ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ એ તરફ ઢોળાવ ~ રીનલ પટેલ (વડોદરા)

કોઈ આડેધડ ને અનરાધાર બોલે
કોઈ વિગતવાર, નક્શીદાર બોલે
*
એ તરફની દોર કાપી એ કશે ચાલ્યા ગયા
આ તરફની દોર ઝાલી રાખશો, પણ ક્યાં લગી?
*
સુવાસ જેમ ફૂલની ભળી જશે પવન મહીં
મૂકી જવું છે મોજથી અહીંથી લીધેલું અહીં
*
દોસ્ત, નહીં ફાવે આ નગર
હું તો પંખી છું, ક્યાં રહું?
*
એ તબિયત જોઈ ગ્યા એનાં પછી
સો ઉપર છે તાવ, એ શું કામનું!
*
એ પણ આવી’તી નામ અને ઠામ વગરની
આજે ભૂલકાં એ ચહેરાને તાઈ કહે છે
*
કોઈક ઘર સળગાવતી તો કોઈક ઘર દીપાવતી
એક બાકસમાં રહે તોપણ સ્વભાવે છે અલગ
*
એ રીતે જો જોઈએ તો હુંય ક્યાં નિર્દોષ છું?
મેંય મારું કેટલીયે વાર મન માર્યું હશે
*
કોઈ બસ ચાહ્યા કરે, ચાહ્યા કરે, ચાહ્યા કરે
કોઈ એ સમજે છતાંયે ચાહ સ્વીકારે નહીં
*
બસ, અહીંથી એ જાય તો સારું
ભીડ મનમાં ન થાય તો સારું
*
પ્રેમ, રક્ષા, હૂંફ, સૌ સ્વીકાર્ય છે મુજને
બસ, નથી સ્વીકાર્ય તો અધિકાર પર પહેરો
*
ફેંકી પથ્થર ઉદાસ જળમાં
કોણ આ કરતું ચાસ જળમાં?
*
કદી આવેશમાં બોલ્યા નથી સામે
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે
*
લો, અમે પણ આખરે શીખી ગયાં
કઈ જગા મોં ખોલવાનું હોય છે
*
ઊંચે શીકે તેં જે મૂક્યું છેને, મા
એ સ્વપ્નને ઉતારવું જોઈએ
*
છત, રેલ, પંખો, ઝેર, દોરી, બ્લેડનો વિચાર?
ચોડ્યો તમાચો એમ કહીં મેં જોરથી મને
*
ચા લઈને જાતા રઘલાની આખ રમકડે અટકી ગઈ
તન ઠેકાણે પહોંચ્યું, મન શૈશવમાં આંટા મારે છે
*
કોણ કેવું છે અહીં, પરખાય ના પરિધાનથી
સાધુ થઈ રાવણ ફરે, ને સૂટધારી સંત હોય
*
જોયું હતું પાછા જતાં પાછું વળી એણેય, યાર
એકાદ ક્ષણના ફર્ક માટે વારતા તું ના બદલ
*
એમને લાગ્યું હતું માઠું અમારી વાતથી
વાત ત્યાંની ત્યાં સુધારી, ને પછી ચર્ચા કરી
*
આમ એક્કે વાતમાં સ્પષ્ટીકરણ માગે નહીં
આમ નાની વાતમાં અર્થાત્ પર આવી ગયા
*
છેલ્લી હરોળે છે ભલે તોપણ ‘રીનલ’
વટભેર સ્વાભિમાનમાં બેઠેલ છે

~ રીનલ પટેલ
~ ગઝલસંગ્રહઃ એ તરફ ઢોળાવ
~ પ્રથમ આવૃત્તિઃ ઑક્ટોબર-2023
~ પ્રકાશકઃ ગૌતમ પબ્લિકેશન, સુરત
~ ફોનઃ 99742 33348

આપનો પ્રતિભાવ આપો..