ અને એ પડદાની સ્પર્ધામાં ઊતર્યા હોય એવા રેશમથીય સુંવાળા ફ્લાવરવોઝ્માં ગોઠવાયેલા ફૂલો… બધું જ ગોઠવાયેલું અને છતાં ?
“મારું સુવ્યવસ્થિત ઘર અને અસ્તવ્યસ્ત પથારી
શયનખંડના દીવાલ પર લટકતી મારી સોળ વર્ષની છબી
ફ્રેમમાં ગોઠવાયેલી હું જીવનમાં કેમ ન ગોઠવાઈ શકી… … …
હું એક પછી એક પરિચયો માંગુ છું કે જેથી અપરિચિત થઈને
હું ફરી ફરીને મને જ નવેસરથી પામી શકું
મારામાં ક્યાંક ગોઠવાઈ જવા માટે

‘બારી બહાર’ કાવ્યમાં ધીર ગંભીર ઊભેલું એક વિશાળ વૃક્ષ જોઇને દાદાજીને સ્મરણ કરતી કવયિત્રી નિરંતર સ્મરે છે સ્વજનોને. તો‘દૃશ્ય કોલાજ’ કવિતામાં પોતાનું અને વૃક્ષોનું મૌન ન ઉકેલી શકવાની અસમર્થતા અને એ બે મૌન વચ્ચે શબ્દોના ગર્ભમાં નહીં જન્મેલી સૃષ્ટિ વહેરાતી અનુભવે છે.

બે વિશ્વ વચ્ચે વહેરાતી આ કવયિત્રીનું ‘પ્રતીક્ષા’ કાવ્ય આધુનિકયુગ સંવેદનાની વ્યથા પ્રગટાવે છે. ફિલોડેલ્ફિયાથી અમદાવાદ આવેલી કવયિત્રી ઘરમાં પ્રવેશે છે અને હીંચકો આપમેળે ઝૂલે છે. આ સ્થિતિ વાસ્તવમાં તો મનની છે. હીંચકો એ મનનું પ્રતીક છે.
તે કહે છે: ‘બેગમાં ગોઠવાયેલ વસ્ત્રોની જેમ આ ઘરમાં ગોઠવાઉં છું.’ કેવી ઉમદા ઉપમા! એક સમયનું પોતાનું ઘર હવે કાયમનું નથી એ વાસ્તવિકતાનો સહજ સ્વીકાર છે અહીં. મુકામ થોડા દિવસનો છે, રહેવાનું કાયમ નથી.પણ અમેરિકા અને ભારતના આવન જાવન વચ્ચે સેમ્યુઅલ બેકેટના નાટક ‘વેઈટિંગ ફોર ગોદો’ નાટકની જેમ ત્રીજા પાત્રની પ્રતીક્ષા કવિતાને વ્યંજના બક્ષે છે.પોતાનું જ્ કોઈ ત્રીજું રૂપ જે અમેરિકા અને ભારતના સંદર્ભોથી મુક્ત હોય!
“આ બંને વિશ્વની વચ્ચે
હું
ત્રીજા પાત્રની પ્રતીક્ષા કરું છું
બેકેટના પાત્રની જેમ”

પન્ના નાયકની કવિતામાં માત્ર ઝુરાપો નથી પણ ખોવાયેલા સંસ્કૃતિક સંદર્ભોની શોધ પણ છે. ભારતીય તહેવારોનાઉમંગ અને પરંપરાની શોધ છે. સમાધાન ચોક્કસ સ્વીકાર્યું છે પણ એ સ્વીકાર સાથે એક સ્મરણ પણ જોડાયેલું જ છે. કદાચ એટલે જ તેઓ લખે છે:
“ત્યાં દિવાળી ઊજવવાની વાત
હવે
સાવ ભુલાઈ ગઈ છે
બિનભારતીય પોશાક પહેરી
અમેરિકન મિત્રો સાથે
ક્રિસમસ ઊજવવાની…”

કંકુ કોઇપણ ભારતીયતા સાથે સંસ્કૃતિ સંદર્ભે જોડાયેલ અભિન્ન તત્ત્વ છે. કપાળે કંકુનો ચાંદલો જોઇને અમેરિકન બાળકની નિર્દોષ ટકોર સાંભળે છે પણ કવયિત્રી અદ્ભુત રીતે તેનું અનુસંધાન વતન વિરહથી ભીતરના ટપકતા લોહી સાથે જોડે છે. અહીં મહત્ત્વના શબ્દો છે ‘મારા જ ભિડાયેલા નહોરથી’ – અમેરિકા આવવાનો નિર્ણય કે હથેળીમાં ભાગ્યરેખાના ઘાથી વહેલા રક્તની પીડાનું સંવેદન મહત્વનું બની રહે છે. આપણને વિચાર આવે કે આટલી વ્યથા શા માટે ત્યાં રહીને સહેવી? ભારતપરત કેમ નથી શકાયું? પણ જિંદગી ક્યારેક વિકલ્પ નથી આપતી અને આપે છે ત્યારે બંને વિકલ્પ પીડાદાયી જ હોય છે. એવા સંજોગોમાં  ઓછું પીડાદાયક શુંછે? આ સ્ત્રી સામે પણ બે વિકલ્પ છે. એકલતા અને પરતંત્રતા. આ સ્ત્રીએ એકલતાનો વિકલ્પ પસંદ કર્યો કારણ કે તેમણે મન સ્વતંત્રતા અને અભિવ્યક્તિનું મૂલ્ય એકલતાથી અનેકગણું વિશેષ હતું. ભારત પરત ફર્યા હોત તો પન્ના હોત પણ પન્ના નાયક તો ન જ હોત.
‘કંકુ’ કાવ્યમાં કહે છે:
“Oh Mummy!
See..
Her ForeheadIs Bleeding!
અમેરિકન બાળકની

નિર્દોષ ટકોર સાંભળી
કપાળે હાથ મૂકી દઉં છું
અને
મારા જ ભિડાયેલા નહોરથી
મારી હથેળીનું કંકુ
રક્ત થઇ
ટપકવા માંડે છે !

એક પ્રસંગ તેમણે અનેક વાર સહુ સાથે વહેંચ્યો છે. અઢાર કલાકની મુસાફરીને અંતે ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતરીને પાસપોર્ટ પર સિક્કો મરાવવા તેઓ લાઈનમાં ઊભા હતા. પાછળ એક અમેરિકન બાઈ અને બાળક.લાલ સાડી અને લાલ ચાંદલો કરેલ કવયિત્રીને તાકી તાકીને જોઈ રહેલા પેલા બાળકે અચાનક કહ્યું ; મા જો એના કપાળમાંથી લોહી નીકળે છે. ત્યારે પહેલીવાર તેમને એ અહેસાસ થયો કે તેઓ દેશની ધરતી પર નહીં પણ વિદેશની ધરતી પર ઊભા છે.. અને લખાય છે ‘કંકુ’ કાવ્ય.

કવયિત્રીને નિજ માટીનું સ્મરણ નિરંતર અજંપ રાખે છે. બહારથી જે ઝળહળાટ છે તે કેવો પોકળ છે? સમય વહી જાય છે અને સમયના એ પ્રવાહ સાથે કાયા પણ વહેતી રહે છે પણ વાસ્તવમાં તો ભીતર કશુંક સ્થિર થઇ ગયું છે. આજની પેઢી માટે ‘પંચાગ’ શબ્દદૂર થતો જાય છે ત્યાં હજીય અમેરિકામાં કોઈકભીની ભીની આંખો પંચાગમાં ઘૂમી વળે છે. પંચાગમાં અસ્થિર થઇ ગયેલો અષાઢ વરસે કે ના વરસે પણ આ આંખો તો નિરંતર વરસતી રહે છે. અલબત અહીં ખૂબી તો એ છે કે આંખ ભીની છે તેનો મલાલ નથી પણ ભીની રહે તેમાં જીવન છે. જો એ ભીનાશ પણ ચાલી જાય તો વિસ્મૃતિના એ સુકાવા સાથે ‘જીવન’નો સુકાવો નિશ્ચિત છે.અષાઢ અને આંસુનું આ સાયુજ્ય અહીં કાવ્યાત્મકતા બક્ષે છે.
‘સરોવર’ કાવ્યમાં કહે છે:
પંચાગમાં સ્થિર થઇ ગયેલો
અષાઢ
કાજળકાળું ગગન ચીરીને
વરસે કે ના વરસે
તોય સદા છલકાતું રહે છે
આ સરોવર આંખનું
એ સુકાઈ જાય તો
કેટલાંય વરસોના આ બે તરસ્યા મીન
તરફડી જ મરે ને !

આ કવયિત્રીની આંખો એકલતાના સામ્રાજ્યમાં કોઈ માણસના આગમન માટે તરસી રહી છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ‘અતિથિ દેવો ભવ’ રૂપે અહીંની વાર-તહેવારે થતી આવન જાવન, કલશોર અને કલરવ એ હવે ક્યાં? કદાચ એક જ સ્થિર થઇ ગયેલી ઋતુ અને તે પાનખર. ‘પાનખર’ કાવ્યમાં આ ભાવ બરાબર ઘૂંટાયો છે. રમેશ પારેખની જાણીતી રચના ‘સખી’રી, હવે આંખોનું નામ નહીં આંખો, આંખો તો મોગરાની ડાળીનું નામ..’ પણ આ આંખો હવે અટારીનું નામ તે આંખો.આમ તો આ કાવ્ય કોઈ પ્રિયજનના સ્પર્શ અને સંગાથની સ્મૃતિ, કેશમાં હાથ ફેરવતી વિરહિણીનું કાવ્ય છે પણ તેની એક પંક્તિ સાંસ્કૃતિક ચેતના માટે સાર્વત્રિક ભાવ દર્શાવે છે. કોઈકની રાહ જોતી આ સ્ત્રીની આંખો પણ સાવ ખાલીખમ!
“–કોઈ આવતું નથી.
…હવે
આંખો જ અટારી થઇ ગઈ
અટારી સાવ ખાલીખમ
પ્રત્યેક ઘર પાસે એક રસ્તો તો હોય જ છે
તોય કેમ કોઈ આવતું નથી ..

પરદેશમાં વસતી ભારતીય સ્ત્રી પોતાના ‘ભારતીયપણા’નેકેવળતન મન પર જ નહીં ભૂમિમાંછોડરૂપે ઊંડે ઊંડે આરોપિત કરવા ચાહે છે જાણે કે તેના મૂળ માટીમાં નહીં પોતાની જ ભીતર માંસ-મજ્જામાં ફેલાતા હોય. કવયિત્રી માની યાદગીરી રૂપે, પર્યાય રૂપે તુલસીનો છોડ તો લઇ આવી, ત્યાંની માટીમાં રોપી પણ દીધો પણ છોડ લીલોછમ રહી શકતો નથી. કેવળ પોતે જ નહીં, એ છોડ પણ જાણે કોઈની શોધ કરે છે. એ ‘કોઈ’નો જવાબ આ હાઈકુમાં મળી રહે છે –
“કુંડે સુકાતી
તુલસી શોધ્યા કરે
બાના પગલાં
***
અમેરિકામાં
બા નથી
ક્યાંથી હોય
તુલસી ક્યારો….”

‘સુપર માર્કેટમાં’ કવિતામાં આ એકલતાનો પડઘો વધુ કારુણ્યસભર બન્યો છે. પ્રત્યેક શનિવારે ગ્રોસરીની ખરીદી કરવા સુપર માર્કેટમાં જતી કવયિત્રી એક રીતે માર્કેટના વ્યવસ્થાતંત્રને, સગવડ –સવલતની પ્રસંશા કરે છે પણ પ્રસંશાની પાછળ એક કરુણ વ્યંગ્ય જ છે. ભારતના કરિયાણા સ્ટોરની જેમ કશું પૂછવાનું નહીં, ના ભાવ પૂછવાના ના માત્રા કહેવાની હોય. સ્ટોરમાં નરી શાંતિ છે પણ એ શાંતિ સન્નાટામાં પરિવર્તિત થાય છે. હા, ઊંચી એડીના સેન્ડલનો અવાજ સંભળાય છે પણ કાવ્યની ચોટ શેમાં છે? સંવેદનબધિરતા, યાંત્રિકતા, ઔપચારિકતા એક ભાવશૂન્યતા કેવળ ડોલર–ચીજવસ્તુઓની  લેવડ દેવડની ઔપચારિકતામાં:
“દર શનિવારનું ritual
સુપર માર્કેટમાં ગોર્સરીની ખરીદી –
કેવું સારું !
કશુંય પૂછવા ગાછવાનું નહીં!
આંખ અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટેમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
મૂંગીમૂંગી રમત..!
એરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિક : બેવડા કવરમાં
સચવાઈ પડેલાં ફળો ને શાકભાજી
વિનવે છે સૌને બહાર લઇ જવા !
……….
બહાર આવું છું –
જાણે કે
બહેરાં મૂંગાની નિશાળની
આંખ – હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ !

કવયિત્રીના કાવ્યવિશ્વમાં એકલતાનો ભાવ નિરંતર ડોકાયા કરે છે. બધું જ સભર સભર છે અને છતાં ખાલીપો છે. નામ છે, અને છતાં નામ નથી, ઘર છે, અને છતાં સરનામું નથી.. કોઈ નથી, એટલે કોઈનો કાગળ આવતો નથી. એક પ્રયાસ જાતને છેતરવાનો – પોતાને જ કાગળ લખવાનો પણ સત્ય હજાર અંધકારના સૂર્ય વીંધીને સામે આવે છે. એકલતાનું સત્ય પણ આંખ સામે વારંવાર આવે છે અને કાગળ ફાડી નંખાય છે. અસ્વસ્થ મને ઉદ્વેગમાં નિરાશાજન્ય વિચાર પ્રગટે છે – કાશ! કાગળની જેમ જિંદગી પણ આમ જ…
“મારું કહી શકાય એવું મારું કોઈ નથી
મારું કહી શકાય એવું મારું કોઈ સરનામું નથી
આ તો હું મને કાગળ લખું છું ને ફાડી નાખું છું
જિંદગીને પણ આટલી સહેલાઇથી….”

પન્ના નાયકની કવિતામાં એક રીતે વરસાદ અને ભારતીય વરસાદ, દિવાળી અને ક્રિસમસ, ચેરીબ્લોસમ અને વસંત, ત્રિપોલ અને કેસૂડાં, ન્યૂયોર્ક ટાઈમ્સ અને મુંબઈનું અંધેરી જેવા અનેક દ્વૈતનો સંઘર્ષ તેમના કાવ્યનો વિશેષ બને છે. અહીં ઝૂરાપો છે, પીડા છે અભાવ છે પણ ‘ધબકતી ભારતીયતા’ને કારણે સુરક્ષિત સાંકૃતિક મૂળિયાંને કારણે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઊગી નીકળવાની ખુમારી પણ છે.
“પવનને ઝોકે વળી જતું
તરણું નથી હું
કે તડકાની છેડતી સહેતુ
નથી હું છોડવું
પગતળેથી હચમચેલી
ધરાને ધરી રાખતું
વૃક્ષ છું હું વૃક્ષ
સૂરજ સામે ટક્કર ઝીલી
ફરી શાખાઓ ઉગાડીશ
છેદાયેલું પણ
વૃક્ષ છું હું વૃક્ષ ..

કાવ્યમાં ‘વૃક્ષ છું હું વૃક્ષ’ કહી શબ્દની પુનરુક્તિ જ એક પ્રકારે ખુમારી દર્શાવે છે. સંજોગોવશાત છેદાઈ ગયું છતાં વિપરીત સંજોગો સામે ટક્કર ઝીલી હું ફરી શાખાઓ ઉગાડીશ કારણ? મારી ભીતર હજી ધરા ધરી રાખી છે મેં. આ ધરાનું નામ શું હોઈ શકે? માટીની, સ્મરણોની, સંસ્કૃતિની, આદિમની.
‘સમાધાન’ કવિતામાં લખે છે:
“અમેરિકા આવ્યે
અડધી જિંદગી વીતી ગઈ છે
મારું દૂર રહેવું કોઠે પડી ગયું છે
એટલે
પહેલાની જેમ
નાની બહેનોના કાગળ
હવે આવતા નથી
ભારત ખૂબ દૂર થઇ ગયું છે..”

આ કાવ્ય સ્વજનો અને સમય વચ્ચેના અવકાશની વાત કરે છે. અમેરિકાથી ચીજ વસ્તુઓ મંગાવતા સ્વજનો માટે વ્યક્તિ દૂર છે પણ એ જ વ્યક્તિ જ્યારે કેવળ ચીજવસ્તુનો જ પર્યાય બની રહે ત્યારે પીડાનો સમુદ્ર ભીતર ખળભળી ઊઠે છે. રક્ષાબંધન, દિવાળીજેવાતહેવારોમાં‘મિસ’ કરી મુંબઈ બોલાવતા સ્વજનો થકીકાવ્યાંતે સાવ જ ‘મિસ’ થઇ જાય એ પણ એક વિડંબના! એક તરફ વૈશ્વિકીકરણમાં દુનિયા નાની થઇ ગઈ છે અને બીજી બાજુ અક્ષરોમાં ઝળહળતી ભીની કરતી સંવેદના પામવા આતુર સ્વજનને ભારત ખૂબ દૂર લાગે છે. કદાચ એટલે જ પોતાનો જ પરિચિત ચહેરો અપરિચિત અનુભવાય છે.
‘મને મારો પરિચય’ કાવ્યમાં લખે છે:
“ઘરની દીવાલોની બહાર નીકળીને
ઘરમાં પાછી વાળું છું ત્યારે
મીંઢી દીવાલો
અચાનક ગુંજવા લાગે છે
અને હું
ભીતર અને બહારના
ક્રોસ રોડ પર ઊભી રહીને
મને ઓળખવાનો પ્રયત્ન કરું છું”

પોતાને પોતે જ અપરિચિત લાગે એ વેદના એટલે શું? ઘરમાં પૂરાઈ જવું ગમતું નથી. સ્ટ્રીટ લેમ્પની માયાનો સહજ સ્વીકાર છે. ઝાકઝમાળ ગમે છે પણ એથી આકાશનું અંધારું કે અજવાળું કદી અળખામણું લાગ્યું નથી. ગાડીઓ ગાયોના ધણ સમી અનુભવાય છે. આંસુઓને સંતાડવાની કળા આવડી ગઈ છે, ભીની આંખે હસતાં આવડી ગયું છે, કોરીધાકોર આંખે બધું જ દૃશ્યપટલ પર ઝિલાય છે, અરે કવયિત્રી ત્યાં સુધી કહે છે કે આંખોમાં હું વૃક્ષ પણ વાવી લઉં છું. આંખમાં વૃક્ષ વાવવાની વાતમાં કેવી કાવ્યાત્મકતા છે! કરમાઈ ગયેલું વૃક્ષ હોય તો ય એ વસંતનો સ્પર્શ કદી ભૂલતું નથી. હરવું, ફરવું, કોઈની આંખના સરોવરમાં જીવવું, મરવાની વાત સાંભળી મરવું અને વાત સાંભળીને બરફની જેમ થીજવું…ક્રોસરોડ પર ઊભેલી આ કવયિત્રી છે. અમેરિકા અને ભારતથી બનતો ક્રોસ જ્યાં એક પણ ઓળખ પોતાની સંપૂર્ણ રહી નથી. અડધી અમેરિકન અને અડધી ભારતીય.. પૂર્ણતા વિનાની અધૂરી હયાતી!

એ જ રીતે અમેરિકાના વસવાટના પ્રારંભિક દિવસોમાં બા, બાપુજી, ગુલમહોર આચ્છાદિત ઘર, વરસોવાનો દરિયો, ધોધમાર વરસાદની હેલીઓ બધું જ સ્મરણ બની વીંટળાય છે પણ હવે એ ઘરમાં બા નથી, બાપુજી નથી એટલે જ તો ‘ગુલમહોરની યાદથી આંખ લાલ થતી નથી’. ગુલમહોરના ફૂલની લાલાશ અને રુદન પછીની આંખની લાલાશનું સાયુજ્ય સુંદર છે. જૂના આલ્બમો જોઈ સ્મરણોને દૂર રાખવા મથતી આ સ્ત્રીએ ‘ઘર’ તરીકે ફિલોડેલ્ફિયાના ‘ઘર’નો સ્વીકાર કરી લીધો છે.
“ઘર એટલે
આ ફિલોડેલ્ફિયાનું જ ઘર
કોઈ વળગણ વિનાના
કુટુંબીજન બની ચૂકેલા
અમેરિકનોની વચ્ચે રહેતા રહેતા
કોઠે પડેલી અને સહજ સ્ફૂરતી
અંગ્રેજી ભાષામાં વિચારવાની સાથે સાથે
બને એટલી સાચવી સચવાયેલી
ગુજરાતી ભાષામાં લખવાનું
અને રહ્યા વર્ષોમાં
આનંદ આનંદથી જીવવાનું
ફિલોડેલ્ફિયામાં
ફિલોડેલ્ફિયાના મારા ઘરમાં..

પન્ના નાયકનાં કાવ્યોમાં એક વિષય ઉડીને આંખે વળગે તે એ કે પ્રકૃતિ  વિચ્છેદની વેદના.
“ફિલોડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા
ગુલમહોર ને રાતરાણી મળતા નથી
મેપલ ને બર્ચના ઊભા છે ઝાડ
મને ચંપો ચમેલી અહીં મળતા નથી
ડેફોલીપ ટ્યુલીપઈમ્પેશંસ, પટુનીયા
નવા નવા નામની ફૂલોની દુનિયા
ભારતની આરતના મહેકી ઊઠે મોગરા
અહીં લાલ લાલ કેસૂડાં સળગતાં નથી”

જે ભૂમિમાં વસવાટ છે તે ભૂમિ વિરાન નથી. ફૂલો તો ત્યાં પણ છે પણ પેલા ફૂલો નથી જે ફૂલો સાથે પોતીકી નિસ્બત છે. કેળ, કદંબ, પારિજાત, બોરસલી, કેવડો, ગુલછડી તેમના મનમાંથી ખસતા નથી. આ ગુલમહોર અને રાતરાણી એક પ્રતીક છે, કેવળ ફૂલોના નામ નહીં પણ પોતાની સુગંધી દુનિયાનું જે હવે ખોવાઈ ગઈ છે.

અન્ય એક કાવ્યમાં છોડ અને માળીના રૂપક વડે પોતાનું અને ભારતીય ઋતુગત પ્રકૃતિનું ગાઢ સ્મરણ ઉજાગર થાય છે:
“મારા અને તારા
અસ્તિત્વની ઓળખાણ
હતી તો ટૂંકી
પણ ચિર સ્મરણીય –
એક વાર જીવાડી દીધેલો છોડ
માળીને ક્યારેય ભૂલી શકતો નથી
ઘેઘુર વૃક્ષ બન્યા પછીય –
…માળીને ય કંઈ યાદ હશે ખરું?”

આવું જ એક બીજું કાવ્ય છે :
“ધરતીમાં
ઊંડા ફેલાયેલાં મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડાટ હસશે
એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?
મને મુંબઈ યાદ આવે છે.”

ગુજરાતી સાહિત્યમાં ‘તડકા’ પર જ કેટલાં કાવ્યો લખાયા છે. પન્ના નાયકે પણ તડકાના વિભિન્ન રૂપો નિરૂપ્યા છે. અલબત્ત વિદેશની ભૂમિ પરથી પોતાના દેશના તડકાના જે સ્મરણ–સ્નેપ ઝિલાયા છે તેમાં એક નિબંધકાર પન્ના નાયકનો સંસ્પર્શ ચોક્કસ અનુભવાય.વરસાદના દિવસોમાં સ્વજનોને તડકો મોકલવાની વિનંતી/ તડકાની ચાલ/ બારી વાટેટેબલ પર મૂકેલી ચા પીવા આવતો તડકો/તડકાની બે પાંખ પહેરીને આભમાં ઉડતું પંખી/ વરસાદના ફોરાંમાં નહાતો તડકો/તડકે બેસી પીઠ શેકતી ભીંત/ પંખી થઈને બોલતો તડકો/ઝાડની ડાળ નીચે સૂતેલો તડકો/ચાંદનીના ગીત ગાતો તડકો/ગીતના ઉપાડ જેવો કોઈ તડકો.. કેટલાં રૂપો! કવયિત્રી માટી, ફૂલો કે સુગંધને જ નહીં તડકાને પણ યાદ કરે છે.

કવયિત્રીને મન ‘પ્રકૃતિ’ નો સંદર્ભ અત્યંત વ્યાપક અનુભવાય છે.કેવળ માટી, પુષ્પો કે વૃક્ષો જ નહીં, ગાય પણ છે. અહીં ધણમાંથી જાણે કોઈ ગાય છૂટી પડી જાય અને નિજ ધણને વલખે એમ પોતાના વિખૂટાં પડી ગયાની પીડા સમાંતરે મૂકી આપે છે. ગોધૂલિ ટાણે છૂટી પડી ગયેલી એક ગાય શહેરના ટ્રાફિક જામ વચ્ચે અટવાઈ રઘવાઈ ક્યાં પહોચે  છે?
‘એક ગાય’ કાવ્યમાં લખે છે :
“સ્કાય સ્ક્રેપરની શોભા વધારવા
કાચના મોટા બારણા પાસે
આકર્ષક કુંડામાં
રંગેલા કુંડાની માટીમાં
ઊભા કરાયેલા
પ્લાસ્ટીકના મોટા ઝાડ નીચે
બેસી પડી
જોયેલા દૃશ્યોને વાગોળતી
કશુંક સંભારે
ને
…ભાંભરે..”

ત્રણ ક્રિયા વિશેષણનો વિનિયોગ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપવામાં સમર્થ નીવડે છે –‘વાગોળવું’, ‘સંભારવું’ અને‘ભાંભરવું..’ કેટકેટલાં સ્મરણ એક સાથે અને એ સ્મરણોમાં કશુંક એવું ને અંતે એક અવાજ સ્મરણનો…

પન્ના નાયકનાં કાવ્યોમાં આત્મશોધ, વિષાદ, સાંનિધ્યની ઝંખના, ઘર તથા ઝુરાપો, પ્રકૃતિ વિચ્છેદનીવ્યથા, અપૂર્ણતાનું નૈરાષ્ય છે. સમયના ટુકડાઓમાં જે કંઈ અનુભવ્યું તે અનુભૂતિના ટુકડા મઢ્યા કાવ્યો છે. કવયિત્રી પન્ના નાયકની કવિતાઓ એક રીતે તેમની આત્મકથાની અનુભૂતિ કરાવે છે પણ જગતની કોઇપણ આત્મકથા ક્યાં કદી પૂરી થઇ શકે છે? અપૂર્ણતા એ જ તેની ઓળખ !
કદાચ એટલે જ પન્ના નાયકે લખ્યું હશે –

“મારી કવિતામાં
પન્નાને શોધતાં
હે વાચકો !
ઘૂઘવાટા કરતા એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાછવાયા મોજાં જેવી
માત્ર ટાચણ પોથી
જીવનની બધીવાત
કવિતા
નથી કહી શકતી”

બેશક, માટીથી દૂર હોવાની વ્યથા માટે, સંવેદના માટે કાવ્યોનું આ ફલક પણ ઓછું જ પડવાનું !

************

 

આપનો પ્રતિભાવ આપો..